મોહમ્મદ રફી અને મુકેશ બન્નેએ આપેલા સપોર્ટથી મનહર ઉધાસ બન્યા પ્લેબૅક સિંગર

14 March, 2026 04:45 PM IST  |  Mumbai | Jigisha Jain

શશી કપૂર અને નંદાની ફિલ્મ હતી એ. કલ્યાણજી-આણંદજીને ત્યાં થોડા સમયથી ગુજરાતથી મનહર ઉધાસ નામનો છોકરો આવેલો જેને સંગીતમાં રસ હતો. તે ગાતો હતો સારું. ૧૯૬૯ની આ વાત છે. સંગીતકાર કલ્યાણજી-આણંદજી ફિલ્મ ‘રાજાસાબ’નું એક ગીત રેકૉર્ડ કરવાના હતા. 

મનહર ઉધાસ પત્ની મીનાક્ષી સાથે

મેકૅનિકલ એન્જિનિયર બન્યા પછી અને નાનપણથી સંગીતની બિલકુલ તાલીમ ન લીધી હોવા છતાં મનહર ઉધાસે સંગીત માટેના પ્રેમને લઈને મુંબઈમાં જ્યારે સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો ત્યારે મોહમ્મદ રફી અને મુકેશ જેવા દિગ્ગજ કલાકારોએ તેમને વખાણ્યા એટલું જ નહીં, તેમને ગાયક તરીકે પૂરો સપોર્ટ કર્યો. ૧૯૬૯માં શરૂ થયેલી તેમની ગાયક તરીકેની સફરમાં તેમની અઢળક મહેનત અને કલાની સૂઝને કારણે તેમણે ૩૦૦૦થી વધુ ફિલ્મી ગીતો, ૩૬ ગુજરાતી ગઝલોનાં આલબમ, ૩૦ ભજનનાં આલબમ કર્યાં. આજે ૮૩ વર્ષની ઉંમરે પણ હાઉસફુલ શોઝ કરનારા મનહર ઉધાસ જેવા જાણીતા સિંગર વિશે આવો જાણીએ કેટલુંક જાણવા જેવું

૧૯૬૯ની આ વાત છે. સંગીતકાર કલ્યાણજી-આણંદજી ફિલ્મ ‘રાજાસાબ’નું એક ગીત રેકૉર્ડ કરવાના હતા. 
શશી કપૂર અને નંદાની ફિલ્મ હતી એ. કલ્યાણજી-આણંદજીને ત્યાં થોડા સમયથી ગુજરાતથી મનહર ઉધાસ નામનો છોકરો આવેલો જેને સંગીતમાં રસ હતો. તે ગાતો હતો સારું. કલ્યાણજીભાઈએ તેને કહ્યું હતું કે આજે રફીસાહેબ સાથે રેકૉર્ડિંગ છે, તું આવી જજે; કોરસમાં તેમની સાથે ગાઈશને? યંગ મનહર ઉધાસે વિચાર્યું કે મોહમ્મદ રફી સાથે ગાવાનું હોય તો કોણ ના પાડે? પોતાના અતિ ફેવરિટ સિંગર સાથે ગાવા માટે મનહર ઉધાસ ફેમસ સ્ટુડિયો પહોંચી ગયા. એ સમયે મુખ્ય સિંગરની પાછળ ઊભા રહીને કોરસે ગાવાનું હોતું. તેમને અલગથી માઇક મળતું નહોતું. એટલે રફીસાહેબની પાછળ ૫-૭ જણ ગોઠવાઈ ગયેલા જેમાંના એક મનહર ઉધાસ પણ હતા. ‘કિસી મેહરબાં કી નઝર ઢૂંઢતે હૈં’ ગીત હતું એ. પહેલાં બે વાર રિહર્સલ થયું. એ પછી નાનો બ્રેક લીધો અને એના પછી રેકૉર્ડિંગ શરૂ થવાનું હતું. બ્રેકમાં