31 January, 2026 05:33 PM IST | Mumbai | Ruchita Shah
ચાર્ટર્ડ પ્લેનના આકાશમાં એક ઉડાન
ભારતમાં દર વર્ષે એવિયેશનને લગતા સરેરાશ ૮ અકસ્માતો સર્જાય છે અને એ પછીયે અત્યારે ભારતની એવિયેશન ઇન્ડસ્ટ્રી સર્વાધિક ઝડપે વિકસી રહેલી ઇન્ડસ્ટ્રીમાંની એક છે. એમાં પણ પ્રાઇવેટ જેટની દુનિયામાં ભારત લીડરશિપ પોઝિશનમાં છે જેનું મુખ્ય હબ છે મુંબઈ. યસ, પ્રાઇવેટ પ્લેન, હેલિકૉપ્ટરનો સર્વાધિક ઉપયોગ અને એની સર્વાધિક અવરજવર મુંબઈમાં થઈ રહી છે ત્યારે આ દુનિયા સાથે સંકળાયેલી ખાસંખાસ વાતો જાણી લો
૨૦૨૫ના ડિસેમ્બરના આંકડાઓ જોઈએ તો એશિયા પૅસિફિક રીજનમાં ભારત સૌથી વધુ ચાર્ટર્ડ પ્લેન, હેલિકૉપ્ટર અને પ્રાઇવેટ જેટનો કાફલો ધરાવે છે. આ આંકડો લગભગ ૪૯૦ને પાર કરી ગયો છે. ૨૦૨૧થી ૨૦૨૫માં એમાં ૨૫ ટકાનો વધારો થયો છે. ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ પ્રાઇવેટ જેટ માર્કેટ ધરાવતા ભારતની આ ઇન્ડસ્ટ્રી ૨૦૩૫ સુધીમાં લગભગ ૩૭ અબજ ડૉલર પર પહોંચે એવી પૂરી શક્યતા છે, જે અત્યારે લગભગ ૧૩થી ૧૪ અબજ ડૉલરની છે. ભારતમાં વિકસી રહેલી આ ઇન્ડસ્ટ્રી માટે મુંબઈ મુખ્ય હબ મનાય છે. મુંબઈ પાસે સાંતાક્રુઝના કાલિનામાં પ્રાઇવેટ જેટ માટે જનરલ એવિયેશન ટર્મિનલ છે તેમ જ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ૨૪ પ્રાઇવેટ જેટ સમાવી શકાય એવી વ્યવસ્થા છે. મુંબઈમાં હાઇએસ્ટ અબજોપતિ રહે છે જેમની પાસે દેશમાં સર્વાધિક પ્રાઇવેટ જેટની માલિકી છે. જેમ કે અંબાણી ફૅમિલી પાસે જ ૧૦ પ્રાઇવેટ જેટ છે. એ સિવાય આદિત્ય બિરલા ગ્રુપ, તાતા ગ્રુપ, પૂનાવાલા ફૅમિલી વગેરે પાસે પણ પોતાનાં પ્રાઇવેટ જેટ છે. દુનિયાભરના બિઝનેસમેન મુંબઈ આવે છે અને મુંબઈથી વિશ્વભરમાં વેપાર માટે લોકો જાય છે એમાં પણ મુંબઈમાં પ્રાઇવેટ જેટ કંપનીઓ દ્વારા અપાતી સર્વિસનો સર્વાધિક ઉપયોગ થાય છે એટલું જ નહીં, અત્યારની ડિમાન્ડને જોતાં આ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પ્રાઇવેટ જેટના આવાગમન માટેની ફૅસિલિટી ઊભી કરવાની દિશામાં કામ શરૂ થઈ ગયું છે. અહીં એક ડેડિકેટેડ ટર્મિનલ બનાવવામાં આવશે જેમાં શરૂઆતમાં ૨૩થી ૨૫ અને આગળ જતાં લગભગ ૮૯ પ્રાઇવેટ જેટ રહી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. એક તરફ જ્યાં મુંબઈ પ્રાઇવેટ એવિયેશન માટે પણ દેશનું પાટનગર બનવા જઈ રહ્યું છે ત્યારે એની સેફ્ટીનો પ્રશ્ન પણ ગંભીર બનતો જાય છે. ભારતમાં દર વર્ષે સરેરાશ ૮ જેટલા એવિયેશન ઍક્સિડન્ટ થાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં ભારતમાં ઍરક્રૅશની ૫૩ ઘટનાઓ નોંધાઈ છે જેમાં ૩૨૦ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. એવી જ રીતે છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતમાં ચાર્ટર્ડ ફ્લાઇટ સંબંધિત પંદરથી વધુ મોટા ઇન્સિડન્ટ નોંધાયા છે જેમાં લૅન્ડિંગ સમયે અકસ્માત અને એન્જિન-ફેલ્યર જેવા બનાવોનો સમાવેશ થાય છે. અત્યારે મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના નિધનમાં નિમિત્ત બનેલી પ્રાઇવેટ જેટ ક્રૅશની દુર્ઘટનાએ ચકચાર મચાવી છે ત્યારે આ આખી દુનિયાને નજીકથી જાણવા માટે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સાથે વિગતવાર વાતો કરીએ.
