તન-મન-ધનથી અમે છીએ જવાન

24 July, 2024 11:00 AM IST  |  Mumbai | Rajul Bhanushali

ઉમર પચપન કી અને દિલ બચપન કાવાળો ફન્ડા નવો નથી. જોકે વય વધારે હોય પણ દિલ, દિમાગ, લાઇફસ્ટાઇલ એમ બધું જ જો યુવાનો જેવું હોય એવા વડીલોને શું કહેશો?

(ડાબેથી) સુરેશ ભાનુશાલી, વલઈબાઈ જોઈસર, હસમુખ બારોટ, ભારતી પટેલ

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો એક વિડિયો કદાચ તમે પણ જોયો હશે. એક યુવાન છે જે ‘માય મૉમ-ડૅડ ઍટ સિક્સ્ટી’ કહે છે અને તેના પેરન્ટ્સ નાચે-કૂદે છે, દોડે-રમે છે. પછી યુવાન ‘મી ઍટ માય થર્ટીઝ’ બોલે છે, તેની કોઈક વસ્તુ નીચે પડી જાય છે અને તે એ લેવા માટે નમે છે. નીચે નમતાંની સાથે જ તેની કમરમાંથી કડાકા બોલી જાય છે! એ છોકરાના પેરન્ટ્સનું સ્વાસ્થ્ય ઈર્ષા આવે એવું છે. પણ ખરેખર એવા લોકો હોય છે જેમને જોઈને એવું લાગે કે જાણે તેઓ ઉંમરને ઘોળીને પી ગયા છે.

મોટી ઉંમર સુધી જીવન જીવવાનો ઉત્સાહ અને સ્વાસ્થ્ય જાળવી રાખનારાને ખરેખર વધાઈ આપવા જેવી છે. આજે આપણે એવા જ કેટલાક વડીલો સાથે વાત કરીએ જે ઉંમરના છ દાયકા પાર કરી ગયા છે, નિવૃત્તિના દિવસો જેમની રાહ જોઈને ઊભા છે અને આરામ કરવાના તમામ સંજોગો અને અનુકૂળતાઓ જેમની પાસે છે જ છતાં જોમ અને જુસ્સાની બાબતમાં તન, મન અને ધનથી યુવાનો જેવો દબદબો જેમણે અકબંધ રાખ્યો છે...

મોજમાં રહેવાનું અને કામ કરીને જલસા કરવાના એ જ આ વડીલ વકીલનો ફન્ડા

‘ઍડ્વોકેટ્સ ક્યારેય રિટાયર થતા નથી. સાચું પૂછો તો યુવાનીનાં વર્ષોની જમાવેલી પ્રૅક્ટિસ હોય એટલે પાછલી ઉંમરે પણ કેસ મળતા રહે.’ આ શબ્દો છે ઘાટકોપરમાં રહેતા સુરેશ ભાનુશાલીના. ૬૨ વર્ષના આ ભાઈ આજની તારીખે પણ રોજ કોર્ટમાં જાય છે. સવારના ઊઠીને વૉક પર જાય, ત્યાંથી આવીને બે ગ્લાસ ગરમ પાણી પીએ અને ખાઈપીને જલસા કરે છે. સુરેશભાઈ કહે છે, ‘આટલું કરો તોય સ્વાસ્થ્ય એકદમ સારું રહે. દીકરો ભણીગણીને સેટલ થઈ ગયો છે એટલે છેલ્લા એકાદ વરસથી તે દરરોજ માથું ખાય છે કે હવે બધું વાઇન્ડ અપ કરો અને રિટાયર થઈ જાઓ, પણ મારું મન માનતું નથી. ઘરે બેસી જઈએ તો હાથ-પગ કામ કરવાનું ભૂલી જાય. મેં તેને કહ્યું છે કે તારાં બાળકો થશે ત્યારે રિટાયર થઈ જઈશ, પછી આખો દિવસ તેમની સાથે રમીશ.’

જ્યાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી કામ કરતા રહેવું જોઈએ એવું માનતા સુરેશભાઈ જવાનીના દિવસોમાં NCCમાં હતા. કૉલેજમાં બાસ્કેટબૉલ ટીમના કૅપ્ટન હતા અને સ્ટેટ લેવલ પર રમ્યા છે. મજાની વાત એ છે કે આજની તારીખે પણ સુરેશભાઈ બાસ્કેટબૉલ રમે છે. બિલ્ડિંગના છોકરાઓ નીચે રમતા હોય તો પહોંચી જાય, દીકરા જોડે ગ્રાઉન્ડમાં રમવા પણ જાય.

પહેરવેશમાં પણ અપ-ટુ-ડેટ રહેવામાં માનતા સુરેશભાઈ કહે છે, ‘મનથી જો પોતાને વયોવૃદ્ધ માનતા હો તો તમને વસ્તુ પણ એવી જ ગમે. હું તો છેલ્લાં કેટલાંય વર્ષોથી વાઇટ શર્ટ જ પહેરું છું.

