જુલી: ભીતરના ભેદ (પ્રકરણ- ૨)

09 April, 2025 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝીનતે ઉમળકાભેર સકીનાનો પરિચય આપ્યો પણ આદિલને તેને મળવામાં રસ હોય એવું લાગ્યું નહીં

ઇલસ્ટ્રેશન

જન્નત!

કાશ્મીરને અપાયેલી ઉપમા યથાર્થ છે. હમણાં જોકે ઠંડીની સીઝન ઉતાર પર છે. એપ્રિલનો મધ્ય આવતાં સહેલાણીઓનાં ધાડેધાડાં ઊમટશે.

‘અબ્બુની તો આ સીઝન પણ કોરી જ જવાની.’

ગુલમર્ગની તળેટીમાં આવેલા નાનકડા ઘરમાં સગડીમાં અગ્નિ પેટાવી ફૂંકણી મારતી સકીનાએ બાળપણની સખી ઝીનતને કહી હળવો નિ:શ્વાસ નાખ્યો, ‘જાણે કોણે એવો તો કાળો જાદુ કર્યો છે કે અબ્બુ સાવ ગુમસુમ બની ગયા છે.’

પાટ પર બેઠેલી ઝીનતે રૂમના બીજા ખૂણે દૃષ્ટિપાત કર્યો. રજાઈ ઓઢી હુક્કો ગગડાવતા ગફુરચાચાનો ચહેરો ભાવશૂન્ય હતો.

બાકી પહેલાં તો ચાચાજાન કેવા હેતભર્યા હતા. ટૂરિસ્ટ ગાઇડ તરીકે ઝાઝી આવક ન મળે તોય મા વિનાની એકની એક દીકરી સકીનાને તેમણે કેટલાં લાડથી ઉછેરી. સકીનાની પરમ સખી તરીકે મનેય એટલું જ વહાલ સાંપડ્યું છે ચાચાજાન પાસેથી...

અને આજે જુઓ તો? માથે ધોળા આવી ગયા છે. શરીર ઘસાતું જાય છે. બીજા કોઈને તો ઓળખતા જ નથી, ક્યારેક તો સકીનાનેય ભૂલી ગયા હોય એમ અદૃશ્યને તાકતા‍ રહે છે. હોઠ ફફડે, કીકીમાં વિહ્‍વળતા છવાય પણ શબ્દ ફૂટતો નથી.

આજકાલ કરતાં ત્રણ વર્ષથી તેમની આવી હાલત છે. નીવડેલા હકીમો પણ દર્દ પારખી શકતા નથી. કોઈ સદમો લાગ્યાનું કહે છે, કોઈ વળી પાગલપનનું લક્ષણ જણાવે છે. રોગ જ નક્કી થઈ ન શકતો હોય ત્યાં ઇલાજ કઈ રીતે સંભવ બને?

‘એ સવારે પર્વત પર ન જવા મેં તેમને બહુ વાર્યા’તા...’

ગુલમર્ગની તળેટીથી તેરેક કિલોમીટરનું ચડાણ ચડો ત્યાંથી ઉપર જવા માટે એશિયાની સૌથી ઊંચાઈ પર આવેલી બે ફેઝમાં વહેંચાયેલી ગૉન્ડોલા કેબલ રાઇડ ટૂરિસ્ટ માટે મુખ્ય આકર્ષણ સમી છે. જ્યાં નજર કરો ત્યાં બરફ જ બરફ અને હિમાલયનાં ધવલ શિખરો વચ્ચે શોભતા દેવનારનાં લીલાંછમ વૃક્ષો.

