12 May, 2025 04:04 PM IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન
આમિરની પહેલી નજર એ વિદેશી યુવતીનાં ગૉગલ્સ પર પડી.
આવી ધૂંધળી સાંજે બૉમ્બેના પરેલ જેવા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં એક સોનેરી વાળવાળી ગોરી છોકરી આખરે શું કરી રહી હતી?
એ સાંજ ૧૯૮૩ના ડિસેમ્બર મહિનાની હતી. ત્યારે મુંબઈ ‘બૉમ્બે’ના નામે ઓળખાતું હતું. અહીં સડક પર જે હંગામો મચ્યો હતો એમાં પેલી ફૉરેનર બહુ ખરાબ રીતે ફસાવાની તૈયારીમાં હતી.
એક તરફ દત્તા સામંતે પડાવેલી ટેક્સટાઇલ મિલોની જબરદસ્ત હડતાળને કારણે ન્યુ કૉટન મિલ તરફ મજૂરોની મેદની સરઘસ આકારે ધસી રહી હતી, બીજી તરફથી એક લગ્નનો વરઘોડો આવી રહ્યો હતો. ‘મુંગડા... ઓ મુંગડા... મૈં ગુડ કી કલી...`
બૅન્ડવાજાંની એ ટ્યુનને કારણે સરઘસના કંઈકેટલાય પુરુષોની નજરમાં પેલી ગોરી વિદેશી બ્યુટી ‘ગુડ કી કલી’ (ગોળની કળી) જેવી દેખાઈ રહી હતી. કમ સે કમ બે ડઝન સડકછાપ પુરુષોની આંખોમાં સાપોલિયાં રમવા લાગ્યાં હતાં.
આ તરફથી વરઘોડો આવ્યો અને પેલી તરફથી મજૂરોનું સરઘસ. બન્ને સામસામે ભેગા થતાં જ ‘મુંગડા’ અને ‘ઇન્કિલાબ ઝિન્દાબાદ’ વચ્ચે સામસામી ટક્કર જામી.
પછી ‘દેખતા નહીં, સ્ટ્રાઇક કા જુલૂસ નિકલેલા હૈ?’ ‘તૂ દેખ ના સાલે, બરાત નઝર નહીં આતી?’ એમ કરતાં ભીડ એકબીજાને ધક્કે ચડાવવા લાગી. આનો લાગ જોઈને આઠ-દસ માણસોએ પેલી ફૉરેનર છોકરીને ઘેરી લીધી.
પહેલાં ભૂલથી અથડાઈ પડ્યા હોય એવો દેખાવ, પછી ચેનચાળા અને એ પછી રીતસર પોતાના હાથ અને શરીર વડે યુવતીને ભીંસવાનું શરૂ થયું.
આમિરે ઝડપ કરી. ‘રાજદૂત’ બાઇકને ફુટપાથ પર ચડાવી, પાર્ક કરીને તે ધક્કામુક્કી કરતો પેલા વાસનાભૂખ્યા ટોળા તરફ ધસી ગયો. જતાંની સાથે તેણે સૌથી પહેલાં તો એક આધેડ વયના દાઢીવાળા કાકાને બે ઠોકી દીધી. પછી એક ચશ્મિશ બાબુ ટાઇપના માણસને માથામાં થપ્પડ મારી. ‘સાલોં... હરામખોરોં! તુમ્હારે ઘર પે બીવી નહીં હૈ? અપની ઉંમર તો દેખો!`
પેલા બે વડીલ ભોંઠા પડીને આઘા ખસ્યા કે તરત આમિરે એક સૌથી હટ્ટાકટ્ટા માણસના બે પગ વચ્ચે લાત ફટકારી દીધી. હજી તેને કળ વળે અને સામો હુમલો કરે એ પહેલાં બીજા બેનાં ડાચાં પર કચકચાવીને મુક્કા ઠોક્યા.
‘એય એય! કાય ચાલલંય? ઇકડે કાય ચાલલંય?’ કરતો એક હવાલદાર ડંડો ઉગામતો ભીડમાં દાખલ થયો.
જેવો હવાલદાર નજીક આવ્યો કે તરત આમિરે તેના ગાલ પર એક સણસણતો લાફો ઠોકી દીધો, ‘સાલે કમીને? યે બંદોબસ્ત કરને કો તુમ્હે ઇધર રખ્ખા થા? અબી મુંહ ક્યા દેખ રહા હૈ? ચલ, જુલૂસ કે સાથ જા વરના ડી. કે. પાટીલ સા’બ કો તેરી કમ્પ્લેન જાએગી.’
