A-103 યહાં રહના મના હૈ (પ્રકરણ-૪)

08 May, 2025 01:32 PM IST  |  Mumbai | Rashmin Shah

પલક ઉપર પહોંચી ત્યારે તેને ખબર નહોતી કે તે કાયમ માટે ઉપર જવા માટે પગથિયાં ચડી છે

ઇલસ્ટ્રેશન

‘કૌન હૈ?’

ડિલિવરી-બૉય ધ્રૂજી ગયો. તેની એવી હાલત જોઈને પલકને હસવું આવી ગયું.

‘અરે ભાઈ, હું છું...’ પલકે હાથ લંબાવ્યો, ‘પાર્સલ આપો...’

ડિલિવરી-બૉયની ધ્રુજારી વાજબી હતી. ઉપર જવાનો રસ્તો શોધતી વખતે તેણે જે દૃશ્ય જોયું એ પછી પણ તે અત્યારે અહીં ઊભો હતો એ માટે તેને ચોક્કસ અવૉર્ડ આપવો પડે.

‘મૅડમ, એક વાત કહું...’ પરમિશન મળશે કે નહીં એની પરવા કર્યા વિના જ ડિલિવરી-બૉયે પલકને કહી દીધું, ‘આપ યહાં મત રહો.’

‘કેમ?’

‘મૅડમ, તમને ખબર નથી લાગતી. અહીં ભૂત થાય છે.’

હાહાહા...

પલકથી હસી પડાયું.

‘મારાથી ભૂત પણ ભાગે...’ પલકે કહ્યું, ‘આપણે ભૂત ભગાડવાનો બિઝનેસ શરૂ કરીએ. તારે બહાર ભૂતવાળી જગ્યા શોધવાની ને મારે એને ભગાડવાનું. પાર્ટનરશિપમાં બન્નેના ફિફ્ટી-ફિફ્ટી...’

lll

વૈભવે કાણાથી પોતાનું મોઢું દૂર લીધું અને પછી તેણે કાણા ફરતે પોતાની આંગળીઓ ફેરવી. સામાન્ય રીતે દીવાલની સર્ફેસ સહેજ રફ હોય પણ કાણાના પરિઘને જાણે કે વેલ્વેટ લગાડ્યું હોય એવી સૉફ્ટ સર્ફેસ હતી. આંગળી ફેરવતી વખતે વૈભવને કોઈ અકલ્પનીય ખુશી મળતી હોય એવો ભાસ થતો હતો. તેણે ધીમે-ધીમે પોતાની આંગળી કાણામાં નાખી અને પછી પોતાનો હાથ કાણામાં દાખલ કર્યો. વૈભવને ખબર નહોતી કે તે હવે એ હોલના કબજામાં આવી રહ્યો હતો.

પહેલાં આંગળી, પછી હથેળી, પછી કોણી સુધીનો હાથ ને છેલ્લે બાવડા સુધીનો હાથ કાણામાં નાખી દીધા પછી અચાનક જ વૈભવની તંદ્રા તૂટી. તે છેક ભીંતસરસો થઈ ગયો હતો. તંદ્રા તૂટતાં જ વૈભવે પોતાનો હાથ પાછો ખેંચ્યો, પણ આ શું?

વૈભવનો હાથ કોઈએ અંદરથી પકડી લીધો હતો.

પગથી દીવાલનો સપોર્ટ લઈને વૈભવે હાથ ખેંચ્યો અને જેવો તેણે હાથ ખેંચ્યો કે બીજી જ ક્ષણે અંદરની બાજુએ પણ હાથ ખેંચાયો. હાથ કાઢવા વૈભવ જેટલી તાકાત વાપરતો એનાથી બમણી તાકાત સાથે વૈભવનો હાથ અંદરની બાજુએ ખેંચાતો રહ્યો. બહુ લાંબી મથામણ નહોતી ચાલી, હજી તો
માંડ દોઢેક મિનિટ થઈ હશે ત્યાં વૈભવને લાગવા માંડ્યું કે તેનો હાથ બાવડા પાસેથી છૂટો પડી જાશે.
વૈભવને ચીસ પાડવી હતી, બૂમો પાડવી હતી પણ તેના ગળામાંથી અવાજ નહોતો નીકળતો.