કલ્યાણજી-આણંદજીએ મનહર ઉધાસને બોલાવીને કહ્યું કે તું ન ગાતો, રહેવા દે. આ વિશે મનહરભાઈ કહે છે, ‘મારી તો હાલત ખરાબ થઈ ગઈ. મને લાગ્યું કે મેં શું ભૂલ કરી? નક્કી રફીસાહેબને ગમ્યું નથી મારું સિન્ગિંગ એટલે તેમણે મને રોકી દીધો. ખૂબ ગભરાઈ ગયેલો હું. પણ વાત પણ કોની સાથે કરું અને શું કરું? ચૂપચાપ બેઠો રહ્યો. રેકૉર્ડિંગ પતી ગયું એ પછી કલ્યાણજીભાઈ અને આણંદજીભાઈ મારી પાસે આવ્યા અને તેમણે કહ્યું કે કૉન્ગ્રેચ્યુલેશન, આજે તને દુનિયાનું સૌથી મોટું સર્ટિફિકેટ મળી ગયું. હું તો હેબતાઈ ગયેલો. મને સમજાતું નહોતું કે આ લોકો શું કહી રહ્યા છે. તેમણે મને કહ્યું કે રફીસાહેબ કહે છે કે આ છોકરા પાસે સોલો ગવડાવો, તેની પાસે કોરસ ગવડાવવાની જરૂર નથી; તે સારું ગાય છે. હું બસ, એ સાંભળતો રહી ગયો. આ હતા એ સમયના ગાયકો. એ લોકો કેમ મહાન હતા એમાં એક પૉઇન્ટ તેમની જનરોસિટી પણ હતી. તેમનાં દિલ એટલાં મોટાં હતાં કે તેમના સંગીતમાં એ રિફ્લેક્ટ થતું. આ જ ગીતનો એક અંતરો તેમણે મારી પાસે ગવડાવ્યો જે ફિલ્મમાં ઉપયોગમાં પણ લીધો. મારી ‘સોલો આર્ટિસ્ટ’ તરીકેની જર્ની અહીંથી શરૂ થઈ.’ 
કરીઅર 
મનહર ઉધાસે એ પછી ૩૦૦૦થી વધુ ગીતો પ્લેબૅક સિંગર તરીકે ગાયાં હતાં. એમાંથી ‘કુરબાની’ ફિલ્મનું ‘હમ તુમ્હેં ચાહતે હૈં ઐસે’, ‘અભિમાન’ ફિલ્મનું ‘લુટે કોઈ મન કા નગર’, ‘હીરો’ ફિલ્મનું ‘તૂ મેરા જાનુ હૈ’ અને ‘પ્યાર કરનેવાલે કભી’, ત્રિદેવનું ‘ગલી-ગલી મેં’, ‘રામ-લખન’ ફિલ્મનું ‘તેરા નામ લિયા’, સૌદાગર ફિલ્મનું ‘ઇલુ-ઇલુ’, ‘જાન’ ફિલ્મનું ટાઇટલ સૉન્ગ ‘જાન, ઓ મેરી જાન’ જેવાં ગીતોએ ઘણી ધૂમ મચાવેલી. ઘણા લોકો તેમને ગુજરાતી ગઝલનો પર્યાય પણ માને છે, કારણ કે તેમણે ગુજરાતી ગઝલનાં ૩૬ જેટલાં આલબમ બહાર પાડેલાં છે. તેમણે ગાયેલી ‘નયનને બંધ રાખીને મેં જ્યારે’ ગઝલ એક ટ્રેડમાર્ક ગઝલ છે જે દરેક ગુજરાતીની ફેવરિટ ગણાય છે. હિન્દી ગઝલો તો ખરી જ, પરંતુ હિન્દી ભજનો પણ તેમણે ખૂબ ગાયાં છે. શિર્ડી સાંઈબાબાનાં તેમણે ૩૦ જેટલાં આલબમ બહાર પાડ્યાં છે. UK, અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, લંડન જેવા દેશોમાં ફરીને તેમણે ઘણા પ્રોગ્રામ્સ કરેલા છે. 
