ગિરગામના આ મંદિરમાં રખેવાળ બનીને બેઠા છે બાપ્પા

24 January, 2026 02:22 PM IST  |  Mumbai | Heena Patel

ગણેશમંદિરોમાં આ જ અઠવાડિયે ધામધૂમથી ગણેશજયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે કરીએ ૧૩૬ વર્ષ જૂના અને પ્રસિદ્ધ ફડકે શ્રી ગણપતિ મંદિરની જે ગિરગામકરોના લાડકા બાપ્પાનું માન ધરાવે છે

ફડકે શ્રી ગણપતિ મંદિર

ગિરગામના ૧૩૬ વર્ષ જૂના ફડકે શ્રી ગણપતિ મંદિરમાં બાપ્પાનો જન્મદિવસ એટલે માઘી ગણેશોત્સવ ખૂબ જ ભક્તિભાવપૂર્વક મનાવવામાં આવે છે. મંદિર રંગબેરંગી ફૂલો અને લાઇટથી સુંદર રીતે સજાવવામાં આવે છે. વિશેષ જળાભિષેક અને પૂજા થાય છે. બે દિવસ અગાઉ ઉદકશાંતિ વિધિ થાય છે જે શુદ્ધિ, સુખ-શાંતિ અને નકારાત્મકતાના નિવારણ માટે કરવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા માઘી ગણેશોત્સવ ઊજવાય છે, જેના હેઠળ ૨૨ જાન્યુઆરીથી ૨૭ જાન્યુઆરી વચ્ચે કીર્તન, યજ્ઞ, અન્નદાન, નિઃશુલ્ક સ્વાસ્થ્ય પરીક્ષણ શિબિર જેવા વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાય છે. આજે આપણે આ મંદિરના ભવ્ય ઇતિહાસ, સ્થાપત્ય, સમય સાથે આવેલા પરિવર્તન અને મંદિર ટ્રસ્ટ દ્વારા થતાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યો વિશે મંદિરના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર હેમંત જોશી પાસેથી તેમના જ શબ્દોમાં રસપ્રદ માહિતી મેળવીએ. 

મંદિરનો ઇતિહાસ
આ મંદિર કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું એની વાત કરીએ તો ઈ. સ. ૧૮૬૫માં મૂળ રાયગડ જિલ્લાના આવાસ ગામના ગોવિંદ ગંગાધર ફડકે મુંબઈ આવીને વસ્યા હતા. તેઓ હાઈ કોર્ટમાં નોકરી કરતા અને અત્યંત ધાર્મિક વૃત્તિના હતા. ઈ. સ. ૧૮૬૭માં તેમણે વિઠ્ઠલભાઈ પટેલ રોડ પર વૃક્ષોથી ઘેરાયેલી એક સુંદર જગ્યા ખરીદી હતી. ગોવિંદરાવનાં પત્ની યશોદાબાઈ પણ એટલાં જ ધર્મપરાયણ હતાં. તેમના જીવનમાં એક મોટો અભાવ હતો. તેમને કોઈ સંતાન નહોતું. ગોવિંદરાવના અકાળ અવસાન પછી વંશનો દીવો ચાલુ રાખવાની ઇચ્છા અધૂરી રહી ગઈ હતી. તેઓ વારસદાર દત્તક લેવાના વિચાર સાથે સંમત નહોતાં. યશોદાબાઈએ તેમની સંપત્તિ ભગવાનના કામમાં વાપરવાનો નિર્ણય લીધો. તેમણે ગણેશજી જ મારું સંતાન છે અને એ જ વંશનો દીવો પ્રજ્વલિત રાખશે એ ભાવ સાથે મંદિર બાંધવાનો દૃઢ નિશ્ચય કર્યો. યશોદાબાઈએ ગોવિંદરાવ દ્વારા ખરીદાયેલી જગ્યામાં એક સુંદર બગીચો તૈયાર કર્યો હતો જેને ગોવિંદબાગ અને એ વિસ્તારને ફડકેવાડી નામ આપવામાં આવ્યું. ઈ. સ. ૧૮૯૦ની આસપાસ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થયું. જયપુરના કારીગરે આશરે ૧૭,૦૦૦ રૂપિયાના ખર્ચે ગણરાયાની મૂર્તિ બરોડાથી તૈયાર કરી હતી. વેદમંત્રોના ઉચ્ચાર અને શરણાઈના મંગળ સૂર વચ્ચે મંદિરમાં મંગલમૂર્તિ મોરયાની સ્થાપના કરવામાં આવી હતી. દરમિયાન એક દિવસ યશોદાબાઈને પરમાત્માનું તેડું આવ્યું અને તેમણે ગજાનનના રટણ સાથે દેહત્યાગ કર્યો. 

