23 June, 2025 01:31 PM IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન
‘એક જ્યોતિષીએ મને કહેલું કે ડાભીસાહેબ, તમારા હાથમાં જશરેખા નથી...’
ડાભીસાહેબ એટલે અમદાવાદથી થોડે દૂર આવેલા બાવળા પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ. તેમને રિટાયર થવામાં માંડ છ મહિના બાકી હતા, પરંતુ આખી જિંદગી પોલીસની નોકરીમાં ડફણાં જ ખાધાં હતાં.
એક તો પોતે કોઈ ખોટું કામ કરી ન શકે એટલે તેમને કદી મલાઈદાર પોસ્ટ મળતી નહોતી. જોકે બીજા કોઈ ખોટું કરે તો પોતે નડે પણ નહીં. એમાં ૩૨ વરસ સુધી ટકી ગયા હતા.
‘હું શું કઉં છું સાહેબ.’ ડ્રાઇવર-કમ-હવાલદાર એવા વજુ ચાવડાએ ડાભીસાહેબના ટેબલ પર પાથરેલાં છાપાંમાંથી ફાફડાનું એક બટકું ઉપાડતાં કહ્યું, ‘તમોંને ખાલી એક ખૂનકેસ આઈ જાયને તો જશરેખા ફરી જાય.’
‘ખૂનકેસ?’ ડાભીસાહેબે નિસાસો નાખ્યો. ‘અલ્યા, બત્રી વરહની નોકરીમોં એક આપઘાતનો કેસ આયેલો, એય હાહરીનો જીવતો નેંકળેલો.’
બાવળા પોલીસ-સ્ટેશનમાંહસાહસી ચાલી.
એક હવાલદારે કહ્યું, ‘જે હોય એ સાહેબ, આ તમે મગાયેલા ફાફડામાં મજા આઈ ગઈ.’
‘અલ્યા, છેક મટોડા રેલ્વે-સ્ટેશનેથી મગાયા છે સાહેબે.’ વજુ ચાવડાએ મસકો માર્યો. ‘ત્યોં એક નવી લારી ખૂલ્યાને હજી ૪ દાડા નઈ થ્યા ત્યોં સાહેબના ધ્યોંનમાં આઈ ગઈ બોલો.’
‘સાલું, એ વાતે તો ડાભીસાહેબને જશ આપવો જ પડે કે ગમે ત્યોંથી બેસ્ટ ફાફડા હોધી કાઢે.’
‘જોયું? આખરે જશ મલ્યો તો ફાફડાની લારી હોધવાનોં જ મલ્યોને?’ ડાભીસાહેબે નિસાસો નાખ્યો.
એ જ ઘડીએ પોલીસ-સ્ટેશનનો લૅન્ડલાઇન ફોન રણકી ઊઠ્યો. ડાભીસાહેબે ફોન ઉપાડતાંવેંત અવાજ પારખી લીધો.
‘જી ડીએસપી સાહેબ.’
ડાભીસાહેબ ઊભા થઈ ગયા.
‘અલ્યા ડાભી? તમે શું ધ્યાન રાખો છો?’ સામે ડીએસપી સાહેબ ગુસ્સામાં હતા.
‘કેમ, શું થયું સાહેબ?’
‘આ સોશ્યલ મીડિયામાં ન્યુઝ વાઇરલ થઈને ફરે છે કે બાવળા પોલીસ-સ્ટેશનના લૉક-અપમાંથી રાતોરાત ચોર ભાગી ગયો?’
‘એમાં સાહેબ, શું થયેલું કે આપણે નજીકમાં મટોડા રેલવે-સ્ટેશન ખરુંને, ત્યોંથી રાતના ટાઇમે ફાફડા મગાવવા માટે બે જણાને જીપ લઈને મોકલેલા... દરમ્યાનમોં, મારે જરીક બા’ર જવાનું થ્યું ઇમોં...’
