27 June, 2026 09:02 PM IST | Mumbai | Deepak Mehta
વોડહાઉસ બ્રિજ પરથી એક બાજુ દેખાતું કોલાબા સ્ટેશન, બીજી બાજુ દેખાતો દરિયો.
અમે જૂના નકશાને ઉઘાડ્યા,
ઉછીની વાત માગી
કે સ્ટેશન અમે ગોત્યું ગોત્યું
ને ક્યાંય ના જડ્યું!
અમે ટાઇમટેબલની કોરે,
શોધ્યું ટ્રેનોની દોરે
કે સ્ટેશન અમે ગોત્યું ગોત્યું
ને ક્યાંય ના જડ્યું!
અમે ગોત્યું AIની પાંખે,
ને ગૂગલની આંખે
કે સ્ટેશન અમે ગોત્યું ગોત્યું
ને ક્યાંય ના જડ્યું!
અમે શોધ્યું કિતાબની કોરે,
ને નેટને હિંડોળે
કે સ્ટેશન અમે ગોત્યું ગોત્યું
ને ક્યાંય ના જડ્યું!
અમે ગોત્યું કંઈ છાપાંની વાટે ચોપાનિયાંને ઘાટે
કે સ્ટેશન અમે ગોત્યું ગોત્યું
ને ક્યાંય ના જડ્યું!
અમે જોઈ વળ્યા દિશ દિશની બારી, મુંબઈની અટારી
કે સ્ટેશન અમે ગોત્યું ગોત્યું
ને ક્યાંય ના જડ્યું!
સૌથી પહેલાં તો આપણા મોટા ગજાના કવિ ઉમાશંકર જોશીની માફી માગી લઈએ. જોકે તેમણે જ કહ્યું છે કે ‘નિશીથ હે નર્તક રુદ્રરમ્ય’ કાવ્યનો લય તેમને મુંબઈની લોકલ ટ્રેનના લયમાંથી મળ્યો હતો. એટલે ઉમાશંકરની કવિતાને મુંબઈની લોકલ ટ્રેન સાથે ભલે દૂરનું પણ સગપણ તો ખરું. તો બીજી બાજુ આપણી મુશ્કેલી વધુ છે. કવિએ તો એક ગીત ગોતવાનું હતું. આપણે ગોતવાનું છે ખોવાયેલું રેલવે-સ્ટેશન. કહે છે કે બિહારમાં આખેઆખા પુલ ચોરાઈ જાય છે, પણ મુંબઈનું આ રેલવ-સ્ટેશન કંઈ ચોરાયું નથી. તો?
વાત જાણે એમ છે કે સૌથી પહેલાં BBCI રેલવેનું ટર્મિનસ હતું ગ્રાન્ટ રોડ. લોકલ અને બહારગામની ટ્રેનો ત્યાંથી શરૂ થાય અને ત્યાં જ પૂરી થાય. પછી ૧૮૬૯ની ૧૨ સપ્ટેમ્બરે તૈયાર થયું ચર્ની રોડ સ્ટેશન. ૧૮૮૭માં પ્રગટ થયેલી ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ના પહેલા ભાગમાં કથાનાયક નવીનચંદ્ર ગૃહત્યાગ કરે છે ત્યારે તેની અંગત ઘોડાગાડી ચર્ની રોડ સ્ટેશન પાસેથી મળી આવે છે. એ જ વરસે મોટા ગજાના બીજા એક નવલકથાકાર કનૈયાલાલ મુનશીનો ભરૂચમાં જન્મ થાય છે ડિસેમ્બરની ૩૦ તારીખે, પણ મુનશીની કર્મભૂમિ તો મુંબઈ. LLBનો અભ્યાસ કરવા માટે ૧૯૦૭ના જૂન મહિનાના કોઈ એક દિવસે મુનશી મુંબઈ આવે છે ત્યારે એ જ ચર્ની રોડ સ્ટેશન પર ઊતરે છે. સ્ટેશનની બહાર લાઇનબંધ ઘોડાગાડીઓ ઊભી છે, પણ ગાડીભાડું પોસાય એમ નહોતું એટલે મજૂરને માથે પેટી ચડાવીને ચાલતાં-ચાલતાં પીપલવાડીમાં મામાના ઘરે પહોંચે છે. એટલે કે આપણા બે મોટા ગજાના નવલકથાકારોને ચર્ની રોડ સ્ટેશન સાથે ઘરોબો.
