ખૂનકેસની જશરેખા રૂપ ગુલાબી, વરદી ખાખી (પ્રકરણ ૨)

25 June, 2025 02:24 PM IST  |  Mumbai | Lalit Lad

લાશ રણવીરની જ છે! ઈની વીંટી અને ગળાનું લોકેટ જોતોંની હંગાથે પેલી રોહિણી ચેવી હેબતાઈ જઈ?

ઇલસ્ટ્રેશન

ઇન્સ્પેક્ટર ગમનલાલ ડાભીને રિટાયર થવામાં માત્ર છ મહિના બાકી હતા. ઉપરથી તેમને ઘૂંટણમાં વાની તકલીફ હતી. હવે જેમ-તેમ કરીને આ છ મહિના પૂરા થઈ જાય તો ભયો-ભયો એમ કરીને ડાભી નોકરી કર્યે રાખતા હતા પણ આ મટોડા રેલવે-સ્ટેશનેથી ફોન આવ્યો એમાં તેમનો આખો જીવ ખાટો થઈ ગયો.

એક તો ગંધાતી સડેલી લાશનો પંચક્યાસ કરવાનો, બધાનાં બયાનો લેવાનાં અને જ્યાં લગી અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાંથી ઍમ્બ્યુલન્સ આવે નહીં ત્યાં લગી અહીં હાજર રહેવાનું... ભારે ત્રાસ હતો.

છેવટે જ્યારે લાશ લઈને ઍમ્બ્યુલન્સ ગઈ ત્યારે ડાભીસાહેબને શાંતિ થઈ. ‘અલ્યા રાજુભઈ, ગરમાગરમ ચા પીવડાવો.’

ડ્રાઇવર-કમ-હવાલદાર રાજુ ચાવડાએ ચા સાથે ફાફડાનો વહીવટ પણ ગોઠવી દીધો. ડાભીસાહેબ હવે જરા મૂડમાં આવ્યા. તેમણે સ્ટેશન-માસ્તરને કહ્યું :

‘અહીં દસ-બાર અગરબત્તીઓ સળગાવો. કંઈ લોબાન-બોબાન લાવીને ધુમાડો કરો. નહીંતર છેવટે લીમડાનાં પાંદડાં લાવીને બાળો... સાલી હજી વાસ નથી જતી.’

ઘૂંટણના વાને કારણે ઇન્સ્પેક્ટર ડાભી ઝડપથી ચાલી શકતા નહોતા. સહેજ લાંબું ચાલવાનું આવે તો અકળાઈ ઊઠતા અને જો ભૂલેચૂકે થોડુંઘણું દોડવું પડે તો-તો ડાભીસાહેબની હાલત ખરાબ થઈ જતી. પણ ચા અને ફાફડા સારાં હતાં.

એ પત્યા પછી તેમણે ડ્રાઇવરને કહ્યું, ‘આ રોહિણીબહેનને જીપમાં બેસાડી દો, તેમને પહેલાં ઘરે પહોંચાડી દઈએ. પછી બીજી વાત.’

lll

રોહિણી સાવ દિગ્મૂઢ થઈ ગઈ હતી. ઘરનાં કમાડ ખોલીને તે પૂતળાની જેમ ઊભી રહી હતી ત્યાં ડાભીસાહેબ જીપમાંથી પાછા ઊતર્યા.

‘જુઓ બેન, તમે ઘરમાં એકલોં જ રહેતોં લાગો છો એટલે કહું છું. પોલીસ પ્રોસીજરમોં વાર લાગશે. લાશનો કબજો કાલે મલે કે પછી પરમ દહાડે... કેમ કે પોસ્ટમૉર્ટમ થવાનુંને? એ પછી જ અંતિમક્રિયા ને એ બધું થશે, હમણોં તો તમે...’

રોહિણી ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી.

ડાભીસાહેબને હવે શું કરવું એ સમજાયું નહીં, થોડી વાર રોહિણીને રડવા દીધી. પછી પૂછ્યું, ‘આ રણવીર વાઘેલા... તમારા ધણી શું કરતા’તા?’

