હવે ભારતને ધનવાન બનાવશે કાળું સોનું

22 June, 2025 04:10 PM IST  |  Mumbai | Aashutosh Desai

એના એક્સપોર્ટ થકી ધનવાન પણ બનાવી શકે એમ છે. આ ખજાનો ક્યાં છે, કેવી હાલતમાં છે અને ભારતનું ધનવાન બનવાનું સપનું ક્યાં સુધીમાં સાકાર થઈ શકે એમ છે એ જાણીએ

કાળું સોનું

વિશ્વમાં ક્રૂડ ઑઇલનો મોટો જથ્થો ધરાવતા દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ છે અને એના ભાવ આસમાનને આંબે એવું લાગી રહ્યું છે ત્યારે ભારતને એક એવો છૂપો ખજાનો હાથ લાગ્યો છે જે ભારતને ક્રૂડ ઑઇલના મામલે માત્ર આત્મનિર્ભર જ બનાવશે એવું નથી, પરંતુ એના એક્સપોર્ટ થકી ધનવાન પણ બનાવી શકે એમ છે. આ ખજાનો ક્યાં છે, કેવી હાલતમાં છે અને ભારતનું ધનવાન બનવાનું સપનું ક્યાં સુધીમાં સાકાર થઈ શકે એમ છે એ જાણીએ

દેશના આભૂષણ સમાન ટાપુઓની હારમાળા એટલે ભારતના દક્ષિણી છેવાડે આવેલા આંદામાન અને નિકોબારના ટાપુઓ. થોડા સમય પહેલાં જ ભારતને આ આભૂષણો પાસેથી એક અમૂલ્ય ખજાનો મળ્યો હોવાની જાણ થઈ અને ગયા અઠવાડિયે કેન્દ્રીય પેટ્રોલિયમપ્રધાને સત્તાવાર ધોરણે કહ્યું કે આંદામાનમાં બે લાખ કરોડ લીટર જેટલો અધધધ તેલ ભંડાર મળ્યો છે. કોઈ અંદાજ લગાવી શકો કે આ ભંડાર ભારતને કેટલી મોટી ક્ષમતામાં આત્મનિર્ભર બનાવી શકશે અને દેશના GDPમાં એ કઈ રીતે ભાગ ભજવશે? ૨૦ ટ્રિલ્યન ડૉલર! આનંદાશ્ચર્યથી આંખો પહોળી થઈ જાય એવી આ બાબત વિશે થોડું વિગતે જાણીએ તો મજા પડશે.

ONGC દ્વારા આંદામાનમાં ઑલરેડી કૂવા ખોદવાનું અને સર્ચ વર્ક શરૂ થઈ ચૂક્યું છે. 

તો વાત કંઈક એવી છે કે ભારતને આંદામાનના સમુદ્રમાં લગભગ બે લાખ કરોડ લીટર જેટલો ક્રૂડ ઑઇલનો ભંડાર મળ્યો છે. જો આ અંદાજ અને જથ્થો સટિક નીકળ્યો તો ભારત આ ઑઇલ બેસિનથી રોજનાં લગભગ ૨.૫ લાખ બૅરલ જેટલું ક્રૂડ ઑઇલ મેળવી શકશે. જોકે આ હજી માત્ર એક અંદાજ છે અને એનું ડ્રિલિંગ શરૂ થશે અને એ તેલ બહાર કાઢવામાં આવશે ત્યારે જ સટિક આંકડો જાણી શકાશે. જોકે પહેલા અભ્યાસ પ્રમાણે બહાર આવેલા અંદાજ તો કહી રહ્યા છે કે બે લાખ કરોડ લીટર જેટલો આ તેલ ભંડાર હોઈ શકે. ભારતના પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસપ્રધાન હરદીપસિંહ પુરીએ આ વિશે જણાવતાં કહ્યું હતું કે તેલના આ જથ્થાને કારણે ભારતનો GDP લગભગ પાંચગણો વધી શકે છે. ગયા અઠવાડિયે આવેલા રિપોર્ટ અનુસાર આંદામાનના સમુદ્રમાં આ કાચા તેલ અને ગૅસનો જથ્થો મળ્યો છે અને સરકારે હવે એના એક્સ્પ્લોરેશન માટેની તૈયારીઓ આરંભી દીધી છે. સરકારનું માનવું છે કે આ જથ્થાને કારણે ભારતની એનર્જીની ડિમાન્ડ લગભગ-લગભગ પૂરી થઈ જશે. એક અંદાજ અનુસાર આ જથ્થો હમણાં જ ગુયાનામાં જે ૧૧.૬ બિલ્યન બૅરલ જેટલો જથ્થો મળ્યો હતો એટલો હોઈ શકે છે. જો આ અંદાજ સાચો ઠર્યો તો ભારતનો GDP જે હાલ ૩.૭ ટ્રિલ્યન ડૉલર જેટલો છે એ જોતજોતામાં વધીને ૨૦ ટ્રિલ્યન ડૉલર જેટલો થઈ જશે.