પછી આવ્યું મરીન લાઇન્સ સ્ટેશન અને ૧૮૭૦ની ૧૦ જાન્યુઆરીએ શરૂ થયું ચર્ચગેટ સ્ટેશન. આ ત્રણે સ્ટેશન બંધાયાં ત્યારે લગભગ દરિયાને અડીને આવેલાં. આજે પણ ત્રણે સ્ટેશન તો હતાં ત્યાંનાં ત્યાં જ છે, પણ દરિયો ખસતો-ખસતો આઘો ગયો છે. એ વખતની BBCI રેલવેની લોકલ અને બહારગામની બધી ટ્રેનો માટેનું ટર્મિનસ બન્યું આ ચર્ચગેટ. પછી BBCI રેલવે આગળ વધી. ૧૮૭૩ની પહેલી ઑક્ટોબરે શરૂ થયું કોલાબા સ્ટેશન. એ બંધાયું એ જગ્યા હતી સરકારની માલિકીની. એટલે સરકારે રેલવે કંપનીને કહેલું કે અહીં સ્ટેશન ભલે બાંધો, પણ અમે માગીએ ત્યારે જમીન પાછી આપવી પડશે. એટલે પહેલું સ્ટેશન કંપનીએ બાંધ્યું એ હતું લાકડાંનું. એક તો ખર્ચ ઓછો અને બીજી બાજુ સરકાર મા-બાપ કહે ત્યારે સહેલાઈથી તોડીને જમીન પાછી આપી દેવાય. થોડાં વરસ પછી એ લાકડિયા સ્ટેશનથી થોડે દૂર પથ્થરનું, એ જમાનામાં આલીશાન કહી શકાય એવું નવું સ્ટેશન બંધાયું. એ શરૂ થયું ૧૮૯૬માં. આ સ્ટેશન બાંધવાના ખર્ચ પેટે સરકાર માબાપે BBCI રેલવેને પાંચ લાખ રૂપિયાની મદદ કરી હતી. મુંબઈના છેક છેવાડાના દક્ષિણ ખૂણે આવેલું આ સ્ટેશન બન્યું BBCI રેલવેનું ટર્મિનસ. એમાં હતાં ત્રણ લાંબાં પ્લૅટફૉર્મ. સ્ટેશનના મકાનનો બહારનો ભાગ પથ્થરનો બનેલો હતો. બાજુમાં ક્લૉક ટાવર જેવો એક મિનારો હતો. લોખંડની કોતરકામવાળી જાળીથી શોભતો એક પુલ પણ હતો. આખા સ્ટેશનમાં ગૅસના દીવાથી રોશનીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચર્ચગેટ અને કોલાબા વચ્ચે બીજું એક્કેય સ્ટેશન નહીં. ત્યાં સુધીના પાટા પણ દરિયાકિનારાને અડીને. BBCIની બધી લોકલ અને બહારગામની ટ્રેનો કોલાબાથી શરૂ થાય અને કોલાબા પૂરી થાય.
આજની ભાષામાં વાત કરીએ તો ચર્ચગેટથી ઊપડેલી ટ્રેન ઓવલ મેદાનની પશ્ચિમ ધાર આગળથી પસાર થતી અને પછી જે વિસ્તાર બૅકબે રેક્લેમેશન બન્યો ત્યાંથી પસાર થતી. બૅકબે રેક્લેમેશન, નરીમાન પૉઇન્ટ, કફ પરેડ જેવા વિસ્તારોમાંથી પસાર થઈને છેવટે કોલાબા સ્ટેશને પહોંચતી. આજે જ્યાં એક્સપ્રેસ ટાવર, ઍર ઇન્ડિયા બિલ્ડિંગ (જે હવે મહારાષ્ટ્ર સરકારે ખરીદી લીધું છે), મરીન ડ્રાઇવનો દક્ષિણ છેડો અને નરીમાન પૉઇન્ટ આવેલાં છે એની પાસેથી પસાર થઈને કોલાબા પહોંચતી. એટલે કે ચર્ની રોડથી કોલાબા સ્ટેશન સુધીની રેલવેલાઇન લગભગ દરિયાને અડીને આવેલી હતી. ચર્ચગેટથી ટ્રેન દક્ષિણ દિશામાં કોલાબા તરફ આગળ વધે એટલે તરત પહેલાં ચર્ચગેટનું ફાટક આવતું. કોલાબાનું સ્ટેશન આવેલું હતું આજે જ્યાં બધવાર પાર્કની ઇમારત ઊભી છે ત્યાં. કેટલાક એનો ઉચ્ચાર ‘બુધવાર’ પાર્ક કરે છે, પણ હકીકતમાં આ નામ પડ્યું છે ઇન્ડિયન રેલવે બોર્ડના પહેલા હિન્દી ચૅરમૅન ફતેહચંદ બધવારના માનમાં. એટલે કે હજી આજે પણ થોડીક જગ્યા રેલવેના કબજા હેઠળ છે. આ ઉપરાંત આજની જી. ડી. સોમાણી સ્કૂલ અને ઇલેક્ટ્રિક હાઉસની જગ્યાનો ઘણો ભાગ પણ આ સ્ટેશને રોકી લીધો હતો.
