રક્ષાબંધન ભાઈની બેની લાડકી (પ્રકરણ ૫)

25 July, 2025 02:12 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

માલવિકાબહેને દીકરી સામે આંખો કાઢી. વિરાજ હસ્યો: તું જીતશે તો પણ મને આરોહીના જીત્યા જેટલો જ આનંદ થશે.

ઇલસ્ટ્રેશન

‘હેય આરોહી... વી વન!’

બીજા રાઉન્ડના લકી વિનર્સમાં સામેલ થવાના ખુશખબરે વિરાજ મીઠાઈનું બૉક્સ લઈ આરોહીના ઘરે પહોંચી ગયો: હવે જોને આપણે ફાઇનલ પણ જીતી જવાનાં!

‘હલો..હલો..’ સોનલે હાજરી જતાવી, ‘વિરાજભાઈ, અમે પણ રેસમાં છીએ હં!’

માલવિકાબહેને દીકરી સામે આંખો કાઢી. વિરાજ હસ્યો: તું જીતશે તો પણ મને આરોહીના જીત્યા જેટલો જ આનંદ થશે.

આમાં બનાવટ નહોતી. આ મારા અસલી વિરાજભાઈ!

તેના ગયા બાદ ગદ્ગદ કંઠે આરોહીથી બોલી પડાયું : સ્પર્ધાના રસ્તે મને તો મારો ભાઈ પાછો મળ્યાનો આનંદ છે...

માલવિકાબહેને વહુની પીઠ પસવારી. સોનલ તો નાદાન પડે, પણ આત્મનને કહ્યા બાદ સાસુ-સસરાથી આરોહીએ ઘરના સંજોગ છુપાવ્યા નહોતા. વિરાજમાં આવતો ગયેલો બદલાવ દેખીતો હતો. એનો આ ઘરમાં પણ સૌને આનંદ જ હોયને!

‘તારો ભાઈ બહુ ભોળો છે, વહુ! લગ્ન પછી પોતે કેવો બદલાયો એનું તેને જ્ઞાન નથી એમ આ સ્પર્ધા થકી કેટલો બદલાવ આવ્યો એ પણ તેને તો નહીં જ પરખાતું હોય...’ માલવિકાબહેન બોલ્યાં, ‘ભાઈ તો બહેન માટે જાન આપી દેશે, એમ બહેનની પણ ભાઈ માટે ફરજ ખરીને!’

‘હું સમજી નહીં, મમ્મી.’

‘સ્પર્ધા પતતાં વિરાજ વળી બદલાઈ ન જાય એ બહેન તરીકે તારે જોવાનું, આરોહી. આત્મન, સ્પર્ધામાંથી પરવારી રિયાની મતિ સુધારવાનું કંઈક વિચારી રાખજો.’

આત્મન-આરોહીએ ડોક ધુણાવી. દૂરથી તેમને સાંભળતી સોનલને તેમની વાતો તો બહુ સમજાઈ નહીં, પણ એક  મુદ્દો મનમાં જડાઈ ગયો ખરો.

lll

‘અમે જીતી ગયાં...!’ વિરાજ-આરોહીની ચીસે રિયા નીંદમાંથી જાગી ગઈ : બાપ રે, કેવું ડરામણું સપનું!

જોકે તેમના બેસ્ટ ભાઈ-બહેનનું ટાઇટલ જીતવાના ચાન્સિસ ઊજળા છે ખરા. ત્રીજા રાઉન્ડની કૅરમ, લીંબુ-ચમચી જેવી રમતોની પ્રૅક્ટિસ પણ જોરશોરથી ચાલુ છે. ધંધેથી આવી વિરાજ ક્યાં બેનના ઘરે જશે કે પછી એ લોકો અહીં ધામા નાખશે.... બન્ને પરિવારો ભેળા થશે ને ચાંપલી આરોહી ક્યારેક મારા પેરન્ટ્સનેય તેડાવી લે છે. એટલે પછી એ લોકો મારા કાનમાં આરોહીનાં વખાણ રેડે : તારી નણંદનું તો કહેવું પડે!

