24 July, 2025 02:25 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
‘સોનલ, આપણને જબરી ટક્કર આપે એવી એક જોડી રજિસ્ટર થઈ છે.’
ઘરે પહોંચી, ફ્રેશ થઈ ડિનર માટે ગોઠવાતાં આત્મને ધડાકો કર્યો : વિરાજભાઈ-આરોહીની જોડી!
હેં! સોનલ સહિત ઘરનાએ તો આનો રાજીપો જ અનુભવ્યો, પણ આરોહી સ્તબ્ધ બની : આત્મન મારા પિયર ગયેલા. વિરાજભાઈને કૉમ્પિટિશન માટે રાજી કરવા? એમ સમજીને કે હું તેમના ને સોનલ ખાતર સ્પર્ધામાં ભાગ લેવા નહોતી ઇચ્છતી? બસ આત્મન, બસ, મને આટલી મહાન ન ચીતરો!
અને બેડરૂમના એકાંતમાં આરોહીએ મનોભાવ ઉલેચી નાખ્યો. રિયાના સચ સાથે પોતાનામાં વસતી રિયારૂપ આરોહી સહિતનું સત્ય કહી ઉમેર્યું : તમારા પ્રેમના બળે હું એ આરોહીને નામશેષ કરવા માગતી હતી આત્મન, એટલે આજે તમારી-સોનલની જીત માટે હું અંતરથી રાજી હતી એ સાચું, પણ અમારું રજિસ્ટ્રેશન ન કરવા પાછળ તો રિયાની કૂટનીતિ કારણભૂત હતી...
ક્યાંય સુધી શયનખંડમાં ચુપકી રહી.
‘જાણું છું આત્મન, હું તમારી માફીને પણ લાયક નથી.’ આરોહીમાં પતિને નિહાળવાની હામ નહોતી. સોનલ બાબત મારા મનમાં ક્યાંક અણખટ હતી એ સચ જાણ્યા પછી આત્મનના હૈયેથી હું ઊતરી જ ચૂકી હોઉં...
‘બોલી લીધું?’ પોતાનું મૌન ગેરસમજ સર્જી રહ્યું છે એ સમજાતાં આત્મનના હોઠ ઊઘડ્યા, ‘નણંદ પ્રત્યે આળા થવાનું તારું મૂળભૂત લક્ષણ નથી આરોહી, પિયરના અનુભવે સાસરીમાં પ્રેરાવું તો સહજ છે. આને દોષ માનવાની જરૂર નથી. કોઈ બીજાના મનનો કચરો તો આપણે સાફ નહીં કરી શકીએ આરોહી, પણ આપણામાં ગંદકી ન પ્રવેશવા દેવાનું શાણપણ તારામાં છે જ અને મને તારા એ શાણપણમાં શ્રદ્ધા છે.’
આત્મને પત્નીને આશ્લેષમાં લઈ તેની ભીની પાંપણ ચૂમી ને આરોહીએ પોતાની ભીતર રિયારૂપી આરોહીને નામશેષ થતી અનુભવી.
‘ઓ..હ આત્મન, તમે તો તમે જ!’
એ રાત્રે રૂમમાં જામેલું પ્રણયતોફાન અદ્ભુત હતું!
lll
રિયાની નીંદર ખૂલી ગઈ : વિરાજ ક્યાં? હજી તો સવારના છ થયા...
રાતે તેણે વિરાજને પઢાવી રાખ્યો હતો: આ નાતવાળા પણ નવરા છે! નિતનવી સ્પર્ધા યોજી આપણા જેવાને ધંધે લગાડે એમાં વેપારધંધાને કેટલું નુકસાન પહોંચે એનો હિસાબ કોણ રાખશે! અને દરેક ભાઈ પોતાની બહેનને ને બહેન પોતાના ભાઈને ચાહતી હોય છે એનો ઢંઢેરો શું પીટવાનો? આત્મનને સ્પર્ધાના રવાડે ચડવું હોય તો ચડવા દો, આપણે તો વેપાર જોવાનો!
કહી વળ ચડાવ્યો હતો : આખરે આરોહીએ પણ તમારું ઓછું વિચાર્યું, પોતાનાં વર-નણંદ જીતે એ માટે તમારું પત્તું કાપતાં તેનો જીવ ચાલ્યો તો એવાને કાપતાં આપણનેય આવડવું જોઈએ.
રાબેતા મુજબ વિરાજે ડોક ધુણાવી હતી એથી ધરપત થયેલી પણ અત્યારે કવેળાના ઊઠી તે ક્યાં ગયા?
બહાર નીકળી જોયું તો વિરાજ સ્ટડી-રૂમમાં જૂના આલબમ નિહાળી રહ્યો છે.