સર્વે અને ડ્રિલિંગનું કામ શરૂ કર્યું

આટલો મોટો ખજાનો હાથ લાગ્યા પછી હાથ પર હાથ ધરીને બેસી રહીને ખુશ થયા કરીએ તો એ મૂર્ખામીથી વિશેષ બીજું કશું નહીં કહેવાય. આથી જ આંદામાન અને નિકોબાર ટાપુના સમૂહો નજીકથી ONGC અને ઑઇલ ઇન્ડિયા જેવી ઑઇલ એક્સ્પ્લોરેશનનું કામ કરતી કંપનીઓએ આ સાઇટ્સના સર્વેનું કામ આરંભી દીધું છે અને સાથે જ તેલ કાઢવાનું કામ હવે ટૂંક સમયમાં જ હાથ ધરાશે એવી સંભાવના છે.    

નાણાકીય વર્ષ ૨૦૨૪ની વાત કરીએ તો ONGCએ કુલ ૫૪૧ તેલના કૂવાઓ ખોદ્યા હતા જેમાં કંપનીને અંદાજે ૩૭,૦૦૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. આ આંકડો વાંચીને આપણને સમજાય છે કે ઑઇલની શોધ માટે ખોદવામાં આવતા કૂવા પાછળ થતો ખર્ચ ઓછો તો નથી જ, પરંતુ પુરુષાર્થ વિના પ્રારબ્ધ નહીં એ ઉક્તિ પ્રમાણે મહેનત કરીએ તો જ ખજાનો હાથ લાગે.

દક્ષિણ અમેરિકાના ગુયાનાની જ વાત કરીએ તો કાચા તેલની શોધ માટે ત્યાં અંદાજે ૪૬ જેટલા કૂવા ખોદવામાં આવ્યા હતા. એ દરેક કૂવો ખોદવાનો ખર્ચ લગભગ ૧૦૦ મિલ્યન ડૉલર જેટલો થયો હતો! આટલી મહેનત અને આટલા ખર્ચ પછી છેક ૪૭મા કૂવામાં તેમને તેલનો ભંડાર મળી આવ્યો. એ જ રીતે ONGCએ પણ છેલ્લાં ૩૭ વર્ષની સરખામણીએ આ વર્ષે (નાણાકીય વર્ષ ૨૦૨૪ દરમ્યાન) સૌથી વધુ ૩૭,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૫૪૧ કૂવાઓ ખોદીને ઑઇલનો ભંડાર શોધવાનો પ્રયત્ન કર્યો. ONGCની સ્થાપનાથી લઈને આજ સુધીનો ઇતિહાસ ચકાસીએ તો આ સર્વે અને ડ્રિલિંગ ટ્રાયલ્સ સૌથી મોટાં છે.

