27 June, 2025 01:12 PM IST | Madhya Pradesh | Kajal Rampariya
પ્રોફેસર વિજય મહીડા વિવિધ કૉલેજોમાં બાળકોને લેક્ચર આપવા જાય છે.
મધ્ય પ્રદેશના નાના ગામડાનો ગરીબ ઘરનો છોકરો બારમા ધોરણમાં ફેલ થયા બાદ અઢળક ચૅલેન્જિસ ફેસ કરીને ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)નો ઑફિસર બન્યો એની ઇન્સ્પાયરિંગ જર્ની જગજાહેર છે. મનોજ કુમાર શર્માના જીવન પર આધારિત ફિલ્મ ‘12th ફેલ’ દ્વારા આપણને આ ગાથા જાણવા મળી હતી. આ એક જ સ્ટોરી નથી, આવી અઢળક સ્ટોરીઓ છે જે સમાજમાં ભણતરની તાકાતને સમજાવે છે. ઝીરોમાંથી હીરો બનેલા લોકો એ સાબિત કરે છે કે શિક્ષણ માત્ર નોકરી કે સફળ કારકિર્દી માટેનું સાધન નથી; એ વિચારધારાનો વિકાસ કરે છે, આધુનિકતા સાથે કદમ મિલાવવાની તાકાત આપે છે અને સમાજમાં સન્માન અપાવવાની સાથે સશક્ત બનાવી શકે એવું શક્તિશાળી હથિયાર પણ બની શકે છે. વિદ્યાવિહારમાં રહેતા પ્રોફેસર ડૉ. વિજય મહીડાએ પણ આ વાત સાબિત કરી બતાવી છે. પરિવારમાં જ નહીં, તેમના સમાજમાં પણ સૌથી વધુ શિક્ષણ મેળવનારા વિજયભાઈ દસમા ધોરણમાં નાપાસ થયા બાદ પણ સતત સંઘર્ષ કરીને PhD (ડૉક્ટર ઑફ ફિલોસાૅફી)ના મુકામ સુધી પહોંચીને અઢળક બાળકોના પ્રેરણાસ્રોત બની રહ્યા છે. ડિગ્રી કૉલેજના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહેલા વિજયભાઈ અલગ-અલગ સમાજમાં બાળકોને ભણતરનું મહત્ત્વ સમજાવવાની સાથે એને કારણે જીવન કઈ રીતે ઉજ્જવળ બનાવી શકાય એ સમજાવી રહ્યા છે ત્યારે તેમની સંઘર્ષયાત્રા પણ જાણવા જેવી છે.
ડૉ. વિજય મહીડા તેમનાં પત્ની બીના અને દીકરા જય સાથે.
ટેન્થ ફેલ
આજના યુગમાં જ્યારે ટેક્નૉલૉજી અને ગ્લોબલ કૉમ્પિટિશન વધી રહી છે ત્યારે શિક્ષણ વિના જીવનમાં યોગ્ય સ્થાન મેળવવું મુશ્કેલ છે. વિદ્યાર્થીઓ માટે ડૉ. વિજય મહીડાનું જીવન એ સંદેશ આપે છે કે પિતા મજૂર હોય કે સફાઈકામદાર, પણ જો ઇરાદો મજબૂત હોય તો તેમનાં સંતાનો માટે શિક્ષણના દરવાજા હંમેશાં ખુલ્લા રહે છે. તેમના સંઘર્ષકાળને યાદ કરતાં ઍકૅડેમિક જર્નીની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે વિજયભાઈ કહે છે, ‘મેં શાળાકીય શિક્ષણ વિદ્યાવિહારમાં આવેલી ગુજરાતી મીડિયમની સ્કૂલ એસ. કે. સોમૈયા વિનયમંદિરમાંથી પ્રાપ્ત કર્યું છે. હું દસમા ધોરણની પરીક્ષામાં ગણિતના વિષયમાં નાપાસ થયો હતો, ૧૫૦ માર્કમાંથી મને ફક્ત ૨૪ મળ્યા હતા. ૧૯૯૭માં ત્રીજા પ્રયાસમાં હું પાસ તો થયો, પણ નાપાસથી પાસ થવાનો સમયગાળો મારા જીવનનો સૌથી કપરો સમય હતો. મારા પરિવારમાં મારા પપ્પા BMCના સાફસફાઈ વિભાગમાં કામ કરતા હતા, મમ્મી હાઉસવાઇફ હતી અને ભાઈ-બહેન પણ ભણેલાં નહોતાં. એટલે કે મારા ઘરમાં કોઈએ ડિગ્રી સુધીનું ભણતર પૂરું કર્યું જ નહોતું. જો કોઈ વિદ્યાર્થી એક વાર નાપાસ થાય તો તેના પરિવારવાળા નાની-મોટી નોકરી શોધીને તેને કમાતો કરવાના પ્રયત્નો કરતા હોય છે અને આ દરમ્યાન ભણવાની ઇચ્છા હોય તો પણ વ્યક્તિ માનસિક દબાણમાં આવીને નોકરીએ લાગી જાય છે અને ભવિષ્યની પથારી ફેરવી નાખે છે. હું પણ કુરિયર-બૉય, સેલ્સમૅન અને સિક્યૉરિટી