13 November, 2026 02:35 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે ફ્રિજ ઘરની એક એવી જગ્યા છે જેના દરવાજા પર ઘરના દરેક સભ્યની નજર દિવસમાં કેટલીયે વાર પડે છે. બધાની પાસે જ્યારે મોબાઇલ નહોતા ત્યારે કામમાં વ્યસ્ત રહેતા લોકો ફ્રિજ પર નાની ચિઠ્ઠીઓ (સ્ટિકી નોટ્સ) લખીને પતિ, દીકરા, દીકરી કે પત્ની માટે મેસેજ મૂકી જતા. આજેય ઘણા પરિવારોમાં ફ્રિજ પર કંઈક સરસ ડેકોરેશન કરવાની અથવા તો બાળકના મેડલ કે કોઈ અચીવમેન્ટની વસ્તુઓ લટકાવી રાખવાની ટેવ હોય છે. પશ્ચિમના દેશોના સાઇકોલૉજિસ્ટ્સ માને છે કે આ નાનકડી ટેવ કે વાતચીત કરવાની રીતથી પણ મન પર બહુ પૉઝિટિવ અસર પડે છે. આ પૉઝિટિવ અસર કઈ રીતે કામ કરે છે એ એક્સપર્ટ પાસેથી જાણીએ. જો તમે પોતે કે તમારાં બાળકો માટે આનો ફાયદો લેવા માગતા હો તો ફ્રિજનો એક પૉઝિટિવ કમ્યુનિકેશન બોર્ડ તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકો એ પણ જાણીએ.
બાળકો માટે ફ્રિજ ગોલ-બોર્ડ
ધારો કે તમારા બાળકે કોઈ કૉમ્પિટિશનમાં મેડલ જીત્યો છે અથવા પોતાની રીતે એક સરસ પેઇન્ટિંગ બનાવ્યું છે. સામાન્ય રીતે આપણે એ ખુશી-ખુશી ફ્રિજ પર લગાવી દઈએ છીએ. થોડા દિવસ સુધી ઘરમાં આવનાર દરેક વ્યક્તિની નજર એના પર પડે છે અને બાળક પણ જ્યારે-જ્યારે ફ્રિજ ખોલે ત્યારે પોતાની એ અચીવમેન્ટ જુએ છે. દેખાવમાં આ એક નાનકડી વાત લાગે, પણ બાળક માટે એ ‘તારી મહેનત અમને દેખાય છે’ એવો મોટો મેસેજ બની જાય છે.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે બાળકના અચીવમેન્ટની નોંધ લેવી, તેનાં વખાણ કરવા અને તેની પ્રાપ્તિઓની નોંધ લેવાથી બાળકને પૉઝિટિવ ઊર્જા મળે છે એમ જણાવીને સાઇકોલૉજિસ્ટ સોની શાહ કહે છે, ‘બાળક કંઈક નવું મેળવે ત્યારે સૌથી પહેલાં તે પોતાના પેરન્ટ્સ સાથે એ ખુશી શૅર કરવા માગે છે. પેરન્ટ્સ જ્યારે તેની આ જીતને માત્ર જોઈને મૂકી દેવાને બદલે એને ઇમ્પોર્ટન્સ આપે છે અને ઘરમાં બધાને દેખાય એમ લગાવે છે ત્યારે બાળકને થાય છે કે તેની મહેનતની કદર થઈ રહી છે.’
ફ્રિજ પર મૂકેલો મેડલ કે પેઇન્ટિંગ માત્ર એક શો-પીસ નથી રહેતાં, એ બાળકને સતત યાદ અપાવતાં રહે છે કે મેં આ કરી બતાવ્યું છે અને મારી મહેનતની મારી ફૅમિલીને કદર છે. આ રીતનું મોટિવેશન બાળકના મનમાં પોતાના માટે ભરોસો ઊભો કરે છે અને આગળ પણ કંઈક નવું કરવાનો તેનો ઉત્સાહ વધારે છે.
