02 July, 2025 02:29 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
અય દિલે નાદાં...
લતાનું ગીત ગણગણતી રેવા અજાણપણે કામમાં મગ્ન આરવને નિહાળી રહી.
આરવને જેમ-જેમ જાણતી જાઉં છું એમ તેનાથી અંજાતી જાઉં છું. અતુલ્ય મારા હૈયે ન હોત તો હું આંખ મીંચી આરવના પ્રેમમાં ખાબકી હોત!
રેવા વાગોળી રહી:
જામનગરના ડેલા ગામમાં વિકાસભાઈનું મોટું સહિયારું ઘર હતું ને પિતરાઈઓ સાથે બનતું પણ ખરું. બેચાર વર્ષે એકાદ દિવાળી ગામમાં કરતા એટલે રેવાથી અજાણ્યું પણ નહીં.
અઠવાડિયા અગાઉ રેવા અહીં આવી એથી ઘરમાં ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો. એ જ બપોરે કંકોતરી વહેંચવા નીકળેલાં નીરુબહેન જાણે પહેલી વાર મળતાં હોય એમ રેવાને ભાળી જૂનો મૈત્રીસંબંધ યાદ કરાવી તેને ભેળવી લીધી : બાજુના મહોલ્લામાં જ અમારું ઘર છે. તારે આખો દિવસ ત્યાં જ રહેવાનું. લગનવાળા ઘરમાં કામની કંઈ કમી હોય! ને તને તો હકથી કહેવાય.
આમાં કોઈને કંઈ અજુગતું લાગ્યું નહીં ને રેવા તેમની સાથે ઘરે પહોંચી. કેવો ધમધમાટ હતો. મહેમાનોનો કલશોર, રંગરોગાન, લાઇટિંગ, મંડપવાળાનો આવરોજાવરો... વરંડામાં કેટરિંગનું કામકાજ જોતો આરવ પોતાને ભાળી કેવો ખીલી ઊઠ્યો એથી રેવા સહેજ સંકોચાઈ હતી.
‘રેવા, પછી તું આરવ જોડે શહેર જઈ આવ, પૂજાવિધિનો ઘણોબધો સામાન લાવવાનો છે.’ નીરુબહેને સહજતાથી રેવાને આરવ જોડે ભેળવી દીધી.
અને બસ, ત્યારથી આરવની સતત સાથે રહેવાનું બન્યું છે. તે ઊઘડતો જાય છે એમ હું અસમંજસમાં મુકાતી જાઉં છું... આરવના ગુણ, તેના સંસ્કાર, તેનું ચારિત્ર્ય - ક્યાંય ઊણપ નથી. એટલું તો હવે હું પણ ખાતરીપૂર્વક કહી શકું કે આરવમાં કોઈ એબ સંભવ જ નથી.
અત્યારે રેવાએ ઊંડો શ્વાસ લઈ વાગોળ્યું :
રોજ સવાર-સાંજ અતુલ્ય જોડે વાત થાય એમાં રેવાનું હૈયું ઊઘડી જાય : જેણે દશે આંગળીએ દેવ પૂજ્યા હોય તેને આરવ જેવો ભરથાર મળે, અત્તુ, આરવની લાયકાતમાં મને સંદેહ નથી. તેને નકારવાનું કોઈ કારણ મને જડતું નથી.
‘આરવ... આરવ!’ ગઈ કાલના ફોનમાં અતુલ્ય સહેજ ઉશ્કેરાઈ ગયેલો : રેવા, આપણા પંદર મિનિટના કૉલમાં સાડાચૌદ મિનિટ તો તું આરવની પ્રશસ્તિમાં ગાળે છે. આરવ આવો છે, તેવો છે, તેની સાથે આજે આમ કર્યું ને ત્યાં ફરવા ગયાં... તને એટલો જ ગમી ગયો હોય તો તેની સાથે પરણી જા!
