રેઇન્બો ડાયમન્ડ્સ સતરંગી રોમૅન્સ, અતરંગી સસ્પેન્સ (પ્રકરણ-૨)

13 May, 2025 02:34 PM IST  |  Mumbai | Lalit Lad

મુઝે સિર્ફ ઇતના બતાઓ કિ સાલા, યે છે ફીટ કા વેઇટર તુમ્હારે કબાટ મેં ઘુસકે ક્યા કર રૈલા થા?

ઇલસ્ટ્રેશન

સોનિયાની આંખો ફાટી ગઈ હતી. તે ઊભી-ઊભી ધ્રૂજી રહી હતી.

પેલો લાંબો કાળો માણસ, જે હોટેલ ઍમ્બૅસૅડરના વેઇટરના ડ્રેસમાં હતો, તે કબાટમાંથી બહારની તરફ ઢળી રહ્યો હતો ત્યારે સોનિયા માયર્સનું ધ્યાન તેની તરફ નહોતું કારણ કે તે હૅન્ગર પર લટકતા પોતાના નેવી બ્લુ કોટના ખિસ્સામાંથી પોતાની ગોલ્ડન પેન કાઢી રહી હતી.

પણ બીજી જ ક્ષણે પેલો મોટો કાળો આકાર વૉર્ડરોબના દરવાજાની બહાર આવતો દેખાયો. સોનિયા હજી કંઈ વિચારે એ પહેલાં તેનું માથું વૉર્ડરોબનાં વસ્ત્રો વચ્ચેથી નીકળીને સીધું સોનિયાની છાતી પર ઢળી પડ્યું. ખાસ્સી ૭૫ કિલો વજનની એ લાશ સોનિયાના આખા ગોરા બદન પરથી ઘસાતી હોટેલની ફર્શ પર ફસડાઈ રહી હતી. એવામાં લાશનું મોં સોનિયાની જાંઘો વચ્ચે ફસાયું! સોનિયા ડરીને, ચોંકીને પાછળ હટી. બે હાથ વડે ધડને જોરથી હડસેલ્યું. શિથિલ થઈ ગયેલી લાશ સોનિયાના ધક્કા વડે ત્રાંસી ફરી ગઈ અને ફર્શ પર પછડાઈ. તેનું મોં રૂમની છત તરફ હતું.

લાશના કપાળ પર બરાબર વચ્ચે બુલેટનું એક કાણું હતું. એમાંથી વહી ગયેલું લોહી થીજીને જાડો પોપડો બની ગયું હતું. સોનિયા માયર્સ હજી ઊભી-ઊભી ફફડી રહી હતી.

ત્યાં જ તેના રૂમ-નંબર ૭૦૪ની ડોરબેલ રણકી ઊઠી. સાથે જ એક સત્તાવાહી કડક આદેશ ઉમેરાયો : ‘ઓપન ધ ડોર! બૉમ્બે પુલીસ!’’ સોનિયા સમજી ગઈ, તે ફસાઈ ચૂકી હતી...

સોનિયાએ ઝડપથી બેડ પર પડેલો એક સ્કાર્ફ ઉઠાવીને પોતાના વક્ષઃસ્થળ ફરતે લપેટી લીધો. કાળાં ગૉગલ્સ સરખાં કરતાં તેણે દરવાજાની કડી ભરાવેલી રાખીને સહેજ જ ખોલ્યો. બહાર એક ઇન્સ્પેક્ટર અને બે હવાલદાર ઊભેલા દેખાયા.

‘બૉમ્બે પુલીસ! ઓપન ધ ડોર.’ ઇન્સ્પેક્ટર કડક અવાજે બોલ્યો.

સોનિયા જોરથી દરવાજો બંધ કરવા ગઈ પણ એ જ ક્ષણે ઇન્સ્પેક્ટરે કચકચાવીને લાત મારી. રૂમના દરવાજાની કડી તૂટી ગઈ. દરવાજો ધડામ્ કરતો ખૂલી ગયો.

‘કાય ચાલંય? ઇકડે કાય ચાલંય?’ કરતા બે હવાલદારો ડાઘિયા કૂતરાની જેમ અંદર ઘૂસી આવ્યા. તેમની પાછળ આવેલો ઇન્સ્પેક્ટર રૂમમાં જોવાને બદલે સોનિયાના શરીરને વધારે ૨સપૂર્વક જોઈ રહ્યો હતો.

‘સર સર! ઇધર તો એક ડેડ-બૉડી હૈ!’’ એક હવાલદારે ધ્યાન દોર્યું.