ફ્રિજ છે બેસ્ટ રિમાઇન્ડર
તમે પોતાના માટે પણ ફ્રિજનો ઉપયોગ એક નાનકડા વિઝ્યુઅલ રિમાઇન્ડર (નજર સામે રહેતી યાદી) તરીકે કરી શકો છો, જેમ કે આ અઠવાડિયાનો કોઈ ગોલ, રોજની સારી આદતોનું લિસ્ટ, કરવાનાં જરૂરી કામો અથવા અઠવાડિયામાં બનેલી કોઈ સારી વાત. ફ્રિજ એવી જગ્યા છે જેના પર દિવસમાં કેટલીયે વાર નજર પડે છે એટલે આ નાની-નાની નોટ્સ વારંવાર તમારી સામે આવતી રહે છે.
આપણે જ્યારે કોઈ વસ્તુ ફ્રિજ પર લગાવીએ છીએ ત્યારે એ આપણા મનમાં ચાલી રહેલી વાતોનું એક ચિત્ર બની જાય છે એમ જણાવીને સાઇકોલૉજિસ્ટ સોની શાહ કહે છે, ‘જેમ કે કરવાનાં કામોનું લિસ્ટ કે અઠવાડિયાનો ગોલ. એવી જ રીતે અઠવાડિયામાં જે કંઈ સારું બન્યું હોય એ લખવાથી આપણને ખુશી મળે છે અને આપણું ધ્યાન પૉઝિટિવ વસ્તુઓ પર રહે છે.’
આને રોજિંદા જીવન સાથે જોડીને જોઈએ તો ફ્રિજ પર ‘આ અઠવાડિયે રોજ ૨૦ મિનિટ ચાલવું છે’, ‘પૂરતું પાણી પીવું છે’ અથવા ‘આજે આ એક અટકેલું કામ પૂરું કરવું છે’ જેવી નાની ચિઠ્ઠીઓ મૂકી શકાય. બીજી તરફ ‘આ અઠવાડિયે મને સૌથી વધુ શું ગમ્યું?’ કે ‘આ અઠવાડિયાની એક સારી વાત’ એવું પણ લખીને લગાવી શકાય. આ રીતે ફ્રિજ પર માત્ર શું કરવાનું બાકી છે એનું જ લિસ્ટ નહીં, શું સારું થયું છે એ લખવાની પણ જગ્યા બનશે.
સારી બાબતો તરફ ધ્યાન ખેંચો
ખાસ કરીને આપણે આખો દિવસ કયાં કામ બાકી છે, શેની ચિંતા છે કે શું ખોટું થયું એના પર જ ધ્યાન આપતા હોઈએ છીએ. એની વચ્ચે સારી ઘટનાઓને પણ નજર સામે લાવવાની આ એક સરસ આદત બની શકે છે. એટલે ફ્રિજ અહીં માત્ર ટેન્શન કે કામોનું લિસ્ટ મૂકવાની જગ્યા જ નથી; તમારા ગોલ, સારી આદતો અને દિવસની પૉઝિટિવ વાતોને નજર સામે રાખવાની એક મસ્ત જગ્યા બની શકે છે.
કપલ્સ માટે પણ બની શકે છે ‘લવ બોર્ડ’
ધારો કે બન્ને જણ પોતાની નોકરી, ઘર અને બીજી જવાબદારીઓમાં બહુ બિઝી હોય; આખો દિવસ એકબીજા સાથે લાંબી વાત કરવાનો ટાઇમ ન મળે એવા સમયે ફ્રિજ પર લખેલી બે લાઇનની ચિઠ્ઠી પણ એકબીજા સાથે જોડાવાનું એક નાનું કનેક્શન પૉઇન્ટ બની શકે છે.