પોતાના સાહેબનું નામ કોઈ અજાણ્યાના મોઢે સાંભળતાં જ હવાલદારની સાન ઠેકાણે આવી ગઈ. તે ફટાફટ સરઘસની પાછળ-પાછળ ભાગ્યો.
‘થૅન્ક યુ વેરી મચ. આપને ઐન મૌકે પર આકર મેરી મદદ કી...’ યુવતીએ વિદેશી ઉચ્ચારથી હિન્દીમાં આભાર માન્યો.
‘યુ સ્પીક હિન્દી?’ આમિરને નવાઈ લાગી.
‘ક્યૂં? સિર્ફ માર્ક ટુલી હી બોલ સકતા હૈ?` યુવતીએ તેનાં અસ્તવ્યસ્ત કપડાં સરખાં કરતાં કહ્યું, ‘માર્ક ટુલી અગર BBC સે હૈ તો મૈં લંડન કે ડેઇલી મિર૨ સે હૂં...’
આમિરે જોયું કે યુવતીની વાઇટ કૉટન કુરતી નીચે દેખાઈ રહેલી રેડ કલરની બ્રા સ્થાનભ્રષ્ટ થઈ ચૂકી હતી. તેનું પિન્ક કલરનું બેલબૉટમ પણ જાંઘ અને નિતંબના ભાગે પુરુષોના મેલા પંજાઓ વડે ડાઘાડૂઘીવાળું થઈ ગયું હતું.
‘યુ મેન આર ઑલ ધ સેમ.’ યુવતી જરા ગુસ્સાથી બોલી, ‘ઔરત કે બદન કો સબ એક હી તરહ સે દેખતે હૈં...’
‘પત્યું. જશને માથે જૂતિયાં...’ આમિર બબડ્યો.
‘ક્યા બોલે?’
‘નથિંગ...’ આમિરે ફુટપાથ પર પાર્ક કરેલી પોતાની બાઇક તરફ ઇશારો કર્યો. ‘કૅન આઇ રીચ યુ સમવે૨?’
lll
થોડી વાર પછી આમિરની બાઇક ભીડને ચીરીને બહાર નીકળી ચૂકી હતી.
‘હાઉ યુ કેમ હિયર? ઑલ મુંબઈ ટૅક્સી ઑલ્સો ઑન સ્ટ્રાઇક.’ બાઇક પર પાછળ બેઠેલી યુવતીને આમિરે પૂછ્યું.
‘હિન્દી મેં બોલિએ ના?’ યુવતી ફરી હસી. ‘મને બ્રિટિશ એમ્બેસીનો એક દોસ્ત તેની કારમાં અહીં મૂકી ગયો હતો. મને એમ હતું કે પાછા જતાં કોઈ કારની લિફ્ટ મળી જશે.’
‘ઔર યે ભીડ આપકો હી લિફ્ટ કર લેતી તો?’ આમિર હસ્યો. તેની બાઇક હવે પરેલના ધુમાડિયા વિસ્તારને વીંધીને પહોળા રાજમાર્ગ પર વહી રહી હતી.
‘યુ જર્નલિસ્ટ?’
‘નો...’ બાઇકની ગતિ સહેજ ધીમી પડતાં યુવતીએ જવાબ આપ્યો. ‘મારું નામ સોનિયા માયર્સ છે. હું લંડનના ‘ડેઇલી મિ૨ર’ નામના અખબારના એક સાપ્તાહિકમાં સસ્પેન્સ સિરીઝ લખું છું. આ વખતની સિરીઝમાં બૅકગ્રાઉન્ડ તરીકે મેં બૉમ્બે રાખ્યું છે. એટલે...’
‘બૉમ્બે? વાય બૉમ્બે?` આમિર હજી અંગ્રેજી બોલી જતો હતો.
‘બૉમ્બે ઇઝ વન્ડરફુલ... ઑલ ધીઝ ક્રાઉડ્સ, સ્ટ્રાઇક્સ, બૅન્ડબાજા ઑન સ્ટ્રીટ, સ્લમ્સ ઑફ ધારાવી, સ્પેક્ટૅક્યુલર ધોબીઘાટ, ઓવરક્રાઉડેડ ભિંડીબઝાર, ચોર બઝાર, ઝવેરી બઝાર... ફિલ્મી હોર્ડિંગ્સ, ફિલ્મી સૉન્ગ્સ, લોકલ ટ્રેન, ડબલડેકર બસ, પાનીપૂરી, ભેલપૂરી, વન્ડરફુલ તમાશા ઑન ધ સ્ટ્રીટ!’
