17 April, 2025 02:05 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
‘ચાવી દ્યો એટલે અમારો હરભમ જઈને ગાડીમાંથી રૂપિયા કાઢી આવે.’
નાનજી મોટાના કહેવાથી મનોજ વૈદ્યએ જેવી ચાવી હરભમને આપી કે તરત નાનજીએ હરભમને સૂચના આપી.
‘સુંદરીને મળીને તું પૈસા કાઢવા જા... કહે તેને, જમવાની તૈયારી કરે...’
હરભમ કિચનમાં દાખલ થયો અને સુંદરીની હાલત જોઈ તે સ્તબ્ધ થઈ ગયો.
સુંદરી જમીન પર પડી હતી, તેના વાળ વીંખાયેલા હતા અને તેની આંખોમાંથી આંસુઓ વહેતાં હતાં. ભારે હૈયે હરભમ અંદર આવ્યો અને સુંદરીની બાજુમાં પડેલા ફોટોને જોઈને તે ક્ષણવારમાં બધું સમજી ગયો હોય એમ પાણિયારા પાસે જઈને પાણીનો ગ્લાસ ભરી આવ્યો.
સુંદરીને બેઠી કરીને હરભમે તેના હોઠ પાસે પાણીનો ગ્લાસ મૂક્યો પણ સુંદરીએ મોઢું ખોલ્યું નહીં એટલે હરભમે પરાણે હોઠમાંથી પાણી અંદર નાખવાનું શરૂ કર્યું. પાણીનો અડધો ઘૂંટડો મોઢામાં ગયો અને જાણે કે સુંદરીના શરીરમાં સંચાર થયો. તેણે આંખો ચકળવકળ ફેરવી અને પછી ધીમેકથી હરભમની સામે જોયું. હરભમને જોતાં જ જાણે કે સુંદરીમાં હિંમત આવી ગઈ હોય એમ સુંદરીએ આંખ લૂંછી નાખી અને તરત ઊભી થવા માંડી. હરભમે આંખથી જ તેને સાંત્વના આપી અને પછી કાચની ક્રૉકરી રાખવામાં આવતી એ કબાટ પાસે તે ગયો.
સુંદરી માટે તેની આ વર્તણૂક નવી હતી. સુંદરી હરભમને જોતી રહી.
હરભમે કબાટનો દરવાજો ખોલ્યો અને પહેલી લાઇનમાં પડેલા મોંઘાદાટ કાચના ગ્લાસ હાથમાં લીધા. બે હાથમાં ચાર ગ્લાસ ઉપાડ્યા પછી હરભમે ઊંડો શ્વાસ લીધો અને ચારેય ગ્લાસ જમીન પર ફેંક્યા. કાચ ફૂટવાનો અવાજ બહાર બેઠકખંડ સુધી પહોંચ્યો અને મનોજ વૈદ્ય હેબતાઈ ગયો. નાનજીનું વિકૃત રૂપ તેણે જોઈ લીધું હતું. મનોમન તેને થયું કે નાનજી હવે સુંદરી સાથે બદતર વ્યવહાર કરશે, પણ એને બદલે નાનજીનો વ્યવહાર તો સાવ જુદો જ રહ્યો.
કાચ ફૂટવાના અવાજ સાથે નાનજીના ફેસ પર ખુશી આવી ગઈ.
નાના બાળકની જેમ તે તાળીઓ પાડવા માંડ્યો.
‘શુકન થ્યાં હીરો, શુકન...
આપણો સોદો ફાઇનલ. હવે ઉપરથી મહાદેવ નીચે આવે તોયે મને કોઈ રોકી નહીં શકે...’
‘તમે આ જગ્યાના માલિક છો, તમને કોણ રોકવાનું?’
નાનજી જવાબ આપે એ પહેલાં તો હરભમ કિચનમાંથી બહાર આવ્યો. હરભમના હાથમાં બે ગ્લાસ હતા. હરભમે આવીને એ બન્ને ગ્લાસ બન્ને વચ્ચે પડેલી ટિપાઈ પર મૂક્યા અને પછી તે ચૂપચાપ બહાર જતો રહ્યો. હરભમની પીઠ પર અવાજ અથડાયો.
‘વાલીડા, સટાસટી આવજે... હજી બહુ બધાં કામ પતાવવાનાં છે.’
હરભમે હાથ ઊંચો કરીને સાદ ઝીલી લીધો.
lll
‘આ તમારા પાંચ કરોડ રૂપિયા મિસ્ટર નાનજી...’
