ખૂનકેસની જશરેખા રૂપ ગુલાબી, વરદી ખાખી (પ્રકરણ ૩)

25 June, 2025 02:24 PM IST  |  Mumbai | Lalit Lad

ડાભીસાહેબ, શાસ્ત્રોમાં લખ્યું છે કે પુરુષાર્થ વના તો પ્રારબ્ધેય ફળ ના આલે... આપડે જઈએ તો ખરા

ઇલસ્ટ્રેશન

સ્ટેશન-માસ્તર વિનોદ સેદાણીના ચહેરા પરથી જાણે લોહી જ ઊડી ગયું!

તેમના હાથમાં એક ખોપડી હતી અને એ ખોપડીના કપાળ પર લોહી વડે સ્પષ્ટ અક્ષરે લખ્યું હતું – ‘વિનોદ સેદાણી...’

સેદાણીને ચક્કર આવી ગયાં. શું થવા બેઠું હતું?

સેદાણી ચક્કર ખાઈને પડવા જતો હતો ત્યાં ઇન્સ્પેક્ટર ડાભીએ તેને સંભાળી લીધો. સેદાણીને હજી પરસેવો વળી રહ્યો હતો અને હજી તેનો શ્વાસ જોરથી ચાલી રહ્યો હતો. ડાભીસાહેબે કહ્યું, ‘સેદાણી, તમે ડરો નહીં. મને કહી દો કે તમોંને આ રીતે ધમકી આપનાર કોણ છે? સાલાનાં ચામડાં ચીરી નોંખીશ!’

સેદાણીની જીભ થોથવાઈ રહી હતી, ‘ડાભીસાહેબ, મને કંઈ સમજાતું નથી. અત્યારે તો મને ખૂબ ગભરામણ લાગે છે. હું તો રજા મૂકીને ઘરે જતો રહેવા માગું છું.’

‘એમ? તો ચાલો, હું તમને મારી જીપમાં મૂકી જાઉં.’ ડાભીસાહેબ ઊભા થવા ગયા કે તેમના ઘૂંટણના દુખાવાના કારણે એક સિસકારો નીકળી ગયો. ‘આ ઘૂંટણનો વા...’ તે બબડ્યા, ‘હવે સુખે-દુખે નોકરીના છેલ્લા મહિના કાઢી નાખીએ એટલે છૂટીએ ... બાકી જશરેખા ગઈ તેલ લેવા...’

lll

રાતના બે વાગ્યાનો સુમાર હશે.

સેદાણીની આંખ માંડ-માંડ મળી હતી. એક તો નાનકડા ગામનું સ્ટેશન, ઉપરથી ક્વૉર્ટરની આસપાસ ખુલ્લા વિસ્તારમાં કોઈ વસ્તી નહીં અને વારેઘડીએ પસાર થતી ટ્રેનોનો અવાજ... સેદાણી મોડી રાત સુધી પડખાં ઘસતાં-ઘસતાં છેક હમણાં જરા ઊંઘમાં આવ્યા હતા.

ત્યાં અચાનક ‘તડાક..’ કરતો બારીનો કાચ ફૂટ્યો! સેદાણી ઝબક્યો. હજી કંઈ વિચારે એ પહેલાં બારી પર ધડાધડ પથરા ઝિંકાવા લાગ્યા.

‘ખન્.. ખન્...’ કરતાં બીજા બે કાચ તૂટી ગયા. સેદાણી ગભરાયો. પથારીમાંથી ઊભો થવા જાય છે ત્યાં તો એક સળગતો કાકડો બારીમાંથી અંદર ફેંકાયો!

‘કોણ...કોણ છે?’ સેદાણીએ બૂમ પાડી.

પણ જાણે જવાબ અપાયો હોય એમ બીજા ત્રણ સળગતા કાકડા બારીમાંથી અંદર ફેંકાયા. એમાંથી બે તો સીધા પથારીમાં પડ્યા. સેદાણી ચોંક્યો. પથારીમાંથી ઊઠીને દોડ્યો. ત્યાં તો બારી પર ધડાધડ લાકડીઓ અને લાતોના પ્રહાર થવા લાગ્યા. સેદાણીની રાડ ફાટી ગઈ.

‘કોણ છે? કોણ છે?’

