ઑપરેશન રાવણ સાવધાન, તમારો ટર્ન પણ હોઈ શકે છે (પ્રકરણ-૨)

27 March, 2025 07:18 AM IST  |  Mumbai | Rashmin Shah

માનસી એક વાત તું ભૂલી ગઈ, સિરિયલ કિલરે બધાં મર્ડર માટે એક જ દિવસની પસંદગી કરી છે

ઇલસ્ટ્રેશન

‘સર, ઇમ્પૉસિબલ... શક્ય જ નથી.’ માનસીનો અવાજ રીતસર ધ્રૂજતો હતો, ‘હું, હું રૂબરૂ મળી ત્યાં સુધી તો આરોપી પકડાયાની કોઈ વાત નહોતી અને અત્યારે પ્રેસ-કૉન્ફરન્સમાં કહે છે કે આરોપી પકડાઈ ગયો છે, બહુ જલદી અમે મીડિયાની સામે લાવીશું...’

સિરિયલ કિલર પર કામ શરૂ કર્યાના બે જ કલાકમાં માનસી ટીવી ચૅનલ માટે ખુશાલીનાં મમ્મી-પપ્પાનો ઇન્ટરવ્યુ લઈ આવી, જે રાતે નવ વાગ્યે લીડ સ્ટોરી તરીકે અપલોડ થયો અને ત્યાં જ અંધેરી પોલીસ સ્ટેશનથી મેસેજ આવ્યો કે સિરિયલ કિલર પકડાયો છે, જેની પ્રેસ-કૉન્ફરન્સ અડધા કલાકમાં શરૂ થશે.

‘ડોન્ટ બી પૅનિક...’ બક્ષીએ માનસીને કહ્યું, ‘તું જા, જઈને જો... બાકી એવું તો કહી ન શકાય કે એ લોકોએ આરોપીને પકડ્યો ન હોય. ચાર મર્ડર થયાં હોય એટલે ઇન્ક્વાયરી તો સતત ચાલુ જ હોય. બને કે જે ટીમે તને ઇન્ટરવ્યુ આપ્યો એ ટીમને એના વિશે ન ખબર હોય અને બીજી ટીમે આરોપીને પકડ્યો હોય.’

માનસીના ફેસ પર જબરદસ્ત પીડા અને અફસોસ હતાં.

‘તું જલદી જા... આ ટાઇમે ટ્રાફિક પણ હશે.’

lll

‘આરોપી પકડાઈ ગયો છે, તેના વિશે વધારે વાત અત્યારે કરવી યોગ્ય નથી. ઇન્ક્વાયરી પછી એકાદ-બે દિવસમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને એ પછી મીડિયા સામે લાવીશું.’

‘પ્રતીક...’ માનસીએ કૅમેરામૅનના કાન પાસે જઈને દબાયેલા અવાજે પૂછ્યું, ‘કમિશનરની પાછળ કોણ બેઠું છે, સિવિલ ડ્રેસમાં...’

કૅમેરામૅને કૅમેરા એ વ્યક્તિના ચહેરા પર ઝૂમ કર્યો અને માનસી ચહેરાને જોતી રહી. એ સમયે તેને નહોતી ખબર કે પ્રેસ-કૉન્ફરન્સ પૂરી થયા પછી એ વ્યક્તિ જ તેને મળવા બોલાવશે.

lll

‘ઝૂમ કરીને શું જોવું પડ્યું મારામાં?’

પીઠ પાછળથી આવેલા અવાજે માનસીને ક્ષણવાર માટે ગભરાવી દીધી.

‘સોશ્યલ મીડિયા પર છું નહીં અને ન્યુઝમાં રહેવાની આદત નથી...’ હાથ લંબાવતાં ડિટેક્ટિવ સોમચંદે કહ્યું, ‘ડિટેક્ટિવ સોમચંદ...’

‘લાઇમલાઇટ ગમતી નથી તો અત્યારે શું કામ સામેથી મળવા આવ્યા?’

