08 September, 2025 01:00 PM IST | Mumbai | Darshini Vashi
પ્રતીકાત્મક તસવીર
૧૭ કરતાં પણ વધારે ડિગ્રી : જ્ઞાન ક્યારેય નકામું જતું નથી
પલક મહેતા
બોરીવલીમાં રહેતાં અને વ્યવસાયે હોમિયોપૅથિક ડૉક્ટર એવાં ૫૭ વર્ષનાં પલક મહેતા કહે છે, ‘મને નવું-નવું શીખવાનો પહેલાંથી શોખ રહ્યો છે. મારી પાસે ૧૭ કરતાં પણ વધારે ડિગ્રી છે. એક હોમિયોપૅથિક ડૉક્ટર તરીકે મારી પાસે BHMS એટલે કે Bachelor of Homeopathic Medicine and Surgeryની ડિગ્રી તો છે જ; આ સિવાય મેં ચાઇલ્ડ હેલ્થ, ગાયનેકોલૉજી ઍન્ડ ઑબ્સ્ટેટ્રિક્સ, ફૅમિલી-પ્લાનિંગના કોર્સ પણ કેઈએમ અને વાડિયા હૉસ્પિટલમાંથી કર્યા છે. મેડિકલ સિવાયના ક્ષેત્રમાં પણ મેં અનેક કોર્સ કર્યા છે અને ડિગ્રી તેમ જ સર્ટિફિકેટ મેળવ્યાં છે. ભરતનાટ્યમમાં મારી રુચિ શરૂઆતથી જ રહી હતી એટલે હું હોમિયોપથીના અભ્યાસ સાથે ભરતનાટ્યમ પણ શીખી છું. લગભગ ૯ વર્ષ સુધી મેં આ નૃત્ય શીખ્યું અને એમાં BA, BEd, MA, MEd કરીને PhDની થીસિસ લખી હતી. સંગીત વગર નૃત્ય અધૂરું છે. મેં ક્લાસિકલ સંગીતમાં પણ ઍડ્વાન્સ શિક્ષણ લીધું છે. એમાં BA, BEd, MA કર્યું છે. હું બાળપણથી સ્વાધ્યાય સાથે જોડાયેલી છું એટલે મેં એમાં ત્રણ પરીક્ષા પણ આપી છે. ત્યાર બાદ મેં ઍસ્ટ્રોલૉજી, ન્યુમરોલૉજી, જેમોલૉજીનો પણ કોર્સ કર્યો. ૩ વર્ષથી હું સૌરભ બોથરાનો ઑનલાઇન યોગ કોર્સ પણ કરું છું. લગ્ન પહેલાં મેં ટાઇલ્સ પેઇન્ટિંગ, ફૅબ્રિક પેઇન્ટિંગનો પણ કોર્સ કર્યો હતો. ત્યાં સુધી કે મેં પ્રોફેશનલ મેકઅપ કોર્સ પણ કર્યો છે જેના માટે મેં એક પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ પાસે જઈને ત્રણ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ કર્યો હતો. કોરોના સમયમાં દવાખાનું તો ચાલુ જ હતું પણ સાથે-સાથે મેં એ સમયનો સદુપયોગ કરીને ઑનલાઇન શૅરબજાર પણ શીખી લીધું હતું. એ માટે મેં જતીન સંઘવી પાસે ઑનલાઇન કોર્સ કર્યો હતો. મારા પેરન્ટ્સે મને શીખવ્યું હતું કે જ્યાં ચાન્સ મળે ત્યાં શીખતાં જવાનું. બધી વસ્તુનું નૉલેજ હોવું જોઈએ. જીવનમાં ગમે તે સમયે કંઈ પણ કામ આવી શકે છે. જ્ઞાન ક્યારેય નકામું જતું નથી અને એનો મને સ્વાનુભવ પણ છે.’
