26 October, 2026 06:01 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
અંધેરી-કુર્લા રોડ પર ગટરોની વાસ અને સડી ગયેલાં શાકભાજીની દુર્ગંધ વચ્ચે દેવ ઊભો હતો. હાથમાં જૂનો આઇફોન, ખિસ્સામાં માંડ ૭૦ રૂપિયા અને પૅન્ટના પાછળના કાનમાં વિલે પાર્લેની ચાલીના મકાનમાલિકના શબ્દો.
‘કાલે બપોરે ૧૨ વાગ્યા પહેલાં જો ૮૦૦૦ ભાડું નહીં ચૂકવાય તો બધો સામાન રસ્તા પર ફેંકાઈ જશે.’
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર બેસીને જ્યારે દેવે ડિજિટલ મીડિયાનો બાદશાહ બનવાનાં સપનાં જોયાં ત્યારે તેને કોઈએ નહોતું કહ્યું કે સપનાં જોનારાઓને રોજ સવારે મુંબઈ ભૂખ્યા પેટે ચાવીને થૂંકી નાખે છે. છેલ્લા ૬ મહિનાથી દેવ ‘ધ અનટોલ્ડ મુંબઈ’ નામનું પેજ ચલાવતો. લોકલ ટ્રેનની ભીડનાં વિઝ્યુઅલ્સ, સનસેટના શૉટ્સ, વડાપાંઉની રીલ્સ, મરીન ડ્રાઇવ પર અથડાતી લહેરો અને ગરીબોને કે જરૂરિયાતમંદોને હેલ્પ કરનારા લોકોના ઇન્ટરવ્યુઝ.
પરિણામ?
કુલ મળીને માંડ ૪૧૨ ફૉલોઅર્સ.
‘સુંદરતા કોઈને નથી જોઈતી ભાઈસાહેબ...’ દેવની આંખોમાં અફસોસ સાથેનો ગુસ્સો હતો, ‘આ શહેરને કાદવ જોઈએ છે. માત્ર ને માત્ર ગંદકી જ આ શહેરને ગમે છે.’
દેવે રસ્તો ક્રૉસ કરવા માટે પગ ઉપાડ્યા અને એ જ સેકન્ડે દેવની જિંદગીનું ચક્કર અલગ જ દિશા તરફ આગળ વધી ગયું.
ચીઇઇઇ...
એક કાર આવીને ટૅક્સી-સ્ટૅન્ડની પાછળના ભાગમાં સજ્જડ બ્રેક સાથે ઊભી રહી ગઈ. કારમાંથી બે માણસો બહાર આવ્યા. ગાળાગાળી શરૂ થઈ અને કારમાંથી ઊતરેલા એક માણસે સ્ટીલની લાંબી છરી ખેંચી. તેની જીભના ટેરવે મા-બહેન સમાણી ગાળો હતી અને હાથમાં છરી.
‘સમઝતા હૈ ક્યા તૂ...’ સામેવાળો પણ ગાંજ્યો જાય એમ નહોતો, ‘અભી લૉરેન્સભાઈ કો કહૂંગા તો કાટ ડાલેંગે...’
‘તૂ મુઝે કાટેગા... સાલ્લે, તેરી મા કી...’
ખચાક... ખચાક...
માંસ કપાવાનો અવાજ રાતના સન્નાટામાં એટલો સ્પષ્ટ હતો કે દેવની કરોડરજ્જુમાંથી કંપકંપારી પસાર થઈ ગઈ. કોઈ સામાન્ય માણસ હોત તો તે ત્યાંથી ભાગી ગયો હોત, પણ આ દેવ હતો. તે ભૂખ્યો હતો અને ભૂખ્યો માણસ ડરતો નથી, તે તક શોધે છે.
દેવે આગળ-પાછળનો વિચાર કર્યા વિના ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો અને થાંભલાની આડશ લઈને કૅમેરા ઑન કર્યો. ઇન્સ્ટાગ્રામ લાઇવ.