‘શાર્પલાઇટના કારણે...’ સોમચંદે સ્માઇલ સાથે કહ્યું, ‘સ્ટેજ પર બેઠેલા ૧૪ લોકોમાંથી તમે મારા એક પર ફોકસ કર્યું એ વાત નૅચરલી અચરજ આપે. અહીં હાજર છે એમાંથી કોઈ મને નથી ઓળખતું, તમને કેમ રસ જાગ્યો?’

‘સ્ટેજ પર બધા ડ્રેસમાં છે, તમે એક સિવિલ ડ્રેસમાં... નૅચરલી, ખાસ વ્યક્તિ હો તો જ આ પરમિશન મળી હોય.’ માનસીએ પૂછી લીધું, ‘સિરિયલ કિલર કેસ પર કામ કરો છોને?’

‘કરતો હતો...’

‘ખોટી વાત...’    માનસીએ સુધારો કર્યો, ‘આઇ ડાઉટ... જો તે પકડાઈ ગયો હોત તો અત્યારે તમારા બધાના ફેસ પર જુદું જ એક્સાઇટમેન્ટ હોત. લુક ઍટ યૉર ફેસ મિસ્ટર સોમચંદ, તમે સ્ટ્રેસમાં છો.’

‘એક કામ કરીએ.’ સોમચંદે સહેજ દબાયેલા અવાજે કહ્યું, ‘ઑફિશ્યલ ડ્યુટી પૂરી કરવી હોય તો કૅમેરામૅનને રવાના કરી દો. આપણે સાથે રહીએ.’

‘ડન.’ વધુ એક શૉક આપવાનું કામ માનસીએ કરી લીધું, ‘જો સિરિયલ કિલર પકડવામાં હું હેલ્પફુલ થવાની હોઉં તો હું રેડી છું.’

સોમચંદ કંઈ કહે એ પહેલાં માનસી કૅમેરામૅન પાસે પહોંચી ગઈ હતી.

lll

‘આવું ખોટું અનાઉન્સ કરાવવાનું કારણ?’

‘સિમ્પલ... સિરિયલ કિલરને થોડી નિરાંત આપવાની ટ્રાય...’ ડિટેક્ટિવ સોમચંદે પ્રામાણિકતાથી વાત સમજાવી, ‘ફર્સ્ટ ઑફ ઑલ, એ સમજી લે કે સિરિયલ કિલરને એવી કોઈ પરવા હોતી નથી કે કોઈ તેને શોધે છે. હા, એ લોકોની સાયકી એ પ્રકારની હોય ખરી કે શક્ય હોય ત્યાં સુધી પકડાવું નથી, પણ પોલીસની ઍક્શન પર એ લોકો પોતાનું કામ આગળ વધારે એવું એના કેસમાં બનતું નથી. એમ છતાં... એક ચાન્સ લીધો છે કે સિરિયલ કિલર કદાચ આ વાતને લીધે બેફિકર બને અને ભૂલ કરી બેસે.’

‘મિસ્ટર સોમચંદ, તમે કંઈ નોટિસ કર્યું છે કે સિરિયલ કિલર પોતાનો ટાર્ગેટ કેવી રીતે નક્કી કરે છે?’

‘ના, પણ મારું જનરલ ઑબ્ઝર્વેશન છે કે એક તો તે છોકરીઓને પકડે છે અને જે કોઈ છોકરીઓનાં અત્યાર સુધીમાં તેણે મર્ડર કર્યાં છે એ બધી છોકરીઓની મૅરેજ ડેટ ફાઇનલ થઈ ગઈ હતી.’

‘યસ, મારા ધ્યાનમાં પણ આ જ વાત આવી છે.’ માનસીએ કહ્યું, ‘બીજું, મેં એક એ પણ ઑર્બ્ઝવ કર્યુ કે અત્યાર સુધીમાં જે ચાર છોકરીઓનાં મર્ડર થયાં એ ચારેચાર છોકરીના મૅરેજમાં ત્રણ મહિનાથી ઓછો પિરિયડ બાકી રહ્યો હતો.’

‘હંમ... નાઇસ ઑબ્ઝર્વેશન.’

