28 October, 2025 02:54 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર
‘અમેરિકા કેમ છોડ્યું?’ ખ્યાતિપ્રાપ્ત સ્તર પામ્યા પછી પણ દેશમાં પાછા આવી ગયેલા ડૉક્ટરને મેં પૂછ્યું, ‘કોઈ પારિવારિક મુશ્કેલી હતી?’
‘ના, જરા પણ નહીં.’ તેમણે વિનમ્રતા સાથે વાત શરૂ કરી, ‘આમ તો બધુંયે બરાબર હતું, પૈસાનો કોઈ પ્રશ્ન નહોતો, પારિવારિક પણ કોઈ સમસ્યા નહોતી, માનસિક કોઈ મૂંઝવણ નહીં. અહીં પણ બા-બાપુજી ખૂબ સુંદર ધર્મારાધના કરતાં. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય આ બધું તેમના દૈનિક જીવનમાં સહી ગોઠવાઈ ગયું હતું, પણ બન્યું એવું કે ઉંમરના કારણે તેમનું સ્વાસ્થ્ય કથળવા માંડ્યું. ધર્મારાધનાઓમાં સાતત્ય ટકાવી રાખવું તેમને મુશ્કેલ બનવા માંડ્યું. હું અમેરિકા હતો. મેં વિચાર્યું કે તેમને કાયમ માટે અહીં જ શા માટે બોલાવી ન લેવાં? અમને સહુને તેમની સેવાનો લાભ મળશે અને તેમની પાછલી જિંદગી સુખચેનથી પૂરી થશે.’
ડૉક્ટરે સહજ રીતે જ વાત આગળ વધારી.
‘મેં તેમને અમેરિકા આવી જવા આમંત્રણ આપ્યું અને તેઓ સંમત પણ થઈ ગયાં. એ માટે જરૂરી બધી તૈયારીઓ પણ શરૂ થઈ, પણ એક દિવસ મને વિચાર આવ્યો કે ભારત છોડીને મા-બાપ અમેરિકા આવી તો જશે પણ ભારતમાં રહીને તેઓ જે ધર્મારાધનાઓ કરી શકે છે એ ધર્મારાધનાઓ તેઓ અમેરિકામાં કરી શકશે ખરાં? તેમનો ભાવ હશે તો પણ ધર્મારાધનાઓ માટે જરૂરી એવી અનુકૂળતાઓ હું તેમને માટે ઊભી કરી શકીશ? જો ના, તો પછી તેમને ભારત છોડાવીને અમેરિકા બોલાવી લેવાં એના બદલે હું પોતે જ અમેરિકા છોડીને ભારત શા માટે ચાલ્યો ન જાઉં?’
ડૉક્ટરની આંખમાં ભીનાશ આવી ગઈ હતી.
‘અનંત-અનંત ઉપકારો છે મારા પર માતા-પિતાના, નથી મારે ખ્યાતિની એવી કોઈ ભૂખ કે પૈસાની તૂટ. બીજી કોઈ સમસ્યા નથી. ભારત ચાલ્યો જાઉં. તેમની ધર્મારાધનાયે ટકી રહેશે અને મને તેમની સેવાનો લાભ પણ મળશે. બસ, આ વિચારને મારા પરિવાર સમક્ષ મૂક્યો. સહુએ એ વિચારને વધાવી લીધો અને એક દિવસ અમેરિકાને અલવિદા કરી કાયમ માટે ભારત પાછા આવી ગયા.’
ડૉક્ટરની વાત સાંભળીને હૈયામાં જેટલો આનંદ થયો એ બેવડાઈ ત્યારે જાય જ્યારે આવા વિરલાઓની સંખ્યા આપણે ત્યાં વધી જાય. એ ડૉક્ટરનાં માતા-પિતા આજે હયાત નથી પણ તેમની સેવા કરવાનો લાભ લીધાનો જે અપાર આનંદ તેમણે મેળવ્યો છે એ શબ્દોમાં કોઈ કાળે વર્ણવી ન શકાય અને ડૉલરમાં એને આંકી ન શકાય.