‘તમારી પોલીસની જીપ ફાફડા લાવવા માટે રાખી છે?’ સાહેબ બરાબરના બગડ્યા. ‘અને તમે ધ્યાન શું રાખો છો? લૉક-અપમાં પૂરેલો ચોર ભાગી શી રીતે જાય?’
‘એમાં સાહેબ, શું થયેલું કે...’
‘શટ-અપ! આમાં લખ્યું છે કે ચોર એટલો પાતળો હતો કે લૉક-અપના સળિયા વચ્ચેથી નીકળીને જતો રહ્યો! આમાં તમારી ઇજ્જત શું રહી?’
‘એમોં એવું છે કે જે પત્રકારે આ લખ્યું છેને તે મેલો છે.’
‘મેલો એટલે?’
‘તેને આપડે દારૂના કેસમાં પકડેલો. તે મને લોંચ આલવા જતો’તો, પણ મેં ના પાડી દીધેલી એટલે તેણે...’
‘કેવી વાહિયાત વાત કરો છો? પ્રેસ-કૉન્ફરન્સમાં પૂછે તો મારે આવો જવાબ આપવાનો?’
આ બાજુ ડાભી ચૂપ. મનમાં વિચારે છે કે સાલી, જશરેખા જ નથી ત્યાં...
‘હવે ચૂપ કેમ છો?’
‘જી સાહેબ.’
‘પકડો તે ચોરને અને મને રિપોર્ટ કરો.’
‘પણ સાહેબ, તે બીજા પોલીસ-સ્ટેશનના લૉક-અપમોં પકડાશે તોય એ જ થવાનુંને?’
‘એટલે?’
‘તે ચોર છે જ એટલો પાતળો કે સળિયામોંથી નેંકરી જ જવાનો. ઓમોં તો બધોંય પોલીસ-સ્ટેશનોના સળિયા ફેરથી ના નખાવવા પડે?’
‘શટ-અપ! શટ-અપ! શટ-અપ!!’
સામેથી જે રીતે ફોન પટકાયો હશે એની ધાકથી ડાભીસાહેબનો હાથ એક ઝટકા સાથે કાનથી દૂર ખસી ગયો.
પોલીસ-સ્ટેશનમાં સન્નાટો છવાઈ ગયો. બધા પોતાનું હસવું શી રીતે રોકવું એની મથામણમાં હતા. છેવટે ડ્રાઇવર-કમ-હવાલદાર વજુ ચાવડાએ ધીમે રહીને આખી વાતમાં ‘ભજિયું’ મૂક્યું:
‘ઓંમ જોવા જાવ તો ડાભીસાહેબની વાતેય ખોટી ના કહેવાય. કારણ શું કે લૉક-અપના સળિયા વચ્ચેનો ગૅપ તો બધે સ્ટાન્ડર્ડ જ રહેવાનોને?’
‘અલ્યા ચૂપ મરો બધા.’ ડાભીસાહેબ ગુસ્સામાં તતડી ઊઠ્યા.
સૌ મૂંગા મોઢે ટેબલ પર પથરાયેલા પેલા મટોડા રેલવે-સ્ટેશનના ફેમસ ફાફડાને ન્યાય આપવા લાગ્યા.
lll
બાકી પેલી ‘જશરેખા’વાળી વાત તો સાચી જ હતી. આ ઉંમરે ડાભીસાહેબની ફાંદ ઘઉંના કોથળાની જેમ બહાર આવીને લટકતી થઈ ગઈ હતી. આંખે સાડાચાર નંબરનાં ચશ્માં આવી ગયેલાં. મૂછો ભલે મોટી અને જાડી રાખતા, પરંતુ એમાં રેગ્યુલર ટાઇમે ડાઈ કરવાની આળસને કારણે સફેદ રહી ગયેલા વાળ પોલીસ-પરેડમાં જાણીજોઈને ગેરશિસ્ત કરીને વાંકાચૂકા ચાલતા હોય એમ ચહેરાનો આખો પ્રભાવ બગાડી નાખતા હતા.
