સંસ્કૃતના અમરત્વનો આસ્વાદ ગુજરાતીમાં કરાવ્યો ભોજા ભગતના છઠ્ઠી પેઢીના વારસદાર મનસુખલાલ સાવલિયાએ

21 July, 2024 07:20 AM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

ગુજરાતના ભજનસાહિત્યમાં ભોજા ભગતનું નામ ખૂબ જાણીતું છે. ભોજા ભગતે સંતકવિ તરીકે જે ભજનસાહિત્ય લખ્યું છે એ ભારે માર્મિક છે અને આ ભજનો ચાબખા તરીકે ઓળખાય છે

પ્રતીકાત્મક તસવીર

રાજા ભર્તૃહરિ નામ સંસ્કૃત સાહિત્યમાં અમૃત્વની લગોલગ છે એમ કહીએ તો એમાં કંઈ અતિશયોક્તિ નથી. આ ભર્તૃહરિ ગુજરાતીમાં આપણી લોકબોલીમાં ભરથરી તરીકે ઓળખાય છે. આ ભરથરી નામથી અજાણ હોય એવો કોઈ વયસ્ક ગુજરાતી વાચક ભાગ્યે જ હશે. નવરાત્રિના દિવસોમાં જ્યારે લોકભવાઈના વેશ ભજવાતા ત્યારે ચોકમાં રાજા ભરથરીનો પણ વેશ ભજવાતો. રાજા ભરથરી ક્યાં અને ક્યારે થયા હશે એ વિશે પુષ્કળ મતમતાંતર છે. ખરેખર એ ઇતિહાસ છે કે નરી લોકકથા એ વિશે પણ મતભેદ તો છે જ.

એક યોગીએ રાજાને અમરફળ આપ્યું. રાજાએ આ અમરફળ પોતાની પ્રાણપ્રિય પત્ની પિંગળાને આપ્યું. પિંગળા અમર થાય તો જ રાજા જીવી શકે. પિંગળા રાજાની પત્ની તો હતી, પણ મનોમન રાજ્યના એક અશ્વપાલને ચાહતી હતી (પ્રેમનું કંઈ કહેવાય નહીં એ આનું નામ!). પિંગળાએ આ ફળ અશ્વપાલને આપ્યું અને અશ્વપાલે આ ફળ એક વારાંગનાને આપ્યું જેને તે ચાહતો હતો. વારાંગનાએ રાજાના અમરત્વની ખેવના કરી. તેને થયું કે પોતે તો એક મામૂલી વારાંગના છે, પણ રાજા લાખોના પાલનહાર ગણાય છે. તેણે આ ફળ રાજાને આપ્યું. અમરફળનું આ વિષચક્ર અહીં પૂરું થયું અને રાજાએ જ્યારે આ જાણ્યું ત્યારે સંસાર ત્યજીને સંન્યાસ લઈ લીધો. તેણે કહ્યું, ‘ધિક્કાર છે આ સંસારચક્રને!’ તેણે શેષ જીવનમાં ત્રણ ગ્રંથો લખ્યા. આ ત્રણ ગ્રંથો એટલે ૧. શૃંગારશતક, ૨. નીતિશતક અને ૩. વૈરાગ્યશતક. આ ત્રણ ગ્રંથોની ગણના સંસ્કૃત સાહિત્યમાં અમર સાહિત્ય તરીકે થાય છે. સંસ્કૃતના અમરત્વનો આસ્વાદ ગુજરાતીમાં આપણને કરાવ્યો મનસુખલાલ સાવલિયાએ.