બસ. બસ. બસ. મેં ઢીલ મૂકી એમાં સૌને ફાવતું પડી ગયું છે, પણ નાઓ નો મોર. બે દિવસ પછી બળેવ છે. બધા સવારે આરોહીના ઘરે ભેગા થવાના છે. રક્ષાબંધન પતાવી બપોરે ત્યાંથી જ નાતના ફંક્શનમાં જવાનું છે.

અને આ નિર્ધારિત પ્રોગ્રામમાં મારું ધાર્યું કરી હું કશુંક અણધાર્યું કરી દેખાડવાની!

બહુ વિચારતાં દિમાગમાં ટિકટિક થવા લાગેલા આઇડિયા પર મત્તું મારતી હોય એમ રિયાએ દમ ભીડ્યો.

બપોરે તે ગલીના નાકે આવેલા મેડિકલ સ્ટોરમાં ગઈ.

એ સાંજે વિરાજ પણ એ જ સ્ટોરમાં પહોંચ્યો, એની રિયાને જાણ હોત તો! 

lll

‘મ..મ્મી!’

બળેવની સવારે સોનલની ચીસે માલવિકાબહેન પાછળ આરોહી–આત્મન પણ દોડ્યાં. જોયું તો તે ચીસો પાડતી એક પગે ફેરફુદરડી ફરતી હતી.

‘હાય-હાય, તને શું થયું!’ 

‘બારીનો કર્ટન પાડવા પલંગ પર ચડી હતી, ઊતરવા ગઈ એમાં લાગે છે જમણો પગ મોચવાઈ ગયો...ઉઈ..’

માલવિકાબહેને સોનલને પલંગ પર બેસાડી. આરોહીએ પગ પર હાથ મૂકતાં જ સોનલ ચીખી : નો ભાભી, બહુ દુખે છે!

બહેનના દુખે ભાઈ ઢીલો પડી ગયો. આરોહી ડૉક્ટરને ફોન કરવા ગઈ તો સોનલે તેનો હાથ પકડી લીધો: ભાભી, રજાના દહાડે કોણ ડૉક્ટર આવવાનો! થોડી વારમાં બળેવનું મૂરત છે. મને પગે પાટો બાંધી દો...’

‘અરે, પણ પાટા સાથે તું સ્પર્ધામાં દોડી શકીશ? ’

‘લંગડા પગે દોડીને મારે હારવું નથી ભાભી,’ સોનલે ટટ્ટાર ગરદને સંભળાવ્યું, ‘સ્પર્ધા ગઈ તેલ લેવા. બાકી તો મારી-ભાઈની જોડી બેસ્ટ છે એની અમને ખબર જ છે, હેંને ભાઈ?’

આત્મનની તો બહેનની હા માં હા જ હોય.

‘લો બોલો. જો કોઈ બીજા કારણે સ્પર્ધામાં જવાનું ન બન્યું હોત તો બહેનબાએ ઘર માથે લીધું હોત...’ માલવિકાબહેન બબડ્યાં.

હજી તો સોનલમાંથી પરવાર્યાં કે આરોહીનો ફોન રણક્યો. સામે રિયા હતી. ફફડતા અવાજે તે એકધારું બોલતી હતી :

‘આરોહી, જલદી ઘરે આવ. જોને, વિરાજ ઊઠતો નથી! કેટલું ઢંઢોળું છું તોય...’ 

હે ભગવાન. આજે આ થવા શું બેઠું છે!