બાળપણ 
મનહર ઉધાસના બાપ-દાદા મૂળ વીરપુર અને ગોંડલની વચ્ચે આવેલા ચરખડી ગામના વાતની હતા. દાદા સરકારી નોકરી કરતા અને પપ્પા પણ. પપ્પાની ટ્રાન્સફરો થતી રહેતી. ચરખડીથી માતા-પિતા સાવરકુંડલા સ્થિત થયા હતા ત્યાં જ મનહરભાઈનો જન્મ થયો. એ પછી બાળપણ જેતપુરમાં વીત્યું. બાપ-દાદાએ એક સંસ્કાર આપેલા કે ભણવું અત્યંત જરૂરી છે. મનહરભાઈ હોશિયાર પણ ખૂબ હતા. તેઓ જેતપુરથી રાજકોટ આગળના ભણતર માટે પોતાના કાકાને ત્યાં શિફ્ટ થયા. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘રાજકોટની વિરાણી હાઈ સ્કૂલમાં મને ઍડ્મિશન જોઈતું હતું. તેમણે મારી આગળ શરત રાખી કે ૧ મહિનો તમે ભણો, જો એક મહિનાના અંતે લેવાનારી ટેસ્ટમાં તમે ૬૦ ટકા લાવી શક્યા તો તમને ઍડ્મિશન મળશે. હું ૭૫ લાવેલો. તેમણે ખુશી-ખુશી મને ઍડ્મિશન આપેલું એટલું જ નહીં, આઠમા ધોરણમાં સ્કૂલના પ્રિન્સિપાલે જ મને કહ્યું કે તું હોશિયાર છે, જો તને ૮-૯ ધોરણ સાથે કરવાં હોય તો કરી શકાય. ૬ મહિના આઠમું ધોરણ ભણી મને નવમામાં શિફ્ટ કરવામાં આવ્યો અને ૬ મહિનાની અંદર મેં નવમાની એક્ઝામ આપી. એ સમયે એક્સપોઝર ખૂબ ઓછું એટલે શું બનવું છે એ ખાસ સમજ નહોતી અમારામાં. પણ એટલું ખરું કે મને એમ હતું કે હું મેકૅનિકલ એન્જિનિયરિંગનું ભણીશ. એ માટે હું ભાવનગર ગયો. પૉલિટેક્નિકમાંથી ડિપ્લોમા કર્યો મેં. જે મારો ભણતરનો સમય હતો એ ખરેખર અદ્ભુત હતો. એમાં હું ઘણું શીખતો ગયો અને ઘણી સક્સેસ અચીવ કરતો ગયો. એ સમયને આજે પણ યાદ કરું તો લાગે કે કશુંક કર્યું મેં જીવનમાં. જીવનનો એક એવો સમય જેના વિશે વિચારીને આજે પણ ખુદ પર ગર્વ થાય.’