આદિ ગુરુ શંકરાચાર્યે મંડનમિશ્ર સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો એ જાણીતી વાત છે. શાસ્ત્રાર્થમાં તે વિજયી થઈ રહ્યા હતા ત્યારે મંડનમિશ્રનાં પત્નીએ શંકરાચાર્યને કામશાસ્ત્રને લગતો પ્રશ્ન પૂછ્યો. શંકરાચાર્ય કામશાસ્ત્ર વિશે કશું જાણતા નહોતા. તેમણે પોતાની મર્યાદા સ્વીકારી અને મંડનમિશ્રનાં પત્નીને કહ્યું, ‘હું આ શરીર ત્યજીને બીજા શરીરમાં જાઉં છું. એ બીજા શરીરમાં હું કામશાસ્ત્ર વિશે જાણકારી મેળવીશ. એ દરમ્યાન આ શરીર તમે અહીં સાચવજો. હું છ મહિના પછી પાછો ફરીશ.’ શંકરાચાર્ય રાજા અમરુના દેહમાં પ્રવેશ્યા, છ મહિના સંસાર ભોગવ્યો અને પછી પાછા ફર્યા. આ રાજા અમરુએ ‘અમરુશતક’ નામે સંસારના દૈહિક ભોગવટાનો એક ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથ આમ તો શૃંગારિક છે, પણ સંસ્કૃત સાહિત્યમાં આ ગ્રંથનું એક વિશિષ્ટ સ્થાન છે. આ અમરુશતકને પણ ગુજરાતીમાં આપણી સામે લઈ આવનાર છે મનસુખલાલ સાવલિયા.

તમે સુનીલ દત્ત જેવા છો

મનસુખલાલ સાવલિયાએ પોતાની કારકિર્દીનો આરંભ કર્યો એક કૉલેજના ગુજરાતી તથા અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક તરીકે. યુવાવસ્થાના એ દિવસોમાં મનસુખલાલ ભારે રૂપાળા લાગતા હતા. સફેદ પૅન્ટ, કોટ અને ટાઈ પહેરીને રોજ કૉલેજમાં જતા. કૉલેજના વિદ્યાર્થીઓ તો પ્રાધ્યાપકનું ઉપનામ આપવા માટે તૈયાર જ હોય. તેમણે મનસુખલાલને નામ આપ્યું સુનીલ દત્ત. મનસુખલાલે આ જાણ્યું ત્યારે રાજી થયા. તેમણે એક મિત્રને કહ્યું કે કૉલેજમાં મને સૌ સુનીલ દત્ત જેવો માને છે. પેલા મિત્રએ હળવેકથી મનસુખલાલને કહ્યું, ‘દોસ્ત, તને તારા જેવો માનવાને બદલે જો કોઈ સુનીલ દત્ત જેવો માનતા હોય તો એમાં ગૌરવ તારું નથી, સુનીલ દત્તનું છે. તું તારા જેવો નથી લાગતો પણ બીજા જેવો લાગે છે એમાં તારું ગૌરવ ક્યાં આવ્યું?’ મનસુખલાલ સમજી ગયા. પોતે બીજા કોઈ જેવા નહીં પણ પોતાના જેવા જ રહેવાનું છે અને એમાં જ ગૌરવ છે. બસ, મનસુખલાલને માર્ગ મળી ગયો. તે આજીવન શિક્ષક થયા. ગુજરાત-સૌરાષ્ટ્રની કેટલીયે કૉલેજોમાં તેમણે વિદ્યાર્થીઓને સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતી ભણાવ્યું. છેલ્લે જૂનાગઢની કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે સેવા આપી અને ૯૨ વર્ષની ઉંમરે હમણાં જ રાજકોટમાં અવસાન પામ્યા.