એ જમાનાની નજરે જોઈએ તો કોલાબાનું સ્ટેશન ભવ્ય ગણાય. મુસાફરો માટે મોટો હૉલ, હારબંધ ઘોડાગાડી અને રડીખડી મોટરો માટે પાર્કિંગની વિશાળ જગ્યા. ૩ મોટાં પ્લૅટફૉર્મ. સ્ટીમ એન્જિનની જાળવણી અને મરામત માટેની સગવડો. કોલાબા સ્ટેશનથી પહેલાં થોડે દૂર એક બ્રિજ પણ હતો - વોડહાઉસ બ્રિજ. સર ફિલિપ એડમન્ડ વોડહાઉસ (૧૮૧૧-૧૮૮૭) હતા મુંબઈના ગવર્નર ૧૮૭૨થી ૧૮૭૭ સુધી. એ બ્રિજ સાથે જોડાયેલો રસ્તો પણ તેમના જ નામે ઓળખાતો. એ રસ્તાનું આજનું નામ છે નાથાલાલ પારેખ માર્ગ. આજે એક હકીકત લગભગ ભુલાઈ ગઈ છે : ૧૯૨૮માં BBCI રેલવેએ પહેલવહેલી ઇલેક્ટ્રિક લોકલ ટ્રેન દોડાવી એ કોલાબાથી બોરીવલી વચ્ચે દોડી હતી, ચર્ચગેટ અને બોરીવલી વચ્ચે નહીં.
જોકે પછી મુંબઈના સત્તાવાળાઓને થયું કે શહેરનો વિસ્તાર વધારવાની જરૂર છે એટલે ૧૯૨૦ના દાયકામાં મોટા પાયે રેક્લેમેશનનું કામ શરૂ થયું. ત્યારે સરકારને લાગ્યું કે ચર્ચગેટ અને કોલાબા વચ્ચેની રેલવેલાઇન અને કોલાબા સ્ટેશન રેક્લેમેશનના કામમાં આડે આવે છે. BBCIએ રેલવેને જગ્યા લીઝ પર આપતી વખતે દસ્તાવેજમાં મૂકેલી એક શરતનો લાભ લેવાનું સરકારે નક્કી કર્યું. એ શરત હતી કે જો ક્યારેય સરકારને એ જમીનની જરૂર પડે તો રેલવે કંપનીએ ચર્ચગેટ અને કોલાબા સ્ટેશન વચ્ચેની બધી જમીન પાછી આપી દેવી. એટલે કે કોલાબા સ્ટેશનના જન્માક્ષરમાં જ એના મૃત્યુનું કારણ નિશ્ચિત થઈ ચૂક્યું હતું. રેલવે કંપનીએ બને એટલું મોડું કરવાના પ્રયત્નો કર્યા, પણ હવે નવું ટર્મિનસ બાંધ્યા વગર છૂટકો નહોતો. એટલે બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશનનું બાંધકામ શરૂ થયું અને ૧૯૩૦ની ૧૮ ડિસેમ્બરે એ વખતના મુંબઈના ગવર્નર સર ફ્રૅડરિક હ્યુઝ સ્કાઇસના હાથે એનું ઉદ્ઘાટન થયું. જ્યારે બંધાયું ત્યારે બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન બહુ વિશાળ લાગતું હતું, પણ પછી બહારગામની ટ્રેનો વધતી ચાલી એમ એ નાનું પડવા લાગ્યું એટલે દાદર અને બાંદરાને પણ વધારાનાં ટર્મિનસ તરીકે વિકસાવવામાં આવ્યાં. બૉમ્બે સેન્ટ્રલના ઉદ્ઘાટન પછી લગભગ તરત ૧૯૩૦ની ૩૧ ડિસેમ્બરથી કોલાબા સ્ટેશન હંમેશ માટે ખોવાઈ ગયું. ચર્ચગેટ અને કોલાબા વચ્ચેના પાટા પણ તાબડતોબ ઉખેડી નાખવામાં આવ્યા. આજે એ લાઇનનો એકાદ ખીલો પણ ક્યાંય જડે એમ નથી. એવી જ રીતે કોલાબા સ્ટેશનની એકાદ ઈંટ પણ સચવાઈ નથી. હા, બધવાર પાર્કની દીવાલ પર ટ્રેનનાં કેટલાંક ચિત્રો દોરેલાં છે. ૨૦૦૮માં આ બધવાર પાર્ક રાતોરાત ઘણું નામચીન બની ગયું હતું. એ વરસની ૨૬ નવેમ્બરે અજમલ કસબ અને બીજા આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો. બધવાર પાર્ક પાસે એ ૧૦ આતંકવાદીઓ મોડી સાંજે હોડીમાંથી ઊતર્યા હતા અને પછી મુંબઈની જુદી જુદી મહત્ત્વની જગ્યાઓ પર પહોંચી ગયા હતા.
ચાલો! તો છેવટે ખાધું, પીધું ને તારાજ કર્યું? ના... ના. હજી બીજા એક ખોવાયેલા સ્ટેશનને પણ ગોતવાનું છે, પણ એ કામ હવે આવતા શનિવારે.