20 September, 2024 11:30 AM IST | Mumbai | Jigisha Jain
દીના પારેખ
૮૫ વર્ષની ઉંમરે પણ જીવનને સંપૂર્ણ રીતે પ્રવૃત્તિમય રાખીને વિલે પાર્લેમાં રહેતાં દીના પારેખ નકામી વસ્તુઓમાંથી કલાત્મક વસ્તુ બનાવવામાં તજજ્ઞ છે. કવિતા, નૃત્ય, ગરબા, ક્રાફ્ટ, સીવણ, ભરતકામ, માઇન્ડ-ગેમ્સ વગેરેમાં પોતાને પરોવી રાખીને પણ આ ઉંમરે જીવનને કેટલું સરસ રીતે જીવી શકાય છે એ આ વડીલ પાસેથી આપણે શીખવું જોઈએ
‘નિવૃત્તિ શબ્દ મને ગમતો નથી, પ્રવૃત્તિ ગમે છે. જીવનને જો ખરેખર જીવી જાણવું હોય તો નિવૃત્તિ નહીં, પ્રવૃત્તિની જરૂર રહે છે. વૃદ્ધ થયા એટલે અમુક વસ્તુઓ તો નથી જ થવાની, પણ જેટલું થઈ શકે છે, જ્યાં-જ્યાં તમારું મગજ કાર્યરત છે એને કામ કરવા દેવું. મગજ અને શરીર બન્ને પાસેથી કામ લેતાં રહેવું. જો લઈશું તો એ કામ કરતું રહેશે અને જો એ કામ કરતું રહેશે તો આપણે જીવ્યા એમ કહેવાય.’
આ શબ્દો છે ૮૫ વર્ષનાં વિલે પાર્લેમાં રહેતાં દીના પારેખના. બેસ્ટ આઉટ ઑફ વેસ્ટ વસ્તુ બનાવવામાં માહેર દીનાબહેન આખો દિવસ ફેંકી દેવાયોગ્ય વસ્તુઓનો સારી રીતે અને સુંદર ઉપાય કઈ રીતે કરી શકાય એ વિચારવામાં, બનાવવામાં તેમનો પૂરો સમય વિતાવે છે. આજ સુધી તેમણે નકામા કાગળમાંથી હજારેક જેટલાં પરબીડિયાં કે કવર, ૫૦૦ જેટલી થેલીઓ, ૨૫૦ જેટલી પોટલીઓ, નકામા કાપડમાંથી તેમણે ૨૫૦થી વધુ મોબાઇલ-કવર, ૨૫૦ જેટલા બુક-માર્ક, ૨૦૦ જેટલા કાંસકા કે દાંતિયાનાં કવર બનાવ્યાં છે. આ સિવાય લગ્નમાં ઉપયોગી વસ્તુઓ જેમ કે સોપારી, છાબ માટેનો સુશોભનનો સામાન, પછેડી, ચૂંદડી, ખેસ વગેરેનું પણ એકદમ યુનિક કલેક્શન તેમની પાસે પોતાનું બનાવેલું છે. આ સિવાય જુદા-જુદા પ્રકારની પીછવાઈ પણ તેઓ બનાવે છે.
કંઈ ફેંકવાનું નહીં
દીનાબહેનની ક્રીએટિવિટી આ ઉંમરમાં પણ સોળે કળાએ ખીલેલી છે. તેઓ કહે છે, ‘હું એક મિડલ-ક્લાસ ઘરની ગૃહિણી છું. ઘરમાં એક નાની પ્લાસ્ટિકની બૉટલ પણ આવે તો એને ફેંકી ન શકું. મારું ફ્રિજ ખોલીને જોશો તો અમૂલ દૂધની એકસરખી બૉટલો જોવા મળશે, જેમાં હું મારા મસાલાઓ રાખું છું. કોઈ પણ વસ્તુ મને નકામી નથી લાગતી. કોઈ પણ વસ્તુને હું જોઉં ત્યારે મને એને કઈ રીતે કામની બનાવી શકું એનો વિચાર પહેલાં આવે છે. આજકાલ લોકો એમ જ દરેક વસ્તુ ફેંકતા શીખી ગયા છે. ન જોઈએ એટલે ફેંકી દે અને જોઈએ ત્યારે નવું લઈ આવે, પણ અમારા સમયમાં એવું નહોતું; દરેક વસ્તુની ઘણી કદર હતી, જે મને આજે પણ છે.’