‘ટૂંકમાં, અમને જે-જે ચીજોનો ત્રાસ થાય છે એ જ તમને ધોળિયાઓને ગમે છે!’ આમિર બબડ્યો.
‘વૉટ?’
‘નથિંગ, વિચ હોટલ યુ સ્ટે?’
‘હોટેલ ઍમ્બૅસૅડર... જુહુ બીચ...’
lll
એ જ સમયે હોટેલ ઍમ્બૅસૅડરની સામે જુહુ બીચના દરિયામાં સૂરજનો લાલ ગોળો ડૂબી રહ્યો હતો ત્યારે એની સામેના રોડ પર એક STD PCO બૂથમાં એક ઊંચો કાળો માણસ દાખલ થયો. તેણે હોટેલ ઍમ્બૅસૅડરના વેઇટરનો ડ્રેસ પહેર્યો હતો.
બૂથમાં દાખલ થઈ તેણે લંડનનો એક નંબર ડાયલ કરવા માંડ્યો. ત્રણ-ચાર વાર ડાયલ કર્યા પછી કનેક્શન લાગ્યું. તરત જ આ માણસ ફોન પર હથેળી ગોઠવીને ધીમા અવાજે બોલ્યો :
‘સુનો, રૉડ્રિગ્સ બોલ રહા હૂં... હમારે હોટેલ કી એક લેડી પૅસેન્જર કી પેન મેં... સુન રહે હો ના? પેન મેં સબ કુછ ડાલ દૂંગા. ઉસ કા નામ હૈ સોનિયા માયર્સ... ઓકે?’
ફટાફટ ફોન પતાવીને રૉડ્રિગ્સ બૂથની બહાર નીકળ્યો કે તરત બે જડથા જેવા માણસો એનો રસ્તો રોકીને ઊભા હતા.
‘કિસકો ફોન કિયા?’
રૉડ્રિગ્સને પરસેવો વળી ગયો.
lll
‘રાઇટિંગ કા કરીઅર કૈસા હોતા હૈ? ગેટ લૉટ ઑફ મની?` આમિરે બાઇકનો ટર્ન કાપતાં પૂછ્યું.
‘નૉટ લૉટ ઑફ...’ સોનિયા માયર્સ સહેજ હસી. ‘બટ આઇ લાઇક મિસ્ટરી...’
‘મિસ્ટરી તો મુઝે ભી અચ્છી લગતી હૈ.’ આમિર જરા રહસ્યમય રીતે
બોલ્યો. ‘જુઓને, કોઈ ફૉરેનની છોકરી છેક લંડનથી મુંબઈ આવે છે. મુંબઈની હાઇ-ફાઇ લાઇફ જીવવાને બદલે અહીંની સડકછાપ જિંદગીમાં ડોકિયાં કરે છે અને એ બધું માત્ર તેની સસ્પેન્સ સ્ટોરીમાં બૅકગ્રાઉન્ડ તરીકે વાપરવા માટે! યે ભી એક મિસ્ટરી નહીં હૈ?’
સોનિયા માયર્સે જવાબ ન આપ્યો.
lll
આખરે સોનિયા તેના રૂમમાં આવી ગઈ. આમિર નીચેથી ગુડબાય કરીને જતો રહ્યો હતો.
રૂમ ખુલ્લો જ હતો. સર્વિસ ટ્રૉલી રૂમના દરવાજાને ખુલ્લો જ રાખવાનો હોય એ રીતે વચ્ચે ગોઠવેલી હતી. સોનિયાએ સર્વિસ ટ્રૉલીને હટાવી દ૨વાજાની બહાર ધકેલી. દરવાજો એની મેળે બંધ થયો.
‘હલો? એનીબડી ઇન્સાઇડ?’
કોઈ જવાબ ન મળ્યો એટલે સોનિયાએ ધારી લીધું કે રૂમની સફાઈ કરનારો બહાર જતો રહ્યો છે.
સોનિયા સખત થાકી ગઈ હતી. ખભે લટકતો કૅમેરા અને સ્લિંગ-બૅગ બેડ પર નાખીને તે સોફામાં બેસી પડી.
