શરીરમાં ચાર ગોળીઓ વાગી છતાં આ જવાન સરહદ પર લડતો રહ્યો

26 July, 2024 12:14 PM IST  |  Mumbai | Ruchita Shah

દસ દિવસ પછી ભાનમાં આવ્યા ત્યારે મૂળ જમ્મુના સંસાર સિંહ હૉસ્પિટલમાં હતા. દોઢ મહિના સુધી કારગિલ-વૉરમાં પર લડેલા આ સિપાહીની રોમાંચક દાસ્તાન જાણવા જેવી છે

સંસાર સિંહ પચ્ચીસ વર્ષ પહેલા અને સંસાર સિંહની રિસન્ટ તસવીર.

એવું લાગતું જ નથી કે એ ઘટનાને ૨૫ વર્ષ થઈ ગયાં. જાણે ગઈ કાલે જ આ યુદ્ધ થયું હતું. ગોળીઓ અને બ્લાસ્ટના અવાજ આજે પણ કાનમાં ગુંજે છે. દુશ્મનને તગેડી મૂકવાનો એ જોમ અને જુસ્સો આજે પણ શમ્યા નથી.’

આ શબ્દો છે ૧૯૯૯ના મે મહિનામાં અવળચંડા પાકિસ્તાન સાથેના કારગિલ-યુદ્ધમાં ટ્વેલ જેકલાઇ (12 JAKLI - જમ્મુ ઍન્ડ કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી) યુનિટનો હિસ્સો રહેલા સિપાહી સંસાર ‌સિંહના. સંસાર સિંહ એ યુનિટના સભ્ય હતા જે યુનિટે ‘ઑપરેશન વિજય’ની જીતનો પાયો નાખ્યો હતો. ઇન્ડિયન આર્મીના ટ્વેલ જેકલાઇ યુનિટે બટાલિક સેક્ટરના ૫૨૦૩-હાઇટની ઊંચાઈએ આવેલા પહાડને હસ્તગત કર્યો એ પછીના અરસામાં ટાઇગર હિલ પર ભારતનો તિરંગો લહેરાયો. આખા યુનિટને બેટલ ઓનર ‘બટાલિક’ અને થિયેટર ઓનર ‘કારગિલ’થી નવાજવામાં આવ્યું. ‘બલિદાનમ વીર લક્ષણમ્’ના સૂત્રને અનુસરતા આ યુનિટનો યુદ્ધ દરમ્યાન હિસ્સો રહેલા સિપાહી સંસાર સિંહને ચાર ગોળી વાગી હતી. એ વખતે તેમની ઉંમર હતી માત્ર ૨૩ વર્ષ. ગોળી વાગ્યા પછી લગભગ ત્રણ દિવસ બેટલ ફીલ્ડ પર બેશુદ્ધ હાલતમાં પડ્યા રહેલા આ સંસાર સિંહ હૉસ્પિટલમાં લગભગ ૭ દિવસ સુધી હોશમાં નહોતા આવ્યા. ૯ જૂને ગોળી વાગી અને ૧૯ જૂને ભાનમાં આવેલા સંસાર સિંહ એ પછી લગભગ એક વર્ષ બે મહિના સુધી હૉસ્પિટલમાં રહ્યા. સંસાર સિંહની કારગિલમાં દોઢ મહિના સુધી યુદ્ધ લડવાની થ્રિલિંગ-સફર એક આર્મીમૅન પ્રત્યેના આપણા આદરને જુદા સ્તરે લઈ જાય એવી છે.

રજાઓ રદ થઈ

સંસાર સિંહ પચ્ચીસ વર્ષ  પહેલાં પોતાના સાથી સિપાહીઓ સાથે.