વૈભવ સ્થિર થઈ ગયો. જાણે કે તેણે જાતને સરેન્ડર કરી દીધી હોય. સામેની પ્રતિક્રિયા પણ લગભગ એવી જ રહી. કાણામાં રહેલા આત્માને પણ જાણે કે શાંતિ જોઈતી હોય એ રીતે તેણે પણ અંદરથી હાથ ખેંચવાનું બંધ કરી દીધું.

પાંચ, દસ, પંદર અને વીસ સેકન્ડ.

ઊંડો શ્વાસ લઈ વૈભવે ઝાટકા સાથે હાથ ખેંચ્યો અને તેનો હાથ બહાર આવી ગયો. વૈભવના ચહેરા પર ખુશી પથરાઈ પણ તેણે જેવી પોતાના હાથ પર નજર નાખી કે તે હૃદયના ધબકારા ચૂકી ગયો.

વૈભવનો હાથ કોણીએથી કપાઈ ગયો હતો.

વૈભવની આંખો સામે અંધકાર પ્રસરી ગયો અને ઓવરબ્લીડિંગના કારણે સાઠ સેકન્ડમાં તેના હૃદયે ધબકવાનું બંધ કરી દીધું.

lll

‘તમને મજાક સૂઝે છે મૅડમ... પણ આ મજાકની વાત નથી.’ ડિલિવરી-બૉયે કહ્યું, ‘અહીં આવતાં પહેલાં મને પણ આ બધી વાતો લાગતી હતી. અમારા ડાર્ક સ્ટોરમાંથી મને કહ્યું પણ ખરું કે હું અંદર ન આવું પણ મૅડમ, હું અંદર આવ્યો... ઉપર આવતો હતો ત્યારે જુઓ આ...’

ડિલિવરી-બૉયે પોતાનો ડાબો હાથ આગળ કર્યો.

ડાબા હાથના કાંડા પરથી લોહી વહેતું હતું. કાંડા પર કોઈએ રીતસર દાંત બેસાડી દીધા હતા, જેની છાપ નરી આંખે જોઈ શકાતી હતી. પલકના ચહેરા પરથી પહેલી વાર સ્મિત ગાયબ થયું.

‘પગથિયાં પર કોઈ લેડી બેઠી છે મૅડમ... તેણે, તેણે મને બટકું ભર્યું.’

‘વૉટેવર... હું, હું ત્યાંથી તો આવી. ત્યાં કોઈ નથી.’

‘એ જે હોય એ, મેં તેને જોઈ. મને પણ એ લેડી પહેલાં નૉર્મલ લાગી. મેં જેવું તેને તમારું નામ આપ્યું કે તરત મને કહે તેને આ... આ વસ્તુની જરૂર નહીં પડે. પાછી લઈ જા. હું કંઈ કહું એ પહેલાં તેણે મને રાડ પાડીને જવાનું કહ્યું, મેં તેને કહ્યું કે મારે ડિલિવરી કરવી પડે તો તે ઊભી થઈ ને મેં જોયું...’

ડિલિવરી-બૉયને ઊબકા આવવા માંડ્યા, પણ તેણે મહામહેનતે વૉમિટ રોકી. પલકનું બ્લડપ્રેશર વધવા માંડ્યું હતું. તેને ડર નહોતો લાગ્યો પણ પેલાના હાથમાં થયેલો ઘા જોઈને તે ગભરાઈ હતી.

‘તમે જલદી ડૉક્ટરને દેખાડો.’

‘હા...’ ડિલિવરી-બૉયે પોતાની બૅગમાં હાથ નાખતાં પૂછ્યું, ‘તમારું પાર્સલ આપી દઉં કે પછી...’

‘અફકોર્સ આપવાનું જ હોયને...’

પલકે હાથ લંબાવ્યો અને ડિલિવરી-બૉયે પલકના હાથમાં નાનું બૉક્સ મૂકી દીધું.

પલક ટર્ન થઈ અને ફટાફટ ઉપર જવા માંડી. ઉપર જતી વખતે પણ તેના મનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલી પેલી લેડી નહીં, ડિલિવરી-બૉયના હાથમાં રહેલો ઘા ચાલતો હતો.

પલક ઉપર પહોંચી ત્યારે તેને ખબર નહોતી કે તે કાયમ માટે ઉપર જવા માટે પગથિયાં ચડી છે. જો પલકે પાછળ જોયું હોત તો તેને ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલી પેલી લેડી દેખાઈ હોત અને ચોક્કસ તે પેલીનો દેખાવ જોઈને જ છળી મરી હોત.

lll

‘વૈભવ... વૈભવ...’ હૉલમાં વૈભવ નહોતો એટલે પલકે તેને રાડ પાડી, ‘ક્યાં છો?’