સોમચંદની તારીફથી ખુશ થયેલી માનસીએ વાત આગળ વધારી.

‘મિસ્ટર સોમચંદ, મને લાગે છે કે તે કદાચ કમ્યુનિટી પણ જુએ છે.’ સાથે લઈ આવેલી ફાઇલ ખોલતાં માનસીએ કહ્યું, ‘અત્યાર સુધીમાં તેણે જે ચાર મર્ડર કર્યાં છે એ ચારેચાર મર્ડર અલગ-અલગ કમ્યુનિટીની છોકરીઓનાં થયાં છે. જુઓ...’

માનસીની નજર ફાઇલનાં પેપર્સ પર હતી.

‘પહેલું મર્ડર તેણે બ્રાહ્મણ કમ્યુનિટીની છોકરીનું કર્યું. એ પછી સિરિયલ કિલરે મર્ડર કર્યું કપોળનું, પછી મર્ડર થયું એ છોકરી છે વૈષ્ણવ ફૅમિલીમાંથી અને એ પછી મર્ડર થયું...’ માનસીએ સોમચંદની સામે જોયું, ‘ખુશાલી જૈન હતી.’

સોમચંદની આંખોમાં ચમક આવી ગઈ.

‘માનસી, તું મારું કામ હળવું કરીશ ફૉર શ્યૉર... તું એક કામ કરને, જો તને ડેટા મળે તો મારે એ જાણવું છે કે આ જે છોકરીઓ હતી એ બધીનાં કૉલેજ, એજ્યુકેશન શું હતાં? એ પણ જાણીએ કે એ છોકરીની ફૅમિલીમાં કેટલા લોકો અને પૉસિબલ હોય તો એ છોકરીઓનો પાસ્ટ.’

‘પાસ્ટ મીન્સ...’

‘ભૂતકાળ...’

‘એ હેલો...’ માનસીના ચહેરા પર ઇરિટેશન આવી ગયું હતું, ‘એટલી ખબર પડે છે. પાસ્ટ મીન્સ, છોકરીઓના કયા પાસ્ટની વાત જાણવી છે? તેની લવ-લાઇફ વિશે કે બીજું કંઈ, ડ્રગ્સ વગેરે...’

‘યસ પર્સનલ પાસ્ટ લાઇફ...’ સોમચંદે ચોખવટ કરી, ‘આપણી પાસે ટાઇમ બહુ ઓછો છે માનસી. તેં બધું નોટિસ કર્યું પણ એક કૉમન વાત તું ભૂલી ગઈ. સિરિયલ કિલરે અત્યાર સુધી બધાં મર્ડર માટે એક જ દિવસની પસંદગી કરી છે. સોમવાર. જો એ કિલરની પૅટર્ન હોય તો આજે મંગળવાર છે અને આપણી પાસે હવે હાર્ડ્લી ચારેક દિવસ છે.’

‘ના, સાત દિવસ... તમારા કૅલ્ક્યુલેશનમાં ભૂલ છે.’

‘ના, ભૂલ તારી છે. જસ્ટ ચેક ઑલ ઇન્સિડન્ટ્સ.’ સોમચંદે સ્માઇલ સાથે કહ્યું, ‘દરેક ઘટનાના ત્રણ દિવસ પહેલાં છોકરી કિડનૅપ થઈ છે કે પછી તેને હૉસ્ટેજ બનાવવામાં આવી છે અને રવિવારની રાતે બાર વાગ્યા પછી તેનું મર્ડર થાય છે.’

‘ઓહ... હા.’

‘માનસી, મરનારી છોકરીઓના પાસ્ટ પરથી કદાચ ખબર પડે કે સિરિયલ કિલર હવે કોને પોતાનો ટાર્ગેટ બનાવશે.’ સોમચંદે પૅડ પર એક પછી એક વાત લખવાનું શરૂ કરી દીધું હતું, ‘માનસી, બીજી એક ખાસ વાત. તું હમણાં જે આ કામ કરશે એમાં મને જર્નલિસ્ટ માનસી જોઈએ છે પણ જર્નલિઝમ કરતી માનસી નથી જોઈતી. આગળ રહેવાની લાયમાં તું આપણી કોઈ પણ વાત દેખાડવાની ભૂલ કરીશ તો...’