અલબત્ત, સમુદ્રસપાટીની ઊંચાઈ પર હોવાને કારણે શ્રીનગર-ગુલમર્ગનું હવામાન ગમે ત્યારે પલટાવાની સંભાવના રહેતી હોય છે. ‘આમાં વળી એ દિવસે તો વેધશાળાની તોફાની આગાહી પણ હતી.’ સકીનાએ સંભાર્યું, ‘અબ્બુને મેં કામ પર ન જવા વાર્યા પણ ખરા.. ’

સકીનાએ ભલે ચાચાને સમજાવ્યા, તેમની ગણતરી ઝીનતને સમજાતી હતી : હવામાન ખાતાની આગાહીએ રાઇડ બંધ હોવાની જાહેરાત છતાં કોઈ-કોઈ રડ્યાખડ્યા ટૂરિસ્ટને વળી કેબલ રાઇડના સ્ટાર્ટ પૉઇન્ટ સુધી પહોંચી સ્નોફૉલનો લહાવો લેવો હોય છે. આવામાં ગાઇડને મોંમાગ્યા દામ મળી જાય એ ગણતરીએ ગફુરચાચા ગયા તો ખરા પણ રાબેતા મુજબ સાંજે પરત ન થયા. બીજો કોઇ ગાઇડ ઉપર ગયો નહોતો, જે બેચાર જણે ટ્રાય કરેલી એય અડધેથી પાછા ફરેલા. બીજી બપોરે વાતાવરણ પૂર્વવત્ થયું ત્યારે તેમની શોધમાં ગામવાળા નીકળ્યા અને ચાચા ગૉન્ડોલાના રોપવે તરફના માર્ગે બરફના ચડાણ પર ફસડાયેલા માલૂમ પડ્યા.

‘ફાટેલી આંખો ને ચહેરા પર શેતાન જોયો હોય એમ થીજી ગયેલો ભય. તેમનું એ રૂપ બધું જ આંખ સામેથી ખસતું નથી...’

ચૂલા પર કહાવાનું પાણી ચડાવતાં સકીનાએ વાત ચાલુ રાખી,  ‘એ ઘડી ને આજનો દી. અબ્બુ જાણે કે જીવવાનું ભૂલી ગયા છે... આજુબાજુવાળા એટલા વળી સારા કે કદીમદી અબ્બુને પર્વત પર લઈ જાય છે ને સાચવીને લઈ આવે છે.’

કહેતાં સકીનાએ સખીને નિહાળી, ‘આભાર તારા વાલિદસાહેબનો પણ કે અબ્બુની આવી હાલત જોઈ તેમણે ઘરે હાથશાળ મુકાવી આપી જેના થકી હું સ્વમાનભેર પેટિયું તો રળી શકું છું. પૈસા કમાવા બહાર જવું નથી પડતું.’

‘તારે મારા અબ્બુનો આભાર માનવાનો ન હોય, સકુ. જેવી ગફુરચાચા માટે હું એવી મારા અબ્બુજાન માટે તું.’

કહેવામાં આ સરખામણી સારી લાગે, બાકી તો અમારી વચ્ચે કેટલો ભેદ છે! અમે રહ્યા ગરીબ, જ્યારે ઝીનતના અબ્બુ મોટા હોટેલિયર. શ્રીનગરમાં તેમની ત્રણ હાઉસબોટ છે, ગુલમર્ગની ટોચે બે માળની હોટેલ છે. ત્રીજી ગલીમાં આવેલું તેમનું રહેણાક આ વિસ્તારનું સૌથી વૈભવી નિવાસસ્થાન ગણાય છે.

અને ઝીનતનું સાસરિયું તો વળી એથીયે મોભાદાર છે! રાજ્યના સાંસ્કૃતિક પ્રધાન લિયાકત અલીના એકના એક કુંવર આદિલ અલી ઝીનતના શૌહર છે. હાલ ત્રીસેક વર્ષના આદિલ પિતાના પગલે રાજકારણમાં પ્રવેશી ચૂક્યા છે. પક્ષના યુવા મોરચાના પ્રમુખ તરીકે તેમનો ભારે દબદબો છે. ખૂબસૂરત તો એવા કે તેમને જોતાં જ આહ! નીકળી જાય. અઢી-પોણાત્રણ વર્ષ અગાઉ ઝીનતે અહીં, આમ જ પાટ પર બેસી પોતાની શાદી તય થયાના ખબર આપેલા ત્યારે કેટલી રોમાંચમય હતી! 