શેમાંથી શું-શું બનાવે?
દીનાબહેનના ઘરે તેમના દીકરાનાં લગ્ન હતાં ત્યારે ૭૫ મીઠાઈના ડબ્બાઓ બનાવડાવ્યા હતા. એ મીઠાઈના ડબ્બા પર ચોટાડવામાં આવેલાં સ્ટિકરોની પાછળનો જે કાગળ બને એમાંથી કવર બનાવ્યાં છે જે જોઈને કોઈ કહી ન શકે કે આ નકામા કાગળમાંથી બનાવેલાં છે. જૂની કંકોતરીઓમાંથી તેઓ ફોટોફ્રેમ બનાવે છે. સોપારીનો ઉપયોગ કરીને નાની ઢીંગલીઓ બનાવે છે. કોઈ પણ નકામા કપડામાંથી તોરણો, થેલીઓ, બટવાઓ, મોબાઇલનાં કવર અને કાંસકાનાં કવર પણ બનાવે છે. કાંસકાનાં કવર કોઈ દિવસ કોઈએ સાંભળ્યાં પણ નહીં હોય. તેમને કઈ રીતે આ સૂઝ્યું એ પ્રશ્નનો જવાબ આપતાં દીનાબેન કહે છે, ‘આપણે બહાર જવું હોય તો કાંસકો સાથે રાખવો જોઈએ. એને એમ ને એમ પર્સમાં પટકી દેવો મને ગમે નહીં. દરેક વસ્તુ રાખવાની એક સિસ્ટમ હોય તો મને ગમે, જરા વ્યવસ્થિત લાગે.’
પ્રયાસ કદી અટકે નહીં
દીનાબહેને બનાવેલી વસ્તુઓમાં લગ્નમાં ઉપયોગી થાય એવી વસ્તુઓ ઘણી છે. એના વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું મોઢ વાણિયા છું અને અમારી જ્ઞાતિનાં સમૂહલગ્નમાં કામ લાગે એ માટે મેં ઘણી વસ્તુઓ બનાવી હતી. એ સમયે સૌથી વધુ ફાળો ઉઘરાવવા માટે મને અવૉર્ડ પણ મળ્યો હતો, કારણ કે દરેક વ્યક્તિ હજારો રૂપિયાનો ફાળો જે આપે તેનો જ સ્વીકારતા હતા. હું તો લોકોની ક્ષમતા અનુસાર ફાળો લેતી, જેમાં ૧૦૦-૨૦૦ રૂપિયા હોય તો પણ મને વાંધો નહોતો. આમ ટીપે-ટીપે સરોવર ભરાયું. હું કશું જ વેડફતી નથી. જેમાં ફક્ત વસ્તુઓ જ ન હોય, પ્રયાસ પણ હોય. જો તમે કોઈ પ્રયાસ કર્યો છે તો એનો પૂરો ફાયદો મળવો જોઈએ. હવે કોઈને તેમના ઘરના પ્રસંગ માટે જોઈતી હોય તો આ વસ્તુઓ લઈ જાય છે.’
