13.00 પર્ફેક્ટ પ્લાનમાં પણ પડ્યું પંક્ચર (પ્રકરણ ૫)

01 August, 2025 02:20 PM IST  |  Mumbai | Rashmin Shah

સિનિયરને ગાળ ન આપી શકાય એટલું ઔચિત્ય તો પાટીલમાં હતું અને તેમણે એ જાળવ્યું પણ ખરું, પણ સોમચંદને ચોપડાવવામાં તેણે કોઈની પરમિશન લેવાની નહોતી.

ઇલસ્ટ્રેશન

‘યસ મૅડમ...’

શુક્રવારની સવારમાં ઉદાસીનતા હતી. વાદળછાયું વાતાવરણ આ ઉદાસીનતામાં ઉમેરો કરતું હતું. એન. એન. કૉલેજના મીટિંગ રૂમની હાલત પણ એ જ હતી. કૉલેજના મૅનેજિંગ ટ્રસ્ટી નેણસી નાગડા હાજર હતા તો મુંબઈના પોલીસ કમિશનરથી માંડી કૉલેજના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ અને ઍડ્‍મિનિસ્ટ્રેટર પણ હાજર હતા. બધા વચ્ચે ડિટેક્ટિવ સોમચંદ શાહ ઊભા હતા. તેમની આંખો પોલીસ કમિશનર મિસ મીરા બોલવણકર પર હતી અને મીરા બોલવણકરના કાન પર ફોન હતો અને તેમની નજર આદમકદ બારીની બહાર લહેરાતી કૅમ્પસની ગ્રીનરી પર હતી.

‘કેટલી વાર છે આવવામાં?’ મૅડમના અવાજમાં રોફ હતો, ‘અહીં બધા આવી ગયા છે. તમારી એકની રાહ છે.’

‘બસ, મૅડમ. પહોંચ્યો... ઍક્ચ્યુઅલી ઍરપોર્ટ પાસે બહુ ટ્રાફિક છે તો એમાં અટવાયો છું.’

‘રેડ સાઇરન આપી ટ્રૅક ખાલી કરાવો અને જલદી પહોંચો.’

ઑર્ડર સાથે કમિશનરે ફોન મૂક્યો અને ઇન્સ્પેક્ટર પાટીલના મોઢામાં ગાળ આવી ગઈ. સિનિયરને ગાળ ન આપી શકાય એટલું ઔચિત્ય તો પાટીલમાં હતું અને તેમણે એ જાળવ્યું પણ ખરું, પણ સોમચંદને ચોપડાવવામાં તેણે કોઈની પરમિશન લેવાની નહોતી.

lll

‘સોમચંદ, આપણે વાત શરૂ કરીએ.’ કમિશનર મૅડમે રિસ્ટ-વૉચમાં જોયું, ‘પાટીલની વાત સાચી છે. વિધાનસભાના સત્રને કારણે પૉલિટિકલ મૂવમેન્ટ વધારે છે. શક્ય છે કે તેને આવવામાં વાર લાગે.’

‘હું એ જ કહું છું મૅડમ. આપણે કામ પતાવીએને...’ નેણસીએ પણ રિસ્ટ-વૉચમાં જોઈ લીધું, ‘મને ટૂંકી વાત ખપે. શું છે, ટાઇમ ઇઝ મની.’

‘રાઇટ મિસ્ટર નાગડા. તમે જરા પણ ખોટા નથી. ટાઇમ ઇઝ મની... પણ શું છે, તમને બધું પૈસાથી ખરીદવાની આદત પડી ગઈ છે તો જરા ટાઇમ પણ ખરીદી જુઓને...’ ડિટેક્ટિવ સોમચંદે કમિશનર મૅડમની સામે જોયું, ‘ઇન્સ્પેક્ટર પાટીલ અહીં જરૂરી છે મૅડમ, જો તે હશે તો કેસ ફટાફટ ક્લિયર થઈ જશે. આટલી રાહ જોઈ છે તો આપણે અડધો કલાક વધારે રાહ જોઈ લઈએ... પણ હા, ત્યાં સુધીમાં હું ક્લિયર કરી દઉં, એન. એન. કૉલેજના જે ત્રણ કર્મચારીઓનાં મોત થયાં એ એક પણ ડેથ નૅચરલ કે સુસાઇડ નથી. એ બધાં મર્ડર છે, પ્રી-પ્લાન્ડ મર્ડર.’

‘મૅડમ, આ માણસ ગાંડો થવાનો. તમે આવી વાત માટે મને અહીં બોલાવ્યો?’

‘મિસ્ટર નાગડા,’ સોમચંદની આંખમાં રહેલું તેજ નેણસીને ધ્રુજાવી ગયું, ‘બધું સાબિત થશે પછી જ તમારે માનવાનું છે. ઇન્સ્પેક્ટર પાટીલને આવી જવા દો અને તે આવે ત્યાં સુધીમાં તમે... મૅડમ માટે સરસ ચા મગાવો.’

lll

ધડ.

હજી તો ચાની પહેલી ચુસકી લેવાઈ ત્યાં જમીન પર વજનદાર બૂટ ટકરાવાનો અવાજ આવ્યો. બધાનું ધ્યાન એ દિશામાં ગયું. સાવધાન મુદ્રામાં આગળ આવતાં ઇન્સ્પેક્ટર પાટીલે ફરી કમિશનરની સામે આવીને સલામી આપી કે તરત ડિટેક્ટિવ સોમચંદે ચાનો કપ ટેબલ પર મૂક્યો.

‘પર્ફેક્ટ ટાઇમે આવી ગયા પાટીલ,’ પાટીલની નજીક આવતાં સોમચંદે કહ્યું, ‘હાથકડી લાવ્યા છોને સાથે?’

પાટીલે હા પાડી કે તરત સોમચંદે તેની સામે હાથ લંબાવ્યો. વણબોલ્યા શબ્દોમાં સંદેશો સ્પષ્ટ હતો. ઇન્સ્પેક્ટર પાટીલે બેલ્ટ પર લટકતી હાથકડી ખોલી સોમચંદના હાથમાં મૂકી કે તરત સોમચંદે પાટીલનો જ ડાબો હાથ પકડીને એમાં હાથકડી પહેરાવી દીધી.

સોમચંદની હરકતથી તમામ હેબતાઈ ગયા, સિવાય કમિશનર મૅડમ.

‘મૅડમ... આ માણસ, આ માણસ હદ કરે છે.’

‘તેં કર્યું એ શું હતું પાટીલ?’ ઇન્સ્પેક્ટરના ખભા પર ચિટકાડવામાં આવેલા સ્ટાર ઉતારતાં સોમચંદે પ્રતિપ્રશ્ન કર્યો, ‘પહેલાં વંદના, પછી વસંત અને એના પછી અશ્વિન... ત્રણ-ત્રણના જીવ લેવાનું કારણ શું?’

પાટીલની આંખોમાંથી આગ વરસતી હતી અને જીભ પર ગાળોનો વરસાદ. ફરક માત્ર એટલો હતો કે અત્યારે એ ગાળો હોઠ પર આવતી નહોતી.

‘બહુ ભૂલ કરે છે સોમચંદ તું.’

‘ત્રણ જીવ લેવા જેવી, ત્રણનાં મર્ડર જેવી ભયાનક ભૂલ તો નથી જ કરતો. હા, એક ભૂલ કરી...’ સોમચંદે ખાખી વર્દી સામે જોયું, ‘તારી આ ખાખી ઊતરાવવી જોઈતી હતી પણ તને એટલો સમય આપવાનું પણ મન નહોતું. જે માણસ પૈસા માટે આટલું ઘાતકી કૃત્ય કરે તેને તો જીવવાનો પણ સમય ન મળવો જોઈએ.’

‘એ મિસ્ટર...’

‘સોમચંદ... સોમચંદ શાહ.’ નેણસી સામે ઝાટકા સાથે ફરેલા સોમચંદની આંખમાં જ્વાળામુખી ભભૂકતો હતો, ‘નાગડા, આછકલાઈ ગમી નથી અને ગમવાની નથી. તમારી સાથે વાત કરવામાં સભ્યતા છે એ ઉપકાર ગણજો.’

‘મૅડમ, આ માણસ... આ માણસ ચસકેલો છે. આને કંઈ ભાન નથી પડતી.’ નેણસી નાગડા ઊભા થઈને ઇન્સ્પેક્ટર પાટીલ પાસે આવી ગયા હતા, ‘આ માણસ શું કામ મર્ડર કરે... ને કરે તો મારે શું લાગેવળગે? મને શું અહીં બેસાડી રાખ્યો છે?’