‘ક્યાં એની ઉતાવળ છે?’ પૈસાની બૅગ હાથમાં લેતાં નાનજી મોટા બોલ્યા, ‘હજી તો તમે ઘરમાં છો, જમવાનું બાકી છે. પૈસા થોડા ભાગી જવાના હતા?’
‘મારું ધ્યાન કામ પર જ હોય નાનજી મોટા.’
‘ને તારું ધ્યાન જમીન ઉપર, કાં?’ હરભમ પર તાડૂકતાં નાનજી મોટાએ કહ્યું, ‘જમવાનું કોણ લઈ આવશે, તારો બાપ?’
કશું જ બોલ્યા વિના હરભમ કિચનમાં જતો રહ્યો અને પાંચ મિનિટમાં ટેબલ પર થાળી મૂકી હરભમ નાનજી પાસે આવીને ઝૂકીને ઊભો રહ્યો.
‘તમને સરભરા બધી રાજવી જેવી મળે છે.’ હરભમની હરકત જોઈને મનોજના મોઢામાંથી નીકળી ગયું, ‘આવું મેં તો ક્યાંય જોયું નથી.’
‘હજી તો કેટલુંયે એવું જોવા મળશે જે તમે ક્યાંય જોયું નથી મહેમાન...’ ડાઇનિંગ ટેબલ તરફ હાથ કરતાં નાનજીએ કહ્યું, ‘પધારો...’
ટેબલ પર પ્લેટમાં નૉનવેજ જોતાં જ મનોજની આંખોમાં ચમક આવી ગઈ.
‘ઓહ, તમે નૉન-વેજિટેરિયન છો?’
‘ના રે...’ નાનજીએ ચોખવટ કરી, ‘સ્વભાવનો બાપુ, ખાધેપીધે જૈન ને સફાઈમાં હરિનો જન... લ્યો ચાલુ કરો.’
બન્નેએ જમવાનું શરૂ કર્યું અને હરભમ તે બન્નેને જોતો રહ્યો. હરભમને અંદેશો આવી ગયો હતો કે આવતા કલાકોમાં શું થવાનું છે.
lll
‘બોલ, આવું કર્યું તેણે બેન...’ નવરી પડી કે સુંદરીનો ફોન ચાલુ થઈ ગયો, ‘હું તો જોઈને જ હેબતાઈ ગઈ. રાડ પાડવી હતી પણ મોઢામાંથી અવાજ જ નીકળે નહીં. મને થયું કે જો અત્યારે તું હોતને, તો સાચે જ... સાચે જ મારી પડખે ઊભી રહી ગઈ હોત ને... તે ને મેં આપણે બેયે બધું પૂરું કરી નાખ્યું હોત... સાચે, બેન... અત્યારે મને તારી બહુ યાદ આવે છે. થાય છે કે કાં તું અહીં આવી જા ને કાં, હું... હું તારી પાસે આવી જાઉં. પણ આ જોને નાનજી...’
એ જ ક્ષણે સુંદરીના હાથ પર ઝાટકો આવ્યો અને કાનમાં શબ્દો.
‘નાનજી, તને અહીંથી નહીં જવા દે. ક્યારેય નહીં.’ નાનજીએ મોબાઇલની સ્ક્રીન જોઈ અને પછી સુંદરીને પૂછ્યું, ‘બેન સિવાય તને બીજા કોઈ ક્યારેય દેખાય છે?’
‘બીજા... બીજા કોની સાથે હું વાત કરું?’ સુંદરીનો અવાજ તરડાતો હતો, ‘ક... ક... કોણ બીજા મારી સાથે વાત કરે, તમે જ ક્યો મને?’
‘હું છું, હરભમ છે... છીએને અમે. તારે શું કામ મૂંઝાવાનું?’
નાનજીએ પ્રેમથી સુંદરીના માથે હાથ મૂક્યો અને સુંદરી ભાંગી પડી. ક્યાંય સુધી સુંદરી ધ્રુસકે-ધ્રુસકે રડી ને નાનજી મોટા તેના માથા પર હાથ ફેરવતા રહ્યા. સુંદરીનાં આંસુ ખૂટ્યા અને નાનજીએ ભારે અવાજે પૂછ્યું.
‘પત્યો તારો ખેલ?’ સુંદરી ચૂપ રહી એટલે નાનજીએ આદેશ આપતાં કહ્યું, ‘હાલ, ઊભી થા... મહાભારતનો છેલ્લો અધ્યાય હજી લખવાનો છે.’
