14 July, 2025 01:32 PM IST | Mumbai | Heena Patel
મીના વધાણ
એટલે જ ૩૩ વર્ષના ગૅપ પછી ફરી ભણવાનું શરૂ કરીને ગુજરાતી લિટરેચરમાં BA થયાં, હવે MA કરી રહ્યાં છે અને ત્યાર બાદ PhD કરશે ૫૩ વર્ષનાં મીના વધાણ : ડૉક્ટર બનવું હતું એટલે ટેન્થ પછી સાયન્સ લીધેલું, પણ ૧૭ વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયાં એટલે ભણતર છૂટી ગયું હતું
મનમાં કંઈક કરવાની તીવ્ર ઇચ્છા હોય ત્યારે આપોઆપ માર્ગ નીકળી જતો હોય છે. દક્ષિણ મુંબઈના ચીરાબજારમાં રહેતાં ૫૩ વર્ષનાં મીના વધાણનું જીવન એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમને ભણવાની બહુ ધગશ હતી, પણ નાની વયે લગ્ન થઈ જતાં ભણતર છૂટી ગયું. લગ્ન પછી પરિવાર અને બાળકોની જવાબદારી આવી ગઈ એટલે જીવન એમાં ગૂંથાયેલું રહ્યું. સંતાનો મોટાં થઈ ગયાં અને જવાબદારીઓ પણ ઓછી થઈ ગઈ એટલે મીનાબહેને ફરી ઉચ્ચ શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું. હજી થોડા દિવસ પહેલાં જ તેઓ BA વિથ ગુજરાતી લિટરેચર કર્યું છે. તેમને MA કરીને PhD એટલે કે ડૉક્ટર ઑફ ફિલોસૉફી થવાની ઇચ્છા છે.
૧૭ વર્ષની ઉંમરે લગ્ન
યુવાનીના સમયગાળામાં ભણવાની તક કેમ ન મળી એ વિશે વાત કરતાં મીનાબહેન કહે છે, ‘અમે ગોરેગામમાં રહેતાં હતાં. મારા પપ્પા રવજીભાઈ સાવલાની કરિયાણાની દુકાન હતી. અમે પાંચ ભાઈ-બહેનો છીએ અને એમાં હું સૌથી મોટી હતી. હું પ્રજ્ઞાબોધિની હાઈ સ્કૂલમાં ભણી છું. દસમું ધોરણ પૂરું કર્યા પછી મેં મીઠીબાઈ કૉલેજમાં ઍડ્મિશન લીધું હતું. મને ડૉક્ટર બનવાની ઇચ્છા હતી એટલે મેં સાયન્સ લીધેલું. મને અગિયારમા ધોરણમાં ૭૪ ટકા આવેલા. એ વખતે એ ખૂબ સારા માર્ક્સ ગણાતા. મારું ભણવાનું ચાલુ હતું ત્યાં મારાં લગ્ન માટે માગું આવી ગયું. છોકરો અને પરિવાર સારા હતા એટલે માતા-પિતાએ મારાં લગ્ન નક્કી કરી દીધાં. મોટી દીકરી સારા ઠેકાણે જાય તો બીજી દીકરીઓ માટે પણ સારાં માગાં આવે એ વિચાર સાથે તેમણે મને ૧૭ વર્ષની ઉંમરે જ પરણાવી દીધી. લગ્નના એક વર્ષમાં મારી સૌથી મોટી દીકરીનો જન્મ થયો. એટલે ૧૮ વર્ષની ઉંમરે જ હું માતા બની ગયેલી. હું બિપિન સાથે પરણીને સાસરે આવી ત્યારે ૨૫ જણની જૉઇન્ટ ફૅમિલી એકસાથે રહેતી હતી એટલે ઘરમાં એટલું કામ હોય કે એમાં જ આખો દિવસ ક્યાં પસાર થઈ જતો એની ખબર જ ન પડે.’
પાંચ દીકરીઓ અને એક દીકરા સાથે મીના વધાણ.