રેવા ઘવાઈ. અત્તુ આવું બોલી જ કેમ શકે?
અતુલ્યને પણ તેની ભૂલ સમજાઈ હોય એમ નરમ બનેલો: સૉરી યાર, નાટકની ડેડલાઇનના પ્રેશરમાં મારો સ્વભાવ પણ ચિડિયો થઈ ગયો છે. મારે એટલું જ કહેવાનું કે આરવમાં એબ ન હોય તો ઊભી કર. તેણે તારા પર નજર બગાડી એવો સીન ઊભો કરી બદનામ કરી દે.
રેવા માટે એ બીજો આઘાત હતો: અત્તુ આ શું સૂચવે છે? આરવનું તો ઠીક, નિર્દોષ માણસ પર આળ મૂકવા જેવું કામ હું કરી શકું એવું તો તે ધારી પણ કેમ શકે! અતુલ્ય આવા નહોતા... કે પછી હું જ તેને પૂરેપૂરા ઓળખી નથી શકી?
‘લો, તને આનો પણ વાંધો છે રેવા? આઇ રિસ્પેક્ટ યૉર વૅલ્યુઝ હની, બટ માણસે સંજોગ વર્તી પોતાના પૂરતા ક્યારેક સ્વાર્થી બનવું પડે.’
અતુલ્ય રેવાને કન્વિન્સ કરવા મથી રહેલો. રેવા માટે તેનું આ રૂપ સાવ અજાણ્યું હતું. ક્યાં પોતાના ઉજ્જવળ ભવિષ્યનાં સમણાં જોનારો પાણીદાર યુવાન અને ક્યાં તેની આજની ભાષા! આ બદલાવ આરવ માટેની ઇન્સિક્યૉરિટીમાંથી ઉદ્ભવ્યો હશે કે પછી ખોટી સંગતનું પરિણામ હશે?
ખોટી સંગત.
હોઠ કરડતી રેવાના ચિત્તમાં નામ સળવળ્યું હતું : રંભારાણી!
આમ તો વરલીનું ‘કાલિદાસ’ નાટ્યગૃહ ટોચના આર્ટિસ્ટ્સનું ફેવરિટ હતું. મૅનેજમેન્ટ પણ નાટકના સિલેક્શન બાબત ચૂઝી રહેતું. B કે C ગ્રેડના નાટક માટે તો સ્લૉટ ખાલી હોય તો પણ અલૉટ ન થતો. થિયેટરના ફુલટાઇમ મૅનેજર તરીકે અતુલ્યના હાથમાં ઘણી સત્તા હતી. ડેટ્સ માટે મોટા નિર્માતા પણ તેની સાથે સારાસારી રાખતા હોય. અતુલ્ય તો પડદા પાછળના સ્પૉટબૉય સુધીના જોડે ભળી નાટકની નાની-નાની વિગતો પૂછતો. જોકે ધંધાને જાણ્યા-સમજ્યા પછી પણ નાટ્યનિર્માણ કરવાનો મેળ ન્હોતો બેસતો. ટોચના નિર્માતાને ભાગીદારીમાં રસ ન હોય અને એકલા હાથે A ગ્રેડનું નાટક રજૂ કરવું અતુલ્યને ગજાબહારનું લાગતું : મરાઠીમાં પ્રેક્ષકો હજીયે વિષયવસ્તુમાં પ્રયોગ-અખતરા સ્વીકારે છે, આપણા ગુજરાતી ઑડિયન્સને વાઇફ પરના વૉટ્સેપિયા જોક્સ કે એ પ્રકારની કૉમેડીમાંથી બહાર જ નથી આવવું ને નિર્માતા પણ પ્રેક્ષકને કેળવવાનું બીડું નથી લેતા. આ સંજોગોમાં મારા જેવા નવા નિશાળિયાથી નવા વિષયનું જોખમ લેવાય નહીં ને જે ચાલે છે એને ચવાઈ ગયેલું કહી પ્રેક્ષક ફગાવી દે તો મારે તો બાવાના બેઉ બગડવા જેવો ઘાટ થાય...
