25 March, 2025 03:25 PM IST | Mumbai | Kajal Rampariya
કૅન્વસ પેઇન્ટિંગ વર્કશૉપ.
પડકારોને જો સકારાત્મક દૃષ્ટિકોણથી જોઈએ તો એ ક્યારેક આપણને જીવવાનાં કારણો આપીને વધુ સારી વ્યક્તિ બનાવી જાય છે. ચેમ્બુરના તિલકનગરમાં રહેતાં ૪૨ વર્ષનાં મીના ગઢવીની લાઇફમાં પણ કંઈક આવું જ થયું છે. કચ્છના નખત્રાણા તાલુકામાં મોરજર ગામમાં જન્મેલાં મીનાબહેન ૨૦૦૩માં લગ્ન કરીને મુંબઈ આવ્યાં. તેમની લાઇફમાં એવો ટર્નિંગ પૉઇન્ટ આવ્યો કે તેના હસબન્ડનો ત્રણ પેઢી જૂનો બિઝનેસ અચાનક ઠપ થઈ ગયો અને તમામ સુખસુવિધાવાળું જીવન જીવતાં મીનાબહેનના પરિવારને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો. હસબન્ડ બીજી નોકરી શોધે ત્યાં સુધી ઘર ચલાવવાની જવાબદારી મીનાબહેને ઉપાડી. નાનપણથી જ આર્ટ પ્રત્યેના પૅશને તેમની ડૂબતી નૈયાને તો પાર લગાવી જ, પણ હવે તેઓ ઘર ચલાવવા નહીં પણ પોતાના પૅશનને ફૉલો કરવા બાળકોને અલગ-અલગ પ્રકારની આર્ટ શીખવાડે છે.
ડાઉનફૉલની શરૂઆત
કચ્છમાં રહેતાં મીના ગઢવી ૨૦૦૩માં લગ્ન કરીને ઘાટકોપરના ગારોડિયાનગરમાં રહેવા આવ્યાં હતાં. હસબન્ડનો કન્સ્ટ્રક્શન ફીલ્ડમાં ત્રણ પેઢી જૂનો બિઝનેસ હતો. જીવન સુખમય વીતી રહ્યું હતું ત્યારે ૨૦૧૦માં અચાનક તેમનો ડાઉનફૉલ થતાં રાતોરાત બંધ કરવાની નોબત આવી. એ સમયને યાદ કરતાં કેવી રીતે પરિસ્થિતિ સંભાળી એ વિશે મીનાબહેન કહે છે, ‘મારા સાસરાવાળા સુખી અને સમૃદ્ધ હતા. ત્રણ પેઢીથી કન્સ્ટ્રક્શન લાઇનમાં જમાવેલો બિઝનેસ હતો એ સસરા અને જેઠ સાથે મળીને મારા પતિ કાર્તિક સંભાળતા હતા, પણ ૨૦૧૦માં બિઝનેસમાં એવી સિચુએશન આવી ગઈ કે એ ખોટમાં જવા લાગ્યો અને એ સમયે અમારે ઘાટકોપરનું ઘર વેચવાની નોબત આવી અને બિઝનેસ પણ રાતોરાત બંધ કરવો પડ્યો. જીવનમાં અચાનક આવેલા વાવાઝોડાને કારણે આગળના જીવન અને બાળકના ભવિષ્યની ચિંતા થઈ રહી હતી. બિઝનેસ ઠપ થતાં મારી આખી ફૅમિલી કચ્છ શિફ્ટ થઈ ગઈ હતી, પણ હું મારા દીકરા ભૌમિકના ઉજ્જ્વળ ભવિષ્ય માટે મુંબઈમાં રહી. ઘાટકોપર છોડીને અમે તિલકનગરમાં ભાડેથી ઘર લીધું અને ત્યાંથી નવી શરૂઆત કરવાની કોશિશો શરૂ કરી. મારા પતિએ ફૅમિલી બિઝનેસ હોવાથી ક્યારેય જૉબ કરી નહોતી, પણ હવે બિઝનેસ બંધ પડી જતાં ઘરનું ગુજરાન ચલાવવા માટે નોકરી કરવી અત્યાવશ્યક હતી. મારા પતિ માટે આ સૌથી ટફ ટાસ્ક હતો. એ સમયે મારો દીકરો ચાર વર્ષનો હતો.’