‘અરેસ્ટ કરવા.’ સોમચંદના શબ્દો સાંભળીને નેણસી નાગડાના પગ નીચેથી ધરતી સરકવા માંડી, ‘બરાબરને સુમંતો સર... કરવી જોઈએને અરેસ્ટ?’

‘હું... મૈં... હું... આમાં શું કહું?’

‘કેમ, તમને કંઈ નથી ખબર?’

સટાક...

પ્રિન્સિપાલ કંઈ કહે એ પહેલાં તેના ગાલ પર સોમચંદની થપ્પડ પડી ગઈ.

‘તમને બધી ખબર હતી. ફ્રૉમ ફર્સ્ટ ડે.’ સોમચંદ પોલીસ-કમિશનર તરફ ફર્યા, ‘મૅડમ, મારે તમને થૅન્ક્સ કહેવું જોઈએ આ હરામીઓની હાજરીમાં. જો તમે પહેલા દિવસે જ મને પરમિશન ન આપી હોત તો આ લોકોએ તપાસને ક્યાંય ઉડાડી દીધી હોત, પણ મારી ને તમારી તપાસને લીધે અશ્વિન ચંદારાણાએ જીવ આપવો પડ્યો.’

‘હું, હું... આ બધામાં ક્યાંય નથી.’ નેણસીએ કહ્યું, ‘તમે કહો, હું, હું આશાપુરા માતાજીના...’

સટાક.

‘માતાજીના અવતાર જેવી દીકરીઓના શરીરને ચૂંથતી વખતે તો તને આશાપુરા માનો ડર નહોતો લાગ્યો હરામખોર?’ સોમચંદની થપ્પડના કારણે નેણસીના હોઠના ખૂણામાંથી લોહી નીકળવા માંડ્યું હતું, ‘મૅડમ, તમને કેસની થોડી વિગત આપી હતી પણ આજે દરેક ડૉટ કનેક્ટ કરીને આખી વાત કહી દઉં.’

‘યસ, આ લોકોના કન્ફેશન માટે પણ જરૂરી છે.’

‘છેલ્લાં ચાર વર્ષથી આ હરામીપંતી કૉલેજમાં ચાલતી હતી. ઍડ્મિશન લેવા માગતી છોકરીઓને ટ્રસ્ટી ક્વોટામાંથી સીટ ઑફર થતી પણ એ ઑફર પહેલાં છોકરીનો લુક જોવામાં આવતો. ગમતી છોકરીઓને જ નેણસી ઍડ્મિશન આપતો.’

‘આ ખોટું છે.’

‘ચૂપ, તારાં કપડાં ઊતરી ગયાં છે. હવે બચાવ રહેવા દે.’ સોમચંદ કમિશનર મૅડમ સામે ફર્યા, ‘બધું બરાબર ચાલતું હતું અને કૉલેજમાં માત્ર પ્રિન્સિપાલ એકને આ વાત ખબર હતી પણ જ્યારે આ મૅનેજિંગ ટ્રસ્ટીએ છોકરીઓને બહાર જવા માટે પ્રેશર શરૂ કરવા માંડ્યું ત્યારથી છોકરીઓમાં છાના ખૂણે વિરોધ શરૂ થયો અને એ વિરોધ વચ્ચે કૉલેજના પ્રોફેસર અને વાઇસ પ્રિન્સિપાલ વંદના ભટ્ટની એન્ટ્રી થઈ. વંદના પાસે છોકરીઓ આવી ત્યારે તે ચોંકી ગઈ, પણ વંદનાએ બુદ્ધિ વાપરી અને તેણે છોકરીઓને પ્રૂફ એકઠાં કરવાનું કામ સોંપ્યું. વંદનાને ખબર હતી કે તે મુંબઈના કયા શ્રેષ્ઠી સામે આંગળી ચીંધવાની છે એટલે પ્રૂફ તેના માટે જરૂરી હતું.’

‘બધું બરાબર ચાલતું હતું પણ સ્ટુડન્ટ્સ, ખાસ તો મૅનેજમેન્ટના સર્કલમાં રહેલી આ છોકરીઓ સાથે વંદનાને વધારે પડતું બનતું દેખાવા લાગ્યું એટલે પ્રિન્સિપાલે સૌથી પહેલી જાણ નેણસીને કરી અને નેણસીએ વંદના પર નજર રાખવાનું કામ પ્રિન્સિપાલને સોંપ્યું.’

