અમેરિકામાં રહેવાનો સમય લંબાવવા માટે પૂર્વનિયોજિત ખોટાં કારણ આપશો તો ફસાશો

23 July, 2024 07:15 AM IST  |  Mumbai | Sudhir Shah

આ અરજી તમારો ‘પૂર્વનિયોજિત’ ઇરાદો દર્શાવી આપે છે એથી અમે તમારી ‘એક્સટેન્શન ઑફ ટાઇમ’ની અરજી નામંજૂર કરીએ છીએ

પ્રતીકાત્મક તસવીર

હિંમતભાઈને એવું જાણવા મળ્યું હતું કે B1/B2 વીઝા પર એક પરદેશીને અમેરિકામાં પ્રવેશતાં કૉન્સ્યુલર ઑફિસરો સામાન્ય રીતે રહેવા માટે ૬ મહિનાનો સમય આપે છે. પરદેશી અરજી કરીને એ સમય લંબાવી શકે છે અને એક વર્ષ સુધી અમેરિકામાં રહી શકે છે.

કામધંધા વગરના, નવરા બેઠેલા, પચાસની ઉંમર ધરાવતા હિંમતભાઈએ વિચાર્યું કે જો તેઓ અમેરિકામાં એક વર્ષ રહી શકે તો કોઈ મોટેલમાં કામ કરીને પૈસા કમાઈ શકે. તેમના સારા નસીબે તેમને અરજી કરતાં જ B1/B2 વીઝા આપી દેવામાં આવ્યા એટલું જ નહીં, અમેરિકામાં પ્રવેશતાં કૉન્સ્યુલર ઑફિસરે પણ તેમને રહેવા માટે ૬ મહિનાનો સમય આપી દીધો.

ભારતમાંથી હિંમતભાઈ જ્યારે અમેરિકા જવા રવાના થયા ત્યારે તેમણે તેમનો અમેરિકામાં રહેવાનો સમય લંબાવવા માટેનું ફૉર્મ ભરાવી લીધું હતું. ખોટાં-ખોટાં કારણ પણ એમાં દર્શાવી દીધાં હતાં, કારણ કે તેમને અંગ્રેજી આવડતું નહોતું અને આવાં ફૉર્મ ભરવા માટે અમેરિકન ઍટર્નીઓ ૫૦૦-૧૦૦૦ ડૉલરની ફી લે એ તેમને પોસાય એમ નહોતું.

અમેરિકામાં રહેવા માટે ૬ મહિનાનો સમય મળ્યો એટલે હિંમતભાઈ ખુશ થઈ ગયા. એ ખુશીમાં ને ખુશીમાં તેમણે તરત જ સાથે લઈ ગયેલા એ ત્યાં રહેવાનો સમય લંબાવવાની અરજી ઇમિગ્રેશન ખાતાને મોકલી આપી.

‘તમે અમેરિકામાં બે દિવસ પહેલાં જ પ્રવેશ્યા છો. તમને ૬ મહિના રહેવાનો સમય આપવામાં આવ્યો છે છતાં તમે એ સમય લંબાવવાની અને એક વર્ષ સુધી અમેરિકામાં રહેવા દેવાની અરજી કરી છે. આ અરજી તમારો ‘પૂર્વનિયોજિત’ ઇરાદો દર્શાવી આપે છે એથી અમે તમારી ‘એક્સટેન્શન ઑફ ટાઇમ’ની અરજી નામંજૂર કરીએ છીએ. તમારી અરજીમાં ખોટાં કારણ છે એટલે જુઠ્ઠું બોલવા માટે, ફ્રૉડના ગુના હેઠળ મિસરિપ્રેઝન્ટેશન કરવા બદલ તમારા ૧૦ વર્ષના મલ્ટિએન્ટ્રી B1/B2 વીઝા રદ કરવામાં આવે છે. તમને અમેરિકામાં રહેવા માટે જે ૬ મહિનાનો સમય આપવામાં આવ્યો છે એ પણ રદ કરવામાં આવે છે. આ કાગળ મળ્યેથી અઠવાડિયાની અંદર અમેરિકા છોડીને તમારા દેશમાં ચાલી જજો, નહીંતર તમને અરેસ્ટ કરીને ડિપોર્ટ કરવામાં આવશે. હિંમતભાઈને જવાબમાં નોટિસ મળી.

અમેરિકાના ઇમિગ્રેશનના કાયદામાં ત્યાં રહેવા માટે જેટલો સમય આપ્યો હોય એ જરૂર પડતાં અરજી કરીને તમે લંબાવી શકો છો, પણ જો ખોટાં કારણ આપ્યાં હશે અને પહેલેથી જ એવું નક્કી કર્યું હશે કે અરજી કરીને તમારો સમય લંબાવશો તો તમારી અરજી નકારવામાં આવશે અને કદાચ તમારા વીઝા પણ કૅન્સલ કરવામાં આવશે.

united states of america india columnists