ઑપરેશન રાવણ સાવધાન, તમારો ટર્ન પણ હોઈ શકે છે (પ્રકરણ-૧)

27 March, 2025 07:18 AM IST  |  Mumbai | Rashmin Shah

પ્રૂફ હોય તો પણ માનસી... તારી સ્ટોરીને કારણે ચૅનલ બંધ થઈ જાય એ લેવલ પર તો હું ન જઈ શકુંને?

ઇલસ્ટ્રેશન

‘એય, શું વિચારશ?’

ખુશાલીને પરસેવો છૂટી ગયો હતો. તેના હાથ-પગ બંધાયેલા હતા. મોઢામાં પ્લાસ્ટિકની થેલી નાખી એના પર કપડું બાંધી દેવામાં આવ્યું હતું. પોતે પોતાના જ ઘરમાં કેદ હતી અને હેલ્પ માટે ચીસ પણ પાડી શકતી નહોતી.

‘કેમ ચૂપ છો? જવાબ દે... શું
જુએ છે?’

બંધાયેલા મોઢામાંથી ન સમજાય એવા શબ્દો તેના કાને પડ્યા અને તેની આંખો પહોળી થઈ. ચહેરા પર પહેરેલા મહોરા વચ્ચે પણ પહોળી થયેલી એ આંખો ખુશાલીને સ્પષ્ટ દેખાતી હતી.

‘બોલાતું નથી?’ પેલાનું અટ્ટહાસ્ય આવ્યું અને અટ્ટહાસ્ય પછી તેણે કહ્યું, ‘ક્યાંથી બોલી શકવાની તું? બહુ બોલી લીધુંને તેં... હવે મારો વારો...’

મહોરાધારીએ ટેબલ પર નજર કરી અને બબડવાનું શરૂ કર્યું.

‘બોલો જોઈએ, તમારામાંથી આજે કોનો ઉપયોગ કરું હું?’

ટેબલ પર જાતજાતનાં નાઇફ પડ્યાં હતાં. મટન-ચિકન કાપવામાં વપરાતાં હોય એવાં નાઇફ અને એની બાજુમાં કટર, કરવત પણ.

‘હંમ...’ કરવત હાથમાં લઈને તે મહોરાધારીએ ખુશાલીની સામે જોયું, ‘આ ચાલશે કે પછી બીજું કંઈ લઉં?’

ખુશાલીનું હાર્ટ પાંચસોની સ્પીડે ભાગવા માંડ્યું. તે ભાગવા માગતી હતી પણ ખુરશીના હૅન્ડલ સાથે બંધાયેલા હાથ અને ખુરશીના પાયા સાથે બંધાયેલા પગ સાથ નહોતા આપતા. માફ કરવા માટે ખુશાલીએ તાકાત હતી એટલો અવાજ કરવાની કોશિશ કરી પણ વ્યર્થ. ગળામાંથી અવાજ તો આવ્યો પણ હોઠેથી એ બહાર નીકળી શક્યો નહીં.

‘શાંતિ, શાંતિ... જવાની આટલી શું ઉતાવળ છે?’ કરવત સાથે મહોરાધારી હવે ખુશાલીની નજીક આવ્યો. ‘હજી તો આ રવિવારની રાત છે. તારે સોમવારે જવાનું છે...’

ઘડિયાળમાં જોઈ એ મહોરાધારીએ ખુશાલીની હડપચી પર કરવત મૂકી.

‘હજી તો તારી પાસે લાઇફ છે... આખી આઠ મિનિટ... આઠ મિનિટમાં તારે જીવવું હોય એટલું જીવી લે...’ મહોરાધારી પોતાનો ચહેરો ખુશાલીની નજીક લાવ્યો, ‘ડીપ બ્રેથ... બધું ટેન્શન નીકળી જશે. એકદમ રિલૅક્સ થઈ જઈશ... સ્ટાર્ટ કર ડીપ બ્રેથ.’

