વાત સાંભળવાની આ નાની ટેવ નાણાકીય નુકસાન થતું અટકાવી શકે છે

30 August, 2026 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોઈની વાત માત્ર સાંભળવી પૂરતી નથી, એને સમજીને જરૂરી સવાલો પૂછવા અને ત્યાર બાદ નિર્ણય લેવો જરૂરી છે. ટ્રેમ્પોલિન લીસનિંગની આ રીત વ્યવસાયમાં ખોટા નિર્ણયો અને નાણાકીય નુકસાનથી બચાવવામાં મદદરૂપ બની શકે છે.

પ્રતીકાત્મક તસવીર

થોડા સમય પહેલાં આપણા ‘મિડ-ડે’માં ‘ટ્રેમ્પોલિન લીસનિંગ’ વિશે એક રસપ્રદ વાત વાંચી હતી. ટ્રેમ્પોલિન પર બૉલ પડે અને પાછો ઊછળે એમ કોઈની વાત કાને પડ્યા પછી એને એક વાર મનમાં પાછી ઉછાળવાની! એટલે કે સામેની વ્યક્તિએ શું કહ્યું એ પહેલાં સમજી લેવું, પછી આવશ્યક સવાલો પૂછીને સ્પષ્ટતા કરી લેવી અને ત્યાર બાદ નિર્ણય લેવો. આ લખાણના આધારે કહી શકાય કે વાત કાને પડવી અને કાને ધરવી એ બન્નેમાં ફરક છે. 
ચાલો, મીરાનું ઉદાહરણ લઈએ. મીરા ગણપતિની ઇકો-ફ્રેન્ડ્લી સજાવટ કરી આપવાનો વ્યવસાય ઘરેથી ચલાવે છે. એક દિવસ એક ગ્રાહક તેને કહે છે, ‘મારે ૮૦૦૦ રૂપિયામાં સજાવટ કરાવવી છે, પણ પૈસા ગણેશોત્સવ પૂરો થયા પછી આપીશ.’ મીરા જો માત્ર ‘મારે ૮૦૦૦ રૂપિયામાં સજાવટ કરાવવી છે’ એટલું સાંભળીને ફૂલો, કપડાં અને લાઇટ્સ ખરીદવા લાગે તો?
અહીં ટ્રેમ્પોલિન લીસનિંગ કામ આવે. મીરા ગ્રાહક સાથેની વાતચીત વિશે શાંતિથી વિચાર કરશે તો તેને જણાશે કે પેમેન્ટ ઉત્સવ પછી મળવાનું છે. વળી એ ચોક્કસ કઈ તારીખે મળશે એની પણ ચોખવટ નથી. ધારો કે ગ્રાહક ૩૦ દિવસ પછી પેમેન્ટ આપવાની વાત કરે તો મીરાએ વિચારવું પડે કે પેમેન્ટ મળે ત્યાં સુધી તેને પૈસાની કોઈ ખેંચ પડવાની શક્યતા છે કે કેમ? આ વાત ભલે નાની લાગતી હોય, પણ આવા સવાલો આખા વ્યવસાયની નાણાકીય સ્થિતિને અસર કરી શકે છે. એટલે ઑર્ડર લેતાં પહેલાં પાંચ બાબતો ખાસ જાણી લેવી : વેચાણકિંમત કેટલી હશે, ઍડ્વાન્સ કેટલું મળવાનું છે, માલ પાછળ કેટલો ખર્ચ થશે, ડિલિવરી ક્યારે કરવાની છે અને પૈસા ક્યારે મળવાના છે?
સ્ટૉક ખરીદતાં પહેલાં પણ પૂછવું, ‘આમાંથી કેટલો માલ ખરેખર વેચાશે?’ ઉધાર આપો ત્યારે પેમેન્ટની તારીખ નક્કી કરો. ગ્રાહક ડિસ્કાઉન્ટ માગે ત્યારે માત્ર ‘દસ ટકા’ સાંભળીને ખુશ કે દુઃખી ન થાઓ. ગણતરી કરો અને જુઓ કે તમને કોઈ નુકસાન તો નથી થવાનુંને?
મીરા એક સરળ નિયમ રાખી શકે : કસ્ટમાઇઝ્ડ ઑર્ડર માટે ઍડ્વાન્સ લેવું, કન્ફર્મ ઑર્ડર વિના કાચા માલની કે આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરવી નહીં અને પેમેન્ટની તારીખ વિશે લેખિત ખાતરી મળ્યા વગર ઉધાર આપવું નહીં. રોજની નાની નોંધ રાખવી કે કેટલા પૈસા આવ્યા, કેટલા ગયા અને કેટલા મળવાના બાકી છે. ઉપરાંત, દિવસ પૂરો થાય ત્યારે પોતાને એક સવાલ પૂછવો : ‘આજે મારું વેચાણ વધ્યું કે માત્ર મારું કામ વધ્યું?’
બસ, આ જ છે ટ્રેમ્પોલિન લીસનિંગ. આપણે કોઈએ કહેલી વાત વિશે શંકા કરવાનું નથી કહેતા. આપણે તો એમ જ કહીએ છીએ કે વાતને સાંભળી લીધા બાદ બરોબર સમજી લેવી, કોઈ સવાલ હોય તો એ પૂછીને ખાતરી કરી લેવી અને ચોકસાઈ કરી લીધા બાદ પોતાને લાગુ પડતી નાણાકીય ગણતરી કરી લેવી અને એ બધું થઈ ગયા પછી જ નિર્ણયો લેવા.

columnists business news exclusive mumbai gujarati mid day