BMCના હેડક્વૉર્ટરમાં એક આંટો મારીએ

21 February, 2026 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાંબા અરસા પછી મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં કૉર્પોરેટરોનો ધમધમાટ ફરી શરૂ થયો છે ત્યારે સ્થાપત્યના ગજબ ઉદાહરણ જેવી ૧૩૩ વર્ષ જૂની આ ઇમારત વિશે જાણીએ

BMCના હેડક્વૉર્ટરમાં એક આંટો મારીએ

આજે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું હેડક્વૉર્ટર માત્ર ઐતિહાસિક સ્મારક નહીં, મુંબઈના દૈનિક જીવનને ચલાવતું મહત્ત્વનું કેન્દ્ર છે. મુંબઈમાં પાણીપુરવઠો, રસ્તાઓ, ગટરવ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્યસેવા, શાળા અને હૉસ્પિટલ જેવી પાયાની સુવિધાઓ વિશેના મોટા નિર્ણયો અહીં લેવામાં આવે છે. શહેરના બજેટથી લઈને વિકાસ પ્રોજેક્ટ સુધીની નીતિઓનું કેન્દ્ર આ જ ઇમારત છે. આપણે બધાએ જ આ ઇમારતને બહારથી નિહાળી છે અને હવે તો ઇમારતની અંદરના સ્થાપત્યને નજીકથી જોઈ શકાય એ માટે હેરિટેજ વૉક પણ થાય છે. BMCનું હેડક્વૉર્ટર ઇલેક્શન પછી નવા કૉર્પોરેટરોના આગમન સાથે ફરી ધમધમવા માંડ્યું છે ત્યારે આપણે અહીં વાત કરવી છે આ ઇમારતના રસપ્રદ ઇતિહાસ અને સ્થાપત્ય વિશે. 

BMC હેડક્વૉર્ટરનું અસ્તિત્વ?

૧૯મી સદીના અંતમાં મુંબઈ એક વિશાળ વેપારી કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું હતું એ સમયે શહેરનો વહીવટ ચલાવવા માટે કોઈ એક મધ્યસ્થ અને ભવ્ય ઇમારત નહોતી. શહેરની નાગરિક સત્તાને એક મજબૂત ઓળખ આપવા અને મુંબઈને ભારતનું પ્રથમ શહેર સાબિત કરવા માટે આ ભવ્ય ભવનનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો હતો. Urbs Prima in Indis એ લૅટિન ભાષાનું એક સૂત્ર છે જેનો અર્થ થાય ધ ફર્સ્ટ સિટી ઇન ઇન્ડિયા. ઇમારતના મુખ્ય પ્રવેશના ત્રિકોણાકાર ભાગ પર પાંખોવાળી એક વિશાળ પ્રતીકાત્મક મૂર્તિ કંડારવામાં આવી છે. આ મૂર્તિ Urbs Prima in Indisનું પ્રતિનિધિત્વ કરે છે જે એ સમયે મુંબઈની વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતીક હતું. આ ઇમારત તત્કાલીન સરકારના સિવિલ કન્સ્ટ્રક્શન વિભાગ દ્વારા આપવામાં આવેલી જગ્યા પર બનાવવામાં આવી હતી અને એ કદમાં ૬૬૦૦.૬૫ ચોરસ મીટર હતી. આ ઇમારતનું કામ ૧૮૮૪માં શરૂ થયું હતું અને ૧૮૯૩માં પૂર્ણ થયું હતું. એ સમયે આ ભવ્ય ઇમારત બનાવવા માટે આશરે ૧૧,૧૯,૯૬૯ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ઇમારતના મુખ્ય સૂત્રધાર પ્રખ્યાત બ્રિટિશ આર્કિટેક્ટ ફ્રેડરિક વિલિયમ સ્ટીવન્સ હતા. આ ઇમારત સ્થાપત્યની બે મુખ્ય શૈલીઓનું સુંદર મિશ્રણ છે. ઇમારતની ઊંચી કમાનો, પથ્થરનું ઝીણવટભર્યું કોતરણી કામ અને ભવ્ય સ્ટેરકેસ આ શૈલીની દેન છે. ઇમારતના ગુંબજો અને મીનારાઓ ભારતીય અને ઇસ્લામિક સ્થાપત્યથી પ્રભાવિત છે. 