કળાને માન 
પણ આ બધામાં સંગીતની શરૂઆત કેવી રીતે થઈ? શું નાનપણમાં તમે સંગીત શીખતા હતા? આ પ્રશ્નોનો જવાબ આપતાં મનહર ઉધાસ કહે છે, ‘અમે નાનપણમાં સંગીત શીખ્યું જ નથી. અમારા ઘરમાં બધા ગીતોના શોખીન ખરા, રેડિયો ખૂબ સાંભળતા. ગીતો એમાંથી જ સાંભળીને હું ગાતો. પણ આ બધું શોખ પૂરતું સીમિત હતું. જ્યારે હું જેતપુર હતો ત્યારે મને યાદ છે કે હું ડ્રૉઇંગની બુક ભૂલી ગયેલો. ગુસ્સામાં અમારા જોશી સરે મને જોરથી તમાચો માર્યો અને મને બેન્ચ પર ઊભો રાખ્યો. તેમણે ગુસ્સામાં ક્લાસને કહ્યું કે હું કોઈને પણ નહીં ભણાવું આજે. થોડી વાર પછી તેમણે કહ્યું કે આજે આપણે સંગીતની વાત કરીએ. વાત-વાતમાં તેમણે પૂછ્યું કે ક્લાસમાં કોણ સારું ગાય છે? બધા છોકરાઓએ કહ્યું કે મનહર સારું ગાય છે. મને બેન્ચ પરથી નીચે ઊતરવાનું કહ્યું. મેં મારું એ સમયનું તલત મેહમૂદનું ગાયેલું ‘મહોબ્બત હી ન જો સમઝે વો ઝાલિમ પ્યાર ન જાને’ જે મારું ફેવરિટ ગીત હતું, એ ગાયું. આખો ક્લાસ સાંભળતો હતો પરંતુ મેં જોયું કે જોશી સર રડી પડ્યા. હું તેમને જોઈને વધુ હેબતાઈ ગયો. એ દિવસે તેમણે મને કહ્યું હતું કે મારી ભૂલ થઈ ગઈ, મેં એક કલાકાર પર હાથ ઉપાડ્યો. હું તો ગીતો શોખથી ગાતો પણ કળાને આટલું માન છે એ હું ખૂબ નાની ઉંમરમાં એ દિવસે શીખ્યો.’
સંગીતની શરૂઆત 
મનહરભાઈ તો એન્જિનિયર બની ગયા અને તેમણે કામ પણ શરૂ કરી દીધું હતું. ઘરમાં કોઈ સંગીતકાર નહોતું એટલે સંગીતમાં કરીઅર બનાવી શકાય એવો વિચાર પણ તેમને નહોતો આવ્યો. બાપ-દાદા સરકારી નોકરી કરતા એટલે મનહરભાઈને પણ એમ જ હતું કે કોઈ વ્યવસ્થિત નોકરી મળી જાય. પણ એ સમયે તેમનાં એક કઝિન બહેનના પતિ એટલે કે બનેવી મનુભાઈ ગઢવી 
ફિલ્મ-પ્રોડ્યુસર બન્યા હતા. તેમણે ‘કસુંબીનો રંગ’ અને ‘કંકુ પગલા’ જેવી ફિલ્મો બનાવી હતી. તેમણે એ સમયે કહ્યું કે મનહર, તું મુંબઈ આવી જા. આ સમય યાદ કરતાં તેઓ કહે છે, ‘મનુભાઈએ મને સાંભળેલો. તેમને ખબર હતી કે હું સારું ગાઉં છું. એ સમયે તેઓ કલ્યાણજી-આણંદજીને ઓળખતા હતા એટલે તેમણે મને મુંબઈ બોલાવ્યો હતો. ગાયક બનવું અને મ્યુઝિકમાં કરીઅર બનાવવાનું સપનું