આરોહી-આત્મન પરિવારસહ પિયર દોડી ગયાં. રાતે સૂતેલો વિરાજ કોમામાં ગયો હોય એમ ઘેનમાં સૂતો હતો. નવનીતભાઈએ ફૅમિલી-ડૉક્ટર જોબનપુત્રાને તેડાવ્યા હતા. તેમની રાહ જોવાતી હતી. વડીલોએ એકમેકને સંભાળ્યા. દરમ્યાન વિરાજના પલંગ સામે છાતી કૂટતી રિયા લવારે ચડી ગઈ : આરોહી, આ મારું જ પાપ તારા ભાઈને નડ્યું!

પા..પ? આરોહી-આત્મન ટટ્ટાર થયાં.

‘મારે તેમને આજે સ્પર્ધામાં જવા નહોતા દેવા એટલે મેં તેમના રાતના દૂધમાં જુલાબની દવા ભેળવી હતી. સવારે એનો પરચો દેખાત, દસ્તને કારણે તે ઢીલા પડી જાત. સ્પર્ધામાં ભાગ લેવાના હોશ ન રહેત. આટલી જ ગણતરી હતી મારી. પણ જોને, એ તો જાગતા જ નથી.’

આત્મનનાં જડબાં તંગ થયાં, આરોહી સ્તબ્ધ હતી : એક પત્ની પતિને નુકસાન પહોંચાડવાનું તો વિચારી જ કેમ શકે? આટલું ઝેર!

તેના મોં પર આવી ગયું કે મારા ભાઈને કંઈ થયું તો મારાથી બૂરી કોઈ નહીં.

પણ રિયાને કંઈ કહેવાય, તેની જોડે લડાય એવી તેની હાલત જ ક્યાં હતી? રાતે સૂતી વેળા રિયા પોતાની ચાલ પર બહુ મુસ્તાક હતી, પણ સવારે વિરાજ ઊઠ્યો જ નહીં એટલે બધી હોશિયારી હવા થઈ ગઈ. 

‘હાય-હાય. મારી દવાની કોઈ ઊલટી અસર તો નહીં થઈ હોયને! મૂઆ કેમિસ્ટે મને કોઈ ભળતી જ દવા નહોતી આપીને?’ રિયાના વિલાપને થોભ નહોતો,

‘આ..ત્મન, તમે તો કંઈ કરો. મારા વિરાજને ભાનમાં આણો. તેના વિના હું નહીં જીવી શકું...’

આત્મન-આરોહીની નજર એક થઈ. આખરે પત્નીનો પ્યાર પ્રભાવી થઈ જ ગયો. રિયા વિરાજને આટલું ચાહતી હોય તો અમારા માટે બીજું બધું ગૌણ છે.

અને વિરાજને તપાસતાં, ઢંઢોળતાં આત્મને ચમકવા જેવું થયું : તેના તકિયા નીચે આ ચિઠ્ઠી શાની!

ચિઠ્ઠી. રિયાના કાળજે કરવત ફરી : ક્યાંક વિરાજ મારી મનસા વિશે જાણી ગયા હોય ને તેમણે આ..પ..ઘાત..

ત્યાં આત્મન ચિઠ્ઠી વાંચતો સંભળાયો : પ્રિય રિયા, સવારે મને ઊઠવામાં મોડું થાય તો ગભરાઈ ન જતી. કાલે મારે સ્પર્ધામાં નથી જવું. ખરું પૂછે તો સ્પર્ધામાં રમમાણ બનતો ગયો એમ મને વહાલ સાથે વહેવારનો પણ થોડોઘણો સૂઝકો પડવા લાગ્યો છે. એટલે બીજા રાઉન્ડમાં જીત્યા પછી પણ ફાઇનલમાં રમવાનો જ નહોતો. અરે, આરોહી તો નાની છે, પણ મારાથી ઓછું બનેવી સામે હરીફાઈમાં ઊતરાય છે! અને આત્મન-સોનલ જીતશે તો મને અમારા જીત્યા જેટલી જ ખુશી થશે, આરોહીને પણ. એટલે ઊંઘની બે ગોળી લઈને સૂઈ જાઉં છું. એના પર દૂધ ન પિવાય એટલે તારું દૂધ મેં સિન્કમાં ઢોળી દીધેલું એ પણ કહી દઉં. તારે ઘરમાં તો એમ જ કહેવાનું કે મને રાતે શરદી લાગી એટલે ઍલર્જીની ઘેનની દવા લઈને સૂતા છે, તેમને ઉઠાડવા નહીં! બળેવ પણ આત્મનકુમાર –સોનલ જીતીને આવે પછી કરીશું... બોલ, આટલું મૅનેજ કરી લઈશને?