‘લો, રાતે આટલું સમજાવ્યા કે આરોહીએ તમને ન ગણ્યા તો તમારે તેને ગણવાની જરૂર નથી ને સવાર પહેલાં શીખવેલું ફોક?’
‘શીખવેલું ફોક નથી, રિયા... બલકે તારી શિખામણે મારી આંખ ખોલી છે.’ વિરાજના બોલમાં મક્કમતા ઘૂંટાઈ, ‘મને સ્પર્ધા જીતવાના કોડ નથી પણ બહેન થઈને આરોહીએ મારું ન વિચાર્યું એનું ગિલ્ટ તો તેને આ સ્પર્ધા થકી અનુભવાવું જોઈએ. બસ, એ જ મારો ટાર્ગેટ!’
આમાં ખુશ થવું કે નાખુશ - પહેલી વાર રિયાને સમજાયું નહીં!
lll
‘હાય, આરોહી!’
વિરાજભાઈનો વિડિયો-કૉલ... સવાર-સવારમાં!
પૂજામાંથી પરવારેલી આરોહીએ ઘરમંદિરમાં જ કૉલ રિસીવ કર્યો : બોલો ભાઈ, અને પહેલાં મંગળા દર્શન કરી લો.
‘મંગળા દર્શન!’ સામે આંખ મીંચી હાથ જોડતાં વિરાજથી બોલાઈ ગયું: તને યાદ છે આરોહી, મોસાળમાં મામાના ઘર સામે જ હવેલી હતી? આપણે દરેક દર્શને દોડી જતાં – સવાર-સાંજ થતી આરતીનો ઘંટ વગાડવા બાળકોમાં પડાપડી થતી.’
‘અને તમે દરેક વખતે બાજી મારી જતા. ઘંટ રણકાવાનો હાથો ઝડપી મને દઈ દેતા: બેલ તો મારી નાનકી જ વગાડશે! તમે મને નાનકી કહેતા એ યાદ છે કે?’
‘મને તો બધું યાદ છે. ભૂલી તો તું ગઈ તારા ભાઈને.’ સામે ઊભી રિયાના ઇશારે વિરાજે વળ ચડાવ્યો, ‘ભાઈ-બહેનની સ્પર્ધા તારો પતિ-નણંદ જીતે એ માટે તેં મને હરીફાઈથી અજાણ રાખ્યો, પોતે નોંધણીથી દૂર રહી. આવાં જ બહેનનાં હેત?’
આરોહીના ગળે નિશ્વાસ અટકી ગયો. ભાઈએ સ્પર્ધામાં ભાગ તો લીધો, પણ તેમની ભાષા તો ભાભીની જ રહી છે.
પણ એમ તો રિયાને પહોંચી વળવાનું મને ફાવી ગયું છે. આરોહીએ સ્મિત ઉપજાવ્યું, ‘રિયાભાભી આજુબાજુમાં જ લાગે છે!’
વિરાજ એથી સહેજ ઓછપાયો. વિડિયો-કૉલના કૅમેરાની રેન્જ બહાર ઊભી રિયા ઇશારો કરતી હતી : ન કહો!
‘રિયાને આમાં વચ્ચે લાવવાની જરૂર નથી, આરોહી.’
‘રિયાભાભીને વચ્ચે લાવ્યા વિના આ વાત આગળ જ નહીં વધે, વિરાજભાઈ!’ આરોહીના સ્વરમાં ધાર ઊપસી, ‘હું રિયાભાભી જેટલી મહાન, સાસરાપરસ્ત નથી બલકે તેમને જ અનુસરવાની કોશિશ કરું છું.’
રિયાના કપાળે કરચલી ઊપસી, વિરાજ તંગ થયો : તું તારી ભાભીને તાનો કસે છે?
‘બિલકુલ નહીં, હું તો તેમનાં ગુણગાન ગાઉં છું મોટા ભાઈ. તે તમને કેટલું ચાહે છે, તેમના હૈયે અમારું કેટલું હેત છે એ તમે પણ જાણો છો ને હું પણ જાણું છું.’
‘એ તો છે જ.’ વિરાજ કંઈક જીદપૂર્વક બોલ્યો.
‘બસ તો. હવે તમે જ વિચારો. ધારો કે ભાભીને ભાઈ હોત તો તેમણે પોતાના ભાઈને મહત્ત્વ આપ્યું હોત કે તમારી જીતને?’
‘મારી જીતને.’ વિરાજને આમાં શંકા હતી જ નહીં. આરોહીના હોઠ વંકાયા, ‘જો એ યોગ્ય ગણાતું હોય તો પછી હું મારા પતિની જીતનું વિચારું એમાં ક્યાં ખોટી ઠરી?’