‘વૉટ ટુ ડૂ?’ હવે કરવું શું? તે વિચારી રહી. જો ઇન્ડિયન યુવાને આજે તેને બચાવી ના હોત તો અત્યારે તે પોતે ક્યાં હોત? તેની શી હાલત થઈ હોત? કોણ હતો એ યુવાન? મેં તેનું નામ પણ ન પૂછ્યું.
પણ વાર્તાનું ચૅપ્ટર આજે જ લખાવું જરૂરી હતું. જો આજે રાત્રે લખાય તો જ સવારે ઍર-કુરિયરમાં ફ્લાઇટ દ્વારા એ લંડનની ‘ડેઇલી મિરર’ની ઑફિસે પહોંચી શકે. પણ જો ન લખાય તો...
સોનિયાના મનમાં વાર્તાનો આકાર તો તૈયાર હતો પણ ઘણીબધી ડીટેલ્સ ઉમેરવાની બાકી હતી. આજે પરેલ વિસ્તારમાં જે ઘટના બની એનાથી તે થોડી હચમચી ગઈ હતી, પણ પછી તેને વિચાર આવ્યો કે વાર્તામાં આ જ ઘટના ઉમેરી હોય તો?
હિરોઇનની છેડતીનો પ્રયાસ થાય છે. હિરોઇન સામનો કરવાની કોશિશ કરે છે, પણ હવસખોરો તેને ગલીમાં ખેંચી જાય છે. ચારથી છ જણ તેનો બળાત્કાર કરવાની તૈયારી જ કરતા હોય ત્યાં એક બીજો ફૉરેનર યુવાન આવી ચડે! હિરોઇનને થાય છે કે આ માણસ મને બચાવશે પણ એ પેલા ચાર જણને હુકમ કરે છે, ‘છોકરીને મારી કારમાં ગોઠવો, એ છોકરીનું મારે બીજું કામ છે!’
શું હોઈ શકે એ કામ? શું એ માણસ છોકરીને સ્મગલિંગના માલની કૅરિયર તરીકે વાપરવા માગે છે? પણ છોકરીને આ વાતની સહેજ પણ ખબર છે ખરી?
વિચારોમાં ખોવાયેલી સોનિયા માયર્સ ડોરબેલના અવાજથી જાગી. દરવાજો ખોલીને જુએ છે તો એક પડછંદ દેખાતો માણસ સામે ઊભો હતો. તેના ચહેરા પર મોટા કાળા ગૉગલ્સ હતા. સોનિયા હજી એને કંઈ પૂછે એ પહેલાં જ પેલો બોલ્યો :
‘સોરી, માય મિસ્ટેક, રૉન્ગ રૂમ,’
એ જતો રહ્યો. સોનિયાએ દરવાજો બંધ કર્યો. તેને થયું કે સૌથી પહેલાં સ્નાન કરીને ફ્રેશ થઈ જવું જરૂરી છે...
lll
એકાદ કલાક પછી બાથરૂમમાં હૉટ વૉટર બાથ લઈને ફ્રેશ થઈ ગયેલી સોનિયા માયર્સ હવે તેની રહસ્યકથાનું આગામી પ્રકરણ લખવાના મૂડમાં આવી ગઈ હતી.
તે ટેબલ પર બેઠી. ઉપર પડેલાં કાગળિયાં બાજુ પર મૂક્યાં. ડ્રૉઅર ખોલીને કોરા કાગળ કાઢ્યા. ટેબલ નજીક બેસીને સોનિયાએ પોતાના સોનેરી વાળમાં આંગળાં પરોવ્યાં. ગૉગલ્સને આંગળાં વડે હલાવતાં તે હિન્દી ફિલ્મનું એક ગાયન ગણગણવા લાગી:
‘આજ કી રાત... કોઈ આને કો હૈ... રે બાબા... ઉસે આને તો દે, અય દિલે બેકરાર... ફિર...’
ગીત ગણગણતાં સોનિયા તેની પેન શોધી રહી હતી. તેને યાદ આવ્યું કે પેન તો તેના નેવી બ્લુ કોટના ખિસ્સામાં જ હતી. તેણે વૉર્ડરોબ ખોલ્યો. અને બીજી જ ક્ષણે તેના મોંમાંથી એક તીણી ચીસ નીકળી ગઈ!
વૉર્ડરોબમાં લટકતા કોટની પાછળથી એક ઊંચા કાળા વેઇટરની લાશ સોનિયાના શરીર પર ઢળી પડી!
તેના કપાળમાં બુલેટનું કાણું હતું...
(ક્રમશઃ)