‘લાઇવ નાઓ : અંધેરીમાં ઓપન ગૅન્ગવૉર...’
ફોનની સ્ક્રીન પર લાલ અક્ષરે LIVE ચમકવા માંડ્યું.
દેવનો હાથ સહેજ પણ ધ્રૂજ્યો નહીં.
છરી કેવી રીતે પેટમાં ઊતરી, લોહીનો ફુવારો સિમેન્ટના બ્લૉક પર કેવી રીતે ઊડ્યો, મરનારાની આંખો કેવી રીતે ફાટી ગઈ... બધું જ.
પાંચ સેકન્ડ... ૧૦ સેકન્ડ... ૩૦ સેકન્ડ.
અચાનક સ્ક્રીન પર નંબર્સ ફરવા લાગ્યા.
૧૦... ૨૦૦ લોકો... ૧૫૦૦ લોકો... ૮૦૦૦ લોકો.
કમેન્ટ્સનો મારો શરૂ થયો.
‘ઓ ભાઈ, આ સાચું છે?!’
‘પોલીસ કો બુલાઓ!’
‘અરે બાપ રે, આ તો લાઇવ મર્ડર છે!’
હત્યા કરનારાઓ કારમાં બેસીને નીકળી ગયા. દેવ ત્યાં જ ઊભો રહ્યો. મરતા માણસ તરફ ન તો ગયો, ન તો તેણે ઍમ્બ્યુલન્સ બોલાવી. દેવે કૅમેરાનો ઍન્ગલ ઝૂમ કર્યો. જમીન પર તરફડતા તે માણસના ચહેરા પર લાઇટ ફેંકી. છેલ્લા શ્વાસનો એ લાઇવ શૉટ હતો અને એ સમયે લાઇવ વ્યુઅર્સનો આંકડો પ૦,૦૦૦ ક્રૉસ કરી ગયો.
પોઓઓઓ...
પોલીસની સાયરનનો અવાજ આવ્યો કે તરત દેવ સરકી ગયો.
lll
સવારે ૯ વાગ્યે દેવની આંખ ખૂલી ત્યારે તેનો મોબાઇલ ભઠ્ઠી જેવો ગરમ થઈ ગયો હતો. નોટિફિકેશન્સ અટકવાનું નામ નહોતાં લેતાં.
દેવે મોબાઇલ હાથમાં લીધો અને આંકડાઓ જોઈને તેની આંખો ફાટી ગઈ.
વ્યુઝ : ૩.૮ મિલ્યન.
નવા ફૉલોઅર્સ : ૮૬,૦૦૦.
ઇનબૉક્સમાં મેસેજ : ૪૦૦૦થી વધુ.
દેવના હોઠ પર સ્માઇલ આવી ગયું. તેને સમજાઈ ગયું હતું કે સોશ્યલ મીડિયાની દુનિયાને સચ્ચાઈ નહીં, સ્વાદિષ્ટ ક્રૂરતા જોઈએ છે.
દેવના હાથમાં મોબાઇલ હતો ત્યારે જ અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો.
lll
‘મિસ્ટર દેવ મહેતા?’
સામે છેડે કોઈ લેડીનો અવાજ હતો, અવાજમાં ઑથોરિટી હતી.
‘યસ... વુ ઇઝ ઑન ધ લાઇન?’
‘સાયરા મેનન.’ લેડીએ પોતાની ઓળખ આપી, ‘હું મુંબઈ પલ્સ પોર્ટલની કન્ટેન્ટ હેડ. તમે રાત્રે જે લાઇવ કર્યું એ મેં જોયું. મારે વાત કરવી છે. BKC, સ્ટારબક્સ. અડધો કલાકમાં...’
દેવ કંઈ કહે એ પહેલાં સાયરાએ ફોન કટ કરી નાખ્યો.
lll
‘ટેક ઇટ...’
ત્રીસેક વર્ષની સ્માર્ટ, હાથમાં આઇપૅડ અને આંખોમાં વ્યુઝની ભૂખ લઈને બેઠેલી સાયરાએ કોઈ ફૉર્માલિટી વિના ટેબલ પર લેધરનું કવર સરકાવ્યું.