સુંદરી ઊભી થઈ કે બીજી જ ક્ષણે નાનજીએ કહી દીધું,‘ત્રેવડ ન હોય તો અહીં જ બેઠી રે’જે... બાકી વેવલાંવેડાં હવે આ નાનજી મોટા કોઈના બાપનાં નહીં ચલાવે.’
સુંદરીએ નાનજીની સામે જોયું. સુંદરીની આંખમાં રહેલો તાપ પહેલી વાર નાનજીથી સહન ન થતો હોય એમ તેણે નજર ફેરવી લીધી અને સુંદરીએ શબ્દથી પ્રહાર કર્યો.
‘હવે રોવે એ બે બાપની...’
‘એય શાબ્બાસ... મારી માવડી. બસ, આમ જ રહે ને આવી જ રહે...’
નાનજી મોટા અને સુંદરી બહાર આવ્યાં ત્યાં સુધીમાં હરભમે પોતાનું કામ સિફતપૂર્વક કરી લીધું હતું.
lll
‘મિસ્ટર નાનજી, આ... આ શું છે?’
ચૅર પર બંધાયેલી અવસ્થામાં બેઠેલા મનોજ વૈદ્યના અવાજમાં ડર નહોતો પણ હા, અવાજમાં અચરજ ચોક્કસ હતું.
‘તમે આ રીતે મને બાંધી શું કામ દીધો છે?’
‘કહુંને, બધુંય કહું તને વાલીડા... આપણે એની માટે તો ઉજાગરો કરવાનો છે.’ નાનજીએ હરભમ સામે જોયું, ‘સુંદરીને કહે, તારી ને મારી માટે મસ્તીની ચા મૂકે.’
હરભમ કિચનમાં ગયો અને ખાલી ખુરશી લઈને નાનજી મોટા મનોજ વૈદ્યની સામે ગોઠવાણા. મનોજ કંઈ પૂછે કે કહે એ પહેલાં નાનજીએ પગ લાંબા કરીને મનોજના સાથળ પર મૂક્યા અને એના પર પગની પેની સહેજ ફેરવી. ધોતીના ઝીણા કપડાને લીધે સાથળ પર પડેલો ઘા સ્પષ્ટ રીતે અનુભવી શકાતો હતો.
‘નાનજી... આ તમે શું કરો છો?’
‘સિડ્યુસ...’ નાનજીએ મનોજની આંખોમાં જોયું, ‘તારા અંગ-અંગમાં નવેસરથી આગ ભરું છું. એ આગ જે પાંચ વર્ષ પહેલાં તું આ ઘરમાં ઓલવીને ગયો’તો.’
‘તમે, તમે આ શું બોલો છો?’
‘તારી પાપલીલા... જે અત્યાર સુધી તેં સંતાડી રાખી’તી...’
નાનજી ઊભા થયા અને મનોજની નજીક જઈને તેણે ગાલ પર હાથ ફેરવ્યો. મનોજને તેની આ વર્તણૂક અજીબ લાગી હતી અને પરિણામ પણ અજીબ જ આવ્યું.
સટાક...
‘નાનજી...’ ‘અવાજ નીચો... આ ઘરને માત્ર મારો ઊંચો અવાજ સાંભળવાની આદત છે.’ નાનજીએ કહી પણ દીધું, ‘બાકી ઊંચો અવાજ કરીશ તો મને ફરક નથી પડવાનો. તારો અવાજ બેસી જાશે. એવી રીતે, જે રીતે પાંચ વર્ષ પહેલાં આ ઘરની દીવાલોએ ચીસો સાંભળી પણ બહાર સુધી તેને પહોંચવા દીધી નહીં.’
‘નાનજી, મને જવા દો. તમે ખોટું કરો છો.’
મનોજે છૂટવાનો પ્રયાસ કર્યો પણ હરભમે ખુરશીના હૅન્ડલ સાથે તેના હાથ ચુસ્ત રીતે બાંધ્યા હતા, જેમાંથી છૂટવું અસંભવ હતું.
‘હું, હું બહાર જઈને પોલીસને ફરિયાદ કરીશ.’
નાનજી ખડખડાટ હસી પડ્યા.
‘તું ને પોલીસ? શું ગાંડા કાઢશ તું, પોલીસ આવે તો પણ તું ફરી જવાનો છો અને એની મને ને તને બન્નેને ખબર છે ત્યારે તું મને પોલીસની બીક દેખાડશ?’
‘નાનજી, વાત વધી જશે...’ પહેલી વખત મનોજનો અવાજ બદલાયો હતો, ‘બહાર મારી રાહ જુએ છે.’