શું કામ વધી રહી છે માગણી?
મુંબઈમાં છેલ્લાં પાંચ વર્ષમાં પ્રાઇવેટ જેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા વધી છે એમ જણાવીને બુક માય ચાર્ટર્સ નામની કંપનીના કો-ફાઉન્ડર સચિત વાધવા કહે છે, ‘અમે પ્રાઇવેટ જેટની ઓનરશિપ ધરાવતી ઘણી કંપનીઓ સાથે પાર્ટનર તરીકે જોડાયેલા છીએ. ૨૦૧૧થી આ ઇન્ડસ્ટ્રીમાં હોવાને નાતે હું કહી શકું કે યસ, છેલ્લાં પાંચ વર્ષમાં ચાર્ટર્ડ પ્લેન વાપરનારા લોકોની સંખ્યા વધી છે. કોવિડ પછી એક મહત્ત્વની શિફ્ટ દેખાય છે. અમારી પાસે ખાસ કરીને બિઝનેસ ટ્રાવેલર્સ હોય છે જેમના માટે મહત્ત્વનો હોય છે તેમનો સમય. ચાર્ટર્ડ ફ્લાઇટ એક તો તમારો સમય બચાવે અને બીજું, કનેક્ટિવિટીને લગતા પ્રશ્નોનું સમાધાન આપે. ઘણાં નાનાં સિટી હોય જ્યાં ફ્લાઇટની કનેક્ટિવિટી નથી હોતી. સુરતથી ધારો કે અમરાવતી જવું હોય તો તમને ડાયરેક્ટ કમર્શિયલ ફ્લાઇટ નહીં મળે પણ એ કામ તમે પ્રાઇવેટ જેટ થકી કરી શકો. અત્યારે અમે અમારા પ્લૅટફૉર્મ પર ૪૦ પ્રાઇવેટ જેટને રિપ્રેઝન્ટ કરીએ છીએ. ૧૫૦ ઍરપોર્ટ સાથે અમે કનેક્ટેડ છીએ જેના અંતર્ગત ૨૨,૫૦૦ કનેક્શન્સ એટલે કે એટલા રૂટ્સ પર અમે સર્વિસ આપીએ છીએ. અમારી પાસે એવા ઘણા ક્લાયન્ટ છે જેમને એક જ દિવસમાં ત્રણ-ચાર મીટિંગ કરવાની હોય અને જુદાં-જુદાં રિમોટ લોકેશન હોય તો એક વાર બોર્ડ કરે પછી જુદી-જુદી જગ્યાએ ફરીને પાછા મુંબઈ આવે. ક્યારેક મીટિંગ મોડી પતે તો ઍરક્રાફ્ટ તમારી રાહ જોતું હોય અને ક્યારેક મીટિંગ વહેલી પતે અને તમારે નીકળવું હોય અને નાના સેન્ટરમાં હોઈએ તો તરત જ ઍર ટ્રાફિક કન્ટ્રોલની પરમિશન લઈને અમે નીકળી પણ શકતા હોઈએ છીએ. આ જે ફ્લેક્સિબિલિટી પ્રાઇવેટ જેટ આપે છે એ જ કારણ છે કે લોકો સમય બચાવવા એની તરફ વળી રહ્યા છે. તમારે નૉર્મલ કમર્શિયલ ફ્લાઇટમાં જવું હોય તો બે કલાક પહેલાં પહોંચવું પડે. અહીં તમે અડધો કલાક પહેલાં પહોંચી જાઓ અને તમને તમે જેમનું ઍરક્રાફ્ટ બુક કર્યું હોય તે રિસીવ કરે અને દરેક સ્ટેપ પર તમારી સાથે રહીને સિક્યૉરિટી ચેક વગેરે કરાવીને તમને સંપૂર્ણ લક્ઝરી ટ્રીટમેન્ટ આપે. ઇન ફૅક્ટ, ફ્લાઇટમાં તેમને તેમની ફેવરિટ રેસ્ટોરાંનું ફૂડ ખાવું હોય તો એ પણ અમે અરેન્જ કરીને આપીએ અને કેટલાક રેગ્યુલર ક્લાયન્ટનાં તો ચશ્માંની પેર પણ અમે ફ્લાઇટમાં રાખીએ અને તેમને ગમતાં મૅગેઝિન્સ અને ન્યુઝપેપર પણ હોય.’