સમય સાથે પરિવર્તન
અગાઉથી જ યશોદાબાઈએ ગણેશ મંદિરની ભવિષ્યની વ્યવસ્થા ખૂબ જ ચોકસાઈથી કરી હતી. ફડકે પરિવારના પરમ મિત્ર બાલાજી પાંડુરંગ ભાલેરાવની સલાહને માન આપીને તેમણે મંદિરની આવક અને વહીવટના સુચારુ સંચાલન માટે એક ટ્રસ્ટી કમિટીની નિમણૂક કરી. આ વ્યવસ્થા પાછળનો એક જ ઉદ્દેશ હતો કે તેમણે જે ભક્તિ અને શ્રદ્ધાથી આ મંદિરની સ્થાપના કરી એની જ્યોત અને પરંપરા આવનારાં અનેક વર્ષો સુધી અવિરત પ્રજ્વલિત રહે. યશોદાબાઈના દેહત્યાગ બાદ મંદિરનો સંપૂર્ણ વહીવટ તેમણે નિયુક્ત કરેલી ટ્રસ્ટી કમિટીની દેખરેખ હેઠળ શરૂ થયો. ૧૯૨૨માં ધ યશોદાબાઈ ગોવિંદ ગંગાધર ફડકે ચૅરિટેબલ ટ્રસ્ટના નામે કાયદેસર રીતે ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. યશોદાબાઈનો ભલે કોઈ વંશ નહોતો, પણ ગણેશ મંદિરના ટ્રસ્ટીઓએ તેમની સ્મૃતિ કાયમ જળવાઈ રહે એવી સુંદર વ્યવસ્થા કરી છે. આજે પણ દર વર્ષે ગોવિંદરાવ અને યશોદાબાઈના શ્રાદ્ધ પક્ષની ધાર્મિક વિધિ કરવામાં આવે છે. સમયની સાથે ફડકે ગણપતિ મંદિરમાં અનેક આધુનિક પરિવર્તનો પણ આવ્યાં. ઈ. સ. ૧૯૧૮માં મંદિરમાં વીજળીની સુવિધા થઈ. મંદિરના વિકાસ માટે કમિટીએ રોડની બાજુમાં મંદિર પરિસરની જગ્યા નાની દુકાનો માટે ભાડે આપી જેથી મંદિરની આવકમાં વધારો થાય અને વ્યવસ્થા જળવાઈ રહે. ભક્તો ૨૪ કલાક દર્શન કરી શકે એ માટે મંદિરના મુખ્ય દ્વાર પર ગણરાયાની એક આબેહૂબ પ્લાસ્ટરની પ્રતિકૃતિ બનાવવામાં આવી જેથી મંદિર બંધ હોય ત્યારે પણ શ્રદ્ધાળુઓ માર્ગ પરથી દર્શનનો લાભ લઈ શકે. મંદિરના વહીવટી ટ્રસ્ટીઓ દ્વારા મંદિર પરિસરમાં યશોમંગલ નામની ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું બાંધકામ ઈ. સ. ૧૯૫૯-’૬૦ દરમિયાન થયું હતું. આ ઇમારતનો ઉપયોગ લગ્નપ્રસંગો, યજ્ઞો, ધાર્મિક ઉત્સવો, સામાજિક મેળાવડાઓ અને મીટિંગો માટે કરવામાં આવે છે. 