ખુશાલીને હાથ જોડીને તેને વિનંતી કરવી હતી, પોતાને છોડી મૂકે એ માટે વિનંતી કરવી હતી પણ બંધાયેલા શરીર સાથે તે કશું કરી શકતી નહોતી. જીવનની સૌથી વિકટ લાચારીનો અનુભવ અત્યારે તે કરતી હતી.

‘નથી આવડતું ડીપ બ્રીધિંગ? જો હું શીખવાડું...’

કરવતને ખોળામાં મૂકી પેલો મહોરાધારી ખુશાલીની સામે જમીન પર ધ્યાનાવસ્થામાં બેસી ગયો અને તેણે ઇન્સ્ટ્રક્શન આપવાનું શરૂ કર્યું.

‘શ્વાસ અંદર જાય ત્યારે પેટ બહાર આવવું જોઈએ. ફુગ્ગામાં હવા જાય તો કેવી રીતે એ ફૂલે... ડિટ્ટો એવી રીતે. કર મારી સાથે...’

ઉહું... ઉહું... ઉહું...

શરીરની તમામ તાકાત વાપરીને ખુશાલીએ છૂટવાનો પ્રયાસ કર્યો, જેને કારણે તેને જેના પર બાંધવામાં આવી હતી એ ચૅરનું બૅલૅન્સ ગયું અને ચૅર પાછળની તરફ ઝૂકી. ખુશાલી ઊંધા માથે જમીન પર અફળાય એ પહેલાં જ મોહરાધારીએ ખુશાલીના પગ પકડી લીધા અને ખુરશીનું બૅલૅન્સ અકબંધ રહ્યું.

નકારમાં મસ્તક હલાવતાં મહોરાધારીએ ખુશાલી સામે જોયું.

‘જીવવાનું છે હજી... જો હજી સાત મિનિટ બાકી છે. આ સાત મિનિટમાં જો યમદૂત પણ તને લેવા આવ્યા તો તેનું મર્ડર કરીશ પણ તને બચાવીશ. તારે જવાનું પણ એની પહેલાં સાત મિનિટ જીવવાનું...’

ખુશાલીના ચહેરા પર પેઇન અને આંખોમાં આંસુ હતાં અને એની મજા મહોરાધારી લેતો હતો.

‘ડીપ બ્રીધ. સાચે જ મરવાનું ઈઝી થઈ જશે. હું કહું એમ કરતી જા.’ ખોળામાં પડેલી કરવત તરફ નજર કરતાં પેલાએ કહ્યું, ‘પછી તું ને આ... વચ્ચે બીજું કોઈ નહીં.’

lll

‘સર, બહુ હૉરિબલ સ્ટોરી છે. આપણે એ કરવી જોઈએ...’ માનસીએ દલીલ કરી, ‘જો આપણે નહીં કરીએ તો કોણ કરશે? તમને ખબર છે, છેલ્લા એક મહિનાથી હું આ સ્ટોરીની પાછળ છું. હોમ મિનિસ્ટર આ બધામાં ઇન્વૉલ્વ છે અને આપણી પાસે પ્રૂફ છે.’

‘પ્રૂફ હોય તો પણ માનસી, તું વિચાર તો કર... તારી સ્ટોરીને કારણે ચૅનલ બંધ થઈ જાય એ લેવલ પર તો હું ન જઈ શકુંને?’ કુશલ બક્ષીએ પાણીનો ગ્લાસ હાથમાં લીધો, ‘મને નથી લાગતું કે આપણે આ સ્ટોરી કરવી જોઈએ. મૅનેજમેન્ટ અપ્રૂવ નહીં કરે.’

‘સર, આપણો મોટો પ્રૉબ્લેમ શું છે ખબર છે?’ સવાલનો જવાબ પણ માનસીએ આપી દીધો, ‘સામેવાળો શું કરશે એનું અનુમાન લગાવીને આપણે સ્ટેપ લઈએ અને પછી કમ્પ્લેઇન્ટ કરીએ કે આવું થોડું હોય?’