૨૦૨૨માં ફરી શરૂઆત
મીનાબહેને કૉલેજનું ભણતર છૂટ્યું એનાં ૩૩ વર્ષ બાદ ૨૦૨૨માં ફરી ભણવાની શરૂઆત કરી હતી. એ શરૂઆત કઈ રીતે થઈ એ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘મારા પતિ બિપિનનું ૨૦૧૫માં નિધન થઈ ગયું. મારી દીકરીઓ પણ પરણીને સાસરે ગઈ હતી. અમારી ફૅમિલી પણ જૉઇન્ટમાંથી ન્યુક્લિયર થઈ ગઈ હતી. આમ તો અમે બધા હજી સાથે જ છીએ, પણ બધાનાં એક બિલ્ડિંગમાં ઘર અલગ-અલગ થઈ ગયાં છે. જવાબદારી ઓછી થઈ એટલે વધુ ફુરસદ મળવા લાગી હોવાથી મેં અભ્યાસમાં જીવ પરોવવાનું નક્કી કર્યું. મરીન લાઇન્સમાં શકુંતલા સ્કૂલ છે. અહીં જૈનોલૉજીનો કોર્સ કરાવવામાં આવતો હતો. મને એમાં ઍડ્મિશન લેવાની ઇચ્છા હતી. હું ઇન્ક્વાયરી કરવા માટે ગઈ. એ સમયે તેમણે મારી પાસે બારમા ધોરણનું સર્ટિફિકેટ માગ્યું. હું તો અગિયારમા સુધી જ ભણેલી હતી એટલે જૈનોલૉજીનો કોર્સ ન શીખી શકી. એ સમયે મેં નક્કી કરેલું કે ગમે એમ કરીને ફરી બારમા ધોરણની પરીક્ષા આપવી છે. એ પછી મેં ચર્ચગેટની SNDTમાંથી કૉરસ્પૉન્ડન્સ એજ્યુકેશનના માધ્યમથી બારમું ધોરણ પાસ કર્યું. મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડનું રિઝલ્ટ આવ્યું ત્યારે મને ૭૯.૫૦ પર્સન્ટેજ આવ્યા હતા.’
ભત્રીજા સાથે પરીક્ષા
આટલાં વર્ષો પછી ફરી હાથમાં ચોપડા લઈને ભણવામાં કેવી મુશ્કેલી પડી એનો જવાબ આપતાં મીનાબહેન કહે છે, ‘હું પરણીને સાસરે આવી ત્યારે મારાં નણંદ ભણી રહ્યાં હતાં એટલે તેમને ગણિત હું જ શીખવતી. એ પછી મારાં એક પછી એક સંતાનો થયાં. તેમને પણ હું જ ભણાવતી. હું જૈન છું એટલે અમારો જૈન ધર્મનો અભ્યાસ આવે. હું એ કરતી. મેં ૨૫ શ્રેણી સુધીનો અભ્યાસ કર્યો છે. એટલે આમ જોવા જઈએ તો મેં ભણવાનું છોડ્યું જ નથી. બારમા ધોરણમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર જેવા વિષયો હતો. મારા માટે અર્થશાસ્ત્ર થોડું નવું હતું. જોકે SNDTના ટીચર્સના માર્ગદર્શનથી મને એ સમજવામાં ઘણી મદદ મળી. એ સિવાય મારા ભત્રીજા અને મેં સાથે જ બારમા ધોરણની પરીક્ષા આપી છે એટલે મને કોઈ સબ્જેક્ટમાં ડાઉટ્સ હોય તો હું તેને પૂછી લેતી. લૅન્ગ્વેજના સબ્જેક્ટ્સને બાદ કરતાં બાકીના બધા વિષયોની મેં ગુજરાતીમાં પરીક્ષા આપી હતી.’
મીના વધાણે એમ્બ્રૉઇડરી વર્ક કરેલી કૅપ.
