28 March, 2025 11:31 AM IST | Mumbai | Shailesh Nayak
સ્ટેજ પર પર્ફોર્મ કરી રહેલા નિખિલ કાંટાવાલા.
કાંદિવલીમાં રહેતા ૫૯ વર્ષના નિખિલ કાંટાવાલા તેમના ઘરમાં રોજ તેમના ઇષ્ટદેવની પૂજાઅર્ચના કરવાની સાથે-સાથે લેજન્ડરી સિંગર કિશોરકુમારની પણ પૂજા કરે છે અને તેમનાં દર્શન અને સ્મરણ કરીને બહાર જાય છે. તેમના ઘરના મંદિરમાં ભગવાનની તસવીરો અને મૂર્તિઓ સાથે તેમણે કિશોરદાનો પણ ફોટો મૂક્યો છે.
હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી સહિતની ભાષાઓમાં ગીતો ગાઈને ભારતીય સંગીતને એક ઊંચાઈ બક્ષનાર કિશોરદા ભલે સ્વદેહે આજે હયાત નથી, પણ તેમના સુમધુર કંઠથી આજે પણ સંગીતપ્રિય લોકોમાં જીવંત છે. મૂળ ખંભાતના પણ મુંબઈમાં જન્મેલા નિખિલ કાંટાવાલા કિશોરકુમારના જબરા ફૅન છે. ઘરમાં કિશોરકુમારની પૂજા વિશે ‘મિડ-ડે’ને તેઓ કહે છે, ‘મારા ઘરના મંદિરમાં ભગવાનના ફોટોની સાથે વર્ષોથી કિશોરકુમારનો ફોટો રાખ્યો છે. હું બીજા ભગવાનની જેમ તેમની સમક્ષ દરરોજ પ્રાર્થના કરું છું. મારે ત્યાં મંદિરમાં ભગવાનની સાથે-સાથે કિશોરકુમારની પણ પૂજા થાય છે. તેમનાં દર્શન અને સ્મરણ કરીને હું બહાર જતો હોઉં છું. મારી ઇચ્છા એવી છે કે મારો અંતિમ શ્વાસ આવે ત્યારે સ્ટેજ પર હું કિશોરદાનાં ગીતો ગાતો હોઉં અને એ ગીતો ગાતો-ગાતો ઉપર જાઉં અને સૌથી પહેલાં તેમને મળું.’
ફૅન નહીં પણ ભગત
કિશોરદા પાછળ કેવી રીતે ક્રેઝી થયા એ વિશે વાત કરતાં નિખિલભાઈ કહે છે, ‘મારા ઘરમાં સંગીતનો માહોલ હતો જ. મારાં મધર ગીતાબહેન સિતાર પ્લેયર હતાં. નાનપણથી જ મને કિશોરકુમારનાં ગીતો બહુ જ ગમતાં હતાં. પહેલાંના સમયે જ્યારે રેડિયો પર તેમનાં ગીતો વાગતાં ત્યારે મારા કાન ઊંચા થઈ જતાં અને એ સાંભળતાં-સાંભળતાં ક્યારે કિશોરદાની દિશા તરફ ઢળતો ગયો એ ખબર જ ન પડી. હું કિશોરકુમારનો ફૅન નહીં પણ ભગત થઈ ગયો. આજે પણ કિશોરદાનો એવો જ ભગત છું જેવો પહેલાંથી હતો. આજે મારા ઘરે મારી પત્ની સોનલ મને સપોર્ટ કરે છે અને મારી ક્યાંક ચૂક થતી હોય તો મને ધ્યાન દોરે છે.’