‘જે કામ પ્રિન્સિપાલે પ્રોફેસર અશ્વિન ચંદારાણાને સોંપ્યું, રાઇટ?’

‘એક્ઝૅક્ટ્લી. ઑફિશ્યલ ઑર્ડર હતો અને સાથી-પ્રોફેસર સાથે પોતે ફરે તો મૅનેજમેન્ટને વાંધો નહોતો એ વાતથી અશ્વિન વંદના સાથે ફરવા માંડ્યો પણ અશ્વિનના ઘરમાં ઝઘડાઓ શરૂ થયા, જેની તેણે કલ્પના નહોતી કરી.’ ડિટેક્ટિવ સોમચંદે વાત આગળ વધારી, ‘અશ્વિનનું એક જ કામ હતું કે વંદના પાસે શું પ્રૂફ આવે છે અને પ્રૂફ હાથમાં આવ્યા પછી તે શું સ્ટેપ લે છે એની માહિતી તેણે પ્રિન્સિપાલને આપવાની. હા, એક વાત કહેતાં ભૂલી ગયો. આ કામ માટે અશ્વિનને વાઇસ પ્રિન્સિપાલ પદની ઑફર થઈ હતી. અશ્વિન પોતાના કામમાં લાગેલો રહ્યો અને એક દિવસ વંદના પાસે વિડિયો-રેકૉર્ડિંગ આવી ગયું, જેમાં નેણસી છોકરીઓને બ્લૅકમેઇલ કરી તેને પોતાના કોઈ બિઝનેસમૅન પાસે મોકલવા દબાણ કરતો હતો.’

‘મારી પાસે એ વિડિયો છે મિસ્ટર નેણસી, એટલે દલીલ કરવા નહીં જતો.’ ડિટેક્ટિવ સોમચંદ ફરી કમિશનર મૅડમ સામે ફર્યા, ‘વંદનાને નેણસીએ સમજાવવાની કોશિશ કરી, લાલચ આપી પણ વંદનામૅડમ માન્યાં નહીં એટલે નેણસીએ કૉન્ટૅક્ટ કર્યો ઇન્સ્પેક્ટર પાટીલનો અને અહીંથી પાટીલે મર્ડરની હારમાળા ઊભી કરી. વંદનાએ સુસાઇડ કર્યું એવું દેખાડવાનું કામ પાટીલનું... પાટીલની બે મકસદ હતી, કાં તો કેસને સુસાઇડ સાબિત કરી દેવો અને ધારો કે એવું ન થાય તો વંદનાને સુસાઇડ માટે મજબૂર કરવાના કેસમાં અશ્વિનને ફસાવી દેવો. બધું પર્ફેક્ટ ચાલતું હતું. વંદનાનો કેસ સુસાઇડ પુરવાર થઈ જવાની અણી પર હતો પણ ત્યાં જ વસંત દામલે જાગ્યો.’

‘દામલે સાથે શું પ્રૉબ્લેમ થયો હતો?’

‘દામલેની એટલી જ ભૂલ કે તેણે અશ્વિનને કહી દીધું કે વંદનામૅડમે તેને બધી વાત કરી છે. અશ્વિન ફરી એક વાર મેસેન્જર બન્યો અને પ્રિન્સિપાલ સુધી આ માહિતી પહોંચાડી આવ્યો. નેણસીએ દામલેને રસ્તામાંથી હટાવવો પડ્યો અને એમાં પણ તેણે પાટીલની હેલ્પ લીધી. બબ્બે સુસાઇડની થિયરીથી મીડિયાની નજર વધશે એવું લાગતાં પાટીલે શૉર્ટ સર્કિટનો રસ્તો લઈ વસંત દામલેને માર્યો.’

ડિટેક્ટિવ સોમચંદે પાટીલ સામે જોયું, ‘પાટીલ તારી ભૂલ કહું... દામલે જે દિવસે મર્યો એ દિવસે તું તેના ઘરે ગયો હતો. એ સમયે ઘરે કોઈ હતું નહીં એટલે તેં ડુપ્લિકેટ ચાવીથી ઘર ખોલી ઍર-કન્ડિશનર ચાલુ કરી દીધું અને હીટરનું કનેક્શન ડાયરેક્ટ કરીને ઘરનું અર્થિંગ છોડાવી લીધું. ઘરમાં આવીને દામલેએ AC બંધ કર્યું, ૧૬ ડિગ્રી પર રહેલા ACને કારણે ઘર બરફ જેવું થઈ ગયું હતું. એ સાચું કે દામલેને ઠંડી ચડી અને દામલેએ હીટર ચાલુ કર્યું. શૉર્ટ સર્કિટ થવાની જ હતી. વાત તારી ભૂલની. તેં બધી જગ્યાએ ચીવટ રાખી પણ ગલીના નાકા પર લાગેલા CCTV કૅમેરા પર તારું ધ્યાન ગયું નહીં અને કૅમેરાએ તને ઝડપી લીધો.’