યાદ રહે ભણવાની ઇચ્છાની સાથે પૅશન પણ એટલું જ જરૂરી
ગાયત્રી મહેતા
નવું-નવું શીખવાની તો બહુ ઇચ્છા હોય પણ એને પૂરી કરવા માટે એની પાછળ પડી રહેવું પડે છે અને એ માટે પૅશન જોઈએ. એનું ઉત્તમ ઉદાહરણ આ લેડી છે. વિલે પાર્લેમાં રહેતાં ૬૬ વર્ષનાં ગાયત્રી મહેતા કહે છે, ‘મેં ૧૯૭૯ની સાલમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી BComની ડિગ્રી લીધી હતી. ત્યાર બાદ ૧૯૮૩માં મેં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી લિટરેચરમાં MA કર્યું હતું. ૨૦૧૩માં મેં માસ્ટર ઇન વિઝ્યુઅલ આર્ટ કર્યું હતું. એ સમયે મારી ઉંમર ૫૩ વર્ષની હતી. મારું એક પૅશન હતું કે પોટ્રેટને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે મારે માસ્ટરની ડ્રિગી જોઈશે એટલે હું રશિયા જઈને એક મહિનાનો ડ્રૉઇંગ ઍન્ડ પેઇન્ટિંગ ફિગર ઍન્ડ પોર્ટ્રેટનો સર્ટિફિકેટ કોર્સ પણ કરી આવી છું. અમેરિકાના એક પ્રોફેસર ભારત આવ્યા હતા. તેમની પાસે મેં પોર્ટ્રેટની વર્કશૉપ પણ કરી છે. મારે ઘણાં વર્ષો પહેલાં આ બધી ડિગ્રીઓ લઈ લેવી હતી, પરંતુ મારા ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી એટલે ત્યારે હું આ બધું ભણી શકું એમ નહોતી. માથે પિતાનો હાથ રહ્યો નહોતો પણ મારી મમ્મીએ બધી જવાબદારી સંભાળી લીધી. મારામાં રહેલું પેઇન્ટિંગ અને આર્ટ માટેનું પૅશન તે ઓળખી ગયેલી. આર્થિક સ્થિતિ નબળી હતી છતાં નાસ્તા બનાવીને એ વેચીને તેણે મારું પૅશન ચાલુ રાખ્યું. જોકે એ સમયે આજની જેમ આર્ટની કદર નહોતી. તમને એમાંથી આવકનો સ્રોત મળી રહેશે એવી ત્યારે ખાતરી આપી શકાતી નહીં. મારે મમ્મીને મદદ કરવા કમાવું હતું એટલે મેં મારા પૅશનને બ્રેક મારી અને BCom કર્યું. હું ભણવામાં ખૂબ હોશિયાર હતી એટલે મારા પ્રોફેસરે મને માસ્ટર ઇન ગુજરાતી લિટરેચર કરવાની સલાહ આપી. મેં એ કર્યું અને મને SNDT કૉલેજમાં નોકરી પણ મળી ગઈ. હું ત્યાં ભણાવવા જતી ત્યાં બ્રેકમાં લાઇબ્રેરીમાં બેસીને હું આર્ટ સંબંધિત બુક્સ વાંચતી. ત્યાર બાદ મેં ત્યાંથી MA વિથ પેઇન્ટિંગ કર્યું. ત્યાર બાદ મારાં પેઇન્ટિંગનાં જહાંગીર આર્ટ ગૅલરીમાં એક્ઝિબિશન થવા લાગ્યાં. પછી મને વધુ શીખવાની ઇચ્છા થઈ એટલે મેં માસ્ટર ઇન વિઝ્યુઅલ આર્ટ કર્યું. ત્યાર બાદ ૨૦૧૪માં મેં ઇન્ડિયન એસ્થેટિક્સનો કોર્સ કર્યો. ત્યાર બાદ રશિયામાં જઈને કોર્સ કર્યો અને હાલમાં સ્ટોરીબોર્ડ રાઇટિંગમાં સર્ટિફિકેટ કોર્સ કર્યો છે. આ સિવાય મેં અત્યારે એક કથનાત્મક, ભાવનાત્મક રીતે કમિશન્ડ પોર્ટ્રેટ બનાવ્યું છે જે ભારતમાં કદાચ અત્યાર સુધીમાં કોઈએ બનાવ્યું નથી. આગળ મારી ઇચ્છા પેઇન્ટિંગમાં જ ડૉક્ટરેટ કરવાની છે, પણ આપણે ત્યાં અમુક વિષયોમાં ડૉક્ટરેટ કરવા માટે વયમર્યાદા હોવાનું મને કહેવામાં આવ્યું છે. જોકે હું મારી રીતે ટ્રાય કરું છું.’