ધડામ્ કરતી બારી ખૂલી ગઈ. સેદાણી ડરીને પાછળ ગબડી પડ્યો. બહારથી કેરોસીનની છાલક આવી અને પછી તરત જ સળગતો કાકડો! સેદાણી હેબતાઈ ગયો.

એક બાજુ તેનાં ગોદડાં ભડભડ બળી રહ્યાં હતાં અને બીજી તરફ ફર્શ પરનું કેરોસીન ભડકો લઈને ફર્શ પર ફેલાવા લાગ્યું હતું.

સેદાણી માંડ-માંડ દરવાજો ખોલીને બહાર ભાગ્યો.

‘બચાવો! કોઈ જલદી આવો! બચાવો!’ તેણે ચીસો પાડી.

થોડી વારે પગી નાથુભાઈ અને સિગ્નલ મૅન મગનકાકા દોડીને આવી પહોંચ્યા. પાણી અને રેતીની ડોલો છાંટી ત્યારે માંડ-માંડ અડધો કલાકે આગ કાબૂમાં આવી.

પણ સેદાણીની અડધી ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી.

lll

ડાભીસાહેબ સવારના પહોરમાં મારતી જીપે ધસી આવ્યા. ‘શું થયું? કોણ હતા એ લોકો? તમે કોઈનો ચહેરો જોયો? કઈ બાજુ ગયા એ લોકો?’

સેદાણી દિગ્મૂઢ થઈ ગયો હતો.

‘શી ખબર કોણ મારી પાછળ પડી ગયું છે? કોઈનો ચહેરો તો શું મને કોઈની છાયા પણ ન જોવા મળી. ડાભીસાહેબ, મને અહીં બહુ ડર લાગે છે. હું તો આ ગામ છોડીને ચાલ્યો જવા માગું છું.’

સેદાણી જે રીતે ફફડી રહ્યો હતો એ જોઈને ડાભી સાહેબ પણ વિચારમાં પડી ગયા કે ‘હાળું... આ કેસમોં ઝટ પતે એવું લાગતું નથી. પેલા જ્યોતિષીએ સાચું જ કીધું’તું કે તમારા હાથમોં જશરેખા નથી...’

lll

‘અલ્યા વજુભાઈ? પોસ્ટમૉર્ટમ રિપોર્ટ હજી લગી ના આયો?’

ડાભીસાહેબ ઊંચાનીચા થઈ રહ્યા હતા. અને થાય જને? બત્રીસ વરસની જશરેખા વિનાની નોકરીમાં પહેલી વાર એક ખૂનકેસ હાથ લાગ્યો હતો. બૉડીને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં મોકલ્યાને આજે ત્રીજો દિવસ થઈ ગયો હતો. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ હજી સુધી આવ્યો નહોતો.

બાવળા પોલીસ-સ્ટેશનથી રોજ બબ્બે વાર ફોન કરવા છતાં કોઈ સરખો જવાબ મળતો નહોતો. એક તો ડાભીસાહેબે આજ સુધી કોઈ ખૂનકેસ હાથમાં લીધેલો નહીં એટલે પોસ્ટમૉર્ટમ સેન્ટરમાં એવી કોઈ ઓળખાણ પણ નહોતી.

‘ડાભીસાહેબ, હું શું કઉં છુ, રિપોર્ટ લેવા અમદાવાદ જ જતા આઈએ, જીપ લઈને.’

ડ્રાઇવર-કમ-હવાલદાર વજુ ચાવડાના સજેશન પર ડાભી સાહેબ બોલ્યા : ‘જઈએ તો ખરા, પણ ત્યોં ડીએસપી સાહેબ કે કોઈ બીજા મોટા સાહેબ મને જોઈ જાય તો? હાળું, એમ ના પૂછે કે જીપ લઈને શેના હેંડ્યા આવો છો? એવો તે શું મોટો ખૂનકેસ લઈને બેઠા છો?’

વજુ ચાવડાને મનોમન હસવું આવી રહ્યું હતું. પેલો પાતળો ચોર લૉકઅપના સળિયામાંથી નીકળીને ભાગી છૂટેલો એ વાતે ડીએસપી સાહેબે જે ધમકાવ્યા હતા એની બીકે ડાભીસાહેબ હજી ફફડતા લાગે છે! છતાં વજુભાઈએ દાણો ચાંપ્યો :

‘ડાભીસાહેબ, શાસ્ત્રોમાં લખ્યું છે કે પુરુષાર્થ વના તો પ્રારબ્ધેય ફળ ના આલે... આપડે જઈએ તો ખરા.’