શરૂ થઈ નવી જર્ની
જીવનમાં આવેલા પડકારે મીનાબહેનને તેમની આર્ટ પ્રત્યેના પ્રેમથી અવગત કરાવ્યાં. ગૃહિણી તરીકેની જવાબદારી સાથે આર્ટ-ફીલ્ડમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવાની શરૂઆત કેવી રીતે થઈ એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મને તો નોકરી કરવાની કે બિઝનેસ ચલાવીને રૂપિયો રળવાની ગતાગમ નહોતી. મેં તો મારા પિયરે પણ કોઈ નોકરી નહોતી કરી અને સાસરે પણ ગૃહિણી તરીકે જ રહી હતી તેથી આ પરિસ્થિતિમાં હું મારા પતિનો સાથ કઈ રીતે આપી શકું એનો વિચાર હું સતત કરતી. મુંબઈમાં હું અજાણી હતી તેથી કંઈક કરવું પણ હોય તોય હિંમત થતી નહીં, પણ અંદરખાને કંઈક કરવાની ધગશ હતી. એ સમયે હું ઘરખર્ચ નીકળે એ માટે ચૉકલેટના ઑર્ડર લેતી હતી. એક વખત મને વિચાર આવ્યો કે મને પહેલેથી જ આર્ટ પ્રત્યે પ્રેમ રહ્યો છે, ડ્રૉઇંગ કરવું મને ગમે છે તો હું મારા પૅશનને થોડા સમય માટે પ્રોફેશનમાં ફેરવી શકું એમ છું એવું મને લાગ્યું. નોકરી ન મળે ત્યાં સુધી આ રીતે કામચલાઉ ધોરણે આ કામ કરીને બાળકોને ડ્રૉઇંગ શીખવાડીને ઘર ચલાવવામાં હું મદદ કરી શકીશ એમ વિચારીને ૨૦૧૧થી મેં ઘરેથી જ બાળકોને ચિત્રકામ શીખવાડવાનું શરૂ કર્યું. જો કોઈ એરિયા કે સોસાયટીમાં એકસાથે પાંચથી વધુ બાળકોને શીખવામાં ઇન્ટરેસ્ટ હોય તો હું ત્યાં પણ શીખવાડવા જતી. સ્કૂલમાં આર્ટ-ટીચર તરીકેની જૉબ મળે એ માટે મેં ૨૦૧૪માં એલિમેન્ટરીની અઢળક પરીક્ષાઓ આપી. ટીચર્સ ટ્રેઇનિંગનો કોર્સ કર્યો. ઇન્ટરમીડિએટ ડ્રૉઇંગ એક્ઝામ મેં મારા દીકરા સાથે આપી હતી. જોતજોતાંમાં કિસ્મત જાણે મને સપોર્ટ કરતી હોય એમ પરીક્ષામાં સારા માર્કે પાસ થઈ અને તરત જ ગારોડિયા સ્કૂલમાં કૅલિગ્રાફી ટીચરની જૉબ મળી ગઈ. કૅલિગ્રાફીમાં હૅન્ડરાઇટિંગ ઇમ્પ્રૂવમેન્ટ કરાવવાનું કામ હોય. ચેમ્બુરની યુનિવર્સલ સ્કૂલમાં પણ મારા ક્લાસ ચાલતા હતા. રામજી આસર સ્કૂલમાં આર્ટ-ટીચર તરીકે આફ્ટર-સ્કૂલ ઍક્ટિવિટી કરાવવા જતી હતી. મેં ડ્રૉઇંગની ઘણી કૉમ્પિટિશનમાં નિર્ણાયક તરીકે કામ કર્યું છે. મને લીંપણ આર્ટ બહુ જ ગમે. મારી કરીઅરની ગાડી તો જાણે ચોથા-પાંચમા ગિઅરમાં ચાલી રહી હોય એવું ફીલ થઈ રહ્યું હતું.’
એક અવૉર્ડ સમારંભમાં મીનાબહેન તેમના દીકરા ભૌમિક અને પતિ કાર્તિક ગઢવી સાથે.
પેરન્ટ્સ સાથે બાળકોની ડ્રૉઇંગ વર્કશૉપનું આયોજન થાય છે.