‘આજે તારા માટે લંચ-બૉક્સ પૅક કર્યું છે’, ‘ઑલ ધ બેસ્ટ ફૉર યૉર મીટિંગ’, ‘આજે ડિનર હું બનાવીશ’, ‘મદદ કરવા માટે થૅન્ક યુ’ કે પછી માત્ર એક સ્માઇલી ફેસ દોરીને ‘લવ યુ’ લખેલી નાની નોટ પણ અહીં મૂકી શકાય. આવી ચિઠ્ઠીઓનો હેતુ કોઈ બહુ મોટી રોમૅન્ટિક સરપ્રાઇઝ આપવાનો નથી હોતો. ઘણી વાર સંબંધોમાં મોટી-મોટી વસ્તુઓ કરવા કરતાં આવાં નાનાં-નાનાં જેસ્ચર્સ વધુ મહત્ત્વનાં હોય છે.
આ નાની વાતો પણ બહુ મોટી અસર કરે છે એમ જણાવીને સાઇકોલૉજિસ્ટ સોની શાહ કહે છે, ‘કપલ્સ જ્યારે એકબીજા માટે આવી નાની અને સ્વીટ નોટ્સ મૂકે છે ત્યારે એમાં એકબીજા માટેની મહેનત અને કદર દેખાય છે. ખાસ કરીને રોજની ભાગદોડવાળી લાઇફમાં આવી નાની નોટ્સ એવો મેસેજ આપે છે કે હું તારો વિચાર કરું છું અને તું હજી પણ મારા માટે ખાસ વ્યક્તિ છે.’
આ રીતે ફ્રિજનું આ બોર્ડ માત્ર કામની વાતો શૅર કરવા માટે નહીં પણ એકબીજા પ્રત્યે પ્રેમ, સંભાળ અને કનેક્શન બતાવવાની એક સિમ્પલ જગ્યા બની શકે છે. જોકે એનો અર્થ એવો નથી કે દરેક કપલે રોજ નોટ લખવી જ પડે. મુદ્દો કોઈ નિયમ બનાવવાનો નથી પણ ભાગદોડ વચ્ચે એકબીજાને એ યાદ અપાવવાનો છે કે આ વ્યસ્ત જિંદગીમાં આપણો સંબંધ ભુલાયો નથી.
જોજો ફ્રિજ ફક્ત શો-પીસબનીને ન રહી જાય
અહીં એક મસ્ત સવાલ એ થાય કે ફ્રિજ પર ફોટો, મેડલ કે ચિઠ્ઠી લગાવવાની આ આદત ખરેખર મન પર પૉઝિટિવ અસર ક્યારે કરે? એવું તો શું થાય કે એ માત્ર એક શો-પીસ કે ડેકોરેશન બનીને રહી જાય? આ મૂંઝવણ દૂર કરતાં સાઇકોલૉજિસ્ટ સોની શાહ બહુ સરસ વાત સમજાવે છે, ‘આપણે સામાન્ય રીતે ફ્રિજ પર જે ફોટો લગાવીએ છીએ એ ખુશીની પળોના હોય છે. એટલે જ્યારે પણ એ ફોટો આપણી સામે આવે છે ત્યારે આપણે એ સરસ સમય અને યાદોમાં ખોવાઈ જઈએ છીએ જે આપણો મૂડ સારો કરી દે છે. એટલે ફ્રિજ પર મૂકેલો ફોટો માત્ર ઘર સજાવવાની વસ્તુ નથી. જો એ ફોટો કોઈ ફૅમિલી ટ્રિપ, પરિવાર સાથેની મસ્તીનો કે કોઈ ખાસ પ્રસંગનો હોય તો એ જોતાં જ એ પળ આપણી સામે જીવંત થઈ જાય છે. જોકે સમય જતાં આ બધી વસ્તુઓ એટલી સામાન્ય બની જાય છે કે આપણે એના પર ધ્યાન આપવાનું જ બંધ કરી દઈએ છીએ અને ત્યારે એ માત્ર ડેકોરેશન બનીને રહી જાય છે. એટલે વસ્તુ શું લગાવી છે એના કરતાં એ આપણા માટે કેટલી ખાસ છે એ વધારે મહત્ત્વનું છે.’