જીન્સ ઉપર ટી-શર્ટ લે કે શર્ટ કે ફૉર્મલવેઅર; વાઇટ સિવાય કોઈ રંગ પહેરવાનો નહીં. બીજું, મગની દાળનાં ભજિયાં મને અતિશય ભાવે. ઘરમાં રોજ ફરમાઈશ પૂરી થાય નહીં એટલે વરસાદ આવે ત્યારે બહાર જઈને પણ આ ઇચ્છા પૂરી કરી આવવાની. નસીબજોગે હજીયે પેટ મજબૂત છે અને સાથ આપે છે.’

૭૧ વર્ષે દિવસના આઠ કલાક સાડીની દુકાનમાં વેપાર કરતાં આ દાદી કમાલનાં છે

૭૦ વર્ષનાં વલઈબાઈ જોઈસર રોજ સવારે સાડાદસ વાગ્યે પોતાની દુકાને જાય છે અને તે છેક રાત્રે નવ વાગ્યે ઘરે પાછાં આવે. તેઓ કહે છે, ‘સાડીઓનું કામકાજ કરતાં મને ૪૦ વર્ષ થયાં. શરૂઆતમાં ઘરવાળાનો પગાર ઓછો હતો. ઘરમાં આર્થિક સપોર્ટની જરૂર હતી એટલે મેં આ કામ ચાલુ કર્યું. પહેલાં તો ઘરમાંથી જ સાડીઓ વેચતી. પછી ઘર અને દુકાન ઉપર-નીચે એમ કર્યું. આજે ઘાટકોપરના ટૉપ એરિયામાં મારી જ્યોતિ ટેક્સટાઇલ નામે દુકાન છે. સવારના નિત્યક્રમ પતાવી થોડીઘણી એક્સરસાઇઝ કરું છું. દસ વાગ્યા સુધી થાય એટલું ઘરનું કામકાજ કરું. દીકરાની વહુને એટલી મદદ થાય. સાડાદસે તો દુકાને પહોંચી જવાનું. આજની તારીખે પણ મને ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશર જેવી કોઈ જાતની તકલીફ નથી. કામ સૌથી મોટો યોગ છે. જ્યાં સુધી હાથપગ ચાલતા રહે કામ કરવું જ જોઈએ અને તમે તમારું કામ કર્યા કરશો તો તમને ક્યારેય કોઈ દવાઓની જરૂર નહીં પડે. પ્રવૃત્તિમય રહેવું એ સ્વસ્થ અને સુખી જીવનનો રામબાણ ઇલાજ છે.’

યુથફુલનેસ જેમના વ્યવહારમાં છે એવાં વલઈબાઈને કુકિંગનો જબરો શોખ છે. દેશી મીઠાઈઓ અને અથાણાં બનાવવામાં તેમની માસ્ટરી છે. આજુબાજુમાં, પરિવારમાં કે પછી ફ્રેન્ડ-સર્કલમાં જેને જે ભાવતું હોય તેમના ઘરે રેડી કરીને પહોંચાડી દે એવાં ખંતીલાં અને ઍક્ટિવ છે.

ઇસ્ત્રીવાળા વાઇટ ઍન્ડ વાઇટ ડ્રેસમાં અપ-ટુ-ડેટ રહેતા ૭૫ વર્ષના આ દાદાએ ફરી વાળ ઉગાડ્યા

માટુંગામાં રહેતા ૭૫ વર્ષના હસમુખ બારોટ રોજના ત્રણ-ચાર કિલોમીટર વૉક કરે છે, ઑફિસ જાય છે અને ઍક્ટિવ લાઇફ જીવે છે. દિનચર્યા અને કામધામ વિશે વાત કરતાં હસમુખભાઈ કહે છે, ‘આ ઉંમરે પણ કોઈ તકલીફ નથી. ન બ્લડ-પ્રેશર, ન શુગર કે ન બીજું કશું. ઘૂંટણ પણ મજાનાં છે હજી. આજની તારીખે પણ એકદમ ફિટ છું. અને જ્યાં સુધી હાથ-પગ ચાલતા રહેશે, રિટાયર થવાનો વિચાર પણ નથી. અમારું ઇન્કમ-ટૅક્સનું કામકાજ છે. હું રિટર્ન ફાઇલ કરું છું. અમારી ઑફિસ વડાલા છે. હવે તો દીકરાએ કામ સંભાળી લીધું છે છતાં હું અઠવાડિયામાં બે વખત ઑફિસ જાઉં છું અને રોજનાં બેચાર રિટર્ન ફાઇલ કરું છું.’