‘તારી ઉંમરના લેવલની વાત કરને ભાઈ...’ બક્ષીએ પૂછ્યું, ‘છો ૨૬ વર્ષની ને વાતો કરે છે પ૬ વર્ષના આધેડ જેવી...’

‘વૉટેવર સર... પણ આપણે આ સ્ટોરી કરીએ. સોસાયટી માટે બહુ જરૂરી છે.’

‘હું મૅનેજમેન્ટ સાથે વાત કરીને કહું.’ બક્ષીએ કહ્યું, ‘ત્યાં સુધી તું...’

‘ત્યાં સુધી હું આ સ્ટોરી પર આગળ કામ કરું છું.’ બક્ષી કંઈ કહે એ પહેલાં જ માનસીએ કહી દીધું, ‘મૅનેજમેન્ટમાંથી જવાબ આપ્યા પછી નક્કી કરશું કે હું શું કરું... ત્યાં સુધી આ જ સ્ટોરી પર હું કામ કરીશ...’

lll

‘આ ચોથું મર્ડર છે... પૅટર્ન એ જ છે.’

ઓશિવરાના સિમ્ફની ટાવરમાં મહેતા ફૅમિલી શૉક્ડ હતી. કિચન અને ડાઇનિંગ એરિયાને જોડતા વિસ્તારમાં ચૅર પર ખુશાલીની લાશ પડી હતી અને લાશનો ડાબો હાથ ગાયબ હતો. ખુશાલીના કપાળ પર ચાકુથી કોતરીને અંગ્રેજીમાં ચાર નંબર લખ્યો હતો, જેને લીધે એ લોહી ખુશાલીના ચહેરા પર પથરાઈ ગયું હતું. આ બે ઘા સિવાય શરીર પર બીજે ક્યાંય કોઈ જખમ નહોતા. પ્રાથમિક દૃષ્ટિએ કિલર સાથે ખુશાલીને ઝપાઝપી થઈ હોય એવું પણ લાગતું નહોતું કે નહોતું લાગતું ખુશાલી પર રેપ થયો હોય એવું.

‘મારનારાએ ડાબો હાથ કાપી નાખ્યો, જેને લીધે ધોરી નસ કપાઈ અને બ્લીડિંગના કારણે ડેથ થયું...’ કૉન્સ્ટેબલ ધોત્રેએ ઇન્સ્પેક્ટરની સામે જોયું, ‘રિપોર્ટમાં પણ આ જ આવશે સાહેબ. આ જ પૅટર્નથી અગાઉ મર્ડર થયાં છે.’

‘ટેન્શન એ જ વાતનું છે ધોત્રે... જે રીતે મર્ડરર કામ કરે છે એ દેખાડે છે કે એ સાયકો છે, સિરિયલ કિલર બનીને મર્ડર કરે છે.’ ઇન્સ્પેક્ટર પાલેકરે ઑર્ડર કર્યો, ‘બૉડીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દો અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ્સને જલદી રિપોર્ટ આપવાનું કહે. હવે સિરિયલ કિલરના બધા કેસ કદાચ CIDને સોંપી દેવામાં આવશે...’

‘સાહેબ, એક વાત પૂછું...’ ધોત્રેએ પૂછી લીધું, ‘આ નંબરનું કારણ...’

‘પૉસિબલી કિલર દેખાડે છે કે આ તેનું ચોથું મર્ડર છે.’

‘કયા આંકડા સુધી તેને
પહોંચવું હશે?’

‘મળશે તો આપણે પૂછશું... અત્યારે તું અહીં ધ્યાન દે.’ પાલેકરે કહ્યું, ‘ડૉગ સ્ક્વૉડની જરૂર નહીં પડે. કિલરે અહીં ધૂપ કર્યો છે, ગૂગળની તીવ્ર ખુશ્બૂ આવે છે. પૉસિબલ છે કે ડૉગ સ્ક્વૉડ કંઈ નહીં ઉકાળી શકે.’

lll

‘હંમ... એચ.એમ... આઇ મીન હોમ મિનિસ્ટરની કોઈ સ્ટોરી આપણે નહીં કરી શકીએ.’ મૅનેજિંગ ડિરેક્ટર શર્માએ ચૅનલના એક્ઝિક્યુટિવ એડિટર બક્ષીની સામે જોયું, ‘તમે ના પાડી દો.’