‘હેંડો તાણે...’ એમ કહીને ડાભીસાહેબે ટોપો સરખો કર્યો અને લબડી રહેલી ફાંદ પરથી નીચે સરકી રહેલા ખાખી પૅન્ટ પરનો બેલ્ટ ટાઇટ કર્યો.

lll

અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં જ્યાં બી. જે. મેડિકલ કૉલેજ આવેલી છે ત્યાં ડાભીસાહેબે ત્રણ કલાકથી રાહ જોઈને બેઠા હતા...

સાતમી વખત ઊભા થઈને તે પેલા અસિસ્ટન્ટના ટેબલ પાસે જઈને ઊભા રહ્યા. પેલાએ મોં ઊંચું કર્યા વિના કહ્યું :

‘પીએમને વાર લાગશે હજી...’

મોં બગાડીને ડાભી પાછા ફર્યા. કંટાળીને ફરી અડધો કલાકે ટેબલ પાસે પહોંચ્યા.

‘પીએમ રેડી જ થાય છે...’

ત્રીજી વાર ડાભી વીસમી મિનિટે ત્યાં પહોંચ્યા. અસિસ્ટન્ટ બોલ્યો :

‘પીએમ આવે ત્યાં લગી બેસોને...’

હવે ડાભીસાહેબનો બાટલો ફાટ્યો! ‘અલ્યા, હું અંઈ કંઈ પ્રાઇમ મિનિસ્ટરના બંદોબસ્તમોં આયો છું? પીએમ આવે છે... પીએમ આવે છે... તો ભલેને આવતા! મારો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આલોને જલદી.’

અસિસ્ટન્ટ ડાભીસાહેબ સામું જોઈ જ રહ્યો. પછી ધીમેથી કહે છે : ‘પીએમ એટલે જ પોસ્ટમોર્ટમ...! હવે શાંતિથી બેસવાનું છે કે પછી ...’

બિચારા ડાભીસાહેબ છોભીલા પડી ગયા, કેમકે છેલ્લાં બત્રીસ વર્ષની સર્વિસમાં કદી ‘પીએમ’ એટલે કે ‘પોસ્ટમૉર્ટમ’ સાથે પનારો જ નહીં પડેલોને!

દૂરની બેન્ચ પર આડો પડેલો વજુ ચાવડા આ બધું જોઈને મનોમન મજા લઈ રહ્યો હતો!

છેવટે જ્યારે રિપોર્ટ હાથમાં આવ્યો ત્યારે ડાભીસાહેબે એક સિનિયર લાગતા ડૉક્ટરને લૉબીમાં જ ઊભા રાખીને શરમ રાખ્યા વિના પૂછી લીધું :

‘જુવોને સાહેબ, ઓમાં શું લખ્યું છે ? કેમ કે મારું અંગ્રેજી જરા કાચું રહ્યુંને...

lll

અમદાવાદથી પાછા ફરતાં ડ્રાયવરે પૂછ્યું , ‘શું લખ્યું છે રિપોર્ટમાં?’

‘લખ્યું છે કે કોઈ બોથડ ચીજથી માથા પાછળ ઘા થયેલો છે... પણ મોત થયું છે ગળું ઘોંટવાથી... અને હાળો ચહેરા પર ઍશિડ નોંખ્યો હશે મોત થયા પછીના બેઅઢી કલાક રહીને...’

જીપ જ્યાં લગી બાવળા પોલીસ-સ્ટેશન ન પહોંચી ત્યાં લગી ડાભીસાહેબ થોડી-થોડી વારે માથું ખંજવાળતા રહ્યા...

lll

સેદાણીએ પોતાનાં કપડાં લત્તાનું રીતસર પોટલું જ બાંધ્યું, કારણ કે બન્ને બૅગો સળગી ગઈ હતી. કપડાં પણ બહુ ઓછાં બચ્યાં હતાં. અમદાવાદ સુધી છકડો કરી લીધો. ત્યાંથી ધોરાજી તરફ જતી સૌથી પહેલી જે ગાડી મળી એમાં બેસી ગયા. આવડા નાના સ્ટેશને જવા માટે લોકલ સિવાય કઈ ગાડી મળે?