જવાબ આવ્યો નહીં એટલે પલક બેડરૂમમાં ગઈ.

‘વૈભવ...’

બેડરૂમનું દૃશ્ય જોઈને પલક હેબતાઈ ગઈ.

કાંડાથી કપાયેલા હાથ સાથે વૈભવની લાશ જમીન પર પડી હતી અને વૈભવનો કપાયેલો હાથ દીવાલના કાણાને જાણે કે પકડી ઊભો હોય એમ ટિંગાતો હતો.

પલકના હાથમાં રહેલું કૉન્ડોમનું બૉક્સ પડી ગયું.

તેના કાનમાં ડિલિવરી-બૉયના શબ્દો ગુંજતા હતા.

‘આ વસ્તુની જરૂર નહીં પડે. પાછી લઈ જા...’

lll

‘પલક... આ બધું કેવી રીતે?’

‘મને નથી ખબર. પણ તું સાચું કહેતી હતી. આ ફ્લૅટમાં કંઈક તો છે.’ પલકે માથું પકડી લીધું, ‘તું જલદી પોલીસને ફોન કર.’

‘સ્ટુપિડ, પોલીસને ફોન કર્યા પછી શું કરવાનું? પોલીસ તને પકડી જશે.’

‘વાંધો નહીં, તું... તું અત્યારે પોલીસને ફોન કર. પોલીસ આવે એટલે આપણે અહીંથી નીકળી જઈએ.’

કથાએ મોબાઇલ હાથમાં લીધો અને સ્ક્રીન પર જોયું.

‘નેટવર્ક નથી.’

‘હમણાં તો હતું નેટવર્ક...’ પલકે કહ્યું, ‘મેં... મેં મોબાઇલથી જ ઑર્ડર કર્યો. મને ડિલિવરી-બૉયના ફોન પણ આવ્યા.’

‘હશે કંઈ પ્રોબ્લેમ.’ કથાએ પર્સ હાથમાં લીધું, ‘તું ચાલ, આપણે જઈએ.’

‘વૈભવ...’

‘લાશ સાથે લઈને જવી છે?’ કથાએ પલકનો હાથ ખેંચ્યો, ‘ચાલ...’

‘ક્યાં જશું?’

‘અરે મારી મા, પોલીસ-સ્ટેશન જઈશું... પહેલાં ચાલ અહીંથી...’

બન્ને દરવાજા પાસે ગયાં. દરવાજો ખુલ્લો જ હતો પણ જેવાં તે બન્ને દરવાજા પાસે પહોંચ્યાં કે બીજી જ સેકન્ડે દરવાજો એવી રીતે બંધ થયો જાણે કે રૂમમાં ત્રીજું કોઈ હાજર હોય. પલકની આંખો ફાટી ગઈ. પલકને પરસેવો વળવા માંડ્યો હતો. છેલ્લા બે કલાકથી તે વૈભવ સાથે દારૂ પીતી હતી, દારૂનો હૅન્ગઓવર તેને વર્તાવા લાગ્યો હતો પણ અત્યારે વાત સાવ જુદી હતી. પલકનો દારૂનો નશો બાષ્પીભવન થઈ ગયો હતો.

lll

‘આ આવી રીતે કોણે બાઇટ ભર્યું?’ કાંડા પર ટાંકા લેતાં ડૉક્ટર સુબોધ મહેતાએ ડિલિવરી-બૉયને પૂછ્યું, ‘આ ડૉગ-બાઇટ નથી લાગતું.’

‘સર, હું નહીં કહી શકું...’

‘ઘરમાં ફાઇટ થઈ?’

સુબોધ મહેતાએ સહજ રીતે પૂછ્યું. જે પ્રકારનું બાઇટ હતું અને જે પ્રકારે દાંત બેસી ગયા હતા એ જોઈને તે સમજી ગયા હતા કે આ હ્યુમન-બાઇટ છે પણ તે કહેવા નહોતા માગતા અને એટલે જ તેમણે નૉર્મલ રીતે જ સવાલ કર્યો હતો.

‘ના સર, ઘરે તો હું ગયો જ નથી.’

