23 March, 2026 01:34 PM IST | Mumbai | Varsha Chitaliya
જસવંતલાલ શાહ
જીવનસાથી અને મિત્રોને ગુમાવ્યા પછી વ્યાવસાયિક, સામાજિક અને ધાર્મિક કાર્યોમાં વધુ ખૂંપી ગયેલા ૯૩ વર્ષના જસવંતલાલ શાહ આજે પણ ઑફિસ જાય છે અને ૨૮ જેટલી સંસ્થાઓના કારભાર સાથે સંકળાયેલા છે. વૃદ્ધાવસ્થા સિવાય કોઈ શારીરિક તકલીફ નથી એમ જણાવતાં શૅરબજારના કિંગ કહેવાતા જસવંતલાલ શાહ (ટુવાવાળા) કહે છે, ‘૨૩ જેટલા દેશ હું ફરી આવ્યો છું. હવે હરવાફરવા માટે કંપની નથી રહી. કૅન્સર સામે લડત આપ્યા બાદ ૨૦૦૧માં પત્ની અવસાન પામી. એક પછી એક મિત્રોએ દુનિયા છોડી દીધી. જીવનસાથી અને મિત્રોને ગુમાવ્યા બાદ કોઈ શોખ નથી રહ્યો પણ જીવનને ધબકતું રાખ્યું છે. વ્યવસાયિક, સામાજિક અને ધાર્મિક કાર્યોમાં ખૂંપેલો રહું છું. નવરાશની પળોમાં ઘરની બાલ્કનીમાંથી ઘૂઘવતો અરબી સમુદ્ર જોયા કરું. બાળપણથી દરિયા સાથે અતૂટ નાતો રહ્યો છે. દરિયો મિત્રોની યાદ અપાવે છે. એની વિશાળતામાંથી દરિયાદિલીના પાઠ શીખ્યો છું. આ ઉંમરે વ્યક્તગિત આનંદ કરતાં સમાજનું ઋણ અદા કરવાની ભાવના વધુ પ્રબળ છે.’
જૂનાં સંસ્મરણો તાજાં કરતાં જસવંતભાઈ કહે છે, ‘અમારો પરિવાર પેઢીઓથી મુંબઈમાં વસેલો છે. બાળપણ CP ટૅન્ક વિસ્તારમાં વીત્યું. મિત્રો સાથે ચોપાટી જતો. ૧૯ વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયાં. એ વખતે ઇન્દુમતીની ઉંમર ૧૭ વર્ષ હતી. નોકરી કરવાની સાથે મારો અભ્યાસ ચાલુ હતો. લગ્ન પછી BAની ફાઇનલ પરીક્ષા આપી. ત્યાર બાદ LLB, કંપની સેક્રેટરી, જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટમાંથી ડિપ્લોમા ઇન બિઝનેસ મૅનેજમેન્ટ સહિત જુદા-જુદા વિષયોમાં ૧૩ ડિગ્રી મેળવી છે. સંઘર્ષમય દિવસોમાં જમીને રાત્રે ચોપાટી લટાર મારવા જતા. દરિયાકિનારે અમારો પ્રેમ પાંગર્યો. આજે ચારેય સંતાનોના ઘરમાંથી દરિયો દેખાય છે. ત્રણ દીકરા અને એક દીકરી છે. બધા હાજીઅલીથી પ્રભાદેવી વિસ્તારમાં આવેલી ગગનચુંબી ઇમારતોમાં રહે છે. મન થાય એ દીકરાને ત્યાં રહું છું. સિદ્ધિવિનાયક મંદિરની સામે ૩૯મા માળેથી બન્ને બાજુ દરિયો જોવામાં આનંદ આવે છે. નવી કાર ખરીદવાના શોખને જીવંત રાખ્યો છે. જોકે ડ્રાઇવિંગ નથી આવડતું. યુવાવયે શીખવાનો પ્રયાસ કર્યો હતો પણ ન ફાવ્યું. સિત્તેરના દાયકાના અંતે પહેલી કાર લીધી ત્યારથી ડ્રાઇવર રાખ્યો છે. દર થોડાં વર્ષે નવી કાર ખરીદું છું. ગુઢીપાડવાના અવસરે મારી દસમી કાર આવી ગઈ છે. ’