જરૂરિયાતનું ધ્યાન
મુંબઈમાં જ લગભગ ૪૦થી વધુ પ્રાઇવેટ જેટની સર્વિસ આપતા ઑપરેટર સક્રિય છે. ચાર્ટર્ડ વિમાન વિવિધ કૅટેગરીમાં વહેંચાયેલાં છે જેમાં ચારથી ૬ સીટનાં લાઇટ જેટ, સાતથી ૯ સીટનાં મિડસાઇઝ જેટ, દસથી ૧૬ સીટનાં લાર્જ જેટ, છથી ૧૨ સીટનાં ટર્બો પ્રૉપ વિમાન અને ત્રણથી ૮ સીટનાં હેલિકૉપ્ટરનો સમાવેશ થાય છે. પ્રાઇવેટ જેટની કિંમત ૪૦ કરોડ રૂપિયાથી શરૂ થઈને ૩૦૦ કરોડ રૂપિયા સુધી જાય છે. ચાર્ટર્ડ ફ્લાઇટ માટે પ્રતિ કલાક દોઢ લાખથી આઠ લાખ રૂપિયા સુધી ખર્ચ આવે છે, જ્યારે હેલિકૉપ્ટર માટે પ્રતિ કલાક લગભગ એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. સામાન્ય રીતે ટૂ-સીટરથી લઈને ૧૪-સીટર સુધીનાં પ્રાઇવેટ ઍરક્રાફ્ટ આવતાં હોય છે અને એમાં બુકિંગ ઍડ્વાન્સ કરવું વધુ બેટર હોય છે. આ સંદર્ભે સચિત કહે છે, ‘સામાન્ય રીતે ઍડ્વાન્સ બુકિંગ કરાવો તો તમને જોઈતા સ્લૉટ્સમાં ટ્રાવેલ કરવા મળી શકે, કારણ કે મુંબઈ સિંગલ રનવે ધરાવતું બિઝીએસ્ટ ઍરપોર્ટ છે અને અમારે ફ્લાય પ્લાન કરીને એને લગતી પરમિશન્સ લેવી પડતી હોય છે જેથી ઍડ્વાન્સ બુકિંગ હોય તો વ્યક્તિની જરૂરિયાત મુજબ પ્લાન સંભવ છે. જેમ કે અમારા એક ગુજરાતી ક્લાયન્ટ છે અને તેઓ બહુ જ નિયમિત ઇન્ટરનૅશનલ ટ્રિપ કરતા હોય છે. યુરોપમાં હોય ત્યારે મીટિંગ પૂરી કરીને પાછા આવે ત્યારે તેમની એક જ ડિમાન્ડ હોય કે તેમને ઍરક્રાફ્ટમાં ગુજરાતી મીલ મળે. અમારી પાસે સમય હોય અને ઍડ્વાન્સ અરેન્જમેન્ટ કરવાની હોય તો આ શક્ય છે.’
અહીં ઉલ્લેખનીય છે કે કારની જેમ પ્રાઇવેટ જેટને પણ કસ્ટમાઇઝ કરીને એમાં સૂવા માટે બેડ, ફ્રિજ, ટીવી જેવી અઢળક પ્રકારની સુવિધાઓ સાથેની લક્ઝરી પણ પ્રાઇવેટ જેટમાં અવેલેબલ હોય છે, પરંતુ દરેક સુવિધા સાથે એની કૉસ્ટ વધતી જતી હોય છે. ઍરપોર્ટમાં પ્લેનને પાર્ક કરવાનો ચાર્જ પણ કલાકદીઠ પચાસ હજારથી લાખ રૂપિયા સુધીનો આપવાનો હોય છે જે રેટ વિમાનની સાઇઝ અને વજન પરથી નક્કી થતો હોય છે.