‘ચોકીદારની નોકરી કરતા’તા.’ રોહિણીએ આંખો લૂછતાં કહ્યું, ‘નોકરી છેક અમદાવાદમાં હતી એટલે રોજ ગાડીમાં અપ-ડાઉન કરતા હતા. સાંજના પાંચની ગાડીમાં જાય અને સવારે દસની લોકલમાં પાછા આવે.’

‘અંહ... એટલે રાતની ડ્યુટી હતી એમ? તેમનું કોઈ દુશ્મન ખરું? કોઈની જોડે ઝઘડો? તમોંને કોઈના પર શક હોય તો...’

‘નારે! કોની ઉપર શક કરવો?’ રોહિણી ફરી રડવા જેવી થઈ ગઈ. ‘ભગવાનનું માણસ હતા. એ ભલા અને તેમની નોકરી ભલી. તેમને કોઈ શું લેવા મારી નાખે?’

ઇન્સ્પેક્ટર ડાભીની નજર ઘરમાં ફરી રહી હતી. ‘તમે ઘરમાં બે જ જણ હતોં તો આટલોં બધોં વાસણો શેના માટે રાખ્યાં છે?’

‘એ તો હું ટિફિનો રાંધીને મોકલું છુંને એટલે.’

‘હં...’ ડાભીસાહેબને રસ પડવા લાગ્યો... ધણી રાતની ડ્યુટી કરે છે. દિવસના ૧૭ કલાક ઘરની બહાર રહે છે. પત્ની ટિફિનો રાંધે છે. ઘરમાં મોટા ભાગે એકલી જ હોય છે. વળી દેખાવે રોહિણી ગોરી છે... રૂપાળી પણ છે... અને...

‘આ ટિફિનો તમે મોકલી આલો છો કે બધા અહીં જમવા આવે?’

‘જમવા તો બે-ચાર જણ જ આવે છે. બાકી બધાં તો મોકલી જ આપવાનાં.’

‘ઠીક છે. ઠીક છે.’ ડાભીસાહેબે કહ્યું, ‘હું જાઉં છું. કોંય બીજી જરૂર હોય તો કહેજો.’

રોહિણીએ કંઈ જવાબ ન આપ્યો. ડાભીસાહેબ તેના ગોરા ચહેરાને બે ઘડી જોતા રહ્યા! સાલું... આ ચહેરો જ એવો છે કે... પછી અચાનક માથું ધુણાવીને ઘરની બહાર નીકળી ગયા.

જીપમાં બેસતાં-બેસતાં બબડ્યા ‘સાલું, આ ઘૂંટણમોં હવે બહુ કળતર થાય છે. ડ્રાઇવર, સીધા ઘરે લઈ લો, મારે જરી આરામ કરવો પડશે.’

lll

ઘરે પહોંચ્યા પછી ડાભીસાહેબ સોફામાં આડા પડ્યા પણ મગજ તો સડસડાટ ચાલવા લાગ્યું હતું.

‘હાળી જશરેખામોં લોચો તો ખરો જ! કેમ કે હું તો ફોટોગ્રાફરને બોલાઈને લાશના ફોટા લેવરાવવાનુંય ભૂલી ગયેલો.. એ તો વજુએ યાદ દેવરાવ્યું ત્યારે! અને...’

ડાભીસાહેબની જિંદગીનો આ પહેલો જ ખૂનકેસ હતો. મગજમાં સતત ટેન્શન ચાલતું હતું કે ‘સાલું, આ કેસ ઉકેલવામાં ફેલ ગ્યો તો રિટાયર થતોં-થતોં કાળી ટીલી લાગી જવાની. પણ સાલું, આટલાં વરસની નોકરીમોં આવો પ્રૅક્ટિકલ અનુભવ જ નંઈને!’

કેમ કે ડાભી સાહેબે જ્યારે ફિન્ગરપ્રિન્ટ એક્સપર્ટ બોલાવવાની વાત કરી ત્યારે વજુ ચાવડાએ યાદ કરાવ્યું હતું કે ‘સાહેબ, આ લાકડાની પેટી છે! અંદર ઘાસ ભરેલું છે! ઓમોં ફિન્ગરપ્રિન્ટ થોડી પડે?’