કૉર્પોરેશન હૉલ 

BMCના હેડક્વૉર્ટરની અંદર આવેલો કૉર્પોરેશન હૉલ માત્ર એક સભાખંડ નથી પણ મુંબઈના લોકશાહી ઇતિહાસનું હૃદય છે. આ એ જગ્યા છે જ્યાં મુંબઈના વિકાસ માટેના તમામ મોટા નિર્ણયો લેવામાં આવે છે. આ હૉલ ૬૮ ફીટ લાંબો, ૩૨ ફીટ પહોળો અને ૩૮ ફીટ ઊંચો છે. હૉલની ઉત્તર દિશામાં કલાત્મક રીતે ડિઝાઇન કરેલી રંગીન કાચની વિશાળ બારીઓ છે. આ આખો હૉલ ઉચ્ચ ગુણવત્તાના સાગના લાકડામાંથી બનાવવામાં આવ્યો છે. એની છત પરનું નકશીકામ અને દીવાલો પરની કોતરણી ૧૯મી સદીના ઉત્કૃષ્ટ શિલ્પકામનો નમૂનો છે. હૉલની અંદર લટકતાં વિશાળ અને ભવ્ય ઝુમ્મરો એની સુંદરતામાં વધારો કરે છે. હૉલની સૌથી અનોખી વિશેષતા એની દીવાલોની ઉપરની કિનારી પર આવેલી પથ્થરની ૧૮ મૂર્તિઓ છે. આ દરેક મૂર્તિએ અલગ-અલગ પ્રકારની પાઘડીઓ પહેરી છે જે એ સમયના મુંબઈના ૧૮ વિવિધ સમુદાયો જેમ કે પારસી, કોળી, પઠાણ વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે. આ એ વાતનું પ્રતીક છે કે મુંબઈ દરેક વર્ગના લોકોનું બનેલું છે. આ મૂર્તિઓ હૉલની ચારેય દીવાલોની બિલકુલ ઉપરના ભાગમાં જ્યાં દીવાલ અને છત ભેગી થાય છે ત્યાં એક લાઇનમાં ગોઠવાયેલી છે. આઝાદી પહેલાં આ હૉલમાં બ્રિટિશ અધિકારીઓના ફોટો અને પ્રતિમાઓ હતાં પરંતુ આઝાદી પછી એ તમામ હટાવીને ભારતના મહાન સ્વતંત્રતાસેનાનીઓ અને રાજકીય નેતાઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. આ હૉલમાં જ મુંબઈના પ્રથમ ભારતીય મેયરે પદભાર સંભાળ્યો હતો. અહીંની બેઠક વ્યવસ્થા અર્ધવર્તુળાકાર છે, જેથી દરેક સભ્ય મેયરની સામે રહી શકે અને ચર્યામાં ભાગ લઈ શકે. 

બેવડો ગુંબજ

BMCના હેડક્વૉર્ટરની સૌથી મોટી વિશેષતા એની ડ્યુઅલ ડોમ એટલે કે બેવડા ગુંબજવાળી ડિઝાઇન છે જે સ્થાપત્ય અને વિજ્ઞાનનો અદ્ભુત સંગમ છે. ઇમારતની બહારથી દેખાતા ગુંબજની વાત કરીએ તો એ ડુંગળી આકારનો છે જે આશરે ૨૩૫ ફીટની ઊંચાઈ પર સ્થિત છે. ઇમારતની અંદર મુખ્ય હૉલમાં ઊભા રહીને ઉપર નજર કરીએ તો જે છત દેખાય છે એ વાસ્તવિકતામાં એક બનાવટી ગુંબજ છે. આ આંતરિક ગુંબજ ૨૩.૫ કૅરૅટ સોનાના વરખથી મઢાયેલો છે. ગુંબજના દરેક ચોરસ મીટર દીઠ આશરે ૧૦ ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે. આ બન્ને ગુંબજની વચ્ચે રહેલી ખાલી જગ્યામાં ૧૯મી સદીનું એક રહસ્ય છુપાયેલું છે અને એ છે પાણીની વિશાળ ટાંકીઓ. એ સમયમાં આ ટાંકીના પાણીના દબાણનો ઉપયોગ કરીને ઇમારતની હાઇડ્રોલિક લિફ્ટ ચલાવવામાં આવતી હતી. આ ઉપરાંત આ ટાંકીઓ આખી ઇમારત માટે અગ્નિશમન વ્યવસ્થા તરીકે પણ કામ કરતી હતી. BMC હેડક્વૉર્ટરની કુલ ઊંચાઈ ૨૫૫ ફીટ છે, જે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી લગભગ ૬૫ ફીટ ઊંચી છે. જાણી જોઈને એની ઊંચાઈ વધારે રાખવામાં આવી હતી જેથી નગરપાલિકાનું વર્ચસ્વ દેખાઈ આવે. આ ઊંચાઈ એ વાતનું પ્રતીક હતી કે શહેરનો વહીવટ સૌથી ઉપર છે. 

ફ્લોટિંગ સ્ટેરકેસ

અહીંની ફ્લોટિંગ સ્ટેરકેસ પણ વિશેષ આકર્ષણ છે જે BMCના હેડક્વૉર્ટરમાં મેયરની ઑફિસના એન્ટ્રસ પાસે આવેલી છે. પથ્થરની આ ભવ્ય સીડીઓ પ્રથમ માળ તરફ લઈ જાય છે. આ સીડીઓની સૌથી મોટી વિશેષતા એ છે કે એ કોઈ પણ પ્રકારના પિલર કે થાંભલાના ટેકા વગર ઊભી છે. આ એક કેન્ટિલીવર સ્ટ્રક્ચર છે જે માત્ર એક બાજુથી દીવાલ સાથે જોડાયેલું છે. ૧૯મી સદીમાં જ્યારે આધુનિક મશીનરી નહોતી ત્યારે પથ્થરની આટલી વનજદાર સીડીઓને આ રીતે હવામાં ટકાવી રાખવી એ એન્જિનિયરિંગનો એક ચમત્કાર માનવામાં આવે છે. સીડીની શરૂઆતમાં જ પથ્થરમાંથી કંડારેલા ભવ્ય સિંહ જોવા મળે છે જે ઇટલીના વેનિસ શહેરના સ્થાપત્યની યાદ અપાવે છે. સીડીઓ પરની ઝીણવટભરી કોતરણી અને એની ભવ્યતા મુલાકાતીઓને કોઈ રાજમહેલ હોવાનો અનુભવ કરાવે છે. આ સીડીઓ પરથી ઉપર તરફ જોતાં ઇમારતનો વિશાળ ગુંબજ અને નીચેની ભવ્ય લૉબીનો સુંદર નઝારો દેખાય છે. 