મૂળ સુરેન્દ્રનગર નજીકના ટુવા ગામના સ્થાનકવાસી જૈન જસવંતભાઈ યુવાવયે નોકરી કરતા હતા. મહાભારતમાં અર્જુન દ્વારા દ્રૌપદી સ્વયંવરમાં જ્યાં મત્સ્યવેધ કરવામાં આવ્યો હતો એ પૌરાણિક સ્થળ નજીક તેમના પિતાએ એક મંદિરનું નિમાર્ણ કર્યું હતું. ૧૯૮૯માં મંદિરના ઉદ્ઘાટન વખતે થયેલા ગોઝારા અકસ્માતમાં તેમના પિતા અને અન્ય એક સંબંધી મૃત્યુ પામ્યા. જસવંતભાઈને પણ ગંભીર ઈજા થતાં ચાર મહિના પથારીમાં રહ્યા. સાજા થયા બાદ બૉમ્બે સ્ટૉક એૅક્સચેન્જના મેમ્બર બન્યા. તેઓ કહે છે, ‘ત્રણ પેઢીથી ૉરબજારમાં કામકાજ છે. ચોથી પેઢીનાં સંતાનો અભ્યાસ કરે છે. ૧૯૯૭-’૯૯માં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના ડિરેક્ટર તરીકે અને ૨૦૦૧-’૦૩ દરમિયાન વાઇસ પ્રેસિડન્ટ તરીકે ફરજ બજાવી છે. શૅરબજારના કિંગ તરીકેની ઓળખ સ્થાપિત કરી. આજે પણ સોમથી શુક્રવાર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના બિલ્ડિંગમાં ઇમારતમાં આવેલી ઑફિસમાં જાઉં છું. બજાર પર સતત નજર હોય. કમ્પ્યુટર પર સોદા કરતાં આવડે છે. જીવનના અંતિમ શ્વાસ સુધી કાર્યરત રહેવું છે. શારીરિક રીતે સ્વસ્થ છું છતાં ઉંમરના તકાજાને ધ્યાનમાં રાખી સંતાનોના આગ્રહથી ચોવીસે કલાક સાથે રહે એવો માણસ રાખ્યો છે.’
ટુવા ગામના વતની હોવાથી તેમનો પરિવાર ટુવાવાળા તરીકે ઓળખાય છે. સમાજનું ઋણ ઉતારવાની ભાવના છે. ટુવાવાળા ચૅરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ૨૮ સંસ્થાઓ છે, જેમાંથી ચાર મેડિકલ સંસ્થાઓ છે. અમદાવાદમાં અંધજન મંડળમાં મોટી રકમનું દાન કર્યું છે જેના વ્યાજમાંથી દર વર્ષે ૨૦૦ લોકોની આંખોનું ઑપરેશન થાય છે. સુરેન્દ્રનગરની હૉસ્પિટલમાં ICU બેડ બનાવી આપ્યા છે. ઉદયપુરમાં પોલિયોની સારવાર માટેની હૉસ્પિટલ છે. નાશિકમાં ડાયગ્નૉસ્ટિક સેન્ટર અને દવાખાનું છે. જસવંતભાઈ કહે છે, ‘મુખ્ય હેતુ સ્થાનકવાસી જૈનો માટે ઉપાશ્રયો બનાવવાનો છે. સંતો-સાધ્વીઓના વિહાર માટે સૌરાષ્ટ્ર તેમ જ મુંબઈનાં વિવિધ ઉપનગરોમાં ઉપાશ્રયો બનાવ્યાં છે. મોટી રકમ દાનમાં આપી હોઈ એના વ્યાજમાંથી વહીવટ ચાલે છે. મુખ્ય દાતા હોવાથી આ સંસ્થાઓમાં આજીવન ટ્રસ્ટી છું. સંસ્થાકીય કાર્યોના લીધે સામાજિક જોડાણ બની રહે છે. દૈનિક જીવનમાં દાદર, વાલકેશ્વર અને કાંદાવાડીમાં આવેલાં ઉપાશ્રયોમાં વ્યાખ્યાન સાંભળવા જાઉં છું. સામાયિક વાંચવાનો નિત્યક્રમ છે.’