આ તો સારું હતુ કે વજુ આ બધું ધીમા અવાજે બોલી રહ્યો હતો નહીંતર મટોડા રેલવે-સ્ટેશનનો સ્ટાફ શું વિચારતો હોત?

‘હાહરીનો બીજો લોચો એ છે...કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ જ્યોં લગી નંઈ આવે ત્યોં લગી હાળું ખબર જ નંઈ પડે કે આ રણજિતને શી રીતે મારી નોંખ્યો હશે અને બીજી વાત...’

ડાભીસાહેબને સોફા પર પડ્યા-પડ્યા છેક હવે વિચાર આવી રહ્યો હતો કે ‘સાલું, લાશનો ચહેરો ઍસિડ વડે કેમ બાળી નાખ્યો હશે? લાશની ઓળખ ના થાય એટલે જને?’

આ વિચાર આવતાં જ ડાભીસાહેબ ફડાક દઈને સોફામાંથી બેઠા થઈ ગયા. ‘ઓળખ... ઓળખ.. શું કરો છો લ્યા ડાભી? લાશ રણવીરની જ છે! ઈની વીંટી અને ગળાનું લોકેટ જોતોંની હંગાથે પેલી બચારી રોહિણી ચેવી હેબતાઈ જઈ?’

આ વિચારે ફરી પાછા ડાભી સોફામાં લાંબા થયા. ‘બચારી રોહિણીને કેવા દા’ડા આયા, નંઈ? હજી તો જવોંન છે... દેખાવડીયે છે... પણ એક વાર રંડાઈ ગઈ એટલે પછી બીજું કોઈ ઝટ હાથ ના ઝાલેને!’

ક્યાંય લગી ડાભીસાહેબની નજર સામે પેલી ગોરી, કબૂતરી જેવી ભોળી અને હંસલી જેવી સુંદર રોહિણીનો ચહેરો તરતો રહ્યો...

lll

બીજા દિવસે ડાભીસાહેબની ઇચ્છા તો મોડે સુધી ઊંઘવાની જ હતી પણ પછી તેમને રોહિણીનો ચહેરો યાદ આવ્યો. ‘બિચારી કેટકેટલે પહોંચશે?’ એ વિચારે ડાભી વહેલા ઊઠી ગયા. જીપ સીધી સિવિલ હૉસ્પિટલ લેવડાવી. સાહેબોને આગ્રહ કરીને ખાસ ઍમ્બ્યુલન્સ કઢાવડાવી. રણવીરની લાશને એમાં મુકાવીને ગામડે મોકલવાની વ્યવસ્થા કરાવડાવી. પોતાની જી૫ પાછળ-પાછળ જ ચાલવા દીધી. રોહિણીના ઘરે પહોંચીને અંતિમવિધિની વ્યવસ્થા પણ માથે રહીને કરાવડાવી.

જોકે પડોશીઓ પણ સારા હતા. ફળિયાના જુવાનિયાઓએ જાતે જ બધી જવાબદારી ઉપાડી લીધી હતી. આ જોઈને ડાભીસાહેબને જરા શાંતિ થઈ. સ્મશાનયાત્રા નીકળી ત્યાં સુધી ખડે પગે ફરી રહેલા ડાભીસાહેબનો ઘૂંટણ હવે અચાનક પાછો કળતર કરવા લાગ્યો.

જીપમાં બેસતાં તેમણે ડ્રાઇવરને કીધું, ‘રેલવે-સ્ટેશન લઈ લો, જરા ચા-નાસ્તો કરવો પડશે.’

મટોડાના ફાફડાનો સ્વાદ હજી દાઢમાં રહી ગયો હતો.

lll

‘એક વાત હજી નથી સમજાતી સેદાણીસાહેબ,’ ડાભીસાહેબે ચાનો સબડકો લેતાં પૂછ્યું, ‘લાશને જો વડોદરાથી મોકલવામાં આવી હોય તો ત્યોં પાર્સલ વિભાગમાં કોઈને શંકા ન પડી હોય?’