સૌ સ્તબ્ધ હતા. ભાવુક હતા. આત્મનના હાથમાં ફરફરતી ચિઠ્ઠીને રિયા વિસ્ફારિત નેત્રે તાકી રહી. વિરાજે મારી દવાવાળું દૂધ પીધું જ નહોતું! આ ચિઠ્ઠી મેં પહેલાં ભાળી હોત તો?

તો-તો હું પત્ની થઈને વરને માંદો પાડવાની ફિરાકમાં હતી એની તો કોઈને ગંધ આવવા ન દેત... બલકે વિરાજને વઢત : બહેન-બનેવી માટે આવાં ગાંડાં ન કઢાય! તમારે મારો વિચાર નહીં કરવાનો? બિચારાને પાણીથી પાતળો કરી નાખ્યો હોત.

અને તે હસી, ખડખડાટ હસી : તારો ભાઈ તો એક નંબર નો ઢ નીકળ્યો આરોહી! કેટલા વિશ્વાસે તે મને તેનું કાવતરું મૅનેજ કરવા કહે છે. જાણતો જ નથી કે આ બધું મને પરવડે એમ જ નથી. તેનાં માબાપ, તેની બહેનને મેં કદી મારા સર્કલમાં ગણ્યાં જ નથી. હું આટલા પ્યારને, ભરોસાને લાયક જ નથી. હું ખરાબ છું, આરોહી કહી દે તારા ભાઈને, હું બહુ જ ખ..રા..બ...’

ઘૂંટણિયે પડી તે રડતી રહી. આરોહીએ તેને રડવા દીધી. આખરે રુદન વાટે તેના મનનો મેલ ઉલેચાઈ રહ્યો હતો.

એ જ વખતે ડૉક્ટર આવ્યા ને વિરાજે કણસાટ કર્યો.

હા..શ!

lll

‘સ્પર્ધામાંથી બહાર રહેવા તને આવો જ ઉપાય સૂઝ્યો?’ 

વિરાજ હવે સ્વસ્થ હતો, પૂરેપૂરો જાગ્રત. એટલે પહેલાં તો મમ્મી-પપ્પા, બહેન-બનેવી બધાં જ તેના પર તૂટી જ પડ્યાં.

પછી આરોહી ભાઈના પડખે ગોઠવાઈ : તમારી આ ભેટ બહેનને હંમેશાં યાદ રહેશે! પણ આવું કરનારા તમે એકલા નથી, હોં ભાઈ!

તેણે સોનલને નિહાળી, ‘જો સોનલ, હજી કોઈને ખયાલ નથી આવ્યો કે અહીં આવ્યા પછીની ધમાલમાં તું પણ તારા પગની મોચ ભૂલી ગઈ છે!’

હેં! સોનલે જીભ કચરી. ત્યારે જાણ્યું કે તેનો પગ મોચવાયો જ નહોતો!

‘આવું નાટક કરાય?’ આત્મનનો સાદ ઊંચો થયો. સોનલ ભાભીની સોડમાં લપાઈ, ‘હા, કરાય. માએ બહેનની ફરજનું નહોતું કહ્યું? એ મુદ્દો મને સ્પર્શી ગયો. તમે તો મને સદા આપ્યું જ છે ભાઈ, પણ આજે બળેવના શુભ દિને મારે તમને કંઈ આપવું હોય તો એ ભાભીની ખુશીથી વિશેષ તો શું જ હોય?’

