પુરુષના ફ્લૅટ ફેસ પાછળ કેટલી ફ્રોઝન થયેલી લાગણીઓ હોય છે એ પુરુષ ખુદ પણ જાણતો નથી

22 June, 2026 02:46 PM IST  |  Mumbai | Jigisha Jain

સ્ત્રીઓને કોઈ સમજી ન શકેનો દાવો કરનારાઓ સ્ત્રીઓને સમજવાની કોશિશ કરીને થાક્યા હોય છે એટલે તેઓ એવું કહેતા હોય છે; પણ પુરુષો માટે એવું કહેવાતું નથી, કારણ કે પુરુષોને સમજવાનો પ્રયાસ કોઈએ કર્યો જ નથી

પુરુષના ફ્લૅટ ફેસ પાછળ કેટલી ફ્રોઝન થયેલી લાગણીઓ હોય છે એ પુરુષ ખુદ પણ જાણતો નથી

ઇમ્તિયાઝ અલીની નવી ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ જોઈ? જો જવાબ હા હોય તો બીજો સવાલ એ કે રડવું આવ્યું ખરું? જો ન જોઈ હોય તો સોશ્યલ મીડિયા પર ઘણી રીલ્સ જોઈ જ હશે જેમાં લોકો રડી રહ્યા છે, અતિ ઇમોશનલ થઈ ગયા છે. ઘણા લોકો એવા હોય છે જેઓ કહે છે કે ફિલ્મો તો મજા કરવા માટે જ હોવી જોઈએ : આનંદ કરો, ચિંતાને ભૂલીને થોડું હસી લો. વાત તો સાચી છે. મને હસતી-હસાવતી ફિલ્મો ખૂબ ગમે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી રડાવી શકે એવી ફિલ્મોનું ઘેલું મને વધુ છે. ‘દેવદાસ’ ફરી રિલીઝ થઈ ત્યારે સ્પેશ્યલી હું એ ફિલ્મ એટલે જોવા ગયેલી કે મારે રડવું હતું. જીવનમાં બધું જોતાં-જોતાં, જાણતાં-જાણતાં, સમજતાં-સમજતાં મૅચ્યોરિટીના નામે અંદર ઘણું બધું પથ્થર થઈ ગયું છે. એટલે એક ઉંમરે નાની-નાની વાતે આંખો છલકાઈ જતી હતી એ હવે ગમે એટલી મોટી બાબતોમાં પણ સુક્કી જ દેખાય છે. એટલે જ મનને આવી ફિલ્મોની તલાશ રહેતી હોય છે જેમાં માનવીય સંવેદનાઓની તીવ્રતા એટલી વધુ હોય કે એ હૃદયને સીધી વીંધી જ નાખે. એવી ફિલ્મો જેમાં એક માણસ તરીકે બીજા માણસની પીડા સમજાય, અનુભવાય અને આપોઆપ દડ-દડ આંસુ ટપકી પડે એ મને વધુ ગમવા લાગી છે. 
ઇમ્તિયાઝ માટે લોકો માને છે કે તે વ્યક્તિ પ્રેમને ઘોળીને પી ગઈ છે. પ્રેમના કોઈ પણ પહેલુથી તે અનભિજ્ઞ નથી, જે તેની જુદી-જુદી ફિલ્મોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. પ્રેમનું ગાંડપણ અને પ્રેમ થકી આવતી સમજદારી, પ્રેમની ઉત્કંઠા અને પ્રેમનો થાક, પ્રેમનું ઊંડાણ અને પ્રેમની ઉડાન, પ્રેમ દ્વારા મળતી પાંખો અને એના થકી અનુભવાતી આઝાદી કે પછી પ્રેમને કારણે મન પર કસાતી બેડીઓ અને સહર્ષ સ્વીકારાતી ગુલામી, પ્રેમને કારણે બાહ્ય દુનિયાથી ખતમ થઈ જતી નિસબત અને આંતરિક દુનિયામાં ઊભરાતી રંગોળી આ બધું જ તમને તેની ફિલ્મોમાં જોવા મળે છે. તેની દરેક ફિલ્મમાં પ્રેમનું અલગ સ્વરૂપ જોવા મળે પણ વાત અંતે એક જ હોય છે :  ‘તું જ તું છે’નો રાગ ‘હું કોણ છું’ના પ્રશ્નાર્થમાં બદલાય છે અને ત્યારે પ્રેમના આ રસ્તે તને પામવાના ચક્કરમાં હું ખુદને પામી જાઉં છું. લોકો માની ચૂક્યા છે કે પ્રેમને ઇમ્તિયાઝ જેવો જાણે છે અને જણાવી શકે છે, જેવો સમજે છે અને સમજાવી શકે છે એવું કોઈ કરી શકે એમ નથી. પરંતુ ‘મૈં વાપસ આઉંગા’ ફિલ્મ જોઈને એવું લાગ્યું કે કદાચ પ્રેમ પર જ નહીં, માનવીય પીડા પર પણ ઇમ્તિયાઝે PhD કરી છે કદાચ એટલે કેમ કે પ્રેમ અને પીડામાં ખાસ અંતર નથી. 
ગઈ કાલે જ ફાધર્સ ડે ગયો અને એ હકીકત છે કે માનવીય સંવેદનાઓના ગ્રંથમાં બાપનું ચૅપ્ટર એક સમયે લખવાનું જ જાણે કે રહી ગયું હતું. મૉડર્ન સમયમાં ‘ફાધર્સ ડે’ કે ‘મેન્સ ડે’ના નામે આપણે પુરુષોની લાગણીઓને સમજવાનો પોકળ પ્રયાસ કરતા હોઈએ છીએ, પણ હજી સફળ તો નથી થઈ શક્યા. સ્ત્રીઓને કોઈ સમજી ન શકેનો દાવો કરનારાઓ સ્ત્રીઓને સમજવાની કોશિશ કરીને થાક્યા હોય છે એટલે તેઓ એવું કહેતા હોય છે, પણ પુરુષો માટે એવું કહેવાતું નથી કારણ કે પુરુષોને સમજવાનો પ્રયાસ જ કોઈએ કર્યો નથી. તેના કહેવાતા ફ્લૅટ ફેસ પાછળ કેટલી ફ્રોઝન થયેલી લાગણીઓ હોય છે એ પુરુષ ખુદ પણ જાણતો નથી. ‘મૈં વાપસ આઉંગા’ ફિલ્મ આમ તો ઘણુંબધું દર્શાવે છે, પણ જે ભાગ્યે જ કશે જોવા મળે એવી પુરુષના મનની પીડા અહીં તીક્ષ્ણ રીતે દર્શાવવામાં આવી છે. 
ફિલ્મમાં નસીરુદ્દીન શાહનું નામ ઇશર સિંહ ગરેવાલ હોય છે જે પોતાની મૃત્યુશૈયા પર છે. એ સમયે તેમનો સમગ્ર પરિવાર તેમની સાથે હોય છે, પણ ઇચ્છે છે કે આવા જીવલેણ સ્ટ્રોક પછી હવે બાપા ખમૈયા કરે. ઘરના બધા જાણે કે વાટ જ જોતા હોય છે કે ‘આ’ હવે જાય. એનું કારણ એ છે કે તે મરતા બાપે કોઈ દિવસ તેના પરિવારને પ્રેમના બે શબ્દો કીધા નથી, તે બાપે સતત ગુસ્સો કર્યો છે, હું કહું એમ જ થવું જોઈએની સરમુખત્યાર શાહી અપનાવેલી છે, મોઢું ખોલે તો શબ્દોનાં બાણ સતત પરિવારને ઘાયલ કરતાં રહ્યાં છે. ૯૦ વર્ષે પણ જ્યારે તે એક રાડ નાખે તો બધા થરથરી જાય છે. પણ આ બાપ એવો કેમ છે? 
