27 September, 2025 01:38 PM IST | Mumbai | Deepak Mehta
કમાન્ડર નાણાવટી આર્થર રોડ જેલ તરફ
૨૪ નવેમ્બર, ૧૯૬૧.
છેલ્લા કેટલાક દિવસથી જે કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયામાં ચાલી રહી હતી એનો આજે ચુકાદો આવવાનો છે. કોર્ટ રૂમ ભરાઈ તો ગયો છે પણ મુંબઈના લોકોને આ કેસમાં જેટલી દિલચસ્પી હતી એટલી દિલ્હીના લોકોને નહોતી. ન હોય એ સમજી પણ શકાય. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વતી ચુકાદો સંભળાવવા કોકા સુબ્બારાવ ઊભા થયા. પહેલાં તો તેમણે પ્રેમ આહુજાના મોત પહેલાંની અને પછીની ઘટનાઓની વિગતવાર ચકાસણી કરી, પછી જુદા-જુદા સાક્ષીઓની જુબાનીના મુખ્ય મુદ્દાઓ તારવીને કોની કેટલી જુબાની સ્વીકારવા જેવી છે અને શા માટે છે એની ચર્ચા કરી. પછી આગલી અદાલતોની કારવાઈની સમીક્ષા કરી. કમાન્ડર નાણાવટીને ખૂન તેમ જ સદોષ મનુષ્યવધના આરોપોમાં નિર્દોષ ઠરાવતો જ્યુરીના સભ્યોનો (૮ વિરુદ્ધ ૧ મતે) નિર્ણય શા માટે અસ્વીકાર્ય બને છે એની ચર્ચા કરી. પછી હાઈ કોર્ટની કાર્યવાહીની સમીક્ષા કરી અને અંતે જાહેર કર્યું: ‘ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ હેઠળનો ગુનો સાબિત થવાથી બૉમ્બે હાઈ કોર્ટે આરોપી કમાન્ડર કાવસ માણેકશા નાણાવટીને ફરમાવેલી આજીવન કેદની સજામાં હસ્તક્ષેપ કરવાનું એક પણ કારણ અમને જણાયું નથી અને તેથી એ કોર્ટે તેમને કરેલી આજીવન કેદની શિક્ષા અમે પૂરેપૂરી રીતે બહાલ રાખીએ છીએ. The appeal stands dismissed.
આ સમાચાર મુંબઈ પહોંચતાં વેંત મુંબઈ પોલીસે કમાન્ડર નાણાવટીને નેવલ પોલીસ પાસેથી પોતાના તાબામાં લેવાની કારવાઈ શરૂ કરી દીધી. સાધારણ કેદીને આર્થર રોડ જેલ ભેગો કરવા માટે પોલીસ વૅનનો ઉપયોગ થાય પણ આ કિસ્સામાં લોકોનું ધ્યાન બને એટલું ઓછું દોરાય એટલા ખાતર કમાન્ડર નાણાવટીને એક કાળી ઍમ્બૅસૅડર મોટરમાં આર્થર રોડ જેલ લઈ જવામાં આવ્યા. તેમની સાથેના પોલીસ-અધિકારીઓ પણ સાદાં કપડાંમાં હતા. પોલીસે ગમે તેટલી મહેનત કરી હોય, સુપ્રીમ કોર્ટના ચુકાદાના ખબર આખા મુંબઈમાં વાયુ વેગે ફેલાઈ ગયા. જ્યાં નેવીની જેલ આવી હતી એ આઇ.એન.એસ. કુન્જાલીની બહાર અને આર્થર રોડ જેલની બહાર લોકોનાં ટોળાં જમા થઈ ગયાં. આઇ.એન.એસ. કુન્જાલીનો દરવાજો ખૂલ્યો. આછા ભૂરા રંગનો સૂટ પહેરેલા કમાન્ડર નાણાવટીને વળાવવા કમાન્ડર સૅમ્યુઅલ પણ તેમની સાથે બહાર આવ્યા. કમાન્ડર નાણાવટીએ કમાન્ડર સૅમ્યુઅલ સાથે શેક હૅન્ડ કરી તેમનો આભાર માન્યો. બાજુમાં ઊભેલી ડૂસકાં ભરતી સિલ્વિયાના ગાલ પર આછું ચુંબન કરી તેની વિદાય માગી. પછી જાતે બારણું ખોલી મોટરમાં બેઠા. આગળ-પાછળ સાદાં કપડાંમાં મુંબઈ પોલીસના અફસરો બેઠા. મોટર ઊપડે એ પહેલાં હાજર રહેલા ટોળાએ ‘કમાન્ડર નાણાવટી ઝિન્દાબાદ’ના નારા લગાવ્યા.