‘અશ્વિનને શું કામ આ લોકોએ રસ્તામાંથી હટાવ્યો?’

‘ધમકી. અશ્વિને પ્રિન્સિપાલને ધમકી આપી કે જો આ કેસ બંધ કરાવવામાં નહીં આવે તો તે મને એટલે કે પોલીસને મળીને બધું કબૂલી લેશે.’ સોમચંદે કહ્યું, ‘કેસ પૂરો થાય એવું લાગતું નહોતું કારણ કે હું એમાં ઇન્વૉલ્વ થઈ ગયો હતો. ત્રીજી વખત ઇન્સ્પેક્ટર પાટીલને ઇન્વૉલ્વ કરવામાં આવ્યા. પાટીલે ગનપૉઇન્ટ પર અશ્વિન પાસે સુસાઇડ-નોટ લખાવી અને હું ચીસો પાડતો રહ્યો.’

‘કેમ?’ પહેલી વાર પાટીલ વચ્ચે બોલ્યો, ‘તારે શું લેવાદેવા હતી?’

‘એ સમયે અશ્વિને મને ફોન લગાડી દીધો હતો. તું તેને જે ધમકી આપતો હતો એ બધી મને સંભળાતી હતી. અશ્વિનના ફોનને હોલ્ડ કરી મેં તરત તને ફોન કર્યા પણ લોકેશન ટ્રૅક ન થાય એટલે તું ફોન પોલીસ-સ્ટેશને મૂકીને નીકળ્યો હતો. હું પાર્લા અને તું... મલાડ, અશ્વિનના ઘરે.’ સોમચંદની આંખો ભીની હતી, ‘પાટીલ, તને રોકવા માટે હું અશ્વિનના મોબાઇલમાં ચિલ્લાતો રહ્યો પણ ન તો તેં અશ્વિનના ફોન તરફ ધ્યાન આપ્યું કે ન તો અશ્વિને ફોન હાથમાં લેવાની હિંમત કરી.’

ડિટેક્ટિવ સોમચંદ કમિશનર મૅડમ તરફ ફર્યા.

‘અશ્વિનના એ છેલ્લા કૉલનું રેકૉર્ડિંગ મારી પાસે છે. ધારત તો ત્યારે જ પાટીલ સામે ઍક્શન લેવડાવી શકતો હતો પણ મને ખાતરી હતી, જે ત્રણને મારી શકે એ ચોથાને મારવામાં ખચકાય નહીં.’ સોમચંદ પાટીલ પાસે આવ્યા, ‘ડર મને મોતનો નહોતો, ઝમીર વિનાના માણસના હાથે મરવાનો હતો. ને એટલે જ તને અહીં બધાની સામે કપડાં વિનાનો કર્યો, આ નેણસી નાગડાની સાથે...’

lll

ધાંય... ધાંય.. ધાંય...

ફાયરિંગનો અવાજ સાંભળી સોમચંદ દોડતા મીટિંગ રૂમમાં આવ્યા.

પોલીસ-કમિશનર મીરા બોલવણકરના હાથમાં પાટીલની સર્વિસ રિવૉલ્વર હતી, જેમાંથી ધુમાડા નીકળતા હતા અને સામે ત્રણ લાશ પડી હતી.

‘પાટીલે પહેલાં ટ્રસ્ટી અને પછી પ્રિન્સિપાલ પર ફાયરિંગ કર્યું.’ સોમચંદના ફેસ પર સ્માઇલ હતું, ‘પછી તેણે પોતાની જ સર્વિસ રિવૉલ્વરથી સુસાઇડ કર્યું.’

‘હંમ...’ કમિશનરે સોમચંદ સામે જોયું, ‘નાઇસ સ્ટોરી ડિરેક્ટર સોમચંદ.’

(સંપૂર્ણ)

columnists gujarati mid day mumbai Rashmin Shah exclusive