ગાર્ડ જેવી નોકરીઓ માટે ઇન્ટરવ્યુ આપવા લાગ્યો હતો; પરંતુ મારા પરિવારે અને ખાસ કરીને મારી મમ્મી અને ભાઈએ મને સમર્થન આપ્યું ત્યારે હું પરીક્ષામાં પાસ થઈ શક્યો. ઘણા લોકોએ નાપાસ થવાનાં મહેણાં માર્યાં, માનસિક દબાણ અને તનાવ પણ આવ્યાં; પણ મારાં મમ્મી અને ભાઈએ મને પુશ કર્યો કે આપણે આવી જિંદગી નથી જીવવી. ત્યાર પછી મેં નક્કી કર્યું કે મારે મારા પપ્પા અને ભાઈની જેમ સંઘર્ષભર્યું અને આર્થિક તંગીવાળું જીવન નથી જીવવું, ભણી-ગણીને સારું જીવન જીવવું છે. મારો વીક પૉઇન્ટ ગણિતનો વિષય હતો એ મને ખબર હતી અને મેં એને જ મજબૂત કરવાનું કામ કર્યું. દસમા ધોરણની પરીક્ષા પાસ કરી ત્યારે જંગ જીતી ગયા જેવું ફીલ થયું, પણ ડિગ્રી માટેનો ખરો જંગ તો હજી શરૂ થવાનો બાકી હતો.’
ભણતરની ભૂખ
નાપાસનો થપ્પો હટાવીને પાસ થયાનું સર્ટિફિકેટ મેળવ્યા બાદ વિજયભાઈની ઍકૅડેમિક જર્નીની ગાડી પાંચમા ગિઅરમાં દોડવા લાગી. તેમના જીવનમાં આવેલા ટર્નિંગ પૉઇન્ટ વિશે વિજયભાઈ કહે છે, ‘દસમાની પરીક્ષા પાસ કરીને હું અગિયારમા ધોરણ માટે સોમૈયા કૉલેજમાં ઍડ્મિશન લેવા ગયો ત્યારે મને એવો જવાબ મળ્યો કે અમે રિપીટર્સને ઍડ્મિશન નથી આપતા. ઇનહાઉસ સ્ટુડન્ટ હોવા છતાં ઍડ્મિશનનો ઇનકાર સાંભળ્યા બાદ મેં ઘાટકોપરની એચ. વી. કે. તન્ના કૉલેજમાં અપ્લાય કર્યું. ત્યાંના પ્રિન્સિપાલે મારા ઍકૅડેમિક પર્ફોર્મન્સને જોયા બાદ ભણતરને સુધારવાની શરત રાખી અને મેં એને માન્ય કર્યા બાદ કૉમર્સ સ્ટ્રીમમાં ઍડ્મિશન આપ્યું. પછી મારી ગાડીએ સ્પીડ પકડી. બારમા ધોરણમાં હું ૬૭.૫૦ ટકાથી પાસ થયો એટલું જ નહીં, બધા જ વિષયમાં પાસ થઈને આખી કૉલેજમાં બીજા ક્રમાંકે આવ્યો. પરીક્ષામાં આવેલા સારા માર્ક્સ મારા માટે રિવૉર્ડ્સની જેમ કામ કરતા ગયા એમ BCom અને MCom કર્યું. મારી ભણવાની ભૂખ વધતી ગઈ. હું જે ક્લાસમાં ભણવા જતો હતો ત્યાં મારી સાથે ભણતા વિદ્યાર્થીઓ ક્યારેક ન આવે તો હું તેમને ભણાવીને સમજાવી દેતો. એ લોકોને મારી શીખવવાની પદ્ધતિ એટલી ગમતી કે તેમને એક જ વારમાં સમજાઈ જતું. આ ઘટનાએ મને રિયલાઇઝ કરાવ્યું કે મારામાં શિક્ષકની ક્વૉલિટી છે તો આ ક્વૉલિટીને હું બીજાં બાળકોના ભણતરને સરળ બનાવવામાં યુઝ કરીશ એવો સંકલ્પ લીધો અને પછી મેં BEd, MEdની ડિગ્રી પણ મેળવી, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા રાષ્ટ્રીય સ્તરે લેવાતી NET એટલે કે નૅશનલ એલિજિબિલિટી ટેસ્ટ બે વાર ક્રૅક કરી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રાજ્યસ્તરે થતી SET એટલે કે સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ પણ આપી છે. જોતજોતાંમાં મેં કૉમર્સ ઍન્ડ મૅનેજમેન્ટમાં PhD કર્યું અને સમયનું ચક્ર તો જુઓ, જે તન્ના કૉલેજમાં હું અગિયારમું-બારમું ભણ્યો એ જ મૅનેજમેન્ટની ડિગ્રી કૉલેજ એટલે કે રામજી આસર વિદ્યાલયની લક્ષ્મીચંદ ગોળવાલા કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સના પ્રોફેસર તરીકે ૨૦૧૨માં વરણી થઈ અને હવે હું અહીં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું.’
