22 June, 2025 04:17 PM IST | Bhuj | Aashutosh Desai
પ્રતીકાત્મક તસવીર
દરિયાઈ માર્ગે હજારો કિલોમીટર લાંબા કેબલની શૃંખલા થકી ભુજથી સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ સુધી ઇલેક્ટ્રિસિટી પહોંચાડતા હાઈ-વૉલ્ટેજ ડાયરેક્ટ કરન્ટ ટ્રાન્સમિશન પ્રોજેક્ટની શરૂઆત કરીને ભારત એક નવો વિશ્વવિક્રમ રચવા જઈ રહ્યું છે. વિશ્વને ‘વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ’ વિઝનથી જોડવાની શરૂઆત ગુજરાતથી થઈ રહી છે ત્યારે જાણીએ એના વિશે બધેબધું
ભારત ફરી એક વાર રચવા જઈ રહ્યું છે નવો ઇતિહાસ, નવો વિશ્વવિક્રમ! શું છે આ નવું સાહસ? સમુદ્રના પેટાળમાં કેબલિંગની એક લાંબી શૃંખલા બેસાડી એક દેશથી બીજા દેશમાં વીજળી પહોંચાડવી. વીજળી પહોંચાડનાર દેશ એટલે ભારત અને વીજળી મેળવનાર દેશ એટલે UAE અને સાઉદી અરેબિયા. અર્થાત્, આ પ્રોજેક્ટ પૂરો થયે ભારત હવે વીજળીની બીજા દેશોમાં પણ નિકાસ કરતો દેશ બની જશે. આ કેબલિંગ શૃંખલા કેટલી લાંબી હશે જાણો છો? પહેલી ૧૭૦૦ કિલોમીટર લાંબી જે આપણા ગુજરાતના છેક ઉત્તર પશ્ચિમ કિનારે આવેલા ભુજથી શરૂ કરીને UAE સુધી જશે અને બીજી ૧૪૦૦ કિલોમીટર લાંબી જે ભુજથી શરૂ કરીને છેક સાઉદી અરેબિયા સુધી જશે. તો હવે આટલું જાણીને તમારી આંખ પહોળી થઈ ગઈ હોય તો એ ફરી નાની કરો અને એક ગુજરાતી જે સવાલ પૂછે એ પૂછો કે કેટલા પૈસા? તો કહી દઈએ કે રોકાણ કેટલા પૈસાનું નહીં પણ કેટલા રૂપિયાનું થશે એમ પૂછો! અન્ડરસી પાવર કેબલ લિન્કના આ બન્ને પ્રોજેક્ટ માટે ભારત અંદાજે કુલ ૯૦,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એમાં ૧૭૦૦ કિલોમીટર લાંબા UAE સુધીના કેબલિંગ પ્રોજેક્ટ માટે ૪૭,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે અને ૧૪૦૦ કિલોમીટરના સાઉદીના કેબલિંગ માટે ઇન્વેસ્ટમેન્ટ થશે ૪૩,૫૦૦ કરોડ રૂપિયાનું.
હા જી હા, ખ્યાલ આવી ગયો કે આપણે હવે આ રસપ્રદ જણાતી માહિતી વિશે થોડું વિગતે જાણવું છે. તો ચાલો વાત માંડીએ. ઍક્ચ્યુઅલી, ભારત અને આરબ દેશો વચ્ચે બે વર્ષ પહેલાં કેટલાક કરારો થયા હતા. એ અનુસાર આરબ દેશો અને ભારત વચ્ચે વ્યાપાર, રાજનૈતિક અને કૂટનૈતિક સંબંધો વધુ ગાઢ બનાવવાના પ્રયત્નો થયા હતા. ભારત સાથે થયેલા આ કરારોમાં એક કરાર પાવર શૅરિંગ અંગેનો પણ હતો. એ અનુસાર સાઉદીના દેશોને ભારત વીજળીની નિકાસ કરશે અને એ માટે અન્ડરવૉટર કેબલિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. હાલના તબક્કે એવો અંદાજ મૂકવામાં આવે છે કે આ પ્રોજેક્ટ આવનારાં છ વર્ષમાં પૂરો થશે.