આપદાને અવસરમાં ફેરવી
કોરોનાકાળમાં મીનાબહેને આપદાને અવસરમાં ફેરવી હતી. એ સમયને યાદ કરતાં તેઓ કહે છે, ‘મુંબઈમાં સ્થિતિ વણસી હોવાથી અમે કચ્છમાં જતાં રહ્યાં હતાં. મને લાગ્યું કે હવે મારા ક્લાસ બંધ થઈ જશે. તેમ છતાં હું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મારા ક્લાસિસની પબ્લિસિટી કર્યા કરતી હતી. મને જરાય અંદાજ નહોતો કે મારા ક્લાસ નૅશનલ નહીં પણ ઇન્ટરનૅશનલ લેવલ સુધી પહોંચી જશે. મને અમેરિકા અને ઑસ્ટ્રેલિયાથી ક્લાસમાં જોડાવા માટેની ઇન્ક્વાયરીઝ આવવા લાગી. મેં લાયન્સ ક્લબનાં કાજલ શેઠની મદદથી કચ્છના માધાપરથી આખી કૉમ્પિટિશન ગ્લોબલ લેવલ પર ઑનલાઇન ઑર્ગેનાઇઝ કરી હતી. ગ્લોબલ લેવલે હું ક્લાસિસ લઉં તો મને મિક્સ ક્રાઉડ મળતું હતું અને તેમના માટે કૉમન ભાષા એટલે અંગ્રેજી. મને કમ્યુનિકેશન કરવામાં થોડી તકલીફ પડતી પણ હું તૂટેલું-ફૂટેલું ઇંગ્લિશ બોલી લેતી. અંતે હું મારી આર્ટ લોકોને કેવી રીતે શીખવાડું છું એ મહત્ત્વનું હતું તેથી ગ્લોબલ લેવલે ક્લાસ લેવામાં મને વધુ તકલીફ પડી નથી.’
મીના ગઢવીના સ્ટુડન્ટ્સ તેમના આર્ટવર્ક સાથે.
પ્રતિસાદ સારો મળવા લાગ્યો
મીનાબહેનને તેમની કલા માટે ઘણા અવૉર્ડ પણ મળ્યા છે. સ્ટ્રગલથી સક્સેસ સુધી પહોંચવામાં આવતા તમામ પડકારોને પાર કરનારાં મીનાબહેન તેમને મળેલી સિદ્ધિઓ વિશે વાત કરતાં જણાવે છે, ‘ડ્રૉઇંગમાં ઑલિમ્પિયાડ જેવી ઇન્ટરનૅશનલ લેવલની એક્ઝામ માટે ચેમ્બુરનું સેન્ટર હું સંભાળું છું. મેં અત્યાર સુધી ૧૦,૦૦૦ કરતાં વધુ બાળકોને ટ્રેઇન કર્યાં છે. મારા ક્લાસમાં સાડાત્રણ વર્ષથી ૧૮ વર્ષનાં બાળકો શીખવા આવે છે અને અત્યારે ૪૦૦ સ્ટુડન્ટ્સ છે. રેગ્યુલર ક્લાસમાં તો હું બાળકોને ડ્રૉઇંગ જ શીખવાડું છું, પણ સાથે હું સમર કૅમ્પ અને દિવાળી કૅમ્પમાં કૅન્વસ પેઇન્ટિંગ, ઑઇલ પેઇન્ટિંગ, ડૉટ મંડલા આર્ટ, ટી-શર્ટ પેઇન્ટિંગ, કૉટન બૅગ પેઇન્ટિંગ, કાચની બૉટલ પર આર્ટ, પૉટ પેઇન્ટિંગ, વારલી પેઇન્ટિંગ, મધુબની પેઇન્ટિંગ, વેજિટેબલ પેઇન્ટિંગ, થ્રી-ડી કૅલિગ્રાફી, પેપર ક્વિલિંગ, ક્લે આર્ટ, રેઝિન આર્ટ અને લીંપણ આર્ટ કરાવું છું. આ ઉપરાંત વિધાઉટ ફાયર કુકિંગ પણ કરાવું છું. બાળકોનું તેમના પેરન્ટ્સ સાથેનું બૉન્ડિંગ વધે એ હેતુથી તેમના પેરન્ટ્સ સાથેની પેઇન્ટિંગ અને ડ્રૉઇંગ વર્કશૉપ પણ લઉં છું.’