‘સર, પણ છોકરીએ બહુ મહેનત કરી છે. એક વાર આપણે એ આખી સ્ટોરી જોઈ લઈએ. પૉસિબલ છે કે ચૅનલને મોટો સપોર્ટ મળી જાય.’

‘હા, પણ અત્યારે હોમ મિનિસ્ટરના સપોર્ટ પર ચૅનલ ચાલે છે એ તમે કેમ ભૂલી ગયા મિસ્ટર બક્ષી... સોશ્યલ મીડિયાના કારણે હવે કોઈ ન્યુઝ ચૅનલ પર આવતું નથી ત્યારે તમે કેવી રીતે તમારા ફાઇનૅન્શિયલ બૅક-બોનને ડિસ્ટર્બ કરી શકો?’

‘ઍગ્રી પણ આ છોકરી બહુ જિદ્દી છે. તેને ખબર પડશે કે આપણે સ્ટોરી નથી કરવાના તો આઇ ડાઉટ, તે આ બધી કન્ટેન્ટ લઈને બીજી ચૅનલમાં જૉઇન થઈ જશે.’

‘હંમ... લેટ વી ડૂ વન થિંગ...’ શર્માએ સહેજ વિચાર કરીને કહ્યું, ‘અત્યારે જ તેને મળવા બોલાવી લો. હું વાત કરું.’

lll

‘સમજાતું એ નથી કે આખું બિલ્ડિંગ CCTV કૅમેરાથી કવર છે અને એ પછી પણ ખુશાલીના ફ્લૅટમાં કોણ ગયું એનાં વિઝ્યુઅલ્સ નથી.’ ઇન્સ્પેક્ટર પાલેકરનો પ્રશ્ન અસ્થાને નહોતો, ‘આવું દરેક મર્ડર વખતે બન્યું છે, જેનો સીધો અર્થ એવો થાય કે કાં તો મર્ડરર ટેક્નૉલૉજીનો જાણકાર છે, તે CCTVમાં કંઈક એવું કરે છે જેને લીધે CCTV જૂના ફુટેજને રી-રન કરીને તેની હાજરી દેખાડતાં નથી અને કાં તો...’

‘સર્વર રૂમમાં કોઈ એવું છે જે તેનાં ફુટેજ ડિલીટ કરે છે. પણ મિસ્ટર પાલેકર...’

ઇન્સ્પેક્ટરે અવાજની દિશામાં જોયું. ડિટેક્ટિવ સોમચંદ ચેમ્બરમાં એન્ટર થયા હતા.

‘મિસ્ટર પાલેકર, મારા માનવા મુજબ તમારી પહેલી શક્યતા વધારે વાજબી છે. કદાચ તે ફુટેજ રી-રન કરે છે. આ વાતને કન્ફર્મ કરવી હોય તો તમારે કિલરના આવવાના ટાઇમિંગ કઢાવવા પડે. જો એ ટાઇમિંગ મળે તો ખબર પડે કે એ સમયે આજુબાજુના ફ્લૅટમાં કે પછી ફ્લોરના પોર્ચમાં બીજી કોઈ અવરજવર થઈ એ શૂટ થઈ છે કે નહીં. મોસ્ટ્લી એ શૂટ નહીં થઈ હોય કારણ કે ફુટેજ રી-રન છે.’

‘સોમચંદ, તને શું લાગે છે, કોણ છે આ સિરિયલ કિલર?’

‘અત્યારે તો એ કહેવું અઘરું છે પણ હા, એટલું પાકું, સિરિયલ કિલર કોઈ ઉદ્દેશથી આ કરે છે. તેને મોત આપવામાં મજા આવે છે પણ મોત આપતાં પહેલાં એ વ્યક્તિ શૉર્ટલિસ્ટ કરે છે અને પછી આગળ વધે છે.’