રેવાને અતુલ્યની અવઢવ સમજાતી. તે હંમેશાં તેને પાનો ચડાવતી : મને ખાતરી છે, તમે એક દિવસ જરૂર કામિયાબ થવાના!
આવામાં વરસેક અગાઉ રંભારાણીનો પ્રવેશ થયો. ખરેખર તો ‘કાલિદાસ’માં એક ગુજરાતી નાટકનો પાંચસોમો પ્રયોગ બહુ ધામધૂમથી ઊજવાયો. રંગભૂમિના નામી-અનામી કલાકારોને એમાં નિમંત્રણ હતું, રંભારાણી એમાંની એક.
ત્રીસ-બત્રીસની વય, ઘાટીલાં અંગોવાળી માદક કાયા, નૈન નચાવી પુરુષને પાણી-પાણી કરી દેવાની અદાને કારણે તો રંભા B ગ્રેડનાં નાટકોની મહારાણી કહેવાતી.
‘તોય તમે અમને અછૂતની જેમ રાખો છો... મારાં નાટક ફુલ હાઉસ જતાં હોવા છતાં ‘કાલિદાસ’માં પર્ફોર્મ કરવાની છૂટ ક્યાં મળે છે?’ તેણે તક મળતાં અતુલ્ય સમક્ષ ઊભરો ઠાલવેલો.
દસેક વર્ષથી સ્ટેજ ગજવતી રંભા નાટક થકી ઘણું કમાઈ હતી. પોતાનાં નાટકો પણ તે જ પ્રોડ્યુસ કરતી એટલે કેન્દ્રવર્તી ભૂમિકા પણ તેની જ રહેતી. અલબત્ત, તેના વન-વુમન શોથી વિવેચકોના નાકનું ટેરવું ચડી જતું, સભ્ય સોસાયટીનું ગ્રુપબુકિંગ કદી ન મળતું અને તોય મુંબઈ-ગુજરાતની ટિકિટબારી પર સો-સવાસો પ્રયોગ સુધી હાઉસફુલનું પાટિયું ઝૂલતું હોય! અરે, બે-ત્રણ નાટકની તો ફૉરેન ટૂર પણ થયેલી. ગલગલિયાં કરાવતી કૉમેડીની ક્વીનની ઇમેજે જોકે રંભા માટે A ગ્રેડના નાટકના દરવાજા બંધ કરી દીધા એનો તેને અફસોસ પણ નહોતો. ઑફ ધ સ્ટેજ પણ તે બિન્દાસ રહેતી. બેધડક સિગારેટ ફૂંકતી. ગમે ત્યારે અશ્લીલ વન લાઇનર ઠોકી દેતી. સાંતાક્રુઝમાં તેનો વૈભવી ફ્લૅટ હતો. એકલપંડી બાઈ પરણી નહોતી : B ગ્રેડની હિરોઇનને પરણવા માટે જિગરવાળો આદમી જોઈએ. એ હજી મળ્યો નથી અને મને હવે તેનો ઇન્તેજાર પણ નથી!
નાટકની દુનિયા સાથે સંકળાયેલા અતુલ્યથી આ બધું અજાણ્યું નહોતું, પણ રેવાએ તો રંભારાણીનું નામ જ પહેલી વાર સાંભળ્યું.
‘કાલિદાસ’માં પર્ફોર્મ કરવાની દરેક આર્ટિસ્ટની અબળખા હોય છે. હિઅર ઇઝ અ ચાન્સ. મૅનેજમેન્ટને રાજી કરી હું કોઈક રીતે રંભાના નાટકને સ્લૉટ અપાવું તો તે સહનિર્માતા તરીકે મને તક આપે ખરી.’