‘ઇટ યૉર્સ...’
દેવે કવર ખોલ્યું. કવરમાં પાંચસોની નોટોનાં બે બંડલ હતાં. પૂરા એક લાખ.
દેવને થયું કે કાલ રાતવાળો વિડિયો ડિલીટ કરવા માટેની આ ઑફર છે; પણ ના, વાત જુદી હતી.
‘પોલીસે તારો વિડિયો ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધો છે, પણ તારી પાસે ઓરિજિનલ ફુટેજ છે.’ સાયરાએ કહ્યું, ‘એ ફુટેજ મને જોઈએ. આ લાખ રૂપિયા એની ફી છે. બીજી વાત, હું તને અમારા પોર્ટલનું ઑફિશ્યલ આઇ-કાર્ડ આપું છું. રાતે મુંબઈના રસ્તાઓ પર તારે આવી જ સનસનાટી શોધવાની. ક્રાઇમ, ઍક્સિડન્ટ, આગ, ડ્રગ્સ... એ વિડિયો સૌથી પહેલાં અમારા પોર્ટલ પર આવશે. એ દરેક ક્લિપના મિનિમમ ૫૦,૦૦૦ મળશે. આજથી તું અમારો નાઇટ હન્ટર... ડીલ?’
દેવે હાથ લંબાવ્યો.
‘ડીલ ડન...’
lll
એ સાંજે દેવે રૂમનું ભાડું ચૂકવ્યું, સેકન્ડહૅન્ડ બાઇક ખરીદી અને પછી અન્ડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રૉનિક્સ માર્કેટમાંથી મૉડિફાઇડ પોલીસ વાયરલેસ ફ્રીક્વન્સી સ્કૅનર ખરીદ્યું.
હવે પોલીસ કન્ટ્રોલમાં કયો કૉલ ક્યાંથી આવે છે એ દેવ સુધી પહોંચવા માંડ્યું.
lll
‘ઑલ યુનિટ્સ... કોડ રેડ... સી-ફેસ, વરલી... એક મર્સિડીઝે ૩ લોકોને કચડી નાખ્યા છે... ભાગવાની કોશિશમાં કાર ચલાવનારો ડિવાઇડર સાથે અથડાયો છે... PCR રવાના કરો...’
રાતના દોઢ વાગ્યા હતા.
સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ પર દેવ બાઇક પર બેસીને સિગારેટ પીતો હતો અને અચાનક તેના વાયરલેસ સ્કૅનર પર અવાજ આવ્યો. દેવે સિગારેટ ફેંકી, બાઇકને કિક મારી અને ઍક્સેલરેટર ખેંચ્યું.
૧૦ મિનિટમાં તે વરલી સી-ફેસ પર હતો. પોલીસ હજી પહોંચી નહોતી.
રસ્તા પર ભયાનક દૃશ્ય હતું. બે ફુટપાથવાસીઓ લોહીલુહાણ હાલતમાં તરફડતા હતા. મર્સિડીઝનું બોનેટ થાંભલા સાથે અથડાઈને ભાંગી ગયું હતું. ઍરબૅગ્સ ખૂલી ગઈ હતી. દેવે કૅમેરા ઑન કર્યો. ‘મુંબઈ પલ્સ’ અને પોતાના પર્સનલ અકાઉન્ટ પર લાઇવ કનેક્ટ કર્યું અને હેડલાઇન ટાઇપ કરી.
‘વરલી હિટ ઍન્ડ રન : લક્ઝરી કાર કિલર લાઇવ!’
દેવ કૅમેરા લઈને ડ્રાઇવર સાઇડ તરફ પહોંચ્યો. દરવાજો અંદરથી લૉક હતો. કાચ તૂટેલો હતો. દેવે કૅમેરાની ફ્લૅશલાઇટ ઑન કરી. ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો યંગસ્ટર દારૂના નશામાં હતો. તેનું માથું સ્ટીઅરિંગ પર ઢળેલું હતું. જ્યારે દેવે મોઢું ઊંચું કર્યું ત્યારે દેવના પગ નીચેથી જમીન સરકી ગઈ.