‘તું કેસ હાથમાં લે છે?’

‘એકલા હાથે આ કેસ પર કામ ન થઈ શકે.’ સોમચંદે ચોખવટ કરી, ‘દોડી શકે એવી નહીં, વિચારી શકે એવી ટીમ હશે તો જ તમે પણ રિઝલ્ટ લાવી શકશો. બાકી તમારે બેઠાં-બેઠાં એક પછી એક થતાં મર્ડર જોતાં રહેવાનાં...’

lll

‘સર, હું સાચું કહું છું. આપણે આ સ્ટોરી કરીએ.’ માનસીએ દલીલ કરતાં કહ્યું, ‘હું તમને ગૅરન્ટી આપું છું... આપણા પર કોઈ ડેફમેશન નહીં થાય. બધાં સૉલિડ પ્રૂફ છે.’

‘હંમ... તું એક કામ કર. સ્ટોરી મને આપ, હું સ્ટોરી એક વાર જોઉં પછી આપણે બેસીએ અને નક્કી કરીએ કે સ્ટોરી રન કરવા જેવી છે કે નહીં?’ માનસીના રીઍક્શન પછી શર્માએ તરત સુધારો કર્યો, ‘અફકોર્સ, તું કહે છે એટલે એ રન કરવા જેવી જ હશે પણ સેફર સાઇડ, હું પણ એક વાર એ જોઈ લઉં.’

‘શ્યૉર, હું અત્યારે જ તમને ફાઇનલ એડિટ કરીને સ્ટોરી
આપી દઉં.’

‘અત્યારે નહીં... તું ફ્રી થા ત્યારે.’ શર્માએ માનસીને સમજાવટ સાથે કહ્યું, ‘જો તારી સ્ટોરીની કોઈ ડેડલાઇન નથી, પણ મને અત્યારે તારી જરૂર છે ડેડલાઇન સાથેની સ્ટોરી પર... જેમાં આપણી ચૅનલ સતત પાછળ રહી છે.’

‘સિરિયલ કિલર?’

માનસીનો જવાબ સાંભળીને શર્માની આંખોમાં ચમક આવી ગઈ.

‘એક્ઝૅક્ટ્લી... અત્યાર સુધી આપણે એનું કવરેજ બહુ ફાલતુ જેવું કર્યું છે. મારી ઇચ્છા છે કે આપણે હવે એ સ્ટોરીમાં એવી રીતે સ્કોર કરીએ કે બીજા બધા પાછળ રહી જાય અને એ લોકોએ આપણી ચૅનલને ફૉલો કરવી પડે.’

‘મિનિસ્ટરવાળી સ્ટોરીમાં મારે એક-બે લોકોને મળવાનું છે...’

‘એ અપૉઇન્ટમેન્ટ જો બેચાર દિવસ પાછળ કરી શકાય તો ટ્રાય કર માનસી...’ હવે બક્ષી વાતમાં આવ્યા, ‘આજે સવારે જ ચોથી લાશ મળી. તું આ સ્ટોરીમાં બિઝી છો એટલે કદાચ તને ખબર નથી. પોલીસે હવે એ વિશે સ્ટેટમેન્ટ આપવાનું પણ બંધ કરી દીધું છે. પૉસિબલ છે કે જો આ આમ જ ચાલતું રહ્યું તો ગવર્નમેન્ટ જાય...’

‘ઓકે... ડન.’ સહેજ વિચારીને માનસીએ નિર્ણય લીધો, ‘મને સ્ટોરી વિશે વધારે ખબર નથી સો મને કલાક આપો. હું કલાકમાં બધું જાણી લઉં. આપણે આજથી આ સ્ટોરીમાં લીડ કરતાં હોઈશું, ગૅરન્ટી...’

વધુ આવતી કાલે

columnists Rashmin Shah gujarati mid-day mumbai exclusive