પોતે ગાયક બની ગયા
મૂળ તો ઑટોમોબાઇલ ક્ષેત્રે કાર્યરત નિખિલ કાંટાવાલા કિશોરકુમારનાં ગીતો સાંભળતા- સાંભળતા ગાતા પણ થઈ ગયા હતા અને પછી કાયમ માટે સિન્ગિંગ લાઇનમાં આવી ગયા અને શો કરતા થઈ ગયા એ વિશે તેઓ કહે છે, ‘અમે મૂળ ખંભાતના છીએ. પેટલાદમાં પણ અમારું ઘર છે, પરંતુ મારા દાદા વર્ષો પહેલાં ધંધા માટે મુંબઈ આવીને વસ્યા હતા. સેકન્ડહૅન્ડ ગાડીઓ લેવાનું, બનાવવાનું અને વેચવાનું કામકાજ હતું. હવે જોકે એ વાઇન્ડ અપ કરી દીધું છે અને સ્ટેજ-શો કરું છું. ક્લબમાં, પ્રાઇવેટ પાર્ટીઓમાં શો કરીએ છીએ. ઑર્કેસ્ટ્રામાં ગાવા પણ જાઉં છું. ઘણી વખત પૈસા મળે ન મળે એવું પણ થતું. આ ઉપરાંત સિનિયર સિટિઝન્સ માટે, આદિવાસી સમાજ માટે તેમ જ અન્ય લોકો માટે ફ્રીમાં પણ શો કર્યા છે. કિશોરકુમારના જન્મદિવસે ૨૦૧૬-’૧૭માં મારું પોતાનું બૅનર મ્યુઝિક એસેન્સ શરૂ કર્યું છે. કિશોરદાને અંજલિ આપવા માટે ગયા વર્ષે ઑગસ્ટમાં સોલો કાર્યક્ર્મ પણ મલાડમાં કર્યો હતો જેમાં મારી સાથે બે લેડી સિંગર્સ પણ હતી. ઘણાબધા શો કર્યા છે જેમાં કિશોરકુમારના અવાજમાં હું ગીતો ગાઉં છું. કિશોરકુમાર ઉપરાંત મુકેશ, મોહમ્મદ રફી, મન્ના ડે, કુમાર સાનુના અવાજમાં પણ હું ગાઉં છું. જોકે મારા કાર્યક્રમમાં ૮૦ ટકા ગીતો હું કિશોરકુમારનાં ગાઉં છું.’
ઘરમાં હાજરાહજૂર
પોતાના ઘરમાં કિશોરકુમારની યાદો સચવાયેલી છે એ વિશે વાત કરતાં નિખિલભાઈ કહે છે, ‘કિશોરદાનો હું ફૅન હોવાથી ઘણાબધા મિત્રો કિશોરકુમારને ધ્યાનમાં રાખીને મને ગિફ્ટ પણ આપે છે જેમાં એક મિત્રએ કિશોરકુમારની લાઇફ પર લખાયેલું પુસ્તક આપ્યું છે. તેમ જ ખાસ ગિફ્ટ તો એ મળી છે જેમાં મારા મિત્રની ડૉટર અનુષ્કા વૈદ્યે કિશોરકુમારના સ્કેચની સાથે મારો સ્કેચ દોરીને એમાં કિશોરદાનાં ગીતોની પંક્તિઓ લખીને સુંદર ડ્રૉઇંગ બનાવીને મને ગિફ્ટ કર્યું હતું. અમારે અંધેરીમાં ઑફિસ હતી ત્યાં કિશોરકુમારનાં ગીતોની બહુબધી કૅસેટો હતી. જોકે ૨૦૧૫ના જુલાઈમાં ભારે ફ્લડ આવ્યું હતું એમાં મારી ઑફિસમાં પાણી ભરાઈ ગયાં હતાં અને એમાં બધું જતું રહ્યું હતું.’
કિશોરદાના નામના શ્વાસ
ક્યારેય કિશોરદાને નહીં મળી શક્યાનો વસવસો વ્યક્ત કરતાં નિખિલભાઈ કહે છે, ‘હું ક્યારેય કિશોરદાને રૂબરૂ મળી શક્યો નથી પરંતુ ટેલિવિઝનના એક શો ‘કે ફૉર કિશોર’ના કાર્યક્રમ દરમ્યાન અમિતકુમારને મળવાનો મોકો મળ્યો હતો. તેમને મળીને કહ્યું હતું કે હું કિશોરદાનો ડાઇહાર્ડ ફૅન છું, કિશોરદા મારા ગુરુદેવ થાય છે અને આજે શ્વાસ તેમના નામથી લઉં છું.’
ગુજરાતી ગીતો ફેવરિટ
નિખિલ કાંટાવાલા જ્યારે પણ શો કરે ત્યારે ‘ઝુમરૂ’ ફિલ્મનું ટાઇટલ સૉન્ગ, જે કિશોરદાનું ફાસ્ટ તોફાની સૉન્ગ છે એ અને રોમૅન્ટિક સૉન્ગ ‘પલ પલ દિલ કે પાસ’ અચૂક ગાય છે. કિશોરકુમારે ગુજરાતીમાં ‘હું અમદાવાદનો રિક્ષાવાળો’ અને ‘તું ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી’ ગીત ગાયાં હતાં એ નિખિલ કાંટાવાલાનાં ફેવરિટ છે. નિખિલભાઈ આજે પણ ધર્માંશુ રાવલના હાર્મની મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટમાં સંગીતના ક્લાસમાં જાય છે અને પ્રૅક્ટિસ કરે છે. તેઓ મરાઠી, કન્નડા, મલયાલમ ભાષામાં પણ ગીતો ગાય છે.