28 October, 2026 03:14 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
‘હવે મુંબઈમાં ક્રાઇમ હું નક્કી કરીશ ને શૂટ તું કરીશ.’
દેવે એક જ ઘૂંટડામાં ગ્લાસમાં રહેલી બધી વ્હિસ્કી પેટમાં ઠાલવી દીધી. તેને સમજાઈ ગયું હતું કે ગોડબોલે તેને ગુલામ બનાવવા માગતો હતો અને એની શરૂઆત થઈ ગઈ હતી, પણ અમદાવાદથી મુંબઈ તે કોઈનો ગુલામ બનવા નહોતો આવ્યો. ગોડબોલે પોતાને મોટો તિસમારખાન સમજતો હતો, પણ તે ભૂલી ગયો હતો કે સોશ્યલ મીડિયાના જમાનામાં બંદૂક કરતાં કૅમેરા વધુ ઘાતક છે અને એવું જ બનવાનું હતું.
lll
કાલે રાતે ૧૨ વાગ્યે. મોહમ્મદ અલી રોડ, નૂર મોહમ્મદી હોટેલ પાછળની ગલી. ઝવેરી બજારની શ્રીજી આંગડિયા કંપનીમાં લૂંટ. રેડી રહેજે. સીન એવો લાગવો જોઈએ કે પોલીસ પહોંચે એ પહેલાં લૂંટારાઓ ભાગી ગયા.
ટિંગ ટિંગ...
સવારે ૧૧ વાગ્યે દેવના મોબાઇલ પર મેસેજ નોટિફિકેશન આવ્યું અને દેવે મેસેજ વાંચ્યો. મેસેજ ગોડબોલેનો હતો. દેવે ફરી એક વાર મેસેજ વાંચી, દરેક વિગત મનમાં સ્ટોર કરી અને પછી મેસેજ ડિલીટ કરી નાખ્યો.
lll
‘જી... સર...’
રોહન હજી પણ સી-લિન્કવાળી ઘટનાના આઘાતમાં હતો. તે શક્ય હોય ત્યાં સુધી દેવની સામે આવવાનું ટાળતો.
‘રોહન... હું તારી હાલત સમજું છું, પણ યાદ રાખજે કે તું મારા ભાઈ જેવો છે... જે થવાનું હતું એ થઈ ગયું. હવે આપણે ફરી કામે લાગવું પડશે.’ દેવના અવાજમાં સહાનુભૂતિ હતી તો સાથોસાથ મીઠાશ પણ હતી, ‘રાતે આપણે એક એક્સક્લુઝિવ કવરેજ માટે જવાનું છે. મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ આપણી સાથે છે. તું વાઇડ-ઍન્ગલ લેન્સ અને ડ્રોન કૅમેરાની બૅટરી ચાર્જ રાખજે.’
રોહનની ઇચ્છા જવાની નહોતી, પણ ખચકાટ વખતે તેણે હકારમાં ડોક નમાવી દીધી. રોહનને ખબર નહોતી કે દેવના મગજમાં શતરંજનો ખતરનાક પ્લાન રેડી છે.
lll
રાતે પોણાબાર વાગી ગયા હતા અને મોહમ્મદ અલી રોડની દુકાનોનાં શટર પડી ચૂક્યાં હતાં. હવામાં કબાબ, મટન સૂપ અને અત્તરની મીઠી ખુશ્બૂ લહેરાતી હતી. ગલીના નાકે બાઇક પાર્ક કરીને દેવ રોહન સાથે એક જૂની ઇમારત પાસે જઈને બેસી ગયો.
મેસેજમાં લખ્યું હતું એમ જ બરાબર ૧૨ વાગ્યે બ્લૅક સ્કૉર્પિયો આવીને શ્રીજી આંગડિયાની ઑફિસ પાસે ઊભી રહી.
ચહેરા પર સ્કાર્ફ બાંધેલા ૩ છોકરાઓ ગાડીમાંથી બહાર નીકળ્યા. ત્રણેયના હાથમાં પિસ્તોલ અને લોખંડના સળિયા હતા. આ છોકરાઓ ગોડબોલેના જ માણસો હતા, જેમને ઑફિસનાં તાળાં તોડીને કૅશ-બૉક્સ લઈ જવાની અને હવામાં બે ફાયરિંગ કરવાની સૂચના હતી.
દેવે રોહનને કોણી મારી અને રોહને કૅમેરા ઑન કર્યો.