હેં! વિરાજ સડક થઈ ગયો. રિયા સમસમી ગઈ.
‘એટલી જ વિનંતી કરું છું ભાઈ કે સ્પર્ધામાં રમવું હોય તો આપણા હેત માટે રમજો. બાકી તો પ્રશ્નપત્ર કોરું છોડી હારી જવાનો વિકલ્પ દરેક સ્પર્ધામાં રહેતો જ હોય છે.’
આરોહીએ કૉલ કટ કર્યો.
lll
કહેવું પડે, ભાઈ-બહેનની બેસ્ટ જોડી!
મુંબઈના વૈષ્ણવ સમાજમાં મહેન્દ્રભાઈની પહેલને બહુ ઉમળકાભર્યો પ્રતિસાદ સાંપડ્યો : કપલ માટે તો આજકાલ ઘણું થતું હોય છે, યંગ જનરેશનમાં બીજા સંબંધ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના જેવાં ગીતો પણ હવે ક્યાં બને છે? આવા પ્રયત્નોથી જ એક દિવસનો તહેવાર બની ગયેલી બળેવ ખરા અર્થમાં ભાઈ-બહેનના સંબંધના ઊંડાણની અનુભૂતિ બની રહેશે.
‘મેં તો મારા ભાઈને અમેરિકા કૉલ કરી કહી દીધું, આ વખતની બળેવ મુંબઈમાં જ ઊજવવાની છે અને તે ટિકિટ લઈને આવે પણ છે!’ વરલીથી સિત્તેર વરસનાં નીલાબહેન કહે છે, ‘સ્પર્ધા તો ઠીક, મને તો ઑનલાઇનવાળું આવડેય નહીં, પણ એ બહાને જૂની યાદો વાગોળીશું એ કંઈ ખજાનાથી કમ છે?’
આવા પ્રતિભાવ અભિભૂત કરનારા હતા. આ વખતની બળેવ યાદગાર બની રહેવાની એટલું નક્કી!
lll
બળી આ સ્પર્ધા!
રિયાનો જીવ ચચરે છે. ‘હું રિયાભાભી જેટલી સાસરાપરસ્ત નથી’ એવું કહી આરોહીએ વિરાજને ચિત કરી દીધેલો. એ પાછા મને કહે છે : ‘તને જોઈને આરોહી કેવી ઘડાઈ છે!’ બોલો, આવાને મારે શું કહેવું!
પહેલી વાર રિયાને પતિને પલોટવાનો માર્ગ સૂઝતો નથી. આ બાજુ બહેન પત્નીના માર્ગે ચાલે એ વિરાજને બહુ રુચ્યું હોય એમ એ સ્પર્ધામાં રમમાણ બનતો જાય છે. હવે બહેનને ગિલ્ટી ફીલ કરવા નહીં પણ ભાઈ-બહેનની જોડીને બેસ્ટ પુરવાર કરવાનો નિર્ધાર છે. એટલે તો ઑનલાઇન રાઉન્ડના બે દિવસ અગાઉ મા પાસે નોટપૅડ લઈ વૈષ્ણવ ધરમનું જ્ઞાન લેવા બેસી ગયા. અહીં રિયાએ ‘મારું માથું દુખે છે..’ની ટ્રિક અજમાવી, અધરવાઇઝ તો બૈરી આટલું કહે એમાં વિરાજ ઊંચોનીચો થઈ જાય, એ દહાડે જાણે કંઈ મોટી વાત ન હોય એમ જગ્યા પરથી ચસ્યોય નહીં : બહુ દુખતું હોય તો પેઇનકિલર લઈ લે. બટ હેય, એનીયે જરૂર નથી. મા, તું તારી પેલી માથાના દુખાવાની સ્પેશ્યલ ચા બનાવી દેને! બિલીવ મી રિયા, મમ્મીની એ ચા એટલી અસરકારક છે કે આજુબાજુવાળા પણ મમ્મીના હાથનો એ સ્પેશયલ મસાલો માગીને લઈ જતા, હેંને મમ્મી? યાદ છે?
સંગીતાબહેનનું અંતર ભીંજાયું. હોઠે આવી ગયું : ભૂલ્યો તો તું હતો દીકરા! તને સાંભર્યું એનો આનંદ. નવનીતભાઈએ તેમનો પહોંચો દબાવ્યો, બોલ્યા એટલું જ : એક કપ મારા માટેય મૂકજો!