કાર ચલાવનાર કોઈ અજાણ્યો નહીં, સમીર રૉય હતો. મુંબઈના જાણીતા બિલ્ડરનો દીકરો અને સાયરા મેનનનો લિવ-ઇન પાર્ટનર. સમીરે કૅમેરા સામે જોયું.
‘પ્લીઝ... કૅમેરા ઑફ કર... હું તને ૧૦ લાખ આપીશ... મને અહીંથી કાઢ...’
દેવના મગજમાં સેકન્ડના સોમા ભાગમાં ગણતરીઓ શરૂ થઈ.
સાયરા સાથેની ડીલ તોડવી કે એ પર્મનન્ટ ઇન્કમ માટે આ જૅકપૉટ છોડવો?
બરાબર એ જ વખતે પોલીસની વૅન આવી અને ઇન્સ્પેક્ટર અનંત ગોડબોલે બહાર આવ્યા. આવતાની સાથે ગોડબોલેએ ક્રાઇમ સીન જોયો અને પછી દેવ સામે જોયું.
‘એય હીરો, કૅમેરા બંધ કર...’
‘સર, મીડિયા... લાઇવ ચાલુ છે. ૧૦,૦૦૦ લોકો જુએ છે. તમે મને રોકી ન શકો.’
ગોડબોલેને ગુસ્સો તો આવી ગયો, પણ તેણે કન્ટ્રોલ કર્યો અને મર્સિડીઝમાં નજર કરી. સમીરને જોઈને ગોડબોલેના હાવભાવ બદલાયા. દેવ એ બધું જ જોતો હતો. ગોડબોલેએ ધીમેથી સમીરને બહાર કાઢ્યો અને પોતાની સરકારી ગાડીમાં બેસાડી દીધો, ઍમ્બ્યુલન્સ બોલાવ્યા વિના જ!
દેવ સમજી ગયો કે ગોડબોલે કેસ રફેદફે કરવાનો છે.
લાઇવ સ્ટ્રીમ એન્ડ થયું કે ગોડબોલે દેવ પાસે ગયો.
‘હીરો, ફોન મને આપી દે...’
‘એ પૉસિબલ નથી...’
‘દોસ્ત, જીવવું હોય તો મારી વાત માન...’
ગોડબોલેના અવાજમાં રહેલું ઝેર દેવ સુધી પહોંચ્યું નહીં.
‘સાહેબ, વિડિયો ક્લાઉડ પર છે અને એમાં એ પણ દેખાય છે કે તમે ઍક્સિડન્ટ કરનારાને તમારી જીપમાં બેસાડીને લઈ જાઓ છો...’
ગોડબોલેની આંખો સંકોચાઈ.
‘તારી કિંમત શું હીરો?’
‘એ સમય આવ્યે માગી લઈશ, અત્યારે મારે જવું પડશે.’
lll
બાંદરા સાયરાના ફ્લૅટ પર દેવ પહોંચ્યો ત્યારે સવારના ૩ વાગ્યા હતા.
‘દેવ, આર યુ મૅડ? આ ટાઇમે કેમ અહીં આવ્યો...’
કોઈ ચોખવટ વિના દેવે પોતાના મોબાઇલની સ્ક્રીન સાયરા તરફ કરી અને વિડિયો ઑન કર્યો. સમીરનું લોહીવાળું મોઢું, દારૂની બૉટલ, રસ્તા પર કચડાયેલા બે નિર્દોષ લોકો અને છેલ્લે ઇન્સ્પેક્ટર ગોડબોલે તેને બચાવતો હોય એ વિઝ્યુઅલ્સ સ્ક્રીન પર આવ્યાં અને સાયરાના ચહેરા પર સફેદી પ્રસરી ગઈ.