મેયરની કૅબિન વગરનું હેડક્વૉર્ટર

જ્યારે ૧૮૯૩માં BMC હેડક્વૉર્ટરની આ ભવ્ય ઇમારત બનીને તૈયાર થઈ ત્યારે એમાં મેયર માટે કોઈ અલગ ઑફિસ કે ચેમ્બરની વ્યવસ્થા જ કરવામાં આવી નહોતી. એ સમયે મેયર માત્ર કૉર્પોરેશનની મીટિંગોમાં હાજરી આપવા આવતા અને મીટિંગ પૂરી થયા પછી જતા રહેતા. એ સમયે શહેરનો બધો જ પાવર બ્રિટિશ સરકાર દ્વારા નિમણૂક કરાયેલા મ્યુનિસિપલ કમિશનર પાસે હતો. કમિશનર પાસે આલીશાન ઑફિસ હતી પરંતુ મેયર પાસે બેસવા માટેની જગ્યા પણ નહોતી. મેયરનું પદ ત્યારે માત્ર એક સેરેમોનિયલ હતું. આ પરિસ્થિતિ ૧૯૨૪-’૨૫માં બદલાઈ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ મુંબઈના મેયર (એ સમયે તેને પ્રેસિડન્ટ કહેવાતા) બન્યા. તેઓ સ્વભાવે ખૂબ જ મક્કમ હતા. તેમણે જીદ કરી કે જો હું આ શહેરનો પ્રથમ નાગરિક હોઉં તો મારું પોતાનું એક સત્તાવાર કાર્યાલય આ ઇમારતમાં હોવું જ જોઈએ. તેમના આ આગ્રહ અને વિરોધ પછી જ BMC બિલ્ડિંગમાં મેયર માટે ખાસ મેયર્સ ચેમ્બર તૈયાર કરવામાં આવી. 

મુંબઈ મહાનગરપાલિકાના જનક

BMC હેડક્વૉર્ટરની ઇમારત બહાર ઊભેલી અત્યંત પ્રતિભાશાળી પ્રતિમા સર ફિરોઝશાહ મહેતાની છે. સર ફિરોઝશાહ મહેતાને ધ ફાધર ઑફ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને લાયન ઑફ બૉમ્બે તરીકે ઓળખવામાં આવે છે. તેઓ માત્ર એક કુશળ વકીલ જ નહીં પરંતુ એક મહાન દેશભક્ત પણ હતા. આજે મુંબઈ જે મ્યુનિસિપલ કાયદાઓ પર ચાલે છે એનો પાયો તેમણે જ નાખ્યો હતો. મુંબઈને ભારતનું પહેલું વ્યવસ્થિત શહેર બનાવવામાં સર ફિરોઝશાહ મહેતાનો મોટો ફાળો છે. તેમણે જ ૧૮૭૨માં બૉમ્બે મ્યુનિસિપલ ઍક્ટનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. એના દ્વારા જ મુંબઈને એનું પહેલું નાગરિક માળખું મળ્યું, જેના કારણે લોકોને પાણી, રસ્તા અને સફાઈ જેવી પાયાની સુવિધાઓ મળવાની શરૂઆત થઈ. બ્રિટિશ શાસન દરમિયાન જ્યાં આજે ફિરોઝશાહ મહેતાનું સ્ટૅચ્યુ છે ત્યાં અંગ્રેજો કિંગ જ્યૉર્જ પાંચમાની પ્રતિમા લગાવવા માગતા હતા, પરંતુ સર ફિરોઝશાહ મહેતાએ એનો સખત વિરોધ કર્યો. તેમણે નીડરતાથી કહી દીધું કે જે વ્યક્તિએ આ શહેરના વિકાસ માટે કંઈ જ કર્યું નથી તેની પ્રતિમા અહીં ક્યારેય ન હોઈ શકે. સર ફિરોઝશાહ મહેતાના અવસાન બાદ તેમની યાદમાં અહીં ૧૯૨૩ની ત્રીજી એપ્રિલે ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા બ્રિટિશ શિલ્પકાર ડેરવેન્ટ વુડ દ્વારા લંડનમાં તૈયાર કરવામાં આવી હતી અને ત્યાર બાદ એને મુંબઈ લાવવામાં આવી હતી. 

columnists mumbai news brihanmumbai municipal corporation mumbai things to do in mumbai whats on mumbai