‘વાઓ મમ્મી, બિલકુલ એ જ ટેસ્ટ!’ પહેલા ઘૂંટડે વિરાજ પાછો દાઝ્યા પર ડામ દેતો હોય એમ ઉમેરે : રિયા, મમ્મી પાસે આ રેસિપી શીખી લેજે, હં! ઇન ફૅક્ટ, મમ્મી પાસે તો વૈષ્ણવ ધર્મનુંય લેસન લેવા જેવું છે. આપણે તો આપણા ધરમ વિશે ખાસ કંઈ જાણતા જ નથી.’
એક તરફ દીકરાનો માબાપ સાથે બૉન્ડ પુનઃજીવિત થઈ રહ્યો હતો તો બીજી બાજુ ભાઈને બહેન માટે હેત ઊમડતું હતું. સવાર પડી નથી ને બહેન યાદ આવી નથી : હેય આરોહી, અમિતાભ સિવાય બૉલીવુડમાં તારા ભાઈને કશું પલ્લે નહીં પડે, તું તારું રિસર્ચ પાકું રાખજે.
પછી તો સામેથી આત્મન જોડાય : તમે ભાઈબહેન તો જબરાં મચી પડ્યાં છો. એટલે બીજો નંબર તો આવી જ જશે.
‘અરે જાવ જાવ!’ આરોહી રુઆબ ઉછાળે, ‘ઊલટું અમે ભાઈ-બહેન સામે તમારે રનર અપ થવાનો વારો આવશે, શું કહો છો ભાઈ?’
‘ભાઈ, તું તારા વરને કાણો કહી શકે, મારાથી બનેવીને એવું ન કહેવાય.’
બન્ને છેડા ખડખડાટ હસી પડતા ને એનો પડઘો રિયાને સમસમાવી જતો.
એમાં વળી પહેલા રાઉન્ડમાં બેઉ ભાઈ-બહેનની જોડી ક્વૉલિફાય થઈ પછી તો બોર્ડની એક્ઝામ આપવાનો માહોલ બેઉ ઘરમાં છવાઈ ગયો છે. બીજો રાઉન્ડ પૂછપરછનો છે. ભાઈ-બહેનને એકમેક વિશે ગમે તે પુછાવાની વકી છે અને ધંધા સિવાય વિરાજનું મન આમાં જ દોડતું હોય છે :
‘આરોહી, આપણી બેસ્ટ બળેવનું પૂછે તો મારી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડની ઉજવણી જ કહેવાનીને, મને હાથે ફ્રૅક્ચર હતું...’ વિરાજ આખો કિસ્સો વાગોળે.
સામે આરોહી પાસે જુદું જ સંભારણું હોય : એના કરતાં કૉલેજવાળી બળેવ વિશે કહોને. તમે ખાસ મને પસલી આપવા પાર્ટટાઇમ જૉબ કરી હતી - હજાર રૂપિયાની એ તમારી પહેલી કમાણીની રિસ્ટવૉચ મેં હજીયે જતનથી જાળવી છે હોં ભાઈ!’
પછી તો રોજ આવા સ્મરણપટારા ઉલેચાતા જાય છે. ફોન મૂકી ક્યારેક આરોહી પિયર દોડી આવે : મને થયું, મોસાળમાં કેરી તોડવા જતાં એ કિસ્સો તો સાથે બેસીને જ વાગોળવો છે.
એમાં પછી મા-બાપ પણ જોડાય.
‘ભાભી, તમે પણ આવોને.’ આરોહીનું ધ્યાન અતડી રહેતી રિયા પર જાય. તેના વિવેક સામે રિયાને મોકો મળે: ના રે, હુંય ગામગપાટા હાંકવા બેસીશ તો ઘરનાં કામ ભગલો ભૂત આવીને કરશે? કેટલા દિવસથી હું તાલ જોઉં છું. મમ્મી જ્ઞાન આપવા બેસી જાય છે. તમે વણનોતર્યાં ટપકી પડો છો...’
કહેતી તે વિરાજને તંગ થતો ભાળી થોથવાય, ‘ના-ના, એટલે તું આવે એનો વાંધો જ નહીં, મને તો ગમે પણ વાતોનાં વડાંથી પેટ નહીં ભરાય, એનો બંદોબસ્ત તો મારે કરવાનોને! તમતમારે ગપાટો, હું રાંધણિયે જાઉં..’ કહી ફફડતા જીવે વિરાજ સામેથી છૂ થઈ જવું પડે.
નહીં, રિયા નહીં! સ્પર્ધાના બહાને તારો વર તારા ઘેરાવામાંથી નીકળી તેનાં માબાપ-બહેન તરફ વળી રહ્યો છે. તેને રોક, કોઈ પણ હિસાબે રોક!
(આવતી કાલે સમાપ્ત)