ગોડબોલેના પ્લાન મુજબ આ લૂંટ એકદમ સિમ્પલ રહેવાની હતી. લૂંટારાઓ કૅશ લઈને ભાગી જાય અને પછી ગોડબોલે પોતે કેસ ઉકેલીને અડધા પૈસા હજમ કરી જાય. પણ દેવ મહેતાને સિમ્પલ લૂંટમાં રસ નહોતો. તેણે પોતાના સોશ્યલ મીડિયા ઑડિયન્સ માટે મસાલેદાર તમાશો તૈયાર કરી રાખ્યો હતો.
lll
‘જીવણભાઈ, તમારી દુકાને હથિયારધારી ગુંડાઓ આવશે. પોલીસ પાસે ગયા તો કશું થવાનું નથી એટલે મારી વાત ધ્યાનથી સમજજો.’ દેવે રાતે ૮ વાગ્યે જ શ્રીજી આંગડિયાના માલિકને ફોન કરી દીધો હતો, ‘રિસ્ક ન લેવું હોય તો તમારા સિક્યૉરિટી ગાર્ડ્સને બહાર રાખવાને બદલે આજે અંદર છુપાઈ જવા કહી દેજો. જો બહારથી કોઈ શટર ખોલે તો સમજવાનું કે લૂંટ થઈ...’
‘તમે કોણ...’
‘તમારો વેલ-વિશર... મોબાઇલ મૉન્સ્ટર...’
દેવે ફોન કાપી નાખ્યો હતો. રાતે શ્રીજી આંગડિયાની ઑફિસે પહોંચીને તેણે સૌથી પહેલું એ જ નોટિસ કર્યું હતું કે સિક્યૉરિટી બહાર છે કે નહીં?
સિક્યૉરિટી નહોતી એટલે દેવ સમજી ગયો કે તેને આજે મસાલેદાર વિઝ્યુઅલ્સ મળવાના છે.
lll
ઢીંચિયાઉ... ઢીંચિયાઉ...
લૂંટારાઓ જેવા શટર ખોલીને અંદર ઘૂસ્યા કે અંદરથી સિક્યૉરિટી ગાર્ડે ધડાકો કર્યો.
ગાર્ડની પહેલી ગોળી આગળ રહેલા લૂંટારા છોકરાની છાતી વીંધી ગઈ. તે ત્યાં જ ઢળી પડ્યો. બાકીના બન્ને છોકરાઓ ગભરાઈ ગયા. ગોડબોલેએ તેમને કહ્યું હતું કે અંદર કોઈ નથી, પણ અંદરથી તો અટૅક શરૂ થયો. તે બન્નેએ પોતાનો જીવ બચાવવા માટે અંદર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો અને મોહમ્મદ અલી રોડની એ શાંત ગલી ગોળીઓના અવાજથી ભરાઈ ગઈ.
રોહનના હાથ ધ્રૂજવા લાગ્યા.
‘સર, આ... આ તો અંદર ફાયરિંગ થાય છે. કોઈ મરી જશે.’
‘કૅમેરા સ્થિર રાખ રોહન...’ દેવે ગુસ્સો કન્ટ્રોલ કરતાં રોહન સામે જોયું, ‘ઝૂમ કર... બ્લડ દેખાવું જોઈએ... ઇન્સ્ટા-લાઇવમાં બાવીસ લાખ લોકો જોડાઈ ગયા છે.’
એ જ સમયે ફરીથી ગોળીનો અવાજ આવ્યો.
ઢીંચિયાઉં...
અંદરથી નિર્દોષ વૉચમૅન લોહીલુહાણ હાલતમાં બહાર ફેંકાયો. તેના ખભામાંથી લોહી વહેતું હતું. વૉચમૅને હાથ લંબાવીને રોહન અને દેવ તરફ ઇશારો કર્યો...
‘બચાવો... બાબુજી... હૉસ્પિટલ...’
ચોકીદારના તરફડતા ચહેરાનો ક્લોઝ-અપ લેવા માટે દેવે રોહનને ઇશારો કર્યો અને રોહનની આંખોમાં આંસુ આવી ગયાં.
‘સૉરી સર... હું આ નહીં કરું.’ રોહને કૅમેરા નીચો કરી દીધો, ‘આપણે પહેલાં તેને બચાવવો જોઈએ...’
‘કૅમેરા ઊંચો કર ઇડિયટ...’ રોહનને માસમાણી ગાળ આપતાં દેવે કહ્યું, ‘જો એક ફ્રેમ પણ ચૂકી ગયો તો એકાદ ગોળી તારા પર છોડાવીશ... સરખું ધ્યાન આપ...’
રોહને ધ્રૂજતા હાથે કૅમેરા ફરી સેટ કર્યો અને એ જ વખતે વૉચમૅને કૅમેરાની સામે અંતિમ શ્વાસ લીધા.
પાંચ મિનિટ પછી ગોડબોલેની વૅન આવી ત્યારે લૂંટારાઓ ભાગી ગયા હતા. ત્યાંનું દૃશ્ય જોઈને ગોડબોલેનો ચહેરો ઊતરી ગયો. પ્લાન મુજબ આ લૂંટ સામાન્ય નહોતી રહી. ત્યાં બે લાશ પડી હતી અને દેવનું પેજ આખી દુનિયામાં લાઇવ સ્ટ્રીમ થતું હતું.