આમ તો અમદાવાદથી એસટી બસ પણ મળી શકે પરંતુ જો રેલવે થકી જાય તો ટ્રાવેલનું બિલ સરળતાથી પાસ થઈ જાય.

ધોરાજી પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. હવે અહીંથી એસટી બસ પકડીને ગણોસરા જવાનું હતું. સેદાણીની પત્ની અને બેબી તો રાજકોટમાં જ રહેતાં હતાં. પણ સેદાણીને એમ હતું કે ‘એક વાર મારા વતનમાં પહોંચી જાઉં પછી બધું જોયું જશે, કેમ કે હમણાં રાજકોટ જઈશ તો સત્તર સવાલો પૂછશે કે કેમ અચાનક રજા મૂકીને આવતા રહ્યા?’

વિચારોમાં ખોવાયેલા સેદાણી સાડાસાતની એસટીમાં બેઠા. હજી વાટ લાંબી હતી. ગણોસરા ગામે ઊતરવાનું અને પછી પોણાબે કિલોમીટ૨ ચાલીને જવાનું ત્યારે એમનું ગામ આવશે... જમોડ.

ગણોસરા આગળ બસ ઊભી રહી ત્યારે ઘોર અંધારું થઈ ચૂક્યું હતું. વળી આ બસ તો રોડ પર જ ઉતારી ગઈ હતી. સેદાણી પણ જરા મુંઝાયા. હવે કઈ દિશામાં જવાનું?

એસટી બસ તો ઘરઘરાટી બોલાવતી ઊપડી ગઈ. સેદાણી હજુ ત્યાં જ ઊભા હતા. જમોડ ગામ જવા માટે કઈ તરફ જવાનું?

એક તો ઘોર અંધકાર હતો અને ચારે બાજુ સન્નાટો છવાઈ ચૂક્યો હતો.

ત્યાં તો પાછળથી એક અવાજ આવ્યો :

‘શીદ જાવું છે, ભાઈ?’

‘જમોડ.’ સેદાણીએ કહ્યું.

‘મારેય ન્યાં જ જાવું છે, જરી હંગાથ કરો.’ કહેતાં પેલો માણસ પાછળ-પાછળ આવ્યો.

‘પણ જમોડ માટે આમ જવાનું કે આમ?’ સેદાણીએ હાથ વડે ઇશારો કરીને પૂછ્યું.

‘સીધા હાલો. ને પછી જમણે...’

પેલા ભાઈએ ટૂંકમાં જવાબ આપ્યો. સેદાણી ચાલવા લાગ્યા. પેલો માણસ પાછળ-પાછળ આવી રહ્યો હતો. તેણે કાળો ધાબળો ઓઢી રાખેલો હતો. ચહેરા પર મફલર બાંધેલું હતું.

હવામાં જરા ઠંડીનો ચમકારો હતો. સેદાણીએ પણ માથે મફલર બાંધી લીધું.

બન્ને જણ અંધારામાં ચાલતા રહ્યા. રોડ ખાસ્સો પાછળ રહી ગયો હતો અને દૂર સુધી કોઈ વસ્તીનો અણસાર પણ દેખાતો નહોતો. સેદાણીએ પોતાના મોબાઇલની લાઇટ ચાલુ કરી રાખી હતી, જેના અજવાળે આગળનો કાચો રસ્તો દેખાઈ રહ્યો હતો.

‘શું નામ તમારું?’

સેદાણીએ અમસ્તું જ પૂછ્યું. પણ પાછળ આવતા ભાઈએ કોઈ જવાબ આપ્યો નહીં.

બન્ને ચાલતા રહ્યા. સેદાણી આગળ અને પેલો માણસ પાછળ...

પાંચેક મિનિટ પછી સેદાણીએ ફરી પૂછ્યું, ‘બહુ મૂંગા-મૂંગા ચાલો છો? નામ તો કહો.’

પેલો માણસ અચાનક અટકી ગયો. અને પછી તરત જ તેની ડાંગ વીંઝીને સેદાણીના લમણે ફટકારી દીધી! સેદાણી ગબડી પડ્યો.

પેલો માણસ તેની છાતી પર ચડી ગયો અને સેદાણીનો ટોટો પીસી નાખ્યો...

(ક્રમશઃ)

columnists gujarati mid day mumbai exclusive