આ જ નિયમ કપલ્સના સંબંધોને પણ લાગુ પડે છે એ વિશે સોની શાહ કહે છે, ‘ક્યારેક જ્યારે મોઢેથી વાત કરવી મુશ્કેલ હોય ત્યારે લખીને પોતાની ફીલિંગ્સ બતાવવી કપલ્સને એકબીજાની નજીક લાવવામાં મદદ કરે છે. એ નાની એવી ‘આઇ ઍમ સૉરી’ની નોટ હોય કે ‘આઇ લવ યુ’, શબ્દોમાં બહુ તાકાત હોય છે. હા, જ્યારે એ શબ્દો વર્તનમાં દેખાય ત્યારે જ એની અસલી અસર થાય છે. એટલે કે માત્ર ફ્રિજ પર ‘આઇ લવ યુ’ લખી દેવાથી સંબંધોમાં કોઈ મોટો જાદુ નહીં થઈ જાય, પણ જો એ ચિઠ્ઠીની સાથે ખરેખર કોઈ નાની સંભાળ જોડાયેલી હોય - જેમ કે થાકેલા પાર્ટનર માટે ચા બનાવી દેવી, ઘરના કામમાં હેલ્પ કરવી કે માફી માગ્યા પછી પોતાની ભૂલ સુધારવી - તો એ લખેલા શબ્દો સાચા સાબિત થાય છે.’
ટૂંકમાં કહીએ તો ફ્રિજ કે ઘરની કોઈ એવી જગ્યા જ્યાં બધાની નજર પડતી હોય ત્યાં મૂકેલી વસ્તુનો સાચો અર્થ એ છે કે એ આપણને શું યાદ અપાવે છે, આપણને કેવી ફીલિંગ આપે છે અને આપણે એ લાગણીને રોજિંદા જીવનમાં કેવી રીતે જીવીએ છીએ. માત્ર મેડલ, ફોટો કે ચિઠ્ઠી લગાવી દેવી એ તો ખાલી શરૂઆત છે; એની પાછળ રહેલો પ્રેમ, આદર અને આપણું વર્તન જ એને સાચો અર્થ આપે છે.
ડિસ્પ્લેમાં દર મહિને બદલાવ કરો
જ્યારે કોઈ એક જગ્યાને આપણે કમ્યુનિકેશન માટેનું માધ્યમ બનાવતા હોઈએ છીએ ત્યારે એ જગ્યા જીવંત રહે એ પણ જોવું જરૂરી છે. હાથેથી લખેલી ચિઠ્ઠીઓ હોય કે ગોલ અચીવ કરવા માટેનું રિમાઇન્ડર, એ કચરાના ઢેરની જેમ એકની ઉપર એક ચીપકાવી રાખવામાં આવે એવું ન કરવું. કમ્યુનિકેશન પૂરું થાય એટલે બિનજરૂરી ચિઠ્ઠીઓ ફ્રિજના ડોર પરથી હટાવીને એને નીટ એન્ડ ક્લીન રાખવું પણ એટલું જ જરૂરી છે.
બીજી મહત્ત્વની વાત એ કે આ જગ્યાએ લગાવેલા મોટિવેશનલ પ્રૉપ્સ દર મહિને બદલાવા જોઈએ. દીકરા કે દીકરીની અચીવમેન્ટનો મેડલ કે ફોટો દર મહિને કે બે મહિને બદલવાનું જરૂરી છે. આ ડિસ્પ્લે સંતાનને નવી-નવી ચીજો અચીવ કરવા માટેનું પ્રોત્સાહક બનવું જોઈએ, માત્ર જૂની પ્રાપ્તિઓને જોઈને હરખાયા કરવાનું માધ્યમ નહીં. દર મહિને કે બે મહિને આ બોર્ડ પર નવાં ડિસ્પ્લે લગાવવાનો શિરસ્તો પણ એટલો જ જરૂરી છે. તમે જે ગોલ્સના રિમાઇન્ડર્સ મૂકો એ પણ સ્મોલ અને શૉર્ટ-ટર્મ ગોલ્સના જ રાખો. દર મહિને-બે મહિને એમાં બદલાવ કરો અને એ બદલાવ માટે ઘરના દરેક સભ્યની ઇન્વૉલ્વમેન્ટ હોય એ સુનિશ્ચિત કરો.