‘હું એ લોકો અહીં સુધી આવે એની રાહ જોઉં છું.’ નાનજીએ મનોજની આંખમાં જોયું, ‘એવી રીતે, જેવી રીતે છેલ્લાં પાંચ વર્ષથી હું તારી રાહ જોતો બેઠો હતો. ખબર છે તને, તને અહીં સુધી લઈ આવવા માટે મેં કેટલા રૂપિયા વાપર્યા? સાઠ લાખ રૂપિયા... એ પૈસા મને કોણે આપ્યા એ ખબર છે તને?’
મનોજ નાનજીની સામે એકીટસે જોઈ રહ્યો. તેની આંખોમાં પ્રશ્નાર્થ હતો.
‘ભારત સરકારે... નવા ભારતની નવી સરકારે.’
મનોજની આંખોમાં પહેલી વાર ભય ડોકાયો. જોકે તેણે હિંમત હજી પણ અકબંધ રાખી અને નાનજીને કહી દીધું,‘તો આપી દે મને તારી સરકારને... વાત પૂરી કર.’
‘હરભમ, એ હરભમ...’ જાણે કે અવાજની જ રાહ જોતો હોય એમ નાનજીનો અવાજ સંભળાતાં બીજી જ સેકન્ડે હરભમ બહાર આવી ગયો.
‘આ વાલીડો ક્યે છે મને સરકારને સોંપી દ્યો. હવે તું કહે, મારે આ પાખંડીને શું જવાબ દેવો?’ નાનજીએ આંખ આડે હાથ કર્યા અને હરભમને કહ્યું, ‘મારે કાંય નથી કહેવું, તું જ આને જવાબ આપી દે. તારે જે દેવો હોય એ...’
બેચાર સેકન્ડની ચુપકીદી અને પછી તરત મનોજનો અવાજ આવ્યો.
‘એય, શું કરે છે આ તું? નહીં... નહીં...’ મનોજનો ટોન અચાનક જ બદલાયો, ‘નહીં છોડૂંગા તુમ્હેં મૈં... નહીં... નહીં...’
નાનજીએ આંખો ખોલી અને તેની આંખ સામે જે દૃશ્ય આવ્યું એ જોઈને તેના હૈયે ટાઢક પહોંચી. હરભમ મનોજના ચહેરા પર સુસુ કરતો હતો અને એ સુસુથી બચવા મનોજ રીતસર તરફડિયાં મારતો હતો.
‘આ નવું ભારત છે, નવું ભારત. હાથ આપીશ તો હાથ મળશે ને હાથ કાપીશ તો ગળું કાપીને હારડો બનાવશે...’ સટાક.
ઊભા થઈ નાનજીએ મનોજના ગાલ પર ઝીંકી દીધી.
બીજી થપ્પડ સાથે મનોજ સમજી ગયો કે તેની સામે બેઠેલી વ્યક્તિ કોઈ કૉમનમૅન નથી. પહાડી પંજો અને પથ્થર જેવો પ્રહાર એનો જ હોય જેણે લશ્કરી તાલીમ લીધી હોય.
‘કૌન હો તુમ?’
‘તારો બાપ...’ નાનજીએ ઊંડો શ્વાસ લીધો, ‘સુબેદાર નાનજી મોટાલાલ મેર.’
‘છોડ દે મુઝે, જો માંગેગા વો મિલેગા...’
નાનજીએ હરભમની સામે જોયું.
‘જો તું, જો... તેનો જીવ અત્યારે મારા હાથમાં છે ને હજી હોશિયારી તો એવી કરે છે જાણે તે રાજા હોય...’ નાનજી મનોજ સામે ફર્યો, ‘મુશ્તાક શેખ, તારો તો હજી ઘણો હિસાબ કરવાનો છે... પણ પહેલાં એક વાર તારી ખાતાવહી જોઈ લઈ. પાંચ વર્ષ પહેલાંની એ રાત યાદ કરી લઈએ, જેની માત્ર બે જ વ્યક્તિને ખબર હતી.’
‘અવાજ નીચો... આ ઘરને માત્ર મારો ઊંચો અવાજ સાંભળવાની આદત છે.’ નાનજીએ કહી પણ દીધું, ‘બાકી ઊંચો અવાજ કરીશ તો મને ફરક નથી પડવાનો. તારો અવાજ બેસી જાશે. એવી રીતે, જે રીતે પાંચ વર્ષ પહેલાં આ ઘરની દીવાલોએ ચીસો સાંભળી પણ બહાર સુધી તેને પહોંચવા દીધી નહીં.’
વધુ આવતી કાલે