આમ જુઓ તો આ બહુ સિક્યૉર ગેમ હતી. રંભાનું નાટક ફેલ જવાના ચાન્સિસ બહુ રૅર હોવાના. નાટકમાં રોકેલો પૈસો બહુ જલદી મલ્ટિપલ થવાનો.
તોય જોકે B ગ્રેડના નાટક માટે રેવાનું મન નહોતું માન્યું, કરીઅર માટે અતુલ્ય મૂલ્યોમાં સમાધાન કરે એ નહોતું રુચ્યું. પણ અતુલ્ય આગળ વધવા કટિબધ્ધ હતો : આઇ ટ્રાઇડ ઑલ અધર ઑપ્શન્સ... બીજું કશું જ વર્કઆઉટ નથી થતું ત્યારે મળેલી તક ઝડપવામાં સમજદારી છે. ક્યાં સુધી હું ખોલીમાં પડી રહીશ! અને એક વાર પૈસો આવે પછી આપણે તો સમાજ-ઉપયોગી નાટક જ કરવાં છેને.
ત્યારે રેવાએ મન મનાવવું પડ્યું. એક તરફ થિયેટરના મૅનેજમેન્ટ સાથે લમણા લેતો અતુલ્ય રંભારાણી જોડે નાટક-પ્રોડક્શનની બારાખડી ઘૂંટવા લાગ્યો. ધીરે-ધીરે બધું ગોઠવાવા લાગ્યું. નાટકની સ્ક્રિપ્ટ માટે અતુલ્યએ રંભારાણી સાથે કેટલીયે બેઠકો યોજી છે, તેના ઘરેય જવાનું બન્યું છે. શરૂ-શરૂમાં એક વાર તો તે રેવાને પણ રંભાના ઘરે લઈ ગયેલો.
‘તો આ છે તારી માશૂકા!’ રંભાએ રેવાને નિહાળી આદત મુજબ નૈન નચાવેલાં : અતુલ્ય તારી ઘણી વાતો કરતો હોય છે... જોકે મેં ધારી હતી એનાથી તું વધુ બ્યુટિફુલ નીકળી!’
મેકઅપ વિના સિલ્કના ગાઉનમાં પણ રૂપાળી લાગતી રંભાના ઘરે જાહોજલાલી હતી, નોકરચાકરની પણ છૂટ. તેની આગતા-સ્વાગતામાં ભાવ હતો. અતુલ્ય સાથેની ચર્ચામાં ક્યારેક તે પોતાને તીરછી નજરે નિહાળી લેતી એથી રેવા સંકોચાતી. નાટકની સ્ક્રિપ્ટના કાને પડતા કેટલાક સંવાદો સાવ ઉઘાડા હતા. રેવા વધુ બેસી નહોતી શકી: હું નીકળું અતુલ્ય, મોડું થશે તો મમ્મી સત્તર સવાલ કરશે.
બીજા દિવસના મેળમાં તેણે અતુલ્યને કહી દીધેલું : યાદ છે, તમે શરૂમાં મને તમારા નાટકમાં કૅમિયો કરવાનું કહેતા? નૉટ પૉસિબલ વિથ ધિસ ડ્રામા. આ પ્રકારનું તમારું આ પહેલું ને છેલ્લું નાટક હશે.
અતુલ્ય મંજૂર પણ થયેલો, પણ હમણાંનો તે આરવ માટે જે લવારા કરે છે એ જોતાં થાય છે કે તેના પર રંભાની સોબતની અસર દેખાવા લાગી છે! પુરુષની વૃત્તિને વકરાવવાનો ધંધો કરતી રંભાને તો મૂલ્યો સાથે નિસબત જ ન હોય, અતુલ્યની વાણીમાં પણ તેનો પડઘો વર્તાતો જાય છે.
કે પછી હું રજનું ગજ કરી રહી છું. આરવ માટે અતુલ્ય ઘસાતું બોલ્યો એટલે?