જમ્મુના ગિગરિયાલ નામના નાનકડા ગામમાં જન્મેલા સંસાર સિંહના મોટા ભાઈ અને દાદા પણ આર્મીમાં હતા. એ ગામના લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિ તો આર્મીમાં હોય જ એવું સહજ હતું. ૧૬ વર્ષની ઉંમરમાં જ આર્મીની ટ્રેઇનિંગમાં જોડાયેલા સંસાર સિંહ એ સમયની વાત કરતાં કહે છે, ‘નાનપણથી જ ઉગ્રવાદ જોતો આવ્યો અને એનો સામનો કરવા માટે મારાથી શું થઈ શકે એ વિચારતો અને મને આર્મીની યાદ આવતી. આર્મીની ભરતી થઈ રહી છે એની ખબર પડતાં હું એમાં જૉઇન થયો. સિલેક્શન થવાનું નિશ્ચિત હતું. ૯ મહિનાની ટ્રેઇનિંગ પૂરી થઈ અને ટ્વેલ જેકલાઇ યુનિટમાં સીધો જ જોડાઈ ગયો. ફિરોઝપુર, સિયાચીન, દ્રાસ, લેહના કારુ એમ જુદી-જુદી જગ્યાએ પોસ્ટિંગ થતું રહ્યું. છેલ્લે દિલ્હીમાં પોસ્ટિંગ હતું અને હું મે મહિનામાં રજા પર હતો. મે મહિનામાં મારે જૉઇન કરવાનું હતું એને બદલે લગભગ ‘૧૫ એપ્રિલે તમારી રજા રદ થાય છે અને તાત્કાલિક ડ્યુટી પર જોડાઓ’ એવો તાર મને મળ્યો. તાત્કાલિક ચંડીગઢ પહોંચ્યો. એ સમયે મારું યુનિટ ચંડીગઢ હતું. ત્યાંથી લેહના કારુ ગયો અને છેલ્લે કારગિલના બટાલિક સેક્ટરમાં પોસ્ટિંગ થયું. જંગ છેડાઈ ચૂક્યો હતો અને પહાડો પર સર્ચ ઑપરેશન કરવાનું કામ અમને સોંપવામાં આવ્યું હતું.’

લગભગ દોઢ મહિનો ગોળીઓ અને બૉમ્બધડાકા વચ્ચે ૨૦-૨૦ જણની બે ટુકડી જુદી-જુદી દિશામાં પહાડ પર જઈને રસ્તો ક્લિયર કરવાનું કામ કરી રહી હતી. બે પહાડોમાં સર્ચ ઑપરેશન કર્યું ત્યાંથી શત્રુઓ નાસી છૂટ્યા હતા. પછી સંસાર સિંહની ટુકડીને ૫૨૦૩ નામના પહાડ પર ટ્રેક કરવાનું કહેવામાં આવ્યું જ્યાં તેમની ટુકડીનો શત્રુઓ સાથે સીધો સામનો થવાનો હતો.

ગોળીઓ વાગી

૧૯૯૨માં આર્મી જૉઇન કરનારા અને ૨૦૦૨માં નિવૃત્તિ લેનારા સંસાર સિંહ કારગિલ-યુદ્ધમાં સામનો કરવા મળ્યો એ ક્ષણને પોતાના જીવનની ધન્ય ક્ષણ ગણે છે. તેઓ કહે છે, ‘વિકટ પરિસ્થિતિમાં રહેવાની તાલીમ તો અમને આપવામાં આવે જ છે, પણ યુદ્ધના સમયે આ તાલીમનો સાચો અનુભવ મળતો હોય છે. માઇનસ ૧૭-૧૮ ડિગ્રીનું ટેમ્પરેચર હોય, પારાવાર ઠંડી અને લિમિટેડ ભોજન પાસે હોય, તમે ૩૫-૪૦ કિલોનું વજન લઈને થિજાવી દેતી ઠંડીમાં પહાડ ચડતા હો, પાણીની તરસ લાગે ત્યારે હાથમાં બરફ લઈને એને પીગળાવીને એ જ પાણી પીતા હો અને મનમાં એક જ લક્ષ્ય હોય કે શત્રુઓને ધૂળ ચટાડવી. એ ફીલિંગ આર્મીમૅન તરીકે દરેકના નસીબમાં નથી હોતી. અમને જ્યારે ૫૨૩૦ પહાડ પર ટ્રેકિંગ કરવાનું કહેવામાં આવ્યું એ દિવસ હતો ૭ જૂન. આખી રાત અમે એ પહાડ ચડતા રહ્યા અને લગભગ સવારે સાડાચાર વાગ્યે શત્રુઓ જે આપણી છાવણી પર કબજો જમાવીને બેઠા હતા તેમના તરફથી ફાયરિંગ શરૂ થયું. લાગલગાટ બે દિવસ સુધી ફાયરિંગ ચાલ્યું. શરૂઆતમાં આપણા ચાર-પાંચ સિપાહીને ગોળી વાગી અને તેઓ શહીદ થઈ ગયા. આપણા પલટવારમાં શત્રુઓના સિપાહીઓને પણ ગોળીઓ વાગી હતી. અમારે આપણા જે સિપાહી ઘાયલ થયા હોય તેમને પ્રારંભિક ટ્રીટમેન્ટ આપીને સેફ કરતા જવાનું. મને યાદ છે કે મારા યુનિટના સાથી-જવાનોએ મારા હાથમાં પ્રાણ છોડ્યા હતા. બે દિવસના ફાયરિંગમાં સતત અમે વળતો જવાબ આપી રહ્યા હતા એ દરમ્યાન મને શત્રુની ૪ ગોળી વાગી હતી, પણ મને એ સમજાયું જ નહીં. અમારી સાથે અમારા સિનિયર કુલદીપ સિંહ હતા તેમણે મને કહ્યું ત્યારે મારું ધ્યાન ગયું. મારા મોઢામાં દાંત તોડીને ગોળી વાગી હતી. હાથમાં, ખભા પર અને જમણા ઘૂંટણની નીચે ગોળીઓના ઘા થયા પછી પણ હું ઊભો હતો. મારે લડવું હતું, પણ મારા સિનિયરે આદેશ આપ્યો કે તું નીચેની તરફ જા. ચારેય બાજુ ગોળીઓ અને હૅન્ડગ્રેનેડના અવાજ સંભળાતા હતા એની વચ્ચે ૮ કિલોમીટર નીચે હું ઘાયલ અવસ્થામાં ચાલ્યો. ત્યાં મને મારા એક ગામનો સિપાહી મળ્યો અને હું લગભગ બેભાન હાલતમાં હતો. તે મને નીચે ઉતારીને લઈ ગયો, પણ પછી ફાયરિંગને કારણે મને બાજુએ મૂકીને તે જંગ લડતો રહ્યો હતો. લોકોએ મને કહ્યું એ મુજબ ત્રણ દિવસ સુધી હું આમ જ ડેડ-બૉડીઝ સાથે પડ્યો રહ્યો અને પછી મને મદદ મળી. બેઝ કૅમ્પમાં ફર્સ્ટએઇડ આપી એ પછી કારગિલ અને પછી ઉધમપુરની હૉસ્પિટલમાં મને લઈ જવાયો અને લગભગ ૧૦ દિવસે મને હોશ આવ્યા.’