થોડી વારે મોટર આર્થર રોડ જેલના મુખ્ય દરવાજે નહીં પણ બાજુના એક નાના દરવાજા પાસે આવીને ઊભી રહી. છતાં કમાન્ડર નાણાવટીને જોતાં વેંત ત્યાં હાજર રહેલા લોકોએ પણ ‘કમાન્ડર નાણાવટી ઝિન્દાબાદ’ના નારા લગાવ્યા. મોટરમાંથી ઊતરીને કમાન્ડર નાણાવટી ઘડી-બે ઘડી ઊભા રહ્યા. હવેની જિંદગીનાં ૧૪ વર્ષ જ્યાં ગાળવાનાં હતાં એ આર્થર રોડ જેલની ઇમારત પર નજર ફેરવી. પછી થોડા વાંકા વળીને દરવાજામાં દાખલ થયા. તેઓ અંદર ગયા એ ભેગો દરવાજો બંધ. છેલ્લી થોડી ક્ષણો માટે લોકોનું ટોળું અવાચક થઈ ગયું હતું. જેલનો દરવાજો બંધ થયા પછી ફરી વધુ જોરથી ટોળાએ ‘કમાન્ડર નાણાવટી ઝિન્દાબાદ’ના પોકારો શરૂ કર્યા. પછી નછૂટકે લોકો ધીમે-ધીમે વીખરાવા લાગ્યા. ઘણાના મનમાં એક જ વિચાર ઘૂમરાતો હતો: ‘અરેરે! છેવટે કમાન્ડર નાણાવટીએ જેલ ભેગા થવું જ પડ્યું.’
lll
પણ ના. એક માણસે હજી નાણાવટીને બચાવવાની આશા છોડી નહોતી. એ માણસ તે રૂસી કરંજિયા, તેજાબી સાપ્તાહિક ‘બ્લિટ્ઝ’ના તંત્રી. તેમનું આ સાપ્તાહિક દર શનિવારે પ્રગટ થતું. સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાહેર થયો એ દિવસે (૨૪ નવેમ્બર ૧૯૬૧) હતો શુક્રવાર. ત્યારે ‘બ્લિટ્ઝ’નો ૨૫મીનો અંક તો તૈયાર થઈ ગયો હતો પણ બીજી ડિસેમ્બરના અંકથી બ્લિટ્ઝે લગભગ જેહાદ જગાવી – કમાન્ડર નાણાવટીને માફી મળે એ માટે. એ જ અંકમાં પહેલા પાને સુપ્રીમ કોર્ટની સજાના સમાચાર અને નવમા પાને ‘મર્સી પિટિશન.’ સાથે વાચકોને, લોકોને અપીલ, એ પિટિશન પર સહી કરવા માટે. કરંજિયાએ ટાર્ગેટ રાખ્યો હતો એક લાખ સહી મેળવવાનો. અને મેળવી શક્યા ૭૫ હજાર સહી.
થોડા મહિના આર્થર રોડ જેલમાં રહ્યા પછી ‘નાદુરસ્ત તબિયત’ને કારણે કમાન્ડર નાણાવટીને પરોલ પર છોડીને ઇન્ડિયન નેવીને સોંપવામાં આવ્યા. તેમને રાખવા માટે નેવીએ લોનાવલામાં એક બંગલો ભાડે રાખ્યો અને ત્યાં તેમને ‘નજરકેદ’ રાખ્યા. બીજી બાજુ મુંબઈમાં ચક્રો ગતિમાન થયાં. અગાઉ મામી આહુજાના વકીલ તરીકે કામ કરનાર રામ જેઠમલાણી માર્ચ મહિનાના એક દિવસની સાંજે કફ પરેડમાં આવેલા પંચશીલ બિલ્ડિંગમાંના પોતાના ફ્લૅટમાં બેઠા હતા. ત્યાં ડોરબેલ રણકી ઊઠી. જેઠમલાણીએ નોકરને બારણું ખોલવા કહ્યું. ખુલ્લા બારણાની બહાર ઊભેલી બે વ્યક્તિને જોઈને જેઠમલાણીના આશ્ચર્યનો પાર ન રહ્યો, પણ તરત ઊઠીને બારણા પાસે જઈને બન્ને આગંતુકોને આવકાર્યા. એ આગંતુકો હતાં સિલ્વિયા નાણાવટી અને બૅરિસ્ટર રજની પટેલ. એ વખતે વકીલાતના ક્ષેત્ર ઉપરાંત મુંબઈના જાહેર જીવનમાં પણ બૅરિસ્ટર રજની પટેલનો ભારે દબદબો. ત્રણે વચ્ચે વાતચીત થઈ. કેટલીક અત્યંત ખાનગી વાત બૅરિસ્ટર રજની પટેલે જેઠમલાણીને કહી. પછી કહ્યું: ‘તમારે ગમે તે રીતે એક કામ પાર પાડવાનું છે. જો કમાન્ડર નાણાવટીને માફી આપવામાં આવે તો એ વિશે હું કશો વાંધો નહીં લઉં એવા લખાણ પર પ્રેમ આહુજાની બહેન મામી આહુજાની સહી મેળવવાની છે.’
થોડી વાર પછી જેઠમલાણીનો આભાર માનીને બન્ને આગંતુકોએ વિદાય લીધી.
હવે થોડી વાત એ વખતના મુંબઈના જાહેર જીવનની. આજે છે એના કરતાં ઘણો વધારે પ્રભાવ ત્યારે હતો પારસીઓનો. બીજી બાજુ દેશના ભાગલા પછી મુંબઈ આવી વસેલા સિંધીઓના ઘા હજી પૂરેપૂરા રૂઝાયા નહોતા. પોતે આગંતુક છે અને તેથી અળખામણા છે એવું તેમને લાગતું હતું. એટલે કમાન્ડર નાણાવટીને માફી આપવામાં આવે તો એના માઠા પ્રત્યાઘાત સિંધી સમુદાય પર પડ્યા વગર રહે નહીં કારણ કે મરનાર પ્રેમ આહુજા સિંધી વેપારી હતા. રામ જેઠમલાણીને ‘સમજાવવામાં’ સફળ થયા પછી બૅરિસ્ટર રજની પટેલે સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં એવો રસ્તો શોધી કાઢ્યો. ભાઈ જગતાપ નામના એક સિંધી વેપારી પણ એ વખતે જેલની સજા ભોગવી રહ્યા હતા. તેણે પણ સજા માફ કરવાની અરજી મહારાષ્ટ્રના ગવર્નરને કરી હતી. (કમાન્ડર નાણાવટીનો કેસ ચાલતો હતો એ દરમ્યાન પહેલી મે, ૧૯૬૦થી મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં હતાં.) કમાન્ડર નાણાવટી અને ભાઈ જગતાપને મહારાષ્ટ્રના ગવર્નર એક જ દિવસે માફી આપવાનું જાહેર કરે એવી ગોઠવણ થઈ. અને મહારાષ્ટ્રનાં ગવર્નર વિજયાલક્ષ્મી પંડિતે આ બન્નેને માફી આપવાનું એક જ દિવસે જાહેર કર્યું. એ દિવસ હતો ૧૬ માર્ચ, ૧૯૬૪. અગાઉ મુંબઈ રાજ્યના ગવર્નર શ્રી પ્રકાશની જેમ ગવર્નર વિજયાલક્ષ્મીએ પણ આ પગલું બંધારણની કલમ ૧૬૧ દ્વારા રાજ્યના ગવર્નરને મળેલી સત્તા હેઠળ ભર્યું હતું.
જેલમાંથી છૂટ્યા પછી કેટલોક વખત કમાન્ડર નાણાવટી મુંબઈમાં જ રહ્યા પણ પછી સિલ્વિયા અને ત્રણ બાળકોને લઈને કૅનેડામાં સ્થાયી થયા. કૅનેડા ગયા પછી તેઓ પોતે કે તેમના કુટુંબના બીજા કોઈએ ભારતની મુલાકાત લીધી નહીં. ૨૦૦૩માં કૅનેડામાં જ તેમનું અવસાન થયું. ૨૦૧૯ સુધી સિલ્વિયા નાણાવટી હયાત હતાં. એ પછીની માહિતી મેળવી શકાઈ નથી.
lll
લોકમાનસ પર જબરી પકડ ધરાવનાર આવા ચકચારભર્યા કેસ પરથી સિનેમા-નાટક ન બને તો જ નવાઈ. આ કેસ પર આધારિત પહેલી ફિલ્મ આવી ૧૯૬૩માં, ‘યે રાસ્તે હૈં પ્યાર કે.’ એમાં મુખ્ય ભૂમિકામાં હતા સુનીલ દત્ત. પછી ગુલઝારના દિગ્દર્શનમાં ૧૯૭૩માં આવી ‘અચાનક.’ એમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી વિનોદ ખન્નાએ. એને અસાધારણ સફળતા મળી. પછી ૨૦૧૬માં આવી ‘રુસ્તમ.’ અક્ષય કુમારની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મ પણ ખૂબ સફળ નીવડી. સલમાન રશ્દીની વિખ્યાત નવલકથા Midnight’s Childrenનું એક પ્રકરણ પણ આ કેસના આધારે લખાયું છે. મરાઠીના પ્રખ્યાત નાટકકાર મધુસૂદન કાલેલકરે લખેલું નાટક ‘અપરાધ મી ચ કેલા’ પણ ખૂબ સફળ થયું હતું. આ ઉપરાંત પણ ટીવી-સિરિયલ વગેરે આ કેસ પરથી બન્યાં છે.
આમ તો આ કિસ્સો છે લગ્નબાહ્ય પ્રેમનો, બદલો લેવાની ભાવનાનો, ખૂનનો. અદાલતોની લાંબી કારવાઈનો, પોલીસ અને અદાલત ઉપરાંત છેક દેશના વડા પ્રધાન સુધી પહોંચતો, ગુનેગારને થતી સજાનો અને પછી મળતી માફી અને મુક્તિનો. છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી બાંધેલો આ નાણાવટી ખૂન કેસનો માંડવો છોડવાનો આજે વખત આવ્યો છે ત્યારે ભલે બંધ બેસતું થતું હોય કે ન થતું હોય, પણ પેલું પ્રખ્યાત લોકગીત યાદ આવી જાય છે:
નાણાવટી રે સાજન બેઠું માંડવે.
આવતે અઠવાડિયે નવો માંડવો, નવું સાજન. પણ હા, હવે ખૂન કે અદાલતની વાત નહીં હોં! પ્રૉમિસ!