ગમતાંનો કરીએ ગુલાલ
તમે આટલી બધી વસ્તુઓ બનાવો છો તો એ વસ્તુઓનું કરો શું એ પ્રશ્નનો જવાબ આપતાં દીનાબહેન કહે છે, ‘હું તો નાનપણથી આ બધું કરતી આવી છું. પછી લગ્ન થયાં અને બાળકો થયાં ત્યારે આવું કશું બનાવવાનો સમય મળતો નહીં. બાળકો મોટાં થયાં એટલે ફરીથી શરૂ કર્યું. એકાદ વખત બનાવીને વેચવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ મને એવું આવડ્યું નહીં એટલે આ શોખ ખાલી બનાવવા પૂરતો જ સીમિત રહ્યો. હું જે કંઈ પણ બનાવું એ ઓળખીતા લોકોને ગમે તો તેમને આપી દઉં. લોકોને વેચવા કરતાં વહેંચવાનો આનંદ મને વધુ છે. આજુબાજુના અને ઓળખીતા લોકો તેમના ઘરની કોઈ નકામી વસ્તુઓ હોય એ આપી જાય તો હું એમાંથી તેમને બનાવી આપું.’
જજ તરીકે નામના
દીનાબહેન પાસે લોકો આઇડિયાઝ લેવા પણ ખૂબ આવે, કારણ કે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના આઇડિયાઝ તેમને આવે એવા કોઈને આવતા નથી. તેમનો આ શોખ લોકોમાં એટલો પૉપ્યુલર થયો છે કે રિઝવી કૉલેજમાં એક વાર બેસ્ટ આઉટ ઑફ વેસ્ટ પ્રતિયોગિતામાં તેમને જજ તરીકે બોલાવવામાં આવ્યાં હતાં. પોતે પહેરવા-ઓઢવાના અત્યંત શોખીન છે. કબાટનાં બન્ને બારણાં ભરાય જાય એટલાં મોબાઇલ-કવર તેમણે પોતાના માટે બનાવ્યાં છે જેનો ઉપયોગ તેઓ પોતે જ કરે છે. એ વિશે વાત કરતાં દીનાબહેન કહે છે, ‘મને બધું મૅચિંગ પહેરવાનો શોખ. જે સાડી સાથે જે કવર મૅચ થાય એ જ લઈ જાઓ, જેમાં લગભગ દરેક કવર મેં વાપર્યું છે.’
એકલતા નથી કરતી હેરાન
દીનાબહેનના બે દીકરા અને એક દીકરી છે છતાં વિલે પાર્લેમાં તેઓ એકલાં રહે છે. મોટા ભાગના સિનિયર સિટિઝનો એકલાં રહેતા ગભરાય છે, પરંતુ દીનાબહેન કહે છે, ‘એકલાં રહેવામાં ગભરામણ તેને થાય જે કંઈ કરતું નથી. જો હું પણ આ બધું બનાવતી ન હોત તો ગાંડી થઈ ગઈ હોત. શોખ કેળવવો, એને પોષવો અને એની પાછળ મચ્યા રહેવું જેને ગમતું હોય તેને એકલું રહેવાનું ભારે ન પડે. સાચું કહું તો મારી પાસે તો સમય જ નથી. હું કવિતાઓ લખું છું. મને નાચવાનો અને ગરબા રમવાનો પણ ખાસ્સો શોખ છે. સુડોકુ અને મગજ વાપરી શકાય એવી રમતો મારી ફેવરિટ છે. દરરોજ નિયમસર એ રમું. સત્સંગમાં અને જુદા-જુદા સિનિયર સિટિઝનોના પ્રોગ્રામમાં પણ હું ભાગ લઉં છું. મને મારી સાથે જીવવાની મજા આવે છે. ખરું પૂછો તો આ વેસ્ટ ચીજોમાંથી જ્યારે કંઈ-કંઈ બનાવું ત્યારે એમ લાગે કે માણસ ઇચ્છે તો ગમે એ નકામી વસ્તુઓ સાથે પણ જીવનને સુંદર બનાવી શકે છે, જરૂર છે ફક્ત એક કલાત્મક વિચારની.’