મંદિરનું સ્થાપત્ય
સામાન્ય રીતે ભારતીય મંદિર સ્થાપત્ય મુજબ મંદિરો પૂર્વ-પશ્ચિમ દિશામાં હોય છે પણ ફડકે શ્રી ગણપતિ મંદિરનું મુખ ઉત્તર-દક્ષિણ દિશામાં છે. જેમ એક વડીલ કે પુત્ર ઘરના ઉંબરે બેસીને આખા પરિવારનું ધ્યાન રાખે તેમ ફડકે શ્રી ગણપતિ રખેવાળ બનીને બિરાજમાન છે. એટલે તમે જોશો તો મંદિરનું મુખ્ય દ્વાર વી. પી. રોડ તરફ એટલે કે બહારની તરફ છે, જ્યારે ફડકેવાડીનો વિસ્તાર પાછળની બાજુ છે. બહારથી જોતાં આ મંદિરનો આકાર કંઈક અંશે ચોરસ દેખાય છે. મંદિરની અંદરની રચનાની વાત કરીએ તો મુખ્ય પ્રવેશદ્વારથી અંદર પ્રવેશતાં જ એક વિશાળ સભાખંડ આવે છે, જેમાં અંદાજે ૨૦૦ લોકો બેસી શકે એવી ક્ષમતા છે. આ હૉલ સુંદર દેવી-દેવતાઓનાં ચિત્રો અને ઝુમ્મરોથી સુશોભિત છે. મંદિરનું ગર્ભગૃહ ૮ ફુટ લાંબું અને ૧૦ ફુટ પહોળું છે. અહીં ગણેશજીની મૂર્તિ કમળ પર બિરાજમાન છે. મૂર્તિના કાન વિશાળ છે અને સૂંઢ ડાબી બાજુ વળેલી છે. મુખ્ય મૂર્તિની બન્ને બાજુ રિદ્ધિ-સિદ્ધિ ઊભાં છે અને એની બન્ને બાજુ સીસમના લાકડામાંથી બનાવેલા હાથીઓ છે. દરરોજ ભગવાનને સુંદર મુગટ પહેરાવવામાં આવે છે. પ્રદક્ષિણા માર્ગ પર મુખ્ય મૂર્તિની પાછળ ગણેશજીની એક કાચની મૂર્તિ પણ રાખવામાં આવી છે. ગર્ભગૃહના મુખ્ય ભાગમાં ગણેશ પંચાયતન સ્થિત છે જેમાં ગણપિત, શિવ, હરિ, ભાસ્કર અને અંબા બિરાજમાન છે. ભારતમાં આ શૈલીની માત્ર ત્રણ જ મૂર્તિઓ છે અને એમાંથી એક ગિરગામમાં છે. ગર્ભગૃહની બહારની બાજુએ બે ગોખલા છે. જમણી બાજુના ગોખલામાં ત્રિમૂર્તિ દત્તરાજ અને ડાબી બાજુના ગોખલામાં કુંજવિહારી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત છે. ગર્ભગૃહનો દરવાજો ચાંદીથી મઢેલો છે જેના પર રાષ્ટ્રીય પક્ષી મોર, વનરાજ સિંહ, ગજરાજ અને પવિત્ર સ્વાસ્તિકનાં પ્રતીકોનું સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે. ચાંદીનું મખર અને ભગવાનની સુંદર મૂર્તિ જોઈને ભક્તોની આંખો અંજાઈ જાય છે. મંદિરની રચનામાં એક અનોખી અને સામાજિક દૃષ્ટિએ મહત્ત્વની રચના છે. મંદિરના સભાખંડની ઉપરના ભાગમાં મેડી બનેલી છે. જૂના જમાનામાં સ્ત્રીઓને સામાજિક કાર્યક્રમોમાં કે ભીડભાડવાળી જગ્યાએ જવાની બહુ છૂટ નહોતી. સ્ત્રીઓની આ મર્યાદા ધ્યાનમાં રાખીને આ મેડી બનાવવામાં આવી હતી. આ મેડી પર બેસીને મંદિરમાં થતાં ભજન-કીર્તન અને અન્ય પારંપરિક ધાર્મિક કાર્યક્રમો નિરાંતે માણી શકતી હતી. 

ધાર્મિક-સામાજિક પ્રવૃત્તિ
દરરોજ પંચાયતની તમામ મૂર્તિઓની પંચામૃત પૂજા કરવામાં આવે છે. મંદિરમાં માઘી ગણેશોત્સવ, અંગારકી અને સંકષ્ટી ચતુર્થી જેવા ખાસ દિવસોમાં શ્રદ્ધાળુઓની વધારે ભીડ જોવા મળે છે. ભાદરવામાં મહિનામાં ગણેશોત્સવ અને ગૌરીપૂજન, દિવાળીમાં તુલસી વિવાહ, માઘ મહિનામાં ગણેશ જન્મોત્સવ, ફાગણ મહિનામાં હોલિકા પૂજન અને મહાશિવરાત્રિ પર લઘુરુદ્ર જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આ મંદિર દર્શન માટે સવારે છથી બપોરે એક અને સાંજે ત્રણથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ભક્તો માટે શરૂ રહે છે. ફડકે શ્રી ગણપતિ ટ્રસ્ટ ધાર્મિકની સાથે સામાજિક સેવામાં પણ પ્રવૃત્ત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી યોજના અનુસાર ટ્રસ્ટનો સંપૂર્ણ વહીવટ કૅશલેસ થાય છે. મંદિરમાં દાનપેટી તો છે જ પણ અલગથી વૈદ્યકીય હૂંડી રાખવામાં આવી છે અને એમાં જે પણ દાનની રકમ આવે છે એનો ઉપયોગ જરૂરિયાતમંદોની તબીબી સારવાર પાછળ કરવામાં આવે છે. એ સિવાય ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણવૃત્તિ આપવી, પાઠ્યપુસ્તકો આપવા જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ હાથ ધરાય છે. ઉડાન યોજના હેઠળ ડોંગરી બાળ સુધાર ગૃહનાં બાળકોને માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી તેઓ સાચા માર્ગે આગળ વધી મુખ્ય પ્રવાહમાં ભળી શકે. દિવાળીના તહેવાર દરમિયાન દર વર્ષે આ બાળકોને દિવાળી ફરાળ આપવામાં આવે છે જેથી તેઓ પણ તહેવારની મજા માણી શકે. નિ:ક્ષય ભારત યોજના હેઠળ નિક્ષય મિત્ર બનીને સંસ્થા ટીબીના દરદીઓને પોષણયુક્ત આહાર માટે મદદ કરે છે. આ કામ બદલ કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા ટ્રસ્ટને પ્રશંસાપત્ર પણ મળ્યો છે. છેલ્લાં અનેક વર્ષોથી આ મંદિર એના સૂત્ર ‘જ્ઞાનમંદિરથી સમાજ મંદિર’ને સાર્થક કરી રહ્યું છે.

columnists girgaum chowpatty girgaon mumbai news mumbai ganpati raigad