ભણવાની કોઈ ઉંમર નથી હોતી
અશ્વિન વશી
ભણવાની કોઈ ઉંમર ન હોવી જોઈએ કેમ કે ભણતર તમારું જ નહીં, તમારી આસપાસના લોકોનું અને સમાજનું પણ ભલું કરી શકે છે એમ જણાવતાં ૭૦ વર્ષના BEd, MA, LLB થયેલા અશ્વિન વશી આગળ કહે છે, ‘હું પહેલાં જોગેશ્વરીની સ્કૂલમાં ટીચર હતો. ત્યાર બાદ હું પ્રિન્સિપાલ બન્યો અને ૨૦૧૪ની સાલમાં નિવૃત્ત થઈ ગયો. એક ભૂતપૂર્વ શિક્ષક તરીકે હું સાક્ષરતાનું મહત્ત્વ ખૂબ જ સારી રીતે જાણું છું અને સમજાવું પણ છું. શિક્ષક તરીકે મેં સાક્ષરતાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને યોગ્ય જ્ઞાન આપ્યું. હવે મારી ફરજ સમાજમાં સાક્ષરતાનો ઉપયોગ કરવાની છે એટલે મેં ૭૦ વર્ષની ઉંમર નજીક હતો ત્યારે LLB કરવાનો નિર્ણય લીધો. મેં LLBનો અભ્યાસ કર્યો અને હવે ૧૪ તારીખે મારી LLMની એક્ઝામ છે. LLB કરવા પાછળનું કારણ કહું તો મેં ઘણાં વર્ષોથી જોયું છે કે અહીં લીગલ સર્વિસ ઘણી મોંઘી પડે છે એટલે ઘણા લોકો કોર્ટ સુધી જઈ શકતા નથી. કેટલીયે સમસ્યા અને ગુનાઓ બહાર આવી શકતાં નથી. સામાન્ય લોકો માટે જેઓ પાસે પૈસા નથી તેમના માટે કોર્ટમાં લડી શકે તેવા વકીલની મને જરૂર લાગી એટલે મેં LLBનો અભ્યાસ કર્યો અને મેં ભાઈંદરમાં મારી ઑફિસ પણ ખોલી છે. હવે હું નિવૃત્ત છું એટલે મારે મારો સમય સમાજસેવામાં અને જરૂરતમંદ લોકોની મદદ પાછળ આપવો છે.’
એક્સ્પ્લોર કરવું મને ગમે છે, પછી એ કોઈ જગ્યા હોય કે પછી ભણતર
રૂપલ ધ્રુવ
કાંદિવલીમાં રહેતાં ૫૧ વર્ષનાં રૂપલ ધ્રુવ કહે છે, ‘હું BCom ગ્રૅજ્યુએટ છું અને હું છેલ્લાં ઘણાં વર્ષોથી ઇન્શ્યૉરન્સના બિઝનેસ સાથે સંકળાયેલી છું. લગ્ન બાદ મેં બાળકોને ભણાવવા અને મોટાં કરવા ઉપરાંત ઘણા કોર્સ પણ કર્યા. જેમ કે લગ્ન બાદ મેં વેલનોન ઇન્સ્ટિટ્યૂટમાંથી ફૅશન-ડિઝાઇનિંગનો કોર્સ કર્યો. ત્યાર બાદ મેં પાવર યોગમાં ડિપ્લોમા કર્યો. રેકીનો પણ કોર્સ કર્યો અને પછી માઇન્ડ પાવર ટ્રેઇનરનો કોર્સ કર્યો. સ્નેહ દેસાઈ પાસે હું શીખી રહી છું. હિપ્નોટિઝમનો કોર્સ અત્યારે કરી રહી છું. આ બધા કોર્સ મેં મારા પૅશન માટે જ કર્યા છે. આ બધામાં મારો કોઈ બિઝનેસ પર્પઝ નથી. મને ટ્રાવેલિંગ કરવાની સાથે નવી-નવી વસ્તુઓ અને વિષયો એક્સ્પ્લોર કરવાનું ગમે છે એટલે હું બધું શીખું છું. પછી બાબા રામદેવના આશ્રમમાં જઈને પણ સાત દિવસનો યોગ કોર્સ કરી આવી છું. બ્રહ્માકુમારી સાથે સંકળાયેલી છું. સામાજિક કાર્યો પણ કરું છું. મારી જૉઇન્ટ ફૅમિલી છે છતાં હું મારી જવાબદારી અને નવું-નવું શીખવાના પૅશનની વચ્ચે સંતુલન જાળવી રાખવાના પ્રયત્નો કરું છું.’