અલબત્ત, જેનાં સમણાં શ્રીનગરની દરેક કુંવારી કન્યા જોતી એ આદિલ ઝીનત માટે ચાંદના તારા જેવો નહોતો. ઝીનતના અબ્બુ અમજદ અલીના લિયાકત અલી સાથે ઉષ્માભર્યા સંબંધ. અરે, ગુલમર્ગની ટોચે તેમની હોટેલના પડખે જ લિયાકત અલીની વેકેશન હાઉસ તરીકે વપરાતી કોઠી છે. આવી તો કેટલીયે કોઠીઓ તેમની છે કાશ્મીરમાં. યૌવનમાં આવ્યા પછી આદિલને ક્યારેક જોવા-મળવાનું થતું ત્યારે  સકીના પાસે આવીને ઝીનત એનો રોમાંચ વાગોળે - એ હવે શૌહર તરીકે મળે એ ઝીનતની ખુશકિસ્મત જ ગણાયને!

‘અબ્બુને આદિલના અબ્બુ સાથે ઊઠબેસ ખરી, એમાંથી રિશ્તાની વાત નીકળી હશે અને...’

કહેતાં ઝીનત પણ મીઠું કાંપતી હતી. આદિલ કરતાં પોતે આઠેક વર્ષ નાની હશે, પણ આદિલ સામે બધું ગૌણ!

નિકાહ પહેલાં ઝીનત આદિલને મેળવવા સકીનાને તેમની શ્રીનગરની કોઠીએ લઈ ગયેલી. નર્યો વૈભવ ત્યાં પથરાયો હતો. અને આદિલ... મરૂન પઠાણીમાં શોભતા ઊંચા ગોરા જુવાનને રૂબરૂ થતાં સકીનાનો શ્વાસ જાણે થંભી ગયેલો, ઝીનતની ઈર્ષા પણ થઈ હતી! પણ પળ પૂરતી. ઝીનતે બહુ ઉમળકાભેર સકીનાનો પરિચય આપ્યો પણ આદિલને તેને મળવામાં રસ હોય એવું લાગ્યું નહીં. ઉપરછલ્લી વાતચીત કરી તેણે પાર્ટીની મીટિંગના બહાને રૂખસત લીધી... હશે. ઝીનતનું વિચારી સકીનાએ આનું ખોટું લગાડ્યું નહીં ને ઝીનતને લગાડવા દીધું નહીં : જીજુજાનને હજારો કામ હોય, તારે તો ફક્ર મનાવવો જોઈએ કે તારો થનારો શૌહર અવામ માટે કેટલું કામ કરે છે!

આવા એકબે અનુભવ પછી સકીનાએ ઝીનતના ઘરે જવાનું માંડવાળ રાખ્યું છે. અબ્બુની દેખરેખનું બહાનું હાથવગું છે. એટલે પછી મહિને-બે મહિને ઝીનત આમ આવી જાય છે. આખો દિવસ સખીઓ સાથે ગાળે, ક્યારેક તે સકીનાની શાદીની વાત છેડે પણ અબ્બુને આ હાલતમાં છોડી શાદીનું સકીના વિચારી પણ કેમ શકે?

અત્યારે નિશ્વાસ ખાળી સકીનાએ ઝીનતને કહાવાનો પ્યાલો ધરતાં મશ્કરી ઘોળી, ‘લાગે છે લગ્નનાં અઢી વર્ષ થયાં પણ વરબૈરી એકબીજાથી હજી પૂરેપૂરાં ધરાયાં નથી... એટલે તો બેમાંથી કોઈ બેમાંથી ત્રણ થવાનું નામ નથી લેતું!’

કોઈએ દુખતી રગ દબાવી દીધી હોય એવી સહેમી ઊઠી ઝીનત: આ ખુશખબરી તારી સખીના જીવનમાં ક્યારેય આવે એમ લાગતું નથી સકીના...

ઝીનતે પરાણે હોઠ ભીડેલા લાગ્યા. ના, આ શબ્દો કે એની પાછળની સચ્ચાઈ કોઈને કહેવાય એમ નહોતી... સકીનાને પણ નહીં!