‘આમાં એવું છે કે સામાન્ય રીતે તો બધાં પાર્સલોમાં શું છે એ ચેક ક૨વાનો રિવાજ છે. પરંતુ મોટાં સ્ટેશનો પર કામનો લોડ જ એટલોબધો હોય છે કે દર વખતે બધું ચેક કરવાનું શક્ય નથી હોતું. આ તમારી જ વાત લોને ડાભીસાહેબ, આટલી ઉંમરે તમારે પણ આજે બાર-પંદર કલાકની ડ્યુટી બજાવવી પડે છેને?’

ડાભીસાહેબ ઘૂંટણ પર હાથ ફેરવતાં બોલ્યા, ‘ખરી વાત છે. હવે મારે તો છ મહિના બાકી છે, પછી રિટાયર થઈ જઈશ. પણ તમે તો હજી જુવાન લાગો છો. કેટલાં વરસ થયોં રેલવેમોં?

‘ચાર જ વરસ પણ જુઓને, મારે પણ મારી વાઇફને અને બેબીને મારે રાજકોટમાં જ રાખવાં પડે છે.’

‘એમ? તો પછી જમવાનું શું કરો છો? જાતે રાંધો છો?’

‘ના રે, આ રોહિણીબેનનું ટિફિન ખાતો હતો.’

‘એવું છે?’ ઇન્સ્પેક્ટર ડાભીને જરા આશ્ચર્ય થયું.

‘એ હિસાબે તો તમારે અને રોહિણીને ક્લોઝ રિલેશન કહેવાય!’

‘હોતું હશે સાહેબ?’ સેદાણી હસવા લાગ્યા.

‘કેમ નહીં?’ ડાભીસાહેબ મજાકના મૂડમાં હતા. ‘યાર, હૅન્ડસમ છો, જવાન છો, એકલા છો અને પેલી રોહિણીયે... ઉપરથી તેના ધણીને નાઇટ ડ્યુટી હતી. હાચું કહેજો, કોઈ ચક્કર તો નથીને?’

‘શું સાહેબ?’ બિચારા સેદાણી એકદમ ખિસિયાણા પડી ગયા.

સેદાણીનો ચહેરો જોઈને ડાભીસાહેબ ખડખડાટ હસી પડ્યા. ‘અરે યાર, મજાક કરું છું! તમે તો આટલી અમથી મજાકમોં ગભરાઈ ગયા?’

‘સાહેબ, ગામ નાનું હોય ત્યાં લોકોની જીભ બહુ લાંબી હોય. ખાસ એટલા જ કારણસર હું ટિફિન અહીં મગાવીને ખાતો હતો. બાકી રોહિણીનું ઘર તો, આઇ મીન રોહિણીબહેનનું ઘર તો નજીક જ છે. પણ એવું કરું તો લોકો જાતજાતની વાતો કરે.’

‘અરે, આટલા સિરિયસ ના થઈ જાવ યાર! હું તો મજાક કરતો હતો!’ ડાભી સાહેબે સેદાણીના ખભે ધબ્બો માર્યો. જોકે તેમના વજનદાર પંજાથી સેદાણી હચમચી ગયો હતો.

ફાફડા હવે પતવા જ આવ્યા હતા ત્યાં નાથુભાઈ એક ખોખું લઈને આવ્યા. ‘લો સાહેબ, તમારું પાર્સલ આયું છે.’

‘ક્યાંથી આવ્યું છે?’ સેદાણી ખોખું હાથમાં લઈને જોવા લાગ્યા.

‘રેલવેમાં નથી આયું. કોક છોકરો આપી ગયો છે.’

સેદાણીને નવાઈ લાગી. તેણે ખોખું ખોલ્યું. અંદર પૅકિંગનું ઘાસ હતું. એ ખસેડતાં એક ખોપડી દેખાઈ! સેદાણીએ ખોપડી બહાર કાઢી. એના કપાળ પર જાણે લોહીથી લખ્યું હોય એવા અક્ષરો હતા.

‘શું લખ્યું છે?’ ડાભી સાહેબે પૂછ્યું.

‘મારું.... મારું નામ લખ્યું છે!’ સેદાણીનો અવાજ ધ્રૂજી રહ્યો હતો...

(ક્રમશઃ)

columnists gujarati mid day mumbai exclusive