એ ફિલ્મમાં આગળ જતાં સમજાય છે કે તેના પર શું નથી વીતી! તેની જવાનીમાં તો તે ખરાબ શાયરી કરતો એક શરમાળ પ્રેમી હતો. ભારત-પાકિસ્તાનના ભાગલા જેવી પેચીદી સમસ્યાને કેમેય ન સમજી શકે એવો નાદાન હતો. કોઈ પણ ભોગે પોતાનું ગામ છોડીને જવા જે તૈયાર જ નહોતો. આવા છોકરાએ દેશના ભાગલાનું ભયંકર સ્વરૂપ જોયું. માણસના વેશમાં છુપાયેલા રાક્ષસોને જોયા. જે એકબીજા સાથે પ્રેમથી રહેતા હતા એવા લોકોને એકબીજાના લોહીના તરસ્યા બનીને ભટકતા જોયા. ફિલ્મમાં એક સીન છે જેમાં આટલી હિંસા જોઈને, પોતાના ઘરની દરેક સ્ત્રીને ગુમાવીને, જેને અત્યંત પ્રેમ કરતો હતો તે પ્રેયસીથી દૂર થઈને, એક રેફ્યુજી કૅમ્પમાં જીવતા ઇશર સિંહના જ પરિવારની કોઈ વ્યક્તિનો દેહાંત થાય છે ત્યારે એ સમયે ઊભો થઈને તે કામ પર જતો હોય છે. ત્યારે તેનો ભાઈ તેને રોકે છે કે તમે આ સમયે તો ન જાઓ, પણ તે ખિજાઈને તેના ભાઈને કહે છે કે ‘કામ પર જવું જરૂરી છે. આપણે ઓછી લાશો જોઈ છે? શું થઈ જવાનું છે વધુ એક લાશ જોઈને?’ આ બે વાક્યો સમજાવે છે કે આ પુરુષ પથ્થર થઈ ગયો છે અને તેને પથ્થર બીજા કોઈએ નહીં, તેની પરિસ્થિતિઓએ બનાવ્યો છે. તેની પાસે સારવા માટે હવે આંસુ છે જ નહીં. રેફ્યુજી તરીકેના જીવનમાંથી બહાર આવીને નવી ધરતી પર શૂન્યથી શરૂઆત કરવાની છે, પૈસા કમાવાના છે, ઘર ખરીદવાનું છે, પરિવારનું ભરણપોષણ કરવાનું છે. આ બધું કરતાં-કરતાં તેની અંદરની કોમળતા મરી પરવારે એમાં નવાઈ શું? 
ઇશર સિંહને જોઈને મને થયું કે ચાલો, આ રેફરન્સ સાથે પુરુષોને સમજવાની કોશિશ કરીએ. જીવનમાં જેટલા બહારથી કડક દેખાતા, ઝેર ઓકતા, આંખોથી ગુસ્સો ટપકાવતા પુરુષો તમે જોયા હોય તો તેઓ આવા જ છે એમ માની લેવાને બદલે તેમના પ્રત્યે થોડી સહાનુભુતિ રાખી શકાય, કારણ કે પુરુષ જો તમને પથ્થર દેખાય છે તો એ સમજવું જરૂરી છે કે તેના પર અઢળક વજ્રાઘાત થયા છે. એ વજ્રાઘાતો સામે ટકી રહેવા માટે તેણે પથ્થર બનવું પડ્યું છે. બસ, આ સમજીને એ પથ્થર પર આપણે પ્રેમનાં અમી છાંટણાં કરી શકીએ તો ઘણું.

Jigisha Jain columnists exclusive entertainment news movie review gujarati mid day lifestyle news life and style bollywood buzz bollywood