ફિલ્મસ્ટારો-નેતાઓનો ઉપયોગ
બિઝનેસ ટ્રાવેલમાં તો લોકો પ્રાઇવેટ જેટનો ભરપૂર ઉપયોગ કરતા જ હોય છે પરંતુ ભારતમાં વેડિંગ, ઇલેક્શન, મેડિકલ ઇમર્જન્સી અને ફિલ્મના પ્રમોશન અને શૂટિંગ માટે પણ ખૂબ મોટા પાયે પ્રાઇવેટ જેટનો ઉપયોગ વધ્યો છે. જેમ કે આકાશ અંબાણીનાં લગ્ન વખતે મહેમાનોને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા માટે લગભગ ૧૦૦થી વધુ પ્રાઇવેટ જેટનો ઉપયોગ થયો હતો. ભારતમાં પ્રાઇવેટ જેટ અને હેલિકૉપ્ટરનો ઉપયોગ રિલિજિયસ ટૂરિઝમમાં બહુ જ મોટા પ્રમાણમાં થાય છે. ભારતના એવિયેશન સેક્ટરમાં રેવલ્યુશન લાવનારા કૅપ્ટન ગોપીનાથે શરૂ કરેલી ડેક્કન ચાર્ટર્સ નામની કંપનીમાં નૅશનલ સેલ્સ ઍન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ હેડ તરીકે ૧૦ વર્ષ કામ કરી ચૂકેલા અને ઘણી સેલિબ્રિટીઝ અને નેતાઓ સાથે પ્રાઇવેટ જેટની વ્યવસ્થા સાથે ટ્રાવેલ કરી ચૂકેલા જિગર સોની પોતાનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘મેં ઘણાબધા નેતાઓનાં
ઇલેક્શન-કૅમ્પેનમાં તેમને પ્રાઇવેટ જેટ પ્રોવાઇડ કર્યાં હતાં. મને યાદ છે કે વિલાસરાવ દેશમુખ લાતુરમાં એક્સપાયર થયા ત્યારે તેમને અહીં પ્રાઇવેટ જેટ થકી પાછા લાવવાનું બધું જ કો-ઑર્ડિનેશન મેં જ કર્યું હતું. એવી જ રીતે નાગપુરમાં યાકુબ મેમણને ફાંસી અપાઈ ત્યારે ઇમર્જન્સી માટે અમારું પ્રાઇવેટ જેટ ત્યાં સ્ટૅન્ડ-બાયમાં હતું. એ સિવાય સેલિબ્રિટીઝ સાથે પણ ઘણી વાર જવાનું બન્યું છે. જેમ કે મને યાદ છે કે અજય દેવગનના પપ્પાને અમે મુંબઈ-ટુ-મુંબઈ અઢી કલાકમાં પ્રાઇવેટ જેટ થકી શિર્ડી-શિંગણાપુરનાં દર્શન કરાવ્યાં હતાં. ‘બોલ બચ્ચન’ મૂવી વખતે દીપિકા પાદુકોણ, રોહિત શેટ્ટી, અભિષેક બચ્ચનને પ્રાઇવેટ જેટ બુક કરી આપ્યું હતું. વિવેક ઑબેરૉયની ‘પ્રિન્સ’ ફિલ્મ આવવાની હતી ત્યારે બે જ દિવસમાં પ્રાઇવેટ જેટમાં આઠ સિટીમાં તે પ્રમોશન માટે ગયો હતો. ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં સાઉથ ઇન્ડિયાના જેટલા સીન દેખાડ્યા છે એનું બધું જ શૂટિંગ પંચગની પાસેના વાઈમાં થયું હતું. એ સમયે અઢળક વાર શાહરુખ ખાન, રોહિત શેટ્ટી, દીપિકા પાદુકોણને લઈને મુંબઈ અને વાઈ વચ્ચેની હેલિકૉપ્ટર ટ્રિપ અમે કરી હતી. આ બધી જ ટ્રિપ પ્લાન કરતાં પહેલાં ત્યાં જઈને રેકી કરવાની હોય છે. ત્યાં હેલિપૅડ છે કે નહીં, ધારો કે નથી તો ત્યાંની જમીનની સ્થિતિને ધ્યાનમાં રાખીને હેલિપૅડ બનાવવું પડતું હોય છે. સ્કોપ ઑફ વર્ક સમજવા માટે તેમની સાથે રહેવું પડતું હોય છે.’