ભારત બીજા ક્રમાંકનું રાષ્ટ્ર
‘ધ ગોલ્ડન ગ્રીન ગ્રિડ’ નામનો આ પ્રોજેક્ટ કુલ ૯૦,૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવશે. એમાં અન્ડરસી ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કેબલ્સ બિછાવવામાં આવશે. આ હાઈ-ક્વૉલિટી ફાઇબર કેબલ્સ ગુજરાતના ભુજથી છેક સાઉદી અરેબિયા અને UAE સુધી પહોંચશે. કેબલની માયાજાળ એટલે કે હાઈ-વૉલ્ટેજ DC લાઇન્સ દ્વારા ભારત ગલ્ફના દેશોને રિન્યુએબલ હેવી ઇલેક્ટ્રિસિટી મોકલશે. આપણે આગળ કહ્યું એમ ૧૭૦૦ અને ૧૪૦૦ કિલોમીટર લાંબી આ બન્ને લાઇન બે ગીગાવૉટ જેટલો પાવર એક દેશથી બીજા દેશ સુધી લઈ જશે. ભારત આ કેબલ ટ્રાન્સમિશન દ્વારા વિશ્વમાં એક અનોખો વિક્રમ સ્થાપવા જઈ રહ્યું છે. આટલા લાંબા કેબલિંગનો અને એના દ્વારા બે ગીગાવૉટ જેટલી હેવી ઇલેક્ટ્રિસિટીના ટ્રાન્સમિશનનો. ભારત વિશ્વનો બીજો એવો દેશ બની જશે જે આ કરી રહ્યું છે. પહેલા ક્રમે બ્રિટનની અન્ડરસી કેબલ લિન્ક વેસ્ટર્ન હાઈ-વૉલ્ટેજ ડાયરેક્ટ કરન્ટ (HVDC) ટ્રાન્સમિશન લિન્ક આવે છે જે ૨.૨૫ ગીગાવૉટનું ટ્રાન્સમિશન કરે છે. આ સિવાય આ રીતના વિશ્વના બીજા બધા જ પ્રોજેક્ટ્સ ભારતના કેબલિંગ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ કરતાં ઓછી કૅપેસિટીના છે. જેમ કે યુરોપની આ રીતની ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશનની જે કેબલ લિન્ક છે, નૉર્થ સી અને વાઇકિંગ લિન્ક્સ એ ૧.૪ ગીગાવૉટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કૅપેસિટીવાળી છે. એ જ રીતે જપાનની Kii HVDC ચૅનલ પણ ૧.૪ ગીગાવૉટની જ છે. આ પ્રકારની જે HVDC અર્થાત્ હાઈ-વૉલ્ટેજ ડાયરેક્ટ કરન્ટ ટ્રાન્સમિશન માટે કેબલિંગની આખી જે માયાજાળ બેસાડવામાં આવે છે એ આપણે ધારીએ છીએ એટલું સહેલું નથી. વીજળીનું એક સ્થળેથી બીજા સ્થળે (અને એ પણ આટલા લાંબા અંતર સુધી) સ્થળાંતર કરાવતા આ કેબલ્સ અનેક લેયર્સ સાથે દરેક પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળે એવા બનાવવામાં આવ્યા હોય છે. એન્જિનિયર્સે આ માટે અનેક બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. જેમ કે આ કેબલ્સ સતત ખારા પાણીમાં રહેવાના હોવાને કારણે એ ખરાબ ન થાય ત્યાંથી શરૂ કરીને એમાં ક્યાંયથી પણ વીજળી લીકેજ નહીં થાય; ધરતીકંપ જેવી પરિસ્થિતિ, સબમરીન કે મોટા દરિયાઈ જીવોને આ કેબલ્સ થકી કે એ જીવો થકી કેબલ્સને કોઈ નુકસાન નહીં થાય એવી અનેક બાબતો ધ્યાનમાં લેવી પડતી હોય છે.
શા માટે આ પ્રોજેક્ટ મહત્ત્વનો છે?
ભારતે આખા વિશ્વને એક વિઝન આપ્યું છે - OSOWOG અર્થાત્, વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ! આ વિઝન દ્વારા ભારત એક ગ્લોબલ ગ્રીન ગ્રિડ બાંધવાનું લક્ષ્ય આપી રહ્યું છે. એના પહેલા પગથિયા તરીકે આપણા દેશે નિર્ધાર કર્યો છે કે ૨૦૩૫ બાદ દેશમાં એક પણ કોલપ્લાન્ટ નહીં રહે. મતલબ કે હાલમાં આપણે જે કોલસો બાળીને વીજળીનું ઉત્પાદન કરી રહ્યા છીએ એ ૨૦૩૫ સુધીમાં શૂન્ય કરી દેવામાં આવશે, બંધ કરી દેવામાં આવશે અને એની સામે ક્લીન એનર્જી એટલે કે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ, સોલર પાવર પ્રોજેક્ટ, વિન્ડ પાવર પ્રોજેક્ટ જેવા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સને મહત્ત્વ આપવામાં આવશે અને વધારવામાં આવશે.