ગુજરાતના ભજનસાહિત્યમાં ભોજા ભગતનું નામ ખૂબ જાણીતું છે. ભોજા ભગતે સંતકવિ તરીકે જે ભજનસાહિત્ય લખ્યું છે એ ભારે માર્મિક છે અને આ ભજનો ચાબખા તરીકે ઓળખાય છે. મનસુખલાલ આ ભોજા ભગતના છઠ્ઠી પેઢીના વારસદાર. તેમણે ભર્તૃહરિના ઉપરોક્ત ત્રણ શતકો ઉપરાંત શંકરાચાર્યના ‘ભજગોવિંદમ્’નો પણ ગુજરાતી અનુવાદ કર્યો છે. આ ‘ભજગોવિંદમ્’ સંસ્કૃત સાહિત્યમાં અત્યંત પ્રસિદ્ધ સ્તોત્ર છે. મનસુખલાલે આ ‘ભજગોવિંદમ્’નો એટલી રસાળ શૈલીમાં ગેયતા સાથે અનુવાદ કર્યો છે કે એને કંઠસ્થ કરવા માટે પણ વાચકને રસ પડે. મનસુખલાલ વૈદિક મંત્રોને ગુજરાતીમાં વિદ્યાર્થીઓને શીખવતી વખતે એમાં રહેલી અંધશ્રદ્ધાને ગાળી નાખતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તારવીને શીખવતા. ઋગ્વેદના ‘વિશ્વામિત્ર નદી સંવાદ’ વિશે એવું કહેવાય છે કે જો આ સંવાદના મંત્રનો જાપ કરીએ તો પાણી આપણને ડુબાડે નહીં. મનસુખલાલે આ મંત્રને સમજાવતાં કહ્યું કે એનો જાપ કરવાથી હિંમત આવે અને મન મજબૂત થાય; પણ ડૂબતા બચવા માટે તો તરતા જ શીખવું પડે, કોઈ મંત્ર કામ ન લાગે. એ જ રીતે મૃત્યુ સમયના વિજય તરીકે ‘ત્ર્યંબકમ યજામહે’ મંત્ર વિશે તેમણે કહ્યું કે આ મહામૃત્યુંજય જપ કહેવાય; પણ એનાથી મૃત્યુને ટાળી ન શકાય, માત્ર મૃત્યુના ભયને હડસેલી શકાય.

ભોજા ભગતના વારસદાર

મનસુખલાલે ભોજા ભગતના વારસદાર તરીકે આપણને કેટલીક પંક્તિઓ યાદ રહી જાય એ રીતે આપી છે. એક જગ્યાએ તેમણે કહ્યું છે...

જીવ! શાને ફરે છે ગુમાનમાં

તારે રહેવું ભાડાના મકાનમાં

પરમાત્માની પ્રાર્થના શબ્દોથી થાય છે, પણ શબ્દો કોઈ સાંભળનાર હોય એટલે બોલનાર અને સાંભળનાર બે જુદા પડી જાય. મનસુખલાલ આ જુદાઈને આ રીતે ઓળખાવે છે:

‘જ્યાં ભાષા આવે છે ત્યાં ભેદ આવે છે, કારણ કે દરેક ભાષામાં કોઈ બોલનાર અને કોઈ સાંભળનાર હોય છે અને જ્યાં ભેદ હોય છે ત્યાં ઈશ્વર હોતો નથી.’

થોડાં વરસ પહેલાં ગુજરાતી ભાષામાં મહાભારતના અનુવાદ માટે એક પ્રકલ્પ થયો હતો. મહાભારતના સંસ્કૃત શ્લોકોને ગુજરાતીમાં અનુદિત કરવા માટે ગુજરાતના જે પાંચ વિદ્વાનોને આ કામ સોંપવામાં આવ્યું હતું એમાંના એક મનસુખલાલ પણ હતા. મનસુખલાલે મહાભારતના સેંકડો શ્લોકોને ગુજરાતી ગદ્યમાં અનુદિત કર્યા છે. મનસુખલાલે આજીવન આ વિદ્યાકર્મ કર્યું, પણ ક્યાંય પડઘમ નથી વગાડ્યાં. તેમણે માત્ર સિતાર કે વાંસળીના સૂરે જ પોતાની વિદ્વત્તા આપણને આપી હતી. આ વિદ્વત્તાની વિદાય સાથે ગુજરાતી ભાષાના સંસ્કૃત વિષયની વિદ્વત્તા રંક થઈ એમ કહી શકાય.

columnists dinkar joshi