અહીં ઉલ્લેખનીય છે કે હેલિકૉપ્ટર અને ઍરક્રાફ્ટની પસંદગી તમારે કેટલા ડિસ્ટન્સ પર ટ્રાવેલ કરવું છે અને કયા સ્થળે જવું છે એના પર નિર્ભર કરતી હોય છે. જેમ કે ૩૦૦ કિલોમીટર સુધી હેલિકૉપ્ટર-ટ્રાવેલ ઉપયુક્ત હોય અને ઑફબીટ જગ્યાએ પણ એ લઈ જઈ શકાય. એથી વધુ અંતર હોય તો ચાર્ટર્ડ પ્લેન લેવું પડે. એમાં પણ ડિસ્ટન્સ મુજબ ચાર્ટર્ડ પ્લેનનાં મૉડલ બદલાતાં હોય છે. હેલિકૉપ્ટર માટે હેલિપૅડ જોઈએ જે તમે ટેમ્પરરી બનાવી પણ શકો. જોકે ચાર્ટર્ડ પ્લેન માટે પ્રૉપરલી ઍરસ્ટ્રિપ એટલે કે રનવે બનાવેલો હોય એ મહત્ત્વનું છે.
સેફ્ટી અને સિક્યૉરિટીનું શું?
કોઈ પણ ઍરક્રાફ્ટના સિક્યૉરિટી અને સેફ્ટીના નિયમો ઑલમોસ્ટ સરખા છે એમ જણાવીને સચિત કહે છે, ‘ઍઝ અ પૅસેન્જર સિક્યૉરિટી ચેક-ઇન કરવાના નિયમો તમે કમર્શિયલ ફ્લાઇટમાં બેસો એ જ રીતે હોય પરંતુ એના માટેની તમારી એન્ટ્રી જુદી હોય અને સમય ઓછો હોય. તમારે બે કલાક વેઇટ નથી કરવું પડતું હોતું. ઍરક્રાફ્ટની સેફ્ટીની વાત કરીએ તો ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) પાસેથી લાઇસન્સ મળ્યા પછી પણ તેમની પાસેથી વિવિધ સર્ટિફિકેટ રેગ્યુલરલી મેળવવાં પડતાં હોય છે અને એ મેળવવાં સરળ નથી. જેમ કે દર વર્ષે નૉન-શેડ્યુલ્ડ ઑપરેટર્સ પરમિટ લેવાની હોય છે. એ સિવાય દરેક વખતે ટેકઑફ પહેલાં ખૂબ ક્વૉલિફાઇડ એન્જિનિયર્સ દ્વારા સરકારે નક્કી કરેલા ચેકલિસ્ટ મુજબ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. એ પછી પાઇલટ પોતે પણ શરૂ કરતાં પહેલાં મહત્ત્વની બાબતોનું ચેકિંગ કરી લેતો હોય છે.’
ફ્લાઇટની સિક્યૉરિટીમાં જોખમ ઓછું કરવા માટે કેટલીક ટેક્નિકલ બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવે છે જેમ કે ઍરક્રાફ્ટમાં ટ્રાફિક કૉલિઝન અવૉઇડન્સ સિસ્ટમ બરાબર છે કે નહીં જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે હવામાં અન્ય વિમાનો સાથે અથડામણ ટળી શકે. બીજા નંબરે ઍરક્રાફ્ટમાં GPWS એટલે કે ગ્રાઉન્ડ પ્રૉક્સિમિટી વૉર્નિંગ સિસ્ટમ બરાબર કામ કરે છે કે નહીં એ જોવું મહત્ત્વનું છે જે પહાડો કે જમીન સાથે અથડાતાં પહેલાં ચેતવણી આપવા માટે જરૂરી છે. એ સિવાય વિમાન કેટલાં વર્ષ જૂનું છે એ પણ સેફ્ટીની દૃષ્ટિએ મહત્ત્વનું છે. સામાન્ય રીતે ૧૫-૨૦ વર્ષથી વધુ જૂનાં વિમાનોમાં ટેક્નિકલ ખામીની શક્યતા વધુ રહે છે. પ્લસ છેલ્લું મેજર મેઇન્ટેનન્સ ક્યારે થયું હતું એ જાણવું જરૂરી છે. સર્ટિફિકેટ ઑફ ઍરવર્ધીનેસનું દરેક લાઇસન્સ ઍરક્રાફ્ટ કંપનીએ કમ્પલ્સરી DGCA પાસેથી મેળવવાનું રહે છે, જે વિમાન ઊડવા માટે યોગ્ય છે કે નહીં એનું પ્રમાણપત્ર મનાય છે. એવી જ રીતે મેઇન્ટેનન્સ લૉગબુક, હવામાન ચકાસણી અને ઍડ્વાન્સ નૅવિગેશન સિસ્ટમ કમ્પલ્સરી મનાય છે. કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પૅસેન્જરે પોતે પણ ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ કે પ્રાઇવેટ ચાર્ટર્ડને ઉડાવનારા પાઇલટ પાસે કમ સે કમ ૧૫૦૦ કલાકનો ફ્લાઇંગ અનુભવ હોવો જરૂરી છે. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ પ્રાઇવેટ જેટમાં જવાનું નક્કી કરે ત્યારે ઉપરનાં સિક્યૉરિટી મેઝર છે કે નહીં એ પ્લસ ઇન્શ્યૉરન્સ, મેઇન્ટેનન્સ રેકૉર્ડ વગેરેનું ધ્યાન રાખવું જરૂરી છે.