મારું નહોતું, એ મનુભાઈએ મારા માટે જોયેલું સપનું હતું. તેમણે મને કલ્યાણજી-આણંદજી સાથે મુલાકાત કરાવી. હું તેમની પાસે રેગ્યુલર જવા લાગ્યો. સાથે-સાથે મેં એક કંપનીમાં જૉબ પણ શરૂ કરી જેથી મુંબઈમાં ટકી રહેવું સરળ રહે. ૧૯૬૯નો એ સમય હતો. તેમણે મને કહ્યું કે તું કાલે સ્ટુડિયો આવી જજે, તારી વૉઇસ-ટેસ્ટ કરીશું. આ ગીત ફિલ્મ ‘વિશ્વાસ’નું હતું. એના શબ્દો હતા - ‘આપસે હમકો બિછડે હુએ...’ આ ગીત મુકેશ ગાવાના હતા પરંતુ તેઓ હતા નહીં. ફિલ્મના શૂટિંગ માટે એને તાત્કાલિક રેકૉર્ડ કરવું જરૂરી હતું. મારા અવાજમાં એ રેકૉર્ડ થયું અને એના પર શૂટિંગ થઈ ગયું. એ પછી મુકેશ આવ્યા અને તેમણે રેકૉર્ડ કરવાનું હતું એટલે તેમણે કહ્યું કે રફ કટ સંભળાવો. મારું ગીત સાંભળીને મુકેશે પ્રતિભાવ આપ્યો કે આ ગીતમાં કોઈ જ સુધારની જરૂર નથી, ગીત એકદમ પર્ફેક્ટ છે, તમે મારી પાસે ફરીથી ગવડાવવાનો આગ્રહ ન રાખો. આ ગીત આ રીતે મારા જીવનનું પહેલું સોલો ગીત બન્યું. આ ફિલ્મમાં બધાં જ ગીતો મુકેશના સ્વરમાં હતાં અને એક જ ગીત મેં ગાયેલું. અને એ બદલાવ્યા વગર એમ જ રહેવા દેવામાં આવેલું. મેં સંગીત ક્યારેય શીખ્યું નહોતું એટલે મુંબઈ આવ્યા પછી અલગ-અલગ ગુરુઓ પાસે મેં શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી.’ 
સાથ-સહકાર 
એ પછી મનહર ઉધાસ નામનો એક નવો ગાયક ઇન્ડસ્ટ્રીમાં આવ્યો છે એવી બધાને ખબર પડી ગઈ. કામ મળવાનું શરૂ થયું. એ સમયનાં મહાન ગાયકો લતા મંગેશકર, આશા ભોસલે, ગીતા દત્ત, સુમન કલ્યાણપુર, મોહમ્મદ રફી, મન્ના ડે, કિશોર કુમાર બધાં જ સાથે તેમણે પ્લેબૅક સિન્ગિંગ કર્યું. એ વિશે વાત કરતાં મનહરભાઈ કહે છે, ‘આ બધા જ લોકોએ મારો ખૂબ સાથ આપ્યો. તેમણે મને શીખવ્યું. નવો છોકરો છે એમ માનીને સિનિયર્સ તરીકે મને પ્રોત્સાહન આપ્યું. ૧૯૬૯થી પ્લેબૅક સિન્ગિંગની શરૂ થયેલી જર્ની ૨૦૦૬ સુધી ચાલી. એમાં વચ્ચે-વચ્ચે આ બધા જ આર્ટિસ્ટ સાથે મેં સ્ટેજ-શોઝ કર્યા. ૧૯૮૨માં અમિતાભ બચ્ચન સુપરસ્ટાર બની ચૂક્યા હતા જેમને લઈને એક આખી અબ્રૉડ ટૂર પ્લાન થઈ હતી જેમાં બૉલીવુડના ઘણા કલાકારો હતા. એમાં એક હું પણ હતો.’ 