ઑઇલની ઇમ્પોર્ટ નહીંવત્ થઈ જશે

ક્રૂડ એક કૉમોડિટી છે જેનો આધાર આંતરરાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય ભાવ પર નિર્ભર હોય છે. આપણે અનેક વાર જોયું છે કે કોઈ પણ જિયોપૉલિટિકલ કારણોને લીધે કે વાતાવરણમાં થતા બદલાવને કારણે કે એવા કોઈ પણ કારણસર જો ઇન્ટરનૅશનલ માર્કેટમાં ક્રૂડનો ભાવ વધે કે ઘટે તો આપણે ત્યાં પણ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરેના ભાવોને અસર પહોંચતી હોય છે. આ માટેનું મુખ્ય કારણ છે ક્રૂડ બાબતે આપણી પરતંત્રતા. વિશ્વમાં જે દેશો પાસે તેલ નામની આ મિલકતનો મોટો જથ્થો છે અને જે દેશો એનું એક્સ્પ્લોરેશન કરે છે (OPEC - ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ દેશો) એમના પર આપણે આધાર રાખવો પડે છે. આ પરતંત્રતા એટલી મોટી છે કે દેશમાં વપરાતી કુલ પેટ્રોલિયમ પેદાશોનો ૮૫ ટકા જેટલો જથ્થો આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, કારણ કે આપણા દેશમાં પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન જેવી પેટ્રોલિયમ પેદાશોની જેટલી ડિમાન્ડ છે એ પ્રમાણેનો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ નથી. એને કારણે આપણે મહત્તમ હિસ્સો બીજા દેશોમાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ. વર્તમાન પરિસ્થિતિની જ વાત કરીએ તો સૌથી વધુ ઑઇલ ઇમ્પોર્ટ કરનારા દેશોમાં અમેરિકા અને ચીન પછી ભારત વિશ્વનો ત્રીજા ક્રમાંકનો સૌથી મોટો ઇમ્પોર્ટર દેશ છે.

હવે જો આંદામાનમાંથી મળેલો આ જથ્થો ખરેખર જ ધારણા અનુસાર નીકળ્યો તો ભારતની ઑઇલ ઇમ્પોર્ટ મોટા પાયે ઘટી જશે એટલું જ નહીં, ભારત પણ એક ઑઇલ એક્સ્પ્લોરેશન કરનારો દેશ બની જશે. હાલમાં ભારત પાસે ઑઇલ એક્સ્પ્લોરેશન સાઇટ તરીકે જોઈએ તો ક્રૂડ ઑઇલના બે જ મુખ્ય જથ્થા છે. એક છે આસામ અને બીજું છે ગુજરાત. વર્તમાનમાં આ બે રાજ્યોમાંથી ભારતને સૌથી વધુ ક્રૂડ ઑઇલ મળે છે. આ સિવાય પણ ક્રૂડ ઑઇલના બીજા કેટલાક સ્રોત છે જેમાં રાજસ્થાન, મુંબઈ અને કૃષ્ણા-ગોદાવરી બેસિન ગણાવી શકાય. જોકે એથી એવુંય નથી કે ભારતે આજ સુધી આ ક્ષેત્રે કશું કામ જ નથી કર્યું. આપણે કાચા તેલ (ક્રૂડ ઑઇલ)ને રિફાઇન કરવા માટેના પણ મોટા ભંડાર બનાવ્યા જ છે. જેમ કે વિશાખાપટ્ટનમ, મૅન્ગલોર અને પુદુરમાં આપણાં ખૂબ મોટાં રિફાઇનિંગ સેન્ટર્સ છે. આ સિવાય ઓડિશા અને રાજસ્થાનમાં પણ આપણે વિશાળ ઑઇલ રિઝર્વ બનાવ્યા છે.