લોકોની પણ ભૂલ હોય
મોટા ભાગે પ્રાઇવેટ ઍરક્રાફ્ટનો ઉપયોગ કરનારા નેતાઓ, અભિનેતાઓ કે ઉદ્યોગપતિ જેવા વગદાર લોકો હોય છે અને તેઓ પોતાના શેડ્યુલને સાચવવા કેટલીક વાર પાઇલટ પર દબાણ પણ કરતા હોય છે. વધી રહેલા ઍર-અકસ્માતને રોકવા એટલે જ DGCA દ્વારા સર્વેલન્સ અને ઑડિટનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે એટલું જ નહીં, પાઇલટ માટે ફ્લાઇટ-ડ્યુટી ટાઇમ લિમિટેશન નક્કી કરીને ટ્રેઇનિંગમાં પાઇલટને કોઈ પણ VIPના આગ્રહને વશ થઈને ખરાબ વેધરને કારણે કે અન્ય કોઈ પણ ટેક્નિકલ આશંકા વચ્ચે ફ્લાઇટ ન ઉડાવવાની હિદાયત પણ આપવામાં આવી છે. જિગર સોની કહે છે, ‘આ બાબતમાં અમે ખૂબ સાવધાની રાખી છે. ગમેતેવી સેલિબ્રિટીઝ હોય કે નેતા હોય, પાઇલટની ના આવે પછી અમે ક્યારેય ઍરક્રાફ્ટ નથી ઉડાડ્યું. મને યાદ છે કે પૃથ્વીરાજ ચવાણના ઇલેક્શન-કૅમ્પેન માટે ઍરક્રાફ્ટ બુક થયું હતું, પરંતુ એ ઍરક્રાફ્ટ કલકત્તાથી આવવાનું હતું. હવે બન્યું એવું કે ત્યાંનું વેધર ખરાબ હતું એટલે ઍરક્રાફ્ટ ત્યાંથી ટેકઑફ કરી શક્યું નહીં. પરિણામે અહીંથી તેમનો ટ્રાવેલ-પ્લાન કૅન્સલ કરવો પડ્યો. ઘણી વાર ક્લાયન્ટ આવી ગયા હોય અને જો વેધર-કન્ડિશન ખરાબ હોય અને પાઇલટની ના હોય તો અમે આગળ જ ન વધીએ અને એવા ક્રાઇસિસ-મૅનેજમેન્ટમાં અમારે ક્લાયન્ટ સાથે ડીલ કરવું પડે જેમાં ઘણી વાર ગુસ્સો પણ સહન કરવો પડે. અમે વાઈમાં હતાં અને દીપિકા પાદુકોણને હેલિકૉપ્ટરમાં મુંબઈ લાવવાની હતી. જોકે ફ્લાઇંગ ટાઇમના પણ નિયમો હોય. સૂર્યાસ્ત પછી હેલિકૉપ્ટર ન ચાલે એટલે જે ટાઇમ-લિમિટ હતી એમાં જો ક્લાયન્ટ ન આવે તો પાઇલટ તેના વિના પણ આગળ વધી શકે એ નિયમ છે. અમારા શેડ્યુલ મુજબ ૧૦ મિનિટમાં ફ્લાઇટ ઉપાડવાની હતી અને દીપિકા પાદુકોણ નદીને પેલે પાર હતી. જો તે ૧૦ મિનિટમાં નહીં પહોંચે તો પાઇલટ હેલિકૉપ્ટર શરૂ કરી દેશે એવું નક્કી હતું. લકીલી તે પહોંચી ગઈ, પણ નિયમો આવા હોય છે. એક મિનિસ્ટર હતા. ઇલેક્શન-કૅમ્પેન માટે હું તેમને લઈને રાયપુર ગયો હતો. તેમણે ત્યાંથી બીજે જવાનું હતું પણ સિક્યૉરિટી ચેકમાં પ્લેનમાં કંઈક ટેક્નિકલ ખામી આવી અને ઍરક્રાફ્ટ લઈ જઈ શકાય એમ નહોતું. અમે ના પાડી એટલે સ્વાભાવિક રીતે તેઓ ભડકી ગયા. જોકે ગમે તે થાય, ગમે તે હોય; અમે નિયમો સાથે ક્યારેય બાંધછોડ નથી કરી.’