અને વધુ એક વાર સંસારનો ભેદ હૈયામાં જ ધરબી તે સખીને ત્યાંથી એમ જ પાછી ફરી.

lll

‘જો, જો જુલી, આપણે કાશ્મીર આવી ગયાં!’ શ્રીનગરની હદમાં પ્રવેશતાં અનાહત ટહુક્યો.

તેને નીરખતી જુલીને બે વર્ષ અગાઉની તેમની પહેલી મુલાકાત સાંભરી ગઈ: સોનિયાના દેહાંતને ત્યારે વરસેક થયું હતું ને તે તેનું શ્રાદ્ધ કરવા વારાણસી આવી હતી. કોઈને આની નવાઈ લાગે, પણ વિધર્મી હોવા છતાં ભારતીય-હિન્દુ પ્રણાલી-પરંપરાની અમીટ અસર જુલીના માનસ પર હતી અને અકસ્માત મૃત્યુને વરેલી બહેનના આત્માની સદ્ગતિ માટે કાશી જઈ તર્પણ કરવું જ જોઈએ એવી શ્રદ્ધા તેને વારાણસી ખેંચી લાવી.

ત્રણ જ દિવસનું જુલીનું રોકાણ હતું અને પહેલા જ દિવસની સાંજે ઘાટ પર વિધિ માટે મહારાજને ખોળતી હતી ત્યાં ખૂણા આગળથી જુવાનનો આવેશભર્યો અવાજ સંભળાયો: બિહેવ યૉરસેલ્ફ મિસ ગેટી, આ અમારું પવિત્ર યાત્રાસ્થાન છે.

‘સો વૉટ! આપણી ડીલ થયેલી કે ગાઇડ તરીકે તું દરેક પ્રકારની સર્વિસ પ્રોવાઇડ કરીશ - ધિસ ઇન્ક્લુડ્સ ફિઝિકલ પ્લેઝર્સ, રાઇટ?’

પોતાની હાજરી વર્તાય નહીં એ રીતે જુલીએ ડોકિયું કર્યું. પચીસ-સત્તાવીસનો એ જુવાન અનાહત હતો અને તેની સાથે લંડનથી આવેલી મિસ ગેટી હતી. બન્નેને સવારે જુલીએ કાશી વિશ્વનાથના મંદિરમાં પણ જોયેલાં.

વિદેશી ગોરી છોકરીઓને ભારતીયોની ઘઉંવર્ણી સ્કિનનું ઘેલું હોય છે. થોડા દિવસની સોલો ટ્રિપમાં ગાઇડ-કમ-એસ્કોર્ટને લઈને ફરવાનું ચલણ હવે વધી રહ્યું છે અને અનાહતનો એ બિઝનેસ જ હોય તો ગેટીને તે ટાળે છે શું કામ?

‘લુક મૅડમ, હું સંસારમાં એકલપંડો છું. મને કોઈ બાબતનો છોછ નથી, ઍટ ધ સેમ ટાઇમ એક હિન્દુ તરીકે હું મારી પવિત્ર ભૂમિની આમન્યાથી બંધાયેલો છું. આ કંઈ આપણે ફર્યાં એ દિલ્હી-આગરા જેવી અનધર ટૂરિસ્ટ પ્લેસ નથી. ધિસ ઇઝ હોલી પ્લેસ. સૉરી, આઇ વિલ રિટર્ન યૉર હોલ અમાઉન્ટ પણ મારા પવિત્ર ધામમાં તો હું અપવિત્ર કામ નહીં જ કરું.’

મિસ ગેટીએ તો તેને વેદિયો ગણી ચાલતી પકડી, પણ જુલીથી રહેવાયું નહીં. આનું કામ ભલે એસ્કોર્ટનું હોય, તેનાં મૂલ્યો ઊંચેરાં છે!

‘આઇ અપ્રિશિએટ.’

જુલીના ટહુકાએ તે ચોંક્યો, જુલીએ સીધું જ પૂછ્યું : મારે મારી બહેનનું શ્રાદ્ધ કરવું છે, તમે મને ગાઇડ કરી શકો?