‘ઓહ માય ગૉડ! દેવ, આ... આ કોઈએ જોયું નથીને?’
‘હજી સુધી નહીં...’ દેવે જવાબ આપ્યો, ‘જસ્ટ ઇમેજિન, જો આ વિડિયો સવારે ૮ વાગ્યે બ્રેકિંગ ન્યુઝ તરીકે આવે તો વ્યુઝ અને પોર્ટલનો ટ્રાફિક ક્યાં પહોંચે?’
‘એય મેન્ટલ...’ સાયરાની આંખોમાં ગુસ્સો હતો, ‘સમીર મારો પાર્ટનર છે. તેની આખી કરીઅર, તેના બાપની ઇજ્જત બધું ખતમ થઈ જશે. તું આ ક્યાંય પોસ્ટ નહીં કરે.’
‘હું એવું શા માટે કરું?’
દેવના અવાજમાં બરફની ઠંડક હતી.
‘તને પૈસા જોઈએ છેને? બોલ, કેટલા જોઈએ છે? પાંચ લાખ? ૧૦ લાખ?’ સાયરાએ બિઝનેસ શરૂ કર્યો, ‘તને પૈસા મળી જશે...’
દેવના ચહેરા પર કનિંગ સ્માઇલ આવી ગયું.
‘મને પૈસા નથી જોઈતા સાયરા...’ દેવે સાયરાની આંખોમાં જોયું, ‘પૈસા તો આપણે કમાવાના જ છીએ... અને એટલે જ મને મુંબઈ પલ્સમાં પાર્ટનરશિપ જોઈએ છે. ફિફ્ટી પર્સન્ટ. પેપર્સ સવારે ૧૧ વાગ્યા સુધીમાં રેડી કરી નાખશો એવી આશા રાખું...’
સાયરા શૉક્ડ હતી અને દેવે સાયરાની સામે જોયું.
‘આ વિડિયો ડિલીટ નહીં થાય. ફુટેજમાં સમીરનો ચહેરો બ્લર કરીશ અને સવારે હું મારા ઇન્સ્ટા-અકાઉન્ટ પર મૂકીશ અને લખીશ કે આ માણસને પોલીસ બચાવે છે, પણ આપણે તેનો ફેસ જોઈશું રાતે ૮ વાગ્યે...’
‘તો સમીર જેલમાં જશે...’
‘સમીર જેલમાં નહીં જાય...’ દેવે મોબાઇલ ખિસ્સામાં મૂક્યો, ‘ઇન્સ્પેક્ટર ગોડબોલેનાં વિઝ્યુઅલ્સ સમીરને બચાવી લેશે. સો ડોન્ટ વરી.’
સાયરા દેવ સામે જોઈ રહી. તેને સમજાયું નહીં કે તેની સામે ઊભેલો આ ૨૪ વર્ષનો છોકરો સોશ્યલ મીડિયા જર્નલિસ્ટ હતો કે પછી મોબાઇલ મૉન્સ્ટર?
lll
‘વરલી સી-ફેસનું ફુટેજ સારું હતું દેવ, પણ તને એમ છે કે રસ્તા પર કૅમેરા ફક્ત તારી પાસે જ હતો? જે ઍન્ગલથી તું ગોડબોલે સાથે ડીલ કરતો હતો એ વિડિયો મારી પાસે પણ રેકૉર્ડ થયો છે. કાલે બપોરે મળીએ.’
સાયરાને મળીને દેવ જેવો નીચે આવ્યો કે તેના મોબાઇલ પર મેસેજ આવ્યો અને મેસેજ વાંચીને દેવના હોઠ પર આવેલું સ્માઇલ બાષ્પીભવન થઈ ગયું. તેણે પાછળ ફરીને રસ્તા તરફ જોયું. ત્યાં કોઈ નહોતું; પણ હા, દેવને સમજાઈ ગયું કે રાતના એ અંધકારમાં તેના કરતાં પણ મોટો મૉન્સ્ટર શિકારની રાહમાં બેઠો છે.
(ક્રમશ:)