સરકારી પૉલિસી અને મનસા

કોઈ પણ દેશના વિકાસ અને સમૃદ્ધિનો ખૂબ મોટો આધાર હોય છે એ દેશ પર રાજ કરતી સરકારની પૉલિસી અને મનસા પર. કોઈ પણ વ્યક્તિને થશે કે આજ સુધી નહીં અને હવે અચાનક જ ભારતમાં આટલા બધા કુદરતી ધનસંપદાના સ્રોતો કઈ રીતે મળવા માંડ્યા? થોડા સમય પહેલાં કાશ્મીરમાંથી લિથિયમ મળ્યાના ખબર આવ્યા હતા. ત્યાર બાદ ઉત્તર પ્રદેશના બલિયામાં હાઇડ્રોકાર્બન રિઝર્વ મળ્યા એવા સમાચાર આવ્યા હતા. ત્યાર બાદ જાણવા મળ્યું કે બિહારમાં પણ ડ્રિલિંગ શરૂ થયું છે અને હવે આ આંદામાનમાં ક્રૂડ ઑઇલ મળ્યાની વાતો આવી. તો જાણી લો કે ૨૦૧૬ પહેલાંના સમયમાં આપણા દેશમાં NELP પૉલિસી હતી જે ૧૯૯૯ની સાલમાં લૉન્ચ કરવામાં આવી હતી. અર્થાત્ ન્યુ એક્સ્પ્લોરેશન લાઇસન્સિંગ પૉલિસી. મતલબ કે ઇન્વેસ્ટમેન્ટ! કોઈ પણ કંપની કે વ્યક્તિએ જો કોઈ સ્થળે કોઈક કુદરતી ધનસંપદા અંગે ડ્રિલિંગ કરવું હોય કે શોધ કરવી હોય તો એ માટેનું રોકાણ જે-તે કંપની કે વ્યક્તિએ કરવું પડતું અથવા એ માટે સરકારને કોઈ ઇન્વેસ્ટર મળે નહીં ત્યાં સુધી થાય નહીં અને ધારો કે એ શોધખોળમાં સફળતા મળે અને કંઈક કુદરતી સંપદા મળે તો એનો માલિકીહક અને હિસ્સેદારી સરકારની રહે.

જોકે ૨૦૧૬ના અંતમાં એટલે કે ૨૦૧૭માં એમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો અને સરકારે OALP પૉલિસી (અર્થાત્ ઓપન એકરેજ લાઇસન્સિંગ પૉલિસી) અમલમાં મૂકી અને એ પણ HELP પૉલિસી અંતર્ગત અમલમાં લાવવામાં આવી. અર્થાત્, આ પૉલિસી અનુસાર સરકારે વિચાર્યું કે આપણે ડ્રિલિંગ અથવા એક્સ્પ્લોરેશન શરૂ કરીએ અને કરતા રહીએ અને ધારો કે ભવિષ્યમાં કોઈક સ્થળે સફળતા મળી ગઈ તો પછી રોકાણ તો આપોઆપ આવશે જ આવશે. એક તરફ NELPમાં જ્યાં સરકાર સાથે પ્રોડક્શન શૅરિંગ કૉન્ટ્રૅક્ટ અમલમાં આવતો હતો ત્યાં આજે હવે આ પૉલિસી પ્રમાણે રેવન્યુ શૅરિંગ કૉન્ટ્રૅક્ટ અમલમાં આવે છે. એટલે કે તમે પ્રોડક્શન કરો, ત્યાર બાદ એમાંથી જ્યારે કમાણી થવા માંડે ત્યારે એ કમાણી તમારે સરકાર સાથે શૅર કરવાની રહેશે.

આ સિવાય બીજી એક સૌથી મોટી આડખીલી હતી સરકાર કે સરકારી સંસ્થાઓ દ્વારા નિર્ધારિત કરાયેલા NO GO એરિયા. મતલબ એવા નિર્ધારિત વિસ્તારો જ્યાં કોઈ પણ પ્રકારનું એક્સ્પ્લોરેશન કરી શકાય નહીં. સરકારે હમણાં ત્રણ વર્ષ પહેલાં NO GO વિસ્તાર જ ખતમ કરી નાખ્યા જેને કારણે હવે દેશના અનેક હિસ્સાઓમાં આવી અનેક કુદરતી ધનસંપદા મળી રહી છે.

મલ્ટિનૅશનલ કંપનીઓ દરવાજે ઊભી છે

ભારતને મળેલો આ કાલા સોનાનો ખજાનો એટલો મોટો અને એવો ગેમચેન્જર છે કે ભારત બહારની મોટી-મોટી કંપનીઓ હવે આપણા દરવાજે આવીને કહી રહી છે કે અમને મોકો આપો. જેમ કે ફ્રાન્સની ટોટલ એનર્જી કંપનીથી લઈને શેવરોન અને એક્ઝોન મોબિલ જેવી મલ્ટિનૅશનલ કંપનીઓ આંદામાન-નિકોબારના વિસ્તારમાં એક્સ્પ્લોરેશન અને પ્રોડક્શનનું કામ શરૂ કરવા માગે છે.

