25 June, 2025 02:10 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર
યુદ્ધને ખરાબ નજરે જોવું ગેરવાજબી છે. તમે કોની સામે યુદ્ધ કરો છો એનાથી તમારી મર્દાનગી પુરવાર થતી હોય છે. ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીએ આપેલા અહિંસાના સંદેશને મહાત્મા ગાંધીએ આગળ વધાર્યો પણ એ પછી જેણે-જેણે એ અપનાવ્યો તેણે એ સંદેશને એટલો ગેરવાજબી રીતે પ્રજા સામે મૂક્યો કે આપણી પ્રજા માયકાંગલી બની ગઈ. ભલું થજો અત્યારની સરકારનું કે એણે અહિંસાના મૂળભૂત સંદેશને પકડીને આગળ વધવાનું નક્કી કર્યું અને જરૂર લાગે ત્યારે હિંસાના પાલવને પણ પાથર્યો. અગાઉ પણ બે વખત આપણે પાકિસ્તાન પર સ્ટ્રાઇક કરી હતી અને આ વખતે ત્રીજી સ્ટ્રાઇક કરી. આ વખતના યુદ્ધને બધા નાનકડું ટ્રેલર કહે છે. છો કહે, એનો અર્થ એવો નહીં કરવાનો કે આપણી સરકાર ડરી ગઈ કે પછી આપણી સરકારને કોઈ ડરાવી ગયું.
આપણું કામ લાલ આંખ દેખાડવાનું હતું. પેલું કહેને કે તોફાની છોકરાને ડારો દેખાડી દો એટલે તે શાંત થઈને બેસી જાય. આપણે ડારો દેખાડ્યો અને પાકિસ્તાન શાંત થઈને બેસી ગયું. બસ, આટલું જ કરવાનું હોય. રશિયા-યુક્રેનની જેમ આપણે લાંબો સમય યુદ્ધ કરીએ તો પાકિસ્તાનને તો ફરક ન પડે પણ ભારતને ઘણું નુકસાન સહન કરવું પડે. છેલ્લાં પંદર વર્ષમાં ભારત વિકાશશીલ દેશોની યાદીમાં સૌથી ટૉપ પર છે. વિશ્વના વિકસિત દેશોને પોતાનો માલ વેચવાથી માંડીને ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં બહુ રસ છે. આપણે પણ મોટા પાયે હૂંડિયામણ કમાતા થયા છીએ. એવા સમયે યુદ્ધની પરિસ્થિતિ લાંબો સમય ખેંચાય તો ચોક્કસપણે એની આડઅસર દેશની ઇકૉનૉમી પર જોવા મળે.
કહે છે કે વિશ્વમાં મંદીની અસર જોવા મળે છે એવા વખતે ભારત-પાકિસ્તાન યુદ્ધની સીધી આડઅસર એશિયન દેશોમાં અને એની અસર દુનિયાભરના દેશોમાં જોવા મળે. હું કહીશ કે ભારતે બુદ્ધિ વાપરી છે. જે તાકાત દેખાડવાની હતી એ દેખાડી દીધી. બીક દેખાડવાની હતી એ બીક પણ દેખાડી દીધી અને પુરવાર પણ કરી લીધું કે હિન્દુસ્તાન કોઈના બાપથી ડરતું નથી અને ડરવાનું નથી. બસ, આટલું જ પૂરતું છે. પણ હા, અગત્યની વાત એ છે કે હવે ફરી પાકિસ્તાન ગરોળીની પૂંછડી જેવી એની ફિતરત ન દેખાડે. ગરોળીની પૂંછડી કપાયા પછી નવેસરથી ઊગી જાય. પાકિસ્તાન પણ જો ત્રણચાર વર્ષમાં નવા નાકે દિવાળી કરીને આતંકવાદીઓને સાચવવા માંડશે તો હવે ભારતે ડારો દેખાડવાનું છોડીને એને ધમરોળી નાખવું પડશે પણ જો નવા નાકે દિવાળી થાય તો...
ત્યાં સુધી તો લેવાયેલું આ પગલું વાજબી છે એવું સૌકોઈએ માનવું રહ્યું.