છતાં ઍક્સિડન્ટ શું કામ થાય?
DGCA, પાઇલટ, એન્જિનિયર્સ, ઍરક્રાફ્ટ ધરાવતી કંપની એમ દરેક પક્ષથી જો બરાબર ધ્યાન રખાતું હોય અને છતાં ઍરક્રાફ્ટ ક્રૅશ થઈ જ જતાં હોય છે એનું કારણ શું? અફકોર્સ, એનું કારણ શોધવા માટે ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો કામે લાગી જતો હોય છે પરંતુ એવી કઈ-કઈ સંભાવનાઓ છે જે ઇમર્જન્સી જનરેટ કરતી હોય છે? આનો જવાબ આપે છે કારગિલ વૉરમાં અઢી મહિના સુધી સૌથી ડિફિકલ્ટ કહેવાય એવા રૂટમાં અને એવા માહોલમાં હેલિકૉપ્ટર ઉડાવી ચૂકેલા ઇન્ડિયન ઍરફોર્સના નિવૃત્ત અધિકારી અને ૧૫ વર્ષ કમર્શિયલ પાઇલટ તરીકે કામ કરનારા પ્રશાંત ઓક. તેઓ કહે છે, ‘આપણે ગમેતેટલા ટેક્નૉલૉજીમાં ઍડ્વાન્સ થઈએ કે ગમેતેટલી સાવધાની રાખીએ છતાં કેટલીક અણધારી સિચુએશન માટે આપણે તૈયાર રહેવું જ પડતું હોય છે. ૭૦૦૦ કલાકના મારા ફ્લાઇંગ એક્સ્પીરિયન્સના આધારે કહું છું કે મોટા ભાગના ઍક્સિડન્ટનાં બે જ કારણો હોય છે. સૌથી પહેલું વેધર. અચાનક તમે ઉડાવવાનું શરૂ કર્યું અને ક્લાઇમેટ બદલાયું અને એ ક્લાઇમેટને કારણે ઘણી વાર ટેક્નિકલ ખામી સર્જાતી હોય છે. એવા સમયે બીજું કારણ આવતું હોય કે પાઇલટનું ડિસિઝન. ગણતરીની સેકન્ડમાં તમારે નિર્ણય લેવાનો હોય અને એમાં તમારો સાચો નિર્ણય પણ ઘણી વાર ઘાતક નીવડતો હોય છે. મારી પોતાની સાથે ઝંસ્કાર વૅલીમાં અકસ્માત થયો છે. હું લૅન્ડ કરી રહ્યો હતો અને અચાનક કંઈક હેલિકૉપ્ટર સાથે અથડાયું અને હેલિકૉપ્ટરના ટેલ રોટર એટલે કે ઉપર ચાલતા પંખાને ડૅમેજ થયું. લકીલી અમે ચારેય જણ એમાંથી નીકળી ગયા અને પછી હેલિકૉપ્ટરના ફુરચેફુરચા ઊડી ગયા. અમે બચી ગયા પણ આંખ સામે આવું થયું છે. કારગિલ વૉર વખતે હેલિકૉપ્ટરને ગોળીઓ લાગી છે. વજનને કારણે ગ્રૅવિટીમાં જમીન પર આવતાં-આવતાં બચ્યું છે. ઘણી વાર લૅન્ડ કરતા હો એ જગ્યામાં પ્રૉબ્લેમ હોય અને અકસ્માત થાય. જોકે એટલું તો ચોક્કસ કહીશ કે ઇમર્જન્સીમાં પાઇલટનું ડિસિઝન-મેકિંગ બહુ જ મહત્ત્વનો રોલ અદા કરે છે અને ડિસિઝન-મેકિંગમાં પાઇલટનો બહોળો અનુભવ તેને ખૂબ મદદ કરતો હોય છે. ૩૪ વર્ષની મારી ફ્લાઇંગ કારકિર્દીનો કદાચ આ જ નિચોડ છે એમ કહી શકો તમે.’