હવે જ્યારે તમે પાવર જનરેશન કરતા હો તો સ્વાભાવિક છે કે એ પાવરનો સંગ્રહ પણ કરવો પડે. તો જ એનું ટ્રાન્સમિશન અને વપરાશ થઈ શકે. હવે વાત કંઈક એવી છે કે હમણાં ભારત પાસે એક GWh જેટલી જ બૅટરી સ્ટોરેજ કૅપેસિટી છે. જો આપણે ૨૦૩૦ સુધીમાં નક્કી કરેલા ક્લીન એનર્જીના લક્ષ્યાંક સુધી પહોંચવું હશે તો ૨૦૦ GWhની સ્ટોરેજ કૅપેસિટીની જરૂર પડશે. હવે જ્યાં સુધી આટલી મોટી સ્ટોરેજ કૅપેસિટી તૈયાર કરી લેવામાં ન આવે ત્યાં સુધી જનરેટ થયેલા સરપ્લસ પાવરનું શું કરવું? તો શ્રેષ્ઠ વિકલ્પ છે એની એક્સપોર્ટ કરવામાં આવે. એક તરફ જ્યાં ભારત પોતાની આ સ્માર્ટ મૂવ વિશે વિચારી રહ્યું હતું ત્યાં જ બીજી તરફ ગલ્ફના દેશો પોતાની પાવર શૉર્ટેજની પરિસ્થિતિ સામે લડી રહ્યા હતા. એક અંદાજ અનુસાર કહેવાય છે કે સાઉદીમાં વર્તમાનમાં ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ જે ૮૩ ગીગાવૉટની છે એ ૨૦૩૨ સુધીમાં લગભગ ૧૨૦ ગીગાવૉટ જેટલી પહોંચી જશે. આટલી ભારે પાવર ડિમાન્ડ રહેવા પાછળનું કારણ છે ગલ્ફના દેશોમાં વર્ષોવર્ષ વધતો જતો ગરમીનો પારો અને સાથે જ વિસ્તરતાં જતાં ડેટા સેન્ટર્સ. આખરે ભારતે વિચાર્યું કે આપણી પાસે હજી એટલી સ્ટોરેજ કૅપેસિટી નથી તો પાવર એક્સપોર્ટ કરીએ અને ગલ્ફના દેશો પાસે પાવર ક્ર્ન્ચ હતો તો એમણે વિચાર્યું કે આપણે ભારતમાંથી ઇમ્પોર્ટ કરીએ. આમ બન્નેએ મળીને અન્ડરસી HDVC લિન્ક્સ પ્રોજેક્ટ દ્વારા એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ પર હસ્તાક્ષર કર્યા.
OSOWOGનું પ્રણેતા ભારત
વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ! આખા વિશ્વને વિચાર આપનાર આપણે એટલે કે ભારત છે અને પ્રણેતા દેશ તરીકે ભારતે એના આ પહેલા પ્રોજેક્ટની શરૂઆત કરી છે. પહેલા ચરણમાં આ પ્રોજેક્ટ દ્વારા ભારત સાથે મિડલ ઈસ્ટના દેશોને જોડવામાં આવશે. ત્યાર બાદ બીજા ચરણમાં લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે મિડલ ઈસ્ટથી આફ્રિકાને જોડવું. ત્યાર બાદ આપણી આ પહોંચ છેક યુરોપના દેશ સુધી લઈ જવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિચારાયો છે. આ સિવાય બીજી તરફ ઑસ્ટ્રેલિયા સાથે પણ ગ્રિડ દ્વારા જોડાવાનું ભારત વિચારી રહ્યું છે. આ રીતે આ પ્રોજેક્ટ દ્વારા ભારત આખા વિશ્વને એક ગ્રિડ દ્વારા જોડાવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય રાખીને કામ આરંભી રહ્યું છે. આ માટે UAE અને સાઉદી અરેબિયા સાથે જૉઇન્ટ વેન્ચર ઍગ્રીમેન્ટ થઈ ચૂક્યું છે અને એ અંતર્ગત જ આ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે. એમાં સમુદ્રની સપાટીથી ૩.૫ કિલોમીટર નીચે આ કેબલ લાઇન્સ બેસાડવામાં આવશે એવું નક્કી થયું છે.
સ્વાભાવિક છે કે પ્રોજેક્ટના પ્રણેતા ત્યારે જ બની શકાય જ્યારે કાબેલિયત કેળવવામાં આવે. OS વન સન, અર્થાત્ સોલર એનર્જી દ્વારા ઉત્પાદિત થતો પાવર. આપણે જાણીએ છીએ કે ભારત આ ક્ષેત્રે પોતાની કૅપેસિટી એટલી ઝડપથી અને એટલી બધી વધારી રહ્યું છે કે હાલ સોલર એનર્જી પ્રોડ્યુસર તરીકે ભારત મોખરાનો દેશ ગણાય છે.
એક દૃષ્ટિએ જોઈએ તો એમ કહી શકાય કે જે રીતે વિશ્વમાં સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી એ જ રીતે ભારતનું વિઝન અને ભારત પણ ક્યારેય અસ્ત નહીં થાય અને ફરી એક વાર વિશ્વગુરુ બની શકે એ તરફની સફરમાં લેવાઈ રહેલાં આ પગલાં છે. દેશને ઝીરો કાર્બન કન્ટ્રી તરીકે સ્થાપિત કરવો, કોલબેઝ પાવરપ્લાન્ટ બંધ કરવા, વાતાવરણ પ્રત્યે જાગરૂકતા વધારવી આવા અનેક શુભ આશય સાથે ભારત આગળ વધી રહ્યું છે ત્યારે આ પ્રોજેક્ટ વિશ્વફલક પર ભારતની છબિને વધુ નિખારવામાં નિઃશંક મદદરૂપ થવાનો એમાં કોઈ શક નથી.