‘ચ્યાઇલા, ડેડ-બૉડી કાય બઘતોસ? હે લાઇવ બૉડી બઘા ના?’ ઇન્સ્પેક્ટર હસ્યો. તેની ગંદી નજરો સોનિયાની છાતી તરફ હતી.

સોનિયા જોયું કે ‘શિવરામ ગાયતોન્ડે’ની નેમ પ્લેટ ધારણ કરેલો આ માણસ જાડા અજગર જેવો હતો. ઘાટી ભ્રમર નીચે લોલુપ આંખોમાં વાસના ફૂંફાડો મારી રહી હતી.

‘મૈં મરાઠી સમજ સકતી હૂં. માઇન્ડ યૉર લૅન્ગ્વેજ ઇન્સ્પેક્ટર.’

‘અચ્છા? હોહોહો..’ તે હસવા લાગ્યો. ‘ઓકે. માઇન્ડિંગ માય લૅન્ગ્વેજ ઍન્ડ ઑલ્સો માઇન્ડિંગ માય બિઝનેસ. મૅડમ, માઝા પ્રશ્ના ચા ઉત્તર દ્યા. હે લાશ તુમાલા રૂમ મધે કુઠે આલી?’

‘હિન્દી મેં બતાતી હૂં. મુઝે કુછ માલૂમ નહીં.’

‘અચ્છા? રૂમ મેં કહાં સે આઇ યે મત બતાઓ, મુઝે સિર્ફ ઇતના બતાઓ કિ સાલા, યે છે ફીટ કા વેઇટર તુમ્હારે કબાટ મેં ઘુસકે ક્યા કર રૈલા થા? તુમ્હારી બ્લુ ફિલીમ તો નહીં ઉતાર રહા થા?’

‘માઇન્ડ યૉર લૅન્ગવેજ, મિસ્ટર ગાયતોન્ડે!’

‘આઇ માઇન્ડિંગ ઓન્લી માય બિઝનેસ. મિસ, ક્યા નામ હૈ આપ કા... સોનિયા, રાઇટ? સો મચ નાઇટ... ઍન્ડ સ્ટિલ યુ વેરિંગ ગૉગલ્સ! વાય?’

‘ઇન્સ્પેક્ટર, આ મારો રૂમ છે અને મારા રૂમમાં હું ગૉગલ્સ પહેરું કે ન પહેરું એ મારો પર્સનલ મામલો છે.’ સોનિયા માયર્સે હિન્દીમાં જવાબ આપ્યો.

‘તો હું પણ પર્સનલ મામલાની જ તપાસ કરવા આવ્યો છું મૅડમ.`

અચાનક ગાયતોન્ડેએ ઝડપથી સોનિયાનો સ્કાર્ફ છાતી પરથી ખેંચી કાઢ્યો! સોનિયાના વક્ષઃસ્થળ પર લોહીના ડાઘ હતા! સોનિયાની છાતી ઉત્તેજનાથી ધકધક થઈ રહી હતી.

‘સો નાઓ ટેલ મી.’’ નફ્ફટ ગાયતોન્ડેની નજર હજી સોનિયાની છાતી પર જ ચોંટેલી હતી. ‘હાઉ ધિસ બ્લડ કમ હિયર?’

‘જુઓ, કલાક પહેલાં રૂમમાં દાખલ થઈ ત્યારે રૂમમાં કોઈ નહોતું. હું થાકેલી હતી એટલે મેં બાથરૂમમાં સ્નાન કર્યું. હું એક લેખિકા છું. નાઇટગાઉન પહેરીને હું લખવા માગતી હતી. મારી પેન કાઢવા માટે મેં કબાટ ખોલ્યું કે તરત આ લાશ મારા પર આવીને પડી...`

ઇન્સ્પેક્ટર ગાયતોન્ડે સોનિયાની સામે પાંપણ પલકાવીને જોતો રહ્યો. ‘કૈસે ગિરી? લાશ કૈસે ગિરી?’ તેની નજરો સોનિયાની છાતીથી જાંઘો સુધી ફરતી રહી.

‘ડેમોન્સ્ટ્રેશન?’ ગાયતોન્ડે હસ્યો, ‘વન ડેમોન્સ્ટ્રેશન પ્લીજ?’

ગાયતોન્ડે વૉર્ડરોબમાં જઈને ઊભો રહ્યો. સોનિયાને વૉર્ડરૉબના દરવાજા સામે ઊભી રાખી. પછી લાશની જેમ લથડિયું ખાઈને પોતાનું મોં સોનિયાની છાતીમાં ઘુસાડવા જતો હતો ત્યાં જ સોનિયાએ પોતાનો ઘૂંટણ ઊંચો કરીને કચકચાવીને ગાયતોન્ડેની દાઢીમાં ફટકાર્યો.