એમાં વળી છેલ્લાં બે વરસથી ઘૂંટણમાં ‘વા’ ઘૂસી ગયેલો. જો આજે કોઈ ભાગતા ચોરને પકડવા માટે દોડવાનો વારો આવે તો ડાભીસાહેબ સાડાત્રણ મિનિટમાં જ હાંફીને ‘ટાઇમ-પ્લીઝ’ કરતા વાંકા વળીને ઊભેલા દેખાય.
ડાભીસાહેબને એક જ્યોતિષીએ કહ્યું હતું કે તમારી જશરેખા નબળી છે. એમ તો એક ડૉક્ટરે પણ કહ્યું હતું કે ‘ડાભીસાહેબ, તમને આ ઘૂંટણની તકલીફ છે તો બેસનની બનેલી તળેલી વાનગીઓ ખાવાનું બંધ રાખો.’
પણ શું થાય? ગરમાગરમ સ્વાદિષ્ટ ફાફડા ડાભીસાહેબની નબળાઈ હતી.
lll
‘અલ્યા, કોઈને કહીને આ ટેબલ પરથી બધું સાફ કરાવો અને મને કોઈ પાણી આલો.’
ડાભીસાહેબ પાણીનો ગ્લાસ લઈને પોલીસ-સ્ટેશનની બહાર કોગળા કરે છે ત્યાં તો અંદર ફોનની ઘંટડી વાગી.
ડ્રાઇવર-કમ-હવાલદાર વજુ ચાવડાએ ફોન ઉપાડ્યો. ‘હેલો? બાવળા પોલીસ-સ્ટેશન?’
એમાં સામેથી જે સંભળાયું એનાથી વજુ ચાવડાના ચહેરા પર આનંદનું મોજું ફરી વળ્યું. ફોન મૂકતાં જ તે બહાર દોડ્યો...
‘ડાભીસાહેબ, તમારી જશરેખા ફળવાની લાગે છે. મટોડા રેલ્વે-સ્ટેશને એક લાશ આઈ છે.’
lll
‘આ વાસ ક્યાંથી આવે છે?’
મટોડા રેલવે-સ્ટેશનના સ્ટેશન-માસ્તર વિનોદ સેદાણી સવારથી ચોથી વખત આવું બોલ્યા.
વિનોદ સેદાણી હૅન્ડસમ હતા. કોઈએ તેમને કહેલું કે તમે જૂના જમાનાના હીરો વિનોદ ખન્ના જેવા લાગો છો ત્યારથી તે વિનોદ ખન્ના જેવી હેરસ્ટાઇલ રાખતા હતા. પણ આ તે કંઈ નોકરી હતી?
અમદાવાદથી માંડ વીસેક કિલોમીટર દૂર મટોડા નામના ગામડાનું આ રેલવે-સ્ટેશન મોટા ભાગે સૂમસામ જ હોય. ધોળકાથી અમદાવાદ તરફ જતી અને અમદાવાદથી ધોળકા બાજુ આવતી બબ્બે ટ્રેનો સવાર-સાંજ અહીં ઊભી રહે. એ સિવાય સન્નાટો. હા, પેલી ફાફડાની લારી જ્યારથી ચાલુ થઈ ત્યારથી સ્ટેશનની બહાર અવરજવર વધી હતી.
‘આ વાસ ક્યાંથી આવે છે?’ સ્ટેશન-માસ્તર સેદાણી ફરી બોલ્યા. ‘હોય ન હોય, આ પેટી જેવા પાર્સલમાંથી જ વાસ આવતી લાગે છે. એનો કંઈ વહીવટ કરોને? ૩ દિવસથી પડ્યું છે અને એમાં જે હોય એ સડી ગયું લાગે છે.’
‘સાહેબ, લેનાર પાર્ટી લેવા આવે તો પાર્સલનો વહીવટ થાયને?’ નાથુભાઈ પગી બોલ્યા. ‘કોઈ રોહિણીબેનના નામનું પાર્સલ છે. તે પાર્સલ છોડાવવા ન આવે ત્યાં સુધી આપણે શું કરવાનું?’