નૉન-ફિલ્મી મ્યુઝિક 
એ સમયે HMV નામની એક જ મ્યુઝિક કંપની હતી. બધા સિંગર્સ તેમની સાથે કૉન્ટ્રૅક્ટમાં બાધ્ય હતા. એ સમયે નવી આવેલી પૉલિડોર કંપનીને મ્યુઝિક-આલબમ બનાવવાં હતાં એટલે એ કોઈ નવા સિંગરની શોધમાં હતી. મનહરભાઈ સાથે તેમણે હિન્દી ગઝલોનાં આલબમ બનાવવાનું શરૂ કર્યું, પરંતુ એ સમયે મનહરભાઈએ તેમને સજેસ્ટ કર્યું કે તમે ગુજરાતી ગઝલનું આલબમ બનાવો. અચાનક તેમને ગુજરાતીમાં ગઝલ ગાવાનું કેમ સૂઝ્યું એ જણાવતાં મનહરભાઈ કહે છે, ‘મને તો ગુજરાતીમાં ગઝલ સારી લખાય છે એ વિશે ખાસ ખ્યાલ નહોતો. હું મુંબઈમાં જે કંપનીમાં સર્વિસ માટે જોડાયો ત્યાં મારો એક મિત્ર કૈલાસ પંડિત ગુજરાતીમાં ગઝલ લખતો, જે મેં મારા શોખ ખાતર કમ્પોઝ કરી હતી. એ સમયે ભારતીય વિદ્યા ભવન, ચોપાટી ખાતે મારો એક પ્રોગ્રામ હતો જેમાં મેં એ ગાઈ અને લોકોનો જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે મને એમ થયું હતું કે આને રેકૉર્ડ કરવી જોઈએ પણ મને આ બાબતે કોઈ ચાન્સ મળ્યો નહીં. એનાં થોડાં વર્ષો પછી જ્યારે પૉલિડોરમાં આ ચાન્સ મળ્યો તો મેં ઝડપી લીધો. આ કોઈ જાદુથી ઓછું નથી. એ પછી મેં અઢળક ગુજરાતી ગઝલ ગાઈ. ગુજરાતી સુગમ સંગીતમાં આખો એક ગઝલનો માર્ગ ખુલ્લો થઈ ગયો. લોકો ખૂબ પ્રેમથી સાંભળવા લાગ્યા અને એક કલ્ટ તૈયાર થયો. આવું જ ભજનોનું પણ છે. હું માનું છું કે આમાંથી મેં કશું કર્યું નથી. આ બધું એની મેળે થયું છે. ઈશ્વર-ઇચ્છાથી બધું થતું ગયું, બાકી મેં તો એ પણ નહોતું વિચાર્યું કે મારે સિંગર બનવું છે. ભગવાન ઇચ્છતા હતા અને તે મારી પાસેથી કરાવતા ગયા. આ બાબતે મને ભારોભાર ગ્રૅટિટ્યુડ છે.’ 
પરિવાર 
મનહરભાઈ સૌથી મોટા. તેમનાથી નાના બે ભાઈઓ પંકજ ઉધાસ અને નિર્મલ ઉધાસ. ૧૯૭૨ આસપાસ જ્યારે તેમણે મુંબઈમાં ભાડેથી ઘર લીધું એ પછી તેમનાં માતા-પિતા અને બન્ને ભાઈઓને તેમણે મુંબઈ બોલાવી લીધા હતા. બન્ને ભાઈઓ માટે તેમણે એક પથ ખોલી દીધેલો. એ બન્નેએ પણ મ્યુઝિકમાં કરીઅર બનાવવાનું વિચાર્યું. મનહરભાઈની સફળતા જોઈને તેમને પણ લાગ્યું કે મ્યુઝિકમાં કરીઅર બનાવી શકાય. મનહરભાઈએ મુંબઈ આવેલા પંકજ ઉધાસનું કૉલેજમાં ઍડ્મિશન કરાવડાવ્યું. બન્ને ભાઈઓને તેમની આવડત મુજબની તકો મળતી ગઈ અને બન્નેએ સંગીતમાં નામ કર્યું. નિર્મલ ઉધાસ ૨૦૦૦ની સાલમાં લંડન સ્થાયી થઈ ગયા. ત્યાં પણ તે સંગીતના કાર્યક્રમો કરતા ગયા. પંકજ ઉધાસે ગઝલો અને મ્યુઝિક આલબમ્સ દ્વારા ઘણી સફળતા મેળવી. ૨૦૨૪ની ૨૬ ફેબ્રુઆરીએ લાંબી બીમારી પછી તેમનું મૃત્યુ થયું હતું. 