આવું કંઈક ચર્ચીએ ત્યારે ખરેખર લાગે કે પહેલાંનું ભારત અને હમણાંનું ભારત ખૂબ ભિન્ન છે. આજનું ભારત હવે એ ભારત નથી રહ્યું જે આજથી ૧૦-૧૨ વર્ષ પહેલાં હતું. વિશ્વના અનેક દેશો તમને ગંભીરતાથી ગણતરીમાં લેવા પણ તૈયાર નહોતા એ જ દેશો હવે ભારત સાથે કઈ રીતે ગાઢ સંબંધો બાંધી શકાય એના પ્રયત્નોમાં મંડી પડ્યા છે.

કુદરતી સંપદાથી ધની આંદામાન-નિકોબાર

ભારતના આ છેવાડાના આભૂષણ સાથે આ ઑઇલ ડિસ્કવરીને ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો કુલ ૨,૨૫,૯૧૮ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં ફેલાયલું આ બેસિન છે જેમાં ૧૮,૦૭૪ સ્ક્વેર કિલોમીટર જેટલો વિસ્તાર શૅલો વૉટર એટલે કે છીછરા પાણીનો છે, જ્યારે ૨,૦૭,૮૪૪ સ્ક્વેર કિલોમીટર જેટલો વિસ્તાર ઊંડા પાણીનો છે. હવે આ આખા વિસ્તારમાંથી આપણને હાઇડ્રોકાર્બન રિઝર્વનો એક ખૂબ મોટો સ્રોત તો મળી ચૂક્યો છે. સ્ટેજ-૨ તરીકે ગણાતા ભારતના આ રિઝર્વને આજ સુધી ભારતે એન્કૅશ કર્યો નહોતો જેના પર હવે ઝડપી કામ શરૂ થઈ રહ્યું છે.

આંદામાન બનશે ભારતનું ગયાના

દક્ષિણ અમેરિકાનું એક નાનકડું સ્ટેટ છે ગયાના. ગયાનામાં મળેલા ક્રૂડ ઑઇલના જથ્થા વિશે કદાચ તમે ક્યારેક વાંચ્યું હશે. ભૂલી ગયા હો તો યાદ કરાવીએ કે દક્ષિણ અમેરિકાના આ નાનકડા સ્ટેટ પાસે આમ તો એવા કોઈ ખાસ રિસોર્સિસ નહોતા જે આવકનો મોટો સ્રોત ઊભો કરી શકે. જોકે આજથી ૧૦ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૫ની સાલમાં એક અમેરિકી કંપની એક્ઝોન મોબિલને ગયાનામાં એક વિશાળ ઑઇલફીલ્ડ મળ્યું અને આખા ગયાનાની જાણે કિસ્મત પલટાઈ ગઈ હતી. ‘લીઝા-૧ વેલ’ નામના આ ઑઇલફીલ્ડમાંથી એક્ઝોન મોબિલને ૧૧ બિલ્યન બૅરલ્સ જેટલો ક્રૂડ ઑઇલનો જથ્થો મળ્યો હતો. આ બધાનું પરિણામ એ આવ્યું કે આજે ૧૦ વર્ષ પછી પણ ગયાના આ ઑઇલફીલ્ડમાંથી રોજનાં સાડાછ લાખ બૅરલ્સ જેટલું ક્રૂડ ઑઇલ મેળવી રહ્યું છે. વાત અહીં જ પૂરી નથી થઈ જતી. એક્ઝોન મોબિલનો અંદાજ છે કે ૨૦૩૦ સુધીમાં ગયાનાના આ ઑઇલફીલ્ડમાંથી રોજનાં ૧.૩ મિલ્યન બૅરલ્સ જેટલું ક્રૂડ ઑઇલ મળતું થઈ જશે.

આ જ ગયાનાના ઑઇલફીલ્ડ સાથે સરખાવતાં ભારત સરકારનું પેટ્રોલિયમ મંત્રાલય માની રહ્યું છે કે આંદામાનમાં મળેલો આ ઑઇલનો જથ્થો ભારત માટે ગયાના સાબિત થઈ શકે એમ છે. ભારત હાલના તબક્કે આ ઑઇલફીલ્ડમાંથી રોજનાં અઢી લાખ બૅરલ્સ જેટલું ક્રૂડ ઑઇલ મેળવી શકશે એવી ધારણા છે.

andaman oil prices india columnists gujarati mid-day mumbai finance news indian economy gdp