પછી તો અનાહત સતત સાથે રહ્યો. તેનામાં ગાઇડની તમામ ખૂબીઓ હતી. પોતે મુંબઈનો હોવા છતાં વારાણસીનો જ હોય એટલી ડીટેલમાં તેણે કાશીની પ્રદક્ષિણા કરાવી.

‘નાની વયે માતાપિતાના દેહાંત બાદ સંસારમાં અથડાતો-કૂટાતો રહ્યો... દૂરના કાકા-મામાઓના ઘર ગણતા ફરવાનો શોખ કેળવાયો, ભણતાં-ભણતાં બસમાં, રેલમાં સામાન્ય પ્રવાસીની જેમ ખૂબ ભમ્યો છું. દારૂ-જુગારની બદીથી દૂર રહ્યો છું. એમ ગુજરાન ચલાવવા એસ્કોર્ટનું કામ કરવામાં નાનમ નથી અનુભવી. આખરે હું ભીખ તો નથી માગતો! આજે પાર્લામાં મારો પોતીકો ફ્લૅટ છે, આર્થિક રીતે સધ્ધર છું.’

સહજપણે બન્નેએ એકમેકનું અંગત વહેંચ્યું હતું. ત્રણ દિવસના સહવાસનું એ સાફલ્ય હતું.

પછી પણ તેઓ સંપર્કમાં રહ્યાં. આવામાં કલ્ચરલ સેન્ટરમાંથી ભારતના છ માસના પ્રોગ્રામની હિન્ટ મળી ને જુલીએ એ તક ઝડપી લીધી. ચાર દિશાનાં ચાર રાજ્યોનું અંતરિયાળ ભ્રમણ કરી ત્યાંના પ્રદેશ-પ્રાંતના રીતરિવાજનું ચલણ સમજવાનો પ્રોજેક્ટ નીરસ ન બની રહે એ માટે ચાર જણની તેમની ટીમના ગાઇડ તરીકે જુલીએ અનાહતને જોડે લીધો.

આજે લાગે છે પાણીના રેલાની જેમ એ છ મહિના સરકી ગયા! પ્રોજેક્ટમાં છેલ્લે-છેલ્લે તો જુલી-અનાહત જ રહ્યાં તોય ક્યાંય જો તેણે મર્યાદા ઓળંગવાની વૃત્તિ દાખવી હોય! ઑફિસનું કામ તો પત્યું અને જર્મની જવાનું થાય એ પહેલાં જુલીની કાશ્મીર ફરવાની ઇચ્છા હતી : ત્રણ વર્ષ અગાઉ સોનિયાની બૉડી માટે ફ્લાઇટ-ટુ-ફ્લાઇટની શ્રીનગરની ઉપરછલ્લી વિઝિટ કરેલી, મારી મોટી બહેને અંતિમ શ્વાસ લીધો એ જગ્યા ખરા અર્થમા જોઉં તો ખરી!

અને બસ, અનાહતની કારમાં તેઓ નીકળી પડ્યાં... જુલી મનોમન બોલી : તે મને ચાહતો હોવાનું મને પરખાય છે. અને હું તેને ચાહું છું એમાં પણ મને દ્વિધા ક્યાં છે! અને છતાં ચાહતના એકરારથી અમે બન્ને દૂર ભાગીએ છીએ એને માટે અમારાં પોતાનાં કારણો છે. મને મારો ભૂતકાળ રોકે છે. ગમે તેમ તોય હું એક વાર હૈયું દઝાડી ચૂકી છું તો તે શરીરનો ભોગવટો કરી ચૂક્યો છે. પરિણામે હું ભાષાથી અજ્ઞાનપણાનો ડોળ સેવું છું, શાણપણના હવાલાથી જાતને રોકું છું, અમે બન્ને પ્યાર પર પડદો ઢાળી બેઠાં છીએ.

કાશ્મીરનો પ્રવાસ એ પડદો નહીં ચીરી દેને? જુલી મીઠું કંપી ગઈ. અનાહત મુગ્ધપણે તેને નિહાળી રહ્યો.

(ક્રમશ:)

 

columnists gujarati mid-day Sameet Purvesh Shroff mumbai exclusive