એવિયેશન રિસર્ચ ગ્રુપ યુનાઇટેડ સ્ટેટ્સ (ARGUS) અને WYVERN આંતરરાષ્ટ્રીય સ્તરનાં સેફ્ટી-રેટિંગ્સ છે. જો ઑપરેટર પાસે આ સર્ટિફિકેશન હોય તો એ અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે.
અમે પણ ઊડી ચૂક્યાં છીએ પ્રાઇવેટ જેટમાં
વિલે પાર્લેમાં રહેતા ન્યુમરોલૉજિસ્ટ ભાવિક સંઘવી તેમની વાઇફ અલિશા સાથે ૨૦૧૮માં ચાર્ટર્ડ પ્લેનમાં બેસી ચૂક્યા છે. એ સમયની વાત કરતાં તેઓ કહે છે, ‘એ સમયે મારી સગાઈ નક્કી થઈ હતી અને મારે મારી વુડ-બી વાઇફને સરપ્રાઇઝ આપવી હતી. અમે શિર્ડી ગયાં હતાં અને લગભગ સાડાત્રણ લાખ ખર્ચ એ સમયે આવ્યો હતો. એ સમયે મિનિમમ પૅકેજ એ એક જ જગ્યાનું હતું. દસેક દિવસ પહેલાં બુક કર્યું. છ-સીટર પ્લેન હતું જેમાં બે પાઇલટ હતા. બીજાં બે અમે હતાં. આઇ મસ્ટ સે ઇટ વૉઝ રિયલી અ રૉયલ એક્સ્પીરિયન્સ. મુંબઈથી શિર્ડી અમે ૨૦ મિનિટમાં પહોંચી ગયાં હતાં. ત્યાં ૪ કલાકનો એ લોકોએ ટાઇમ આપ્યો અને પાછાં ક્રાફ્ટમાં જ આવ્યાં. જુદા ટર્મિનલથી ઍરક્રાફ્ટ ઊપડતું હોય છે. ત્યાં ઍરપોર્ટ પર પણ ઘણી સેલિબ્રિટીઝના અને VIPના ફોટોઝ હતા. ફ્લાઇટમાં અમને ફૂડ, ફ્રૂટ્સ, મૉકટેલ્સ વગેરે પણ આપ્યું હતું. બહુ જ સરસ અનુભવ હતો આ અમારા માટે.’
અકસ્માતનાં મુખ્ય કારણો
મેઇન્ટેનન્સમાં બેદરકારી : મહારાષ્ટ્રની બન્ને લીઅરજેટ 45 ઘટનાઓમાં જોવા મળ્યું છે કે વિમાનના સ્પેરપાર્ટ્સ અને એન્જિન સર્વિસિંગમાં ક્યાંક ખામી રહી ગઈ હતી. ઘણી કંપનીઓ ખર્ચ બચાવવા માટે મેઇન્ટેનન્સમાં વિલંબ કરે છે.
પાઇલટ ફટીગ અને ભૂલ : ચાર્ટર્ડ પાઇલટ્સ ઘણી વાર VIP દબાણ હેઠળ હોય છે. ‘ગમે તેમ કરીને લૅન્ડ કરો’ એવું દબાણ અથવા સતત ઉડાણને કારણે લાગતો થાક પણ તેમની પાસે ખોટા નિર્ણયો લેવડાવે છે.
ખરાબ હવામાન : મોટાં કમર્શિયલ પ્લેન ખરાબ હવામાનમાં ડાઇવર્ટ થઈ શકે છે પરંતુ પ્રાઇવેટ ચાર્ટર્ડ ઘણી વાર નાનાં ઍરપોર્ટ પર ઊતરવાનાં હોવાથી ત્યાં આધુનિક નૅવિગેશન સિસ્ટમ હોતી નથી, જે જોખમ વધારે છે.
જૂનાં વિમાનો : ભારતમાં ઘણા ચાર્ટર્ડ ઑપરેટર્સ વીસથી ૨૫ વર્ષ જૂનાં વિમાનો વાપરે છે. આ વિમાનોમાં આધુનિક સેફ્ટી ફીચર્સનો અભાવ હોય છે.
નિયમોનું ઉલ્લંઘન : DGCAના ઑડિટમાં વારંવાર બહાર આવે છે કે ઘણી કંપનીઓ ફ્લાઇટ ડેટા રેકૉર્ડર (Black Box) અથવા ક્રૂ-ટ્રેઇનિંગના નિયમોનું પાલન કરતી નથી.