૧૦ મિનિટના એ લાઇવ સ્ટ્રીમને ૮ લાખ લાઇક્સ અને દોઢ કરોડ વ્યુઝ મળ્યા.
lll
ઑફિસમાં પહોંચ્યા ત્યારે પણ રોહન ધ્રૂજતો હતો. તેનાં કપડાં પર પેલા વૉચમૅનના લોહીના છાંટા ઊડ્યા હતા અને દેવ એકદમ શાંત હતો. લૅપટૉપ સામે બેસીને તે આ વિડિયોની સ્ક્રિપ્ટ લખવા બેસી ગયો હતો.
‘બસ, હવે બહુ થયું...’ રોહન ચીસ પાડી, ‘તમે પત્રકાર નથી, રાક્ષસ છો... તમે પેલા માણસોને મરવા દીધા. મને બધું સમજાય છે. હું તમને ઓળખી ગયો છું...’
‘શું સમજાય છે તને, શું ઓળખી ગયો તું મને?’ સિગારેટ મોઢામાં મૂકતાં દેવે રોહનની સામે જોયું, ‘બોલ, જવાબ દે... શું ઓળખી ગયો તું મને?’
‘તમે જ પેલા લોકોને ફોન કરી દીધો હતો, તમે જ ઇચ્છતા હતા કે તે લોકો વચ્ચે ફાયરિંગ થાય. તમે જ તે લોકોને મરાવવા માગતા હતા.’ રોહનનો અવાજ ફાટતો હતો, ‘આ... આ આખી સ્ક્રિપ્ટ તમે જ લખી અને એવું કરાવ્યું...’
‘પર્ફેક્ટ...’ દેવે શાંતિથી નજર લૅપટૉપ તરફ ફેરવી, ‘તારે આમ જ તૈયાર થવાનું છે, આમ જ હવે કામ સંભાળતા જવાનું છે.’
‘ના, જરા પણ નહીં...’ રોહને ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો, ‘હું કમિશનરની ઑફિસે જાઉં છું...’
‘તમને શું લાગે છે કે તમે જ સ્માર્ટ છો? જ્યારે તમે પેલા જીવણભાઈને કૉલ કર્યો ત્યારે હું તમારી ચેમ્બરમાં જ હતો. મેં એ શૂટ કરી લીધું અને મને ગાળ દઈને લાઇવ શૂટ કરાવ્યું એ પણ મારા મોબાઇલમાં છે. આ બધાં ફુટેજ હું મીડિયા અને પોલીસને આપીશ. નાઓ યુ આર ફિનિશ્ડ મિસ્ટર મૉન્સ્ટર મહેતા...’
‘જસ્ટ અ સેકન્ડ રોહન...’
દેવે લૅન્ડલાઇન પર એક નંબર ડાયલ કર્યો.
‘બોલ દેવ.’
‘ગોડબોલેસાહેબ, મોહમ્મદ અલી રોડ પર જે લાશો પડી એનાથી તમે નારાજ હતાને, પણ હવે તમે ખુશ થઈ જાઓ એવી એક ઑફર મારી પાસે છે...’
‘ફટાફટ બોલ, મારી પાસે ટાઇમ નથી...’
‘આ આખી લૂંટમાં લૂંટારાઓનો બાતમીદાર મારી પાસે છે...’ દેવના ચહેરા પર સ્માઇલ આવી ગયું, ‘મારો કૅમેરામૅન રોહન... અત્યારે તે સીધો કમિશનર પાસે જાય છે. તેની પાસે આપણાં રેકૉર્ડિંગ્સ છે. જો તે કમિશનર પાસે પહોંચી ગયો તો તમે અને હું બન્ને જેલમાં ચક્કી પીસિંગ પીસિંગ... ઔર પીસિંગ...’
‘છોકરો ક્યાં છે?’
‘ઑફિસની લિફ્ટમાંથી નીકળતો હશે...’ રોહન તરફ ક્રૂરતાથી જોતાં દેવે વાત આગળ વધારી, ‘જો તમે તેને રસ્તામાં હૅન્ડલ કરી લો તો ઝવેરી બજારની લૂંટનો આખો દોષ રોહન પર... મીડિયામાં સ્ટોરી હું કરાવીશ કે ધારાવીનો છોકરો છેલ્લે તો જાત પર આવી ગયો...’
‘દેવ, તું માણસ નથી રાક્ષસ છે...’ ગોડબોલેનો ભારેખમ અવાજ સ્પીકરમાંથી બહાર રેલાયો, ‘છોકરાને આવવા દે... મારી સ્ક્વૉડ બાંદરામાં જ પૅટ્રોલિંગમાં છે.’