‘મને ટીમમાંથી કાઢી મૂકશો, રાઇટ?’

‘પાંચમી છોકરી ટાર્ગેટ બનશે અને એ જ સાચું છે.’ ડિટેક્ટિવ સોમચંદે જવાબ આપ્યો, ‘તને તારા કામમાં પાછળ રહેવું પડે અને એની માટેની તારી તૈયારી હોય તો જ તું આ કામમાં જોડાજે. જો તું તારું પ્રોફેશનલિઝમ ભૂલી ન શકવાની હો તો સૉરી...’

‘ઍન્જલ પ્રોમિસ...’ માનસીએ પોતાના માથા પર હાથ મૂક્યો, ‘પૉસિબલ હશે તો હું મેસેજ પર જ રજા લઈ લઈશ અને જ્યાં સુધી કિલર ન પકડાય ત્યાં સુધી તમારી સાથે રહીશ. મે બી, છુટ્ટી એકાદ-બે દિવસ પછી મળે તો હું એ જ સ્ટોરી કરીશ જે પોલીસ ડિપાર્ટમેન્ટનું ન્યુઝ બુલેટિન હશે.’

‘તારે એ જ કરવું પડશે.’ સોમચંદ ઊભા થયા, ‘કારણ કે આપણી પાસે હવે સમય નહીં હોય... લેટ્સ મૂવ.’

‘ક્યાં?’

‘હું ખુશાલીના ઘરે... તું જલ્પાના ઘરે.’ સોમચંદે કારની ચાવી હાથમાં લીધી, ‘બાકીની વાત રસ્તામાં કરીએ.’

lll

‘મિસ્ટર સોમચંદ, તમે અગાઉ ક્યારેય કોઈ સાયકો-કિલરને જોયા છે?’

‘પકડાયા પછી જોયા છે, પહેલાં નથી જોયા...’ સોમચંદે જવાબ આપ્યો, ‘અત્યારે નૉલેજ વધારવાનો પ્રોગ્રામ સાઇડ પર રાખીને આપણે કામ આગળ વધારીએ. વૉટ યુ થિન્ક, સિરિયલ કિલર કેમ એક પણ CCTVમાં જોવા નથી મળ્યો? ઍની આઇડિયા?’

‘CCTV હૅક?’

‘શક્યતા પહેલી... બીજાં કોઈ કારણ?’

‘તે મિસ્ટર ઇન્ડિયા છે, ઇન્વિઝિબલ...’ સોમચંદે આપેલા કઠોર લુકે માનસીના ચહેરા પર આવી ગયેલું સ્માઇલ અલોપ કરી દીધું, ‘સૉરી.’

‘યુ શુડ બી...’ સોમચંદે કામની વાતનો તંતુ જોડ્યો, ‘CCTVની શક્યતા છે પણ મને એના ચાન્સ ઓછા દેખાય છે, કારણ કે CCTV હૅક કરવા હોય તો તેણે કોઈ થર્ડ પાર્ટીની હેલ્પ લઈ સર્વર રૂમમાં જવું પડે; પણ જો તે પોતે CCTV મેઇન્ટેનન્સનો કૉન્ટ્રૅક્ટ ધરાવતો હોય તો...’

ચીઇઇઇ...

સોમચંદ રસ્તા પર સજ્જડ બ્રેક મારી ગાડી જડી દીધી.

‘માનસી, ક્વિક. તપાસ કર કે જ્યાં પણ સિરિયલ કિલરે પોતાનું કામ કર્યું એ દરેક સોસાયટી અને અપાર્ટમેન્ટના CCTV મેઇન્ટેનન્સનું કામ એક જ કંપની કે માણસ સંભાળે છે... ફાસ્ટ.’

‘કેવી રીતે જાણું?’