ડૉક્ટર બનવાનું સપનું
બારમું ધોરણ પાસ કર્યા પછી ગુજરાતી લિટરેચરમાં આગળ વધવાની જર્ની અને એને કારણે જીવનમાં આવેલા બદલાવો વિશે વાત કરતાં મીનાબહેન કહે છે, ‘બારમું ધોરણ પાસ કર્યા પછી એમ લાગ્યું કે જૈન ફિલોસૉફી કરતાં થોડાક અલગ વિષયનું ભણું જેથી મને નવું કંઈક જાણવા મળે. એટલે મેં ગુજરાતી લિટરેચર ભણવાનું નક્કી કર્યું. મારી ગુજરાતીમાં પકડ સારી છે અને એમાં હું મારા વિચારો પણ સારી રીતે વ્યક્ત કરી શકું છું. એટલે મેં BA વિથ ગુજરાતી સાહિત્યનો ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ કર્યો, જે હજી હમણાં જ પૂરો થયો છે. એમાં મેં ૭૩.૯૨ ટકા મેળવ્યા છે. હવે હું આમાં જ આગળ MAનો અભ્યાસ કરવાની છું, જેનું ઍડ્મિશન પણ મેં લઈ લીધું છે. એ પછી આગળ PhD કરવાની ઇચ્છા છે. હું જૈન ધર્મને લગતા કોઈ વિષય સાથે PhD કરીશ. મારા નામની આગળ Dr લખાય એ મારું વર્ષો જૂનું સપનું છે જે હું હવે પૂરું કરીશ. મેં કૉલેજમાં જઈને ભણવાનું શરૂ કર્યું છે ત્યારથી મારામાં આત્મવિશ્વાસનો ભારોભાર ઉમેરો થયો છે. અમારી કૉલેજમાં નાટક ભજવાયેલું એમાં મેં ભાગ લીધેલો. એ પછી મારો સ્ટેજ-ફિયર દૂર થઈ ગયો. એ સિવાય પણ કૉલેજમાં કુકિંગ કૉમ્પિટિશન કે એવી કોઈ કૉમ્પિટિશન હોય તો એમાં હું ભાગ લઉં. અમને પિકનિક પર પણ લઈ જાય એટલે નવા લોકો સાથે હળવા-મળવાનું થાય અને નવું જાણવા-શીખવા મળે. એટલે એ રીતે તમારા વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય.’
બાળકો હવે વધુ જવાબદાર
મીનાબહેનની આ જર્નીમાં તેમનાં સંતાનો કઈ રીતે સપોર્ટ કરે છે એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મને એમ લાગે છે કે જ્યારથી મેં ભણવાનું શરૂ કર્યું છે ત્યારથી તેઓ વધારે જવાબદાર બની ગયાં છે. મારે કૉલેજ જવાનું હોય એટલે તેઓ ખોટો ટાઇમપાસ કર્યા વગર તેમનાં કામ સમયસર કરી લે છે જેથી મને મોડું ન થાય. ઘણી વાર કૉલેજનાં ઑનલાઇન ફૉર્મ્સ ભરવાનાં હોય એ મને ન આવડે તો એ લોકો ભરી આપે. હું જે કામ કરું એમાં મારો ઉત્સાહ વધારે. જેમ કે મને એમ્બ્રૉઇડરી વર્ક, પેઇન્ટિંગ, હોમ ડેકોર કરવું ગમે. મારી દીકરી નિકિતા બેકર છે તો તેની સાથે રહીને મને પણ કેક અને એ બધું બનાવતાં આવડી ગયું. એટલે તે લોકો હંમેશાં મને એમ કહીને પ્રોત્સાહન આપે કે મમ્મી, તું તો ઑલરાઉન્ડર છે.’
ફૅમિલી બૅકગ્રાઉન્ડ
મીનાબહેનને પાંચ દીકરીઓ અને એક દીકરો છે. તેમની સૌથી મોટી દીકરી ઉર્વી ડેન્ટિસ્ટ છે. બીજા નંબરની દીકરી અવનિએ MCom કર્યું છે અને પતિને તેમના રેડીમેડ ગાર્મેન્ટ્સના બિઝનેસમાં હેલ્પ કરે છે. ત્રીજા નંબરની દીકરી નિકિતા હોમ-બેકર છે અને પ્રાઇવેટ ટ્યુશન લે છે. ચોથા નંબરની દીકરી મનાલીએ CA અને LLB કર્યું છે. હાલમાં એક CA ફર્મમાં તે જૉબ કરે છે. સૌથી નાની દીકરી વૃત્તિ એક ક્લાસિસમાં મૅથ્સ ટીચર છે. દીકરો ઋષિથ હજી બારમા ધોરણમાં છે. નીનાબહેનની ચાર દીકરીઓ અત્યારે પરણીને સાસરામાં સેટલ્ડ છે, જ્યારે સૌથી નાની દીકરી અને દીકરો તેમની સાથે રહે છે.