કૉલ કટ થયો અને રોહનની છાતી બેસી ગઈ, તેના હાથમાંથી ફોન પડી ગયો.
‘તમે... તમે મને મરાવશો?’ રોહન કરગર્યો, ‘સર, પ્લીઝ... હું કોઈને કંઈ નહીં કહું. હું... હું આ રેકૉર્ડિંગ ડિલીટ કરી દઉં છું. હું નાસિક પાછો જતો રહીશ... પ્લીઝ સર.’
દેવ ધીમેથી આગળ વધ્યો. તેણે રોહનના કાંડા પર રહેલી સ્માર્ટવૉચ આંચકી લીધી.
‘મેં તને પહેલાં જ કહ્યું હતું રોહન... કૅમેરા સામે કોઈ દયા નહીં, કોઈ નૈતિકતા નહીં. તું નિયમ ભૂલ્યો...’
‘સર પ્લીઝ...’ રોહન રડી પડ્યો, ‘સર, મારા મનમાં પ્લાન હોત તો હું તમને કહ્યા વિના આ બધું કરી લેત, પણ સર... ગુસ્સામાં. પ્લીઝ સર...’
‘જલદી નીકળ અને સર્વિસ લિફ્ટમાં જજે... એ બિલ્ડિંગની પાછળ ખૂલશે.’ દેવે નજર ફેરવી લીધી, ‘જો તારું નસીબ સારું તો તું ગોડબોલેથી બચી જઈશ. બેસ્ટ લક...’
રોહન ભાગ્યો અને દેવે લૅપટૉપ સામે બેસીને બીજા દિવસની હેડલાઇન ટાઇપ કરવાનું શરૂ કર્યું.
‘ઝવેરી બજાર ફાયરિંગ કેસમાં મોટો વળાંક : લૂંટારાઓનો સાગરીત રોહન પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર...’
બરાબર ૨૦ મિનિટ પછી બાંદરાની ખાડી તરફથી ૩ ગોળી છૂટવાનો અવાજ છેક દેવ સુધી પહોંચ્યો. દેવના હોઠ પર સ્માઇલ આવી ગયું.
lll
ઠક... ઠક... ઠક...
એકધારો દરવાજો ઠોકાતો હતો. દેવે ઊભા થઈને ફ્લૅટનો દરવાજો ખોલ્યો કે તેની સામે સાયરા આવી ગઈ. સાયરાના હાથમાં રિવૉલ્વર હતી, જે તેણે દેવ સામે તાકી હતી.
‘સાયરા, આ શું ગાંડપણ છે?’
‘ગાંડપણ હવે પૂરું થયું દેવ...’ સાયરા અંદર આવી, ‘તને શું હતું કે તું બ્લૅકમેઇલ કરીને મારી ૫૦ ટકા કંપની પડાવી લઈશ અને હું ચૂપ રહીશ?’
‘ગોડબોલે મારી સાથે છે...’ દેવે મુસ્તાકી સાથે કહ્યું, ‘એક ફોન અને સીધો તે અહીં...’
‘ઓહ... દેવ, તું હજી મુંબઈને ઓળખતો નથી. ગોડબોલેને પાર્ટનરશિપનો વિચાર કોણે આપ્યો ખબર છે તને? સમીરના પપ્પાએ... ગોડબોલેએ તારા પેલા કૅમેરામૅન રોહનને શૂટ કર્યોને... એ ફાયરિંગ ગોડબોલેની રિવૉલ્વરમાંથી નહીં, તારા નામે રજિસ્ટર્ડ થયેલી પિસ્તોલમાંથી છૂટી છે...’ સાયરા હસી પડી, ‘તારી જ ચાલ, તારા પર... સ્ક્રિપ્ટ ચેન્જ.’
‘મતલબ...’
દેવનો અવાજ પહેલી વાર ધ્રૂજ્યો.
‘મતલબ કે રોહનના મર્ડરનો આરોપ હવે તારા પર. તારી જ ચૅનલ પરથી તેં જે લાઇવ કર્યા એ બધા તે કરાવ્યા હતા એવા પુરાવા ગોડબોલે ક્રાઇમ બ્રાન્ચને આપવા જાય છે...’ સાયરાના ચહેરા પર નિરાંત હતી, ‘મિસ્ટર દેવ મહેતા હવે પોલીસ એન્કાઉન્ટરમાં તમારું ધી એન્ડ... ગોડબોલે નીચે જ છે, દેવ. તારા છેલ્લા લાઇવનો ટાઇમ થઈ ગયો...’
દેવે બહાર જોયું.
નીચે રસ્તા પર ૩ પોલીસ-વૅન સાઇલન્ટ મોડમાં ઊભી હતી.
(ક્રમશ:)