સોમચંદની જીભ પર ગાળ લગભગ આવી જ ગઈ હતી પણ સામે છોકરી છે એ યાદ આવતાં તેમણે મહામહેનતે ગાળ ગળા નીચે ઉતારી.

‘રહેવા દે તું...’ ડ્રાઇવિંગ સીટનો દરવાજો ખોલતાં સોમચંદે કહ્યું, ‘તું ડ્રાઇવ કર...’

સોમચંદની જે ઝડપ હતી એ ઝડપ સાથે તાલ મિલાવવા માટે માનસીએ રીતસર દોડવું પડતું હતું. ડ્રાઇવિંગ સીટ પર જગ્યા લેતી વખતે માનસીના મનમાં એક વાત હતી, ‘આ માણસ સાથે કામ કરવું અઘરું છે...’

માનસીની બાજુમાં ગોઠવાતી વખતે સોમચંદના મનમાં પણ આ જ સંદર્ભની વાત હતી, ‘છોકરી સાથે કામ કરવા કરતાં બહેતર છે ટીમમાં કોઈ છોકરો હોય. મન પડે એ ગાળ તો આપી શકાય...’

lll

‘સંજય, હું ચાર સોસાયટીનાં નામ મોકલું છું. મને એ ચાર સોસાયટીના CCTV કૉન્ટ્રૅક્ટ કોની પાસે છે એ જાણવું છે.’ સોમચંદે ઇન્ટરનેટ પ્રોવાઇડરને ફોન કર્યો હતો, ‘કંઈ પણ થાય, મને પાંચ મિનિટમાં આનો જવાબ આપ. બાય...’

સોમચંદે ફોન કાપી નાખ્યો. માનસીએ નોટિસ કર્યું કે સોમચંદે સામેની વ્યક્તિને ‘હાય’, ‘હેલો’ કહેવાનો પણ મોકો નહોતો આપ્યો. આ તે કંઈ રીત છે કામ કરવાની?

સો રૂડ!

‘તારે કારણે અચાનક CCTVનો આ ઍન્ગલ મળ્યો. થૅન્ક્સ... હવે આપણે કામની વાત કરીએ.’ સોમચંદના મનમાં ઘટના સાથે જોડાયેલી દરેક ચર્ચા શરૂ થઈ ગઈ હતી, ‘જો માનસી, એક તો આ માણસ પોતે CCTVમાં નથી દેખાતો એની પાછળનું કારણ CCTV હૅકિંગ થયું. બીજું કારણ શું હોઈ શકે?’

‘હંમ... એ માણસ સોસાયટીનો જ હોય અને એટલે કોઈ તેને નોટિસ ન કરતું હોય. પૉસિબલ?’

‘ના, ચારેય સોસાયટીમાં એક જ માણસ કૉમન હોય ત્યારે તો ધ્યાન...’ સોમચંદની આંખો પહોળી થઈ અને તેણે માનસી સામે જોયું, ‘યુ આર જિનીયસ...’

માનસી કંઈ પૂછે એ પહેલાં સોમચંદે બીજો ફોન લગાડી દીધો હતો.

‘ચાર સોસાયટીનાં નામ મોકલું છું. એ ચાર સોસાયટીએ ક્લીનિંગ, પ્લમ્બિંગ, સિક્યૉરિટીનો કૉન્ટ્રૅક્ટ કોને આપ્યો છે એની ડીટેલ.’ સોમચંદે ત્વરા સાથે કહ્યું, ‘અરે પાલેકર, તને સોસાયટીનાં નામની ક્યાં જરૂર છે. તારી પાસે નામ છે જ. ફટાફટ મને આ વિગત મોકલ. પાંચ મિનિટમાં...’

માનસીના મનમાં ફરી એ જ વિચાર આવ્યો, ‘કેટલો અકડુ માણસ છે. સામેવાળાને બોલવાનો મોકો પણ નથી આપતો, બધા સાથે બૉસ બનીને જ વાત કરે છે. સો રૂડ...’

વધુ આવતી કાલે

columnists Rashmin Shah gujarati mid-day mumbai exclusive