આ તર્કે રેવાને પળ પૂરતી થીજવી દીધેલી. એથી અકળાયેલા અતુલ્યએ કહી દીધેલું : તારાથી કંઈ જ થવાનું ન હોય રેવા તો લીવ ઇટ ટુ મી...
તેના વાક્યે રેવા અત્યારે પણ સહેમી ગઈ.
‘શું થયું, રેવા?’ આરવે સહેજ હચમચાવતાં રેવા ઝબકી, વર્તમાનમાં આવી જવાયું.
‘ક્યારેક તું આમ ક્યાં ખોવાઈ જાય છે રેવા? ઇઝ ધેર સમથિંગ? તું મને મિત્રદાવે તો કહી જ શકે.’
આરવ મારું મનોદ્વંદ્વ પામી ગયા! કેટલી સૂઝવાળો જુવાન! મારી પ્રીતની સચ્ચાઈ કબૂલી તેમનો રિશ્તો ઠુકરાવવાનું કારણ આરવને જ પૂછી લઉં તો?
‘અચ્છા રેવા, મેંદીમાં ફ્લાવર્સનું ડેકોરેશન ફાઇનલ કરવાનું છે. બોલ, તને ગુલાબ ગમે કે મોગરો?’
આરવ મારી પસંદની સજાવટ કરાવવા માગે છે! રેવા પોરસાઈ, ‘ગુલાબ.’
રેવાના જવાબે આરવ મલકી પડ્યો.
‘શું થયું?’
‘નથિંગ.’ આરવે ફોડ પાડ્યો, ‘એમ જ એક પંક્તિ યાદ આવી ગઈ : સાયબો મારો ગુલાબનો છોડ...’
રેવાના ચિત્તમાં સાદ પડ્યો: સાયબો મારો ગુલાબનો છોડ ખરો, પણ એ તમે નથી, આરવ... એ તમે નથી!
અને આંખમાં ધસી આવતા પાણીને છુપાવવા મોં ફેરવી રેવા ત્યાંથી દોડી ગઈ.
lll
આરવ...આરવ!
અતુલ્યના દિમાગમાં ધમધમ થાય છે. ત્રણ-ત્રણ વર્ષથી રેવાને મેં પ્રણયપાશમાં બાંધી રાખી છે, હવે અચાનક ટપકીને આરવને દહીંથરું નહીં લઈ જવા દઉં! ઓહ, બધું કેટલું સરળ હતું. રેવા તેના ઘરે અમારી વાત મૂકવાની હતી એ સાંજે જ તેનાં માતાપિતાએ આરવનો પ્રસ્તાવ મૂકી દીધો એ જોગાનુજોગ અમારી પ્રણયગાથાનો પ્રવાહ પલટી તો નહીં નાખેને!
અતુલ્યએ હોઠ કરડ્યો.
આજે સવારના ફોનમાં તે બોલી ગઈ કે સોમવારથી મૅરેજનાં ફંક્શન શરૂ થઈ જશે. દરમ્યાન આજે ન્યુ યૉર્કથી આરવનો કઝિન આવ્યો છે ને અમે સૌ આ શનિ-રવિ બૅચલર્સ પાર્ટી માટે દીવ જઈએ છીએ.
અને અતુલ્યને ઝબકારો થયો : આરવની એબ તારાથી નહીં શોધાઈ તો કાંઈ નહીં રેવા, હવે હું એ ઊભી કરી દઈશ, તમારા દીવના આઉટિંગમાં જ!
તેણે રંભારાણીને કૉલ જોડ્યો : એક અર્જન્ટ કામ પતાવવાનું છે, ઘરે આવી જાઉં?
સામેથી માદક હાસ્ય સંભળાયું: તારે ઘરે આવવા માટે પૂછવાનું ન હોય, પોતાના કામના માણસનું દરેક કામ આ રંભારાણી પતાવી આપશે!
સાંભળીને કૉલ કટ કરતો અતુલ્ય હળવો નિશ્વાસ જ નાખી શક્યો!
(વધુ આવતી કાલે)