એટલે ભાભીને જિતાડવા નણંદે સ્પર્ધામાંથી હટી જવા પગ મચકાવાનું નાટક કર્યું!

‘જો મમ્મી, આ મારી બહેન!’ આત્મનના અવાજમાં હેતથી લપેટાયેલા ગર્વનો રણકો હતો.

‘હા-હા હવે. તું ને તારી બહેન!’ માલવિકાબહેન ભીની આંખે દીકરીને વળગી પડ્યાં : તું તો સાચે જ મોટી થઈ ગઈ મારી લાડો!

‘જ્યાં આવાં હેત હોય એ
ભાઈ-બહેનની દરેક જોડી બેસ્ટ છે!’ સંગીતાબહેને સંતાનોના ઓવારણાં લીધાં. હવે વિરાજનું ધ્યાન ગયું : રિયા, તું કેમ આમ એકલીઅટૂલી ઊભી છે?

‘કેમ કે હું આ પરિસરને લાયક નથી વિરાજ, તમને લાયક નથી.’

વિરાજના કપાળે સળ ઊપસી.

‘અમે બહાર જઈએ છીએ.’ આરોહીએ કહેતાં અન્યો બહાર નીકળ્યા. છેલ્લે નીકળતી આરોહી રૂમના ઉંબરે અટકી, અંદર નજર કરી એટલું જ બોલી : ‘દરવાજો બંધ કરતી જાઉં છું. એ ખૂલે ત્યારે મને મારાં ભાઈ-ભાભી હસતાં જોવા જોઈએ. હવેથી મારી એ જ વીરપસલી, એટલું યાદ રાખજો વિરાજભાઈ!’

અને તેણે દરવાજો બંધ કર્યો.

lll

વિરાજ સ્તબ્ધ હતો. રિયાએ તેની દરેક કટુતા કબૂલી હતી. તેના મનમાં મેલ હતો, પણ એ પસ્તાવામાં વહી ગયો. જે રહ્યો છે એ કેવળ પ્રણય છે એટલું પરખાતાં વિરાજે રડતી પત્નીને આશ્લેષમાં લીધી.

આ સ્વીકાર રિયા માટે સુખદ બદલાવરૂપ રહ્યો, હવે તેનામાં ઈર્ષા-ઝેર કદી પ્રવેશવાનાં નહીં.

lll

સૌથી મોટી સરપ્રાઇઝ નાતના ફંક્શનમાં મહેન્દ્રભાઇએ આપી: આજે નિયમ પ્રમાણે વિજેતા નીવડનારી જોડીને ટ્રોફી, ઇનામ તો મળશે પણ આ સ્પર્ધાનો ખરો હેતુ કોઈના ચુનાવનો નહોતો. ખરેખર તો સ્પર્ધાના બહાને ભાઈ-બહેનો પોતાની જર્ની, પોતાનું જોડાણ રિવાઇવ કરે; મને સાંભરે રે, મને કેમ વીસરે રે રૂપી વહાલના ધબકારાને માણે એ હતો. એમાં સહભાગી બનેલી તમામ જોડી બેસ્ટ છે ને સૌને માટે ઇનામ છે!

છેલ્લી ઘડીની આ સરપ્રાઇઝ રિયાની સ્પૉન્સરશિપને કારણે શક્ય બની હતી એની તેનાં સાસુ-સસરા સિવાય કોઈને ખબર નહોતી અને એ જાહેર કરવાની મહેન્દ્રભાઈને પણ મનાઈ હતી.

ઇનામ લઈને આવ્યા પછી ફુલ ફૅમિલીનો ફોટો બેઉ ઘરે ઝૂલે છે ને એમાં ઝિલાયેલાં સુખ-સંપ શાશ્વત રહેવાનાં છે.

(સમાપ્ત)

columnists gujarati mid day exclusive Sameet Purvesh Shroff mumbai