‘મિસ્ટર...’ કેસના પેપર પર નજર કરી સુબોધે ડિલિવરી-બૉયનું નામ વાંચ્યું, ‘અહમદ, તમને ખબર ન હોય તો કહી દઉં. ડૉગના દાંત કરતાં પણ માણસના દાંતમાં ઝેર વધારે હોય. ડૉગના દાંત તીક્ષ્ણ હોય એટલે જોખમી ગણવામાં આવે છે, પણ માણસના દાંતમાં બૅક્ટેરિયલ પાવર વધારે હોય છે એટલે એને વધારે જોખમી ગણાય.’

અહમદે સાંભળી લીધું. તેને કહેવાનું મન થઈ આવ્યું પણ કોઈ ખચકાટ હતો જે તેને રોકતો હતો.

‘ઇન્જેક્શન લેવાનું છે જેથી પૉઇઝન ફેલાય નહીં...’

સુબોધ મહેતા પોતાનું કામ પતાવી ડ્રેસિંગ ટેબલથી દૂર જતા હતા ત્યાં પીઠ પાછળ આવેલા અહમદના અવાજે તેના પગ થંભાવી દીધા.

‘સર, ચુડેલે મને બટકું ભર્યું...’

lll

‘રુસ્તમજી, ડૉક્ટર સુબોધ મહેતા વાત કરું છું...’

‘તારો નંબર જોઈને જ ફોન ઉપાડ્યો. બાકી, પોયરા રાતે અગિયાર પછી આ પારસી બાવો કોઈને જવાબ દઈએ નહીં.’

‘તમને રૂબરૂ મળવું છે.’

‘કાલ બપોરે આવી જવા, હું ઘરે જ મળવા...’

‘અત્યારે મળવું છે. તમે ઘરે જ છોને?’

‘છું ઘરમાં પણ મનથી હું સ્વર્ગમાં મળવા...’ રુસ્તમ ડબ્બાવાલાએ સ્વીકાર કર્યો, ‘એક આખી બાટલી પેટમાં ઠલવાઈ જવા ને હવે બરાબરની ઊંઘ આવવા...’

‘વાંધો નહીં, હું રૂબરૂ આવું છું...’

‘પોયરા, કામ તો મને કહે. શું થયું કે આમ...’

‘આપણે રૂબરૂ વાત કરીએ રુસ્તમજી...’

ફોન કટ કરતાં સુધીમાં તો ડૉક્ટર મહેતા અને અહમદ ખાન કારમાં બેસી ગયા હતા અને કાર સ્ટાર્ટ પણ થઈ ગઈ હતી.

lll

‘કથા, હવે... હવે શું કરીશું?’ પલક રડી પડી હતી, ‘મને અહીંથી કાઢ પ્લીઝ... મને... મને બહુ બીક લાગે છે.’

‘હા, આપણે બહાર જઈએ. એક મિનિટ, તું એક કામ કર...’

એ જ સમયે ફ્લૅટની લાઇટમાં ઝબકારા શરૂ થયા અને કથા-પલકના ડરમાં ઉમેરો થયો. ઝબકારા મારતી લાઇટ થોડી જ સેકન્ડમાં બંધ થઈ ગઈ અને આખા ઘરમાં અંધકાર પ્રસરી ગયો. પલક કથાને વળગી પડી અને કથાના ધબકારા વધી ગયા.

બન્ને કંઈ સમજે કે કરે એ પહેલાં તો રૂમમાંથી ચીસનો અવાજ આવ્યો અને બન્નેની નજર રૂમના દરવાજા તરફ ખેંચાઈ. અંધકાર વચ્ચે પણ ખુલ્લા દરવાજા પાસે રહેલી બે લાલ આંખો પલક-કથાને સ્પષ્ટ દેખાતી હતી.

લાલ આંખો ધીમેથી મોટી થઈ અને પછી કથા-પલકની દિશામાં આગળ વધી.

પલક અને કથા પાછા પગ કરતાં અવળી દિશામાં આગળ વધવા માંડ્યાં.

લાલ આંખોવાળી એ વ્યક્તિ ધીમે રહીને બારી પાસે આવી. બારીમાંથી આવતા ચંદ્રના પ્રકાશમાં આંખ સામેનું દૃશ્ય જોઈને પલકનું જીન્સ ભીનું થઈ ગયું.

સામે વૈભવ ઊભો હતો. વૈભવના બીજા હાથમાં પોતાનો જ હાથ હતો અને જાણે કે તે ભુટ્ટો ખાતો હોય એમ પોતાનો હાથ ખાતો હતો.

(ક્રમશ:)

columnists gujarati mid-day mumbai exclusive Rashmin Shah