હસમુખભાઈ કાયમ સફેદ રંગનાં કપડાં પહેરે છે. એ તેમનો શોખ છે. શોખ વિશે વધારે ડીટેલમાં વાત કરતાં હસમુખભાઈ કહે છે, ‘૪૦ વર્ષથી મેં વાઇટ સિવાય કોઈ જ કલર પહેર્યો નથી. મારા પૅન્ટ-શર્ટ તો વાઇટ છે જ પણ ચશ્માં, ચંપલ અને મારી છત્રી પણ વાઇટ છે. એ ઉપરાંત હું જે બૉલપેન આપું છું એ પણ વાઇટ રંગની જ છે. મેં મારી બૅગ લંડનથી મગાવી છે અને એ પણ વાઇટ છે. ગમેતેવો મોટો પ્રસંગ હોય, હું સફેદ કપડાં જ પહેરું છું. મારા દીકરાનાં લગ્નમાં પણ મેં વાઇટ સફારી પહેર્યું હતું. આ મારો એકમાત્ર શોખ છે. હજી ૭૫ વર્ષે પણ માથામાં ટાલ નથી પડી. વચ્ચે વાળ ઊતર્યા હતા તો મેં દવાઓ કરીને ફરી પાછા વાળ ઉગાડ્યા. પણ હા, મને વાળ સફેદ રાખવા ગમતા નથી. હું રેગ્યુલરલી ડાય કરું છું. જ્યાં સુધી ઍક્ટિવ રહેશો, સ્વસ્થ રહેશો.’

દરરોજ સેવપૂરી ખાતાં ૬૧ વર્ષનાં આ બહેનની વ્યસ્તતા સામે યુવાનો પાણી ભરે

ઘાટકોપરના માણેકલાલમાં રહેતાં ૬૧ વર્ષના ભારતી પટેલનું ફરસાણ, ગરમ નાસ્તા, મસાલાનું કામકાજ છે. અત્યંત ઉત્સાહી ભારતીબહેન કહે છે, ‘પહેલાં હું ફૅશન-ડિઝાઇનિંગનું કામ કરતી. એ વખતે ૮૦૦ સાડીઓ બનાવવાનો રેકૉર્ડ છે. તાકામાંથી કાપડ લઈ આવું, પછી એને મારી રીતે અલગ-અલગ લેસ લગાવું, વર્ક કરું અને અવનવી ડિઝાઇન કરીને સાડી બનાવું. મેં સાડીઓ ગિફ્ટ પણ ખૂબ આપી છે અને ઑર્ડર પણ ખૂબ લીધા છે. ધીમે-ધીમે વર્કવાળું ને સીક્વન્સવાળા વર્કનું ચલણ ઓછું થતું ગયું અને મેં એ પ્રવૃત્તિ બંધ કરી. પરંતુ ખાલી બેસી રહેવું બિલકુલ ન ગમે એટલે મેં કામ સ્વિચ કર્યું. મેં ફરસાણ, મસાલા વગેરેના ઑર્ડર લેવાનું કામકાજ ચાલુ કર્યું. કોવિડના વર્ષમાં મેં એકલા હાથે ૨૦૦ કિલો છૂંદો બનાવીને વેચ્યો છે. ફરસાણ, ગરમ નાસ્તા, થેપલાં, ઢોકળાં વગેરેના હું ઑર્ડર લઉં છું.’

ભારતી પટેલ કુલ ૧૧ જાતનાં અથાણાં બનાવે છે. આજની તારીખે તેમની પાસે ફૂડની જુદી-જુદી ૮૧ વસ્તુઓ વેચાય છે. આ બધું જ તેઓ કરે છે માત્ર શોખ ખાતર. ભારતીબહેન કહે છે, ‘આ બધું જ કામ હું ઘરેથી કરું છું. ગઈ ગણેશ ચતુર્થી વખતે મેં એકલા હાથે ૨૧ કિલો ચૂરમાના લાડુ બનાવ્યા હતા. આમાં મારી બેઉ વહુઓ ઘરમાંથી પરવારે ત્યારે મારી મદદ કરે. હું સવારે ૮ વાગ્યે ફ્રી થઈને મારા કામે લાગી જાઉં. અલગ-અલગ એક્ઝિબિશનમાં હું મારો સ્ટૉલ લગાવું તો એક દિવસમાં દસ-વીસ હજાર તો સહેજે કમાઈ લઉં. હું માનું છું કે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા રહીએ તો પૈસા ઘરમાં આવે જ સાથે શરીરની સાથે-સાથે મન-મસ્તિષ્ક પણ તંદુરસ્ત રહે.’

ભારતીબહેનને નવાં-નવાં કપડાં અને દાગીનાનો અનહદ શોખ છે. તેઓ કહે છે, ‘નવી ફૅશનની સાડી માર્કેટમાં આવી નથી કે ખરીદીને રાતોરાત એનું બ્લાઉઝ જાતે જ સીવી નાખું. ફૉલ-બિડિંગ પણ જાતે જ કરું અને બીજા દિવસે પહેરી પણ લઉં. જ્વેલરીના ડબ્બાના ડબ્બા ભરેલા છે. મૅચિંગ જ્વેલરી પણ પહેરવાની જ. એ ઉપરાંત મને ચાટ આઇટમ ખાવાનો પણ બહુ જ શોખ છે. લગભગ દરરોજ ચાટમાં સેવપૂરી તો ખાવાની જ.’

gujarati community news gujaratis of mumbai columnists