મનહરભાઈ જ્યારે ભાવનગર ભણતા હતા ત્યારે ભાવનગરના રાજાના દરબારના ખાસ એવા કવિ પિંગલના વંશજો સાથે તેમના પરિવારને ઘરોબો હતો. કવિ પિંગલનાં ગ્રૅન્ડડૉટર મીનાક્ષીને જ્યારે તેઓ મળ્યા ત્યારે જોતાંવેંત તેમને તે ગમી ગયાં. એ સમયે તો પ્રેમ જેવું કશું શક્ય જ નહોતું પરંતુ ધીમે-ધીમે મુલાકાતો દરમિયાન એ ભાવના દૃઢ થતી ગઈ. આટલા નામી પરિવારની સંસ્કારી દીકરીને ઘરના લોકોએ સહર્ષ અપનાવી લીધી અને ૧૯૭૩માં મનહરભાઈ અને મીનાક્ષીબહેનનાં લગ્ન થયાં અને બન્ને મુંબઈ આવી ગયાં. બધા સાથે ૧૯૮૪ સુધી સંયુક્ત પરિવાર તરીકે એક જ ઘરમાં રહ્યાં. તેમના લગ્નને આજે બાવન વર્ષ થઈ ગયાં છે. તેમની બે પુત્રીઓ થઈ જે બન્ને અત્યારે લગ્ન કરીને સૅનફ્રાન્સિસ્કોમાં સેટલ્ડ છે. તે બન્નેએ સગા બે ભાઈઓ સાથે લગ્ન કર્યાં છે એટલે બન્ને એક જ પરિવારની પુત્રવધૂઓ છે. એક દીકરીનો દીકરો ૧૮ વર્ષનો અને બીજીનો દીકરો ૧૫ વર્ષનો છે.

જલદી ફાઇવ
 શોખ : મને ફરવા કરતાં મારા પરિવારને ફેરવવાનો ખૂબ શોખ હતો. દુનિયાના બધા જ મહત્ત્વના દેશો અને ભારતમાં પણ હું તેમને લઈને ખૂબ ફર્યો છું. 
 દુઃખ : જીવનનું સૌથી મોટું દુઃખ કે મેં પંકજને ગુમાવ્યો. તે મારા નાના ભાઈ કરતાંય વિશેષ મારા દીકરા જેવો હતો. અમે છેલ્લે સુધી સાથે હતા. હું તેની સાથે જ હતો એ વિશ્વાસે કે તે નહીં જાય મને મૂકીને, પણ તે ન રોકાયો. 
 રૂટીનમાં અત્યંત જરૂરી: રિયાઝ અને પૂજા. રિયાઝ કરવો અત્યારે પણ મારા માટે ખૂબ જરૂરી છે અને પૂજા-પાઠ હું નિયમિત કરું છું, કારણ કે હું માનું છું કે ભગવાને મને અઢળક આપ્યું છે. એ બદલ હું કૃતાર્થ છું અને એ જતાવવા માટે તેમને દરરોજ ભજું છું. 
 ડર : નીતિમત્તા સાથેનું જીવન જીવવું મારા માટે ખૂબ જ જરૂરી છે. એટલે આપણાથી કશું ખોટું કામ ન થાય, કોઈનું મન ન દુભાય, કોઈ જગ્યાએ ન કરવાનું કામ ભૂલથી પણ ન થાય એનો ડર રાખું છું. એટલે સતત સાચા માર્ગ પર જ રહું. 
 બકેટ લિસ્ટ : હું જેટલું ખુદ માટે વિચારું છું, ઈશ્વર મારા માટે એનાથી ઘણું વધુ વિચારે છે. એટલે મેં કોઈ બકેટ લિસ્ટ બનાવ્યું જ નથી. ઈશ્વર જે પ્રમાણે ઇચ્છે છે એ મુજબ કરું છું. હજી આજે પણ લાઇવ પ્રોગ્રામ્સ અઢળક આવે છે અને કરી રહ્યો છું, કારણ કે ઈશ્વર ઇચ્છે છે કે મારું સંગીત લોકો સુધી પહોંચે. મારે કશું વિચારવાનું જ નથી, મારે બસ કરવાનું છે.

columnists mohammed rafi shashi kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news Jigisha Jain