મિશન એજ્યુકેશન
વિજયભાઈ ભણવાના મામલે પૂર્ણવિરામ નહીં પણ અલ્પવિરામ લગાવતા જાય છે. PhD કર્યા બાદ હવે તેઓ LLB (બૅચલર ઑફ લૉઝ) કરી રહ્યા છે. તેમની ઍકૅડેમિક અચીવમેન્ટ્સ તો ગણી ગણાય નહીં એટલી છે. અત્યારે ભલે તેઓ પ્રોફેસર તરીકે તેમની જ કૉલેજનાં બાળકોને શીખવી રહ્યા છે, પણ આ સાથે સામાજિક સ્તરે પણ શિક્ષણ પ્રત્યે જાગરૂકતા ફેલાવવામાં કોઈ કસર નથી છોડી રહ્યા. તેઓ નૅશનલ એજ્યુકેશન પૉલિસી હેઠળ ફન્ડામેન્ટલ્સ ઑફ બિઝનેસ, ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ટેક ટ્રેન્ડ્સ અને કરન્ટ ટ્રેન્ડ્સ ઇન હ્યુમૅનિટીઝ, કૉમર્સ ઍન્ડ સાયન્સ જેવા પુસ્તકમાં સહલેખક રહી ચૂક્યા છે. વિજયભાઈએ કેમ્બ્રિજ બોર્ડ અંતગર્ત બિઝનેસ સ્ટડીઝના સબ્જેક્ટમાં ટીચર તરીકે ટ્રેનિંગ લીધી હતી. હવે તેઓ મુંબઈ અને મહારાષ્ટ્રની કૉલેજોના વિદ્યાર્થીઓ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે ડિજિટલ પ્લૅટફૉર્મ્સની મદદથી વિદેશી બાળકોને પણ લેક્ચર્સ આપે છે.
સમાજમાં સૌથી શિક્ષિત
વિજયભાઈ ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોવા છતાં સડસડાટ ઇંગ્લિશ બોલી લે છે. અંગ્રેજી ભાષા શીખવામાં મુશ્કેલી પડી હતી, પણ ધગશ હતી એટલે તેમણે આ ભાષાને જલદી શીખી લીધી હતી. તેમનાં પત્ની બીના મહીડા પાસે હોમ સાયન્સની ડિગ્રી છે અને તેમનો ૧૨ વર્ષનો દીકરો જય અત્યારે સાતમા ધોરણમાં ભણી રહ્યો છે. ઘાટકોપર ગુજરાતી ગૌરવ પુરસ્કાર અને હિન્દુ મેઘવાળ રત્ન પુરસ્કારથી સન્માનિત થયેલા વિજયભાઈ પોતાના અનુભવો જણાવતાં કહે છે, ‘હું મેઘવાળ સમાજનો છું અને મારા સમાજનો લિટરસી રેટ બહુ જ ઓછો છે. કદાચ હું જ મારા સમાજની સૌથી શિિક્ષત વ્યક્તિ છું. આજની તારીખમાં પણ ગરીબી અને સોશ્યલ મીડિયાના ડિસ્ટ્રેક્શન જેવાં કારણોસર બાળકો ભણતાં નથી, પણ હું હંમેશાં ટ્રાય કરું છું કે મારી આસપાસ રહેતાં બાળકો ભણે-ગણે અને આગળ વધે. હું તેમને મારું જ ઉદાહરણ આપીને સમજાવું છું કે શિક્ષણનો પાવર કેટલો છે. એ એવો વારસો છે જે સમાજમાં માનસિક અને બૌદ્ધિક વિકાસમાં અગત્યનું યોગદાન આપે છે અને આવનારી પેઢીને પણ એ તારશે. હું વિવિધ સમાજ અને અઢળક જુનિયર કૉલેજોમાં નિયમિત નિ:શુલ્ક લેક્ચર્સ આપવા જઉં છું અને બાળકોને ભણતર પર ધ્યાન આપવાની ભલામણ કરું છું. એની સાથે પેરન્ટ્સ તરીકે વાલીઓને પણ કઈ રીતે તેમના વિકાસમાં મદદરૂપ થવું એ સમજાવવાના પ્રયાસ કરું છું.’