ગાયતોન્ડેના દાંત ઘૂંટણના ફટકાથી હચમચી ગયા હતા. જડબું સરખું કરતાં તે બમણો ભૂરાયો થયો, ‘અભી તુમ દેખો...’

ગાયતોન્ડેએ પોતાના ખરબચડા પહોળા પંજામાં સોનિયાનું કાંડું પકડીને મરડી નાખ્યું. અજગરની જેમ બીજા હાથે સોનિયાના ગળા ફરતે ગાયતોન્ડેએ ભરડો લીધો. ‘એક તો મર્ડર કરતી હૈ ઉપર સે દાદાગીરી દિખાતી હૈ?’

ગાયતોન્ડેનો ખરબચડો ચહેરો સોનિયાની પીઠ પાછળથી તેની ગરદન સૂંઘી રહ્યો હતો. એ જ વખતે દરવાજેથી એક અવાજ સંભળાયો:

‘હોલ્ડ ઇટ રાઇટ ધેર! ઇન્સ્પેક્ટર!’

ઇન્સ્પેક્ટરે પીઠ ફેરવીને જોયું તો વાંકડિયા ઝુલ્ફાંવાળો એક પાતળો સરખો જુવાન રૂમમાં દાખલ થઈ ચૂક્યો હતો. તેની આંખો માંજરી હતી અને વાન એકદમ ગોરો. રેડ ટી-શર્ટ, બ્લુ બેલબૉટમ જીન્સ, પહોળો બેલ્ટ અને રેડ લેધર શૂઝ પહેરેલો એ યુવાન પહેલી નજરે જ ફૉરેનર લાગતો હતો.

‘જો તમે કાયદાનું સહેજ પણ જ્ઞાન ધરાવતા હો ઇન્સ્પેક્ટર..’ યુવાન ધાણીફૂટ ઇંગ્લિશમાં બોલી રહ્યો હતો. ‘...તો તમને ભાન હોવું જોઈએ કે તમે જેને હાથ વડે જકડીને ઊભા છો એ એક બ્રિટિશ સિટિઝન છે! અને કોઈ પણ વિદેશી નાગરિક પર આ રીતે ફિઝિકલ અને સેક્સ્યુઅલ અસૉલ્ટ કરવાના ગુનાસર તમે જેલમાં જઈ શકો છો એટલું જ નહીં, જો બ્રિટિશ એમ્બેસી આ મામલાને ગંભીરતાથી લેશે તો તમારી નોકરી જ નહીં, આખી મુંબઈ પોલીસની ઇમેજ પર કાળો ડાઘ લાગી શકે છે.’

ગાયતોન્ડેની પકડ ઢીલી પડી ગઈ. ‘કૌન હો તુમ? હુ આર યુ...’

‘આઇ ઍમ મિકી.’ તેણે ખિસ્સામાંથી પાસપોર્ટ કાઢીને હવામાં ધર્યો. ‘મિકી બ્રાઉન. આઇ ઍમ ઑલ્સો અ બ્રિટિશ સિટિઝન. હું સોનિયાનો કઝિન છું. અને હવે હું જોઉં છું કે તમને લંડનની કોર્ટમાં શા માટે પેશ ન કરવામાં આવે...`

ગાયતોન્ડે ગેંગેં-ફેંફેં થઈ ગયો. ‘નો નો, બટ સર, ડેડ-બૉડી ઇન હર રૂમ નો... વી હૅવ ટુ મેક રિપોર્ટ, નો?’

‘તો બનાવોને તમારો રિપોર્ટ? સોનિયા માયર્સને શા માટે હેરાન કરો છો? તેને તમે બાજુના રૂમમાં બેસાડીને લખવા દેવાની સગવડ કેમ નથી કરી આપતા? શી ઇઝ નૉટ ગોઇંગ ટુ રન અવે!’

‘યસ યસ, યુ આર રાઇટ.’

ગભરાયેલા ઇન્સ્પેક્ટરે પાંચ જ મિનિટમાં બાજુના રૂમમાં સોનિયા માયર્સને બધી વ્યવસ્થા કરી આપી.

lll

રાતના સાડાનવ થઈ રહ્યા હતા. સોનિયા માયર્સ હોટેલ ઍમ્બૅસૅડરના રૂમ-નંબર ૭૦૩માં રાઇટિંગ ટેબલ