સેદાણી જરા ચમક્યા. ‘કોણ રોહિણીબહેન? પેલાં ટિફિનવાળાં
તો નહીં?’
જાતે આવીને નાક આગળ રૂમાલ રાખીને સરનામું વાંચ્યું, ‘અરે, એ જ છે! નાથુભાઈ, કોઈને ગામમાં મોકલોને?’
દોઢ-બે કલાકે રોહિણી આવી.
આછા ગુલાબી રંગની સાડી, ગુલાબી બ્લાઉઝ, ગોળમટોળ સુંદર છતાં ભોળી કબૂતરી જેવો ચહેરો, ગોરો વાન અને પ્રમાણસરની પાતળી સરખી કાયા... સેદાણી પણ બે ઘડી જોતા જ રહી ગયા.
‘આમ જોયા શું કરો છો સાહેબ?’ એવું રોહિણી નહીં પણ નાથુભાઈ બોલ્યા.
સેદાણી સફાળા વાળ સરખા કરતાં બોલી ઊઠ્યા, ‘એ તો રોહિણીબહેનને આટલા વખતે જોયાંને એટલે, કેમ કે રોજ ટિફિન તો છોકરો જ આપી જાય. બહેનને તો મળવાનું જ ન થાયને.’
રોહિણીએ માથે છેડો સરખો કરતાં પૂછ્યું, ‘શું કામ હતું?’
‘આ તમારા નામનું પાર્સલ આવ્યું છે.’
‘પાર્સલ ક્યાંથી આવ્યું છે?’
‘વડોદરાનું કોઈ સ૨નામું છે. તમે જ જોઈ લોને.’
રોહિણી નજીક આવી, પણ દુર્ગંધથી નાક ભરાઈ ગયું. તરત જ દૂર ખસીને બોલી, ‘ભયંકર વાસ મારે છે. શું છે એમાં?’
‘એક કામ કરોને...’ સેદાણીએ કહ્યું, ‘પાર્સલ ખોલોને.’
નાથુભાઈએ કોશ અને સળિયો લઈને પેટીની ઉપરનું પાટિયું ઉખાડવા માંડ્યું. ખાસ્સી છ ફુટ જેટલી લાંબી દેવદારનાં પાટિયાંથી બનાવેલી પેટી હતી. વડોદરાની કોઈ ફૅક્ટરીના સરનામેથી મોકલવામાં આવી હતી.
પાટિયું ઊખડ્યું કે તરત દુર્ગંધ અચાનક વધી ગઈ. અંદર તો સૂકું ઘાસ હતું. એ તો પૅકિંગ માટે હશે, પણ એ ઘાસની નીચે શું હતું?
નાથુભાઈએ ઘાસ હટાવ્યું અને તેમના મોંમાંથી હળવી ચીસ નીકળી ગઈ.
પેટીમાં એક લાશ હતી.
સડેલી, દુર્ગંધ મારતી એ લાશનો ચહેરો એટલી હદે વિકૃત થઈ ગયો હતો કે ઓળખાય એવો રહ્યો જ નહોતો.
હા, ગળામાં ‘આર’ લખેલું એક લૉકેટ હતું અને જમણા હાથમાં વીંટી હતી. એના પર પણ ‘આર’ કોતરેલું હતું.
આ દૃશ્ય જોતાં જ રોહિણીની રાડ ફાટી ગઈ, ‘રણવીર...’
તેને ચક્કર આવવા લાગ્યાં. સેદાણી હજી તેને સાચવે એ પહેલાં રોહિણી બેભાન થઈને તેમના બે હાથમાં ઢળી પડી.
નાથુભાઈને ઊબકો આવી ગયો. તે બહાર જઈને બોલ્યા, ‘આ તો રોહિણીનો ધણી છે રણવીર વાઘેલા.’
(ક્રમશઃ)