એક વર્ષ બે મહિના હૉસ્પિટલમાં રહેલા સંસાર ‌સિંહે એક વર્ષ સુધી ભોજન નહોતું લીધું. મોઢું ડિસલૉકેટ થઈ જવાને કારણે સલાઇન થકી ગ્લુકોઝ ચડતું રહ્યું. સંસાર સિંહ ત્યાંથી નીકળ્યા પછી ૩ જુલાઈએ તેમના યુનિટે બધા દુશ્મનોનો ખાતમો બોલાવીને ૫૨૩૦ પહાડ સર કર્યો હતો. તેમના યુનિટમાંના ૧૩ જવાન શહીદ થયા હતા. સંસાર સિંહ પોતાના પરિવાર સાથે જમ્મુના એક ગામડામાં રહે છે. જમ્મુમાં ચાલતી ઉગ્રવાદી ઍક્ટિવિટીના વિરોધમાં આજે પણ તેમનો મિજાજ લડાયક જ છે. તેઓ કહે છે, ‘પચીસ વર્ષ પહેલાં થયેલા એ યુદ્ધને કારણે આજે કારગિલની સ્થિતિ સુધરી છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં હજીયે કડકાઈની જરૂર છે. મેં મારી પાસે ગન રાખી છે અને આજે પણ જો કોઈ આતંકવાદી મને ભટકાઈ ગયો તો હું તેને છોડીશ નહીં એટલું નક્કી.’

લૂલો-લંગડો હોઉં તો પણ લગ્ન તો મારી જ સાથે

નાની ઉંમરમાં જ સગાઈ થઈ ગઈ હતી, પરંતુ યુદ્ધમાં ઘાયલ થયા પછી મારાં સાસરિયાં આ લગ્ન ન થાય એવું ઇચ્છતાં હતાં એમ જણાવીને સંસાર સિંહ કહે છે, ‘મોઢું વાંકું હોય, ખભો ઊતરી ગયો હોય અને લંગડાઈને ચાલતો હોય એવો લૂલો-લંગડો જમાઈ કોને ગમે? પણ મારી મંગેતર એટલે કે મારી થનારી વાઇફે કોઈની વાત નહોતી સાંભળી. તેણે મારી સાથે જ લગ્ન કરશે એવો નિર્ણય લઈ લીધો હતો. ઇન ફૅક્ટ, તેણે મારી વાત પણ ન માની અને મારી જ સાથે લગ્ન કર્યાં. હૉસ્પિટલમાંથી આવ્યા પછી એક વર્ષ હું આર્મીમાં રહ્યો, પણ હાથમાં થયેલી ઇન્જરીને કારણે કામ કરવામાં તકલીફ પડતી હતી એટલે જલદી નિવૃત્તિ લઈ લીધી. મારી બે દીકરી અને ચૌદ વર્ષનો એક દીકરો છે. મારો દીકરો પણ આર્મીમાં જવાનાં સપનાં જોઈ રહ્યો છે. જો તે મક્કમ હશે તો હું તેને પૂરો 
સપોર્ટ કરીશ એવું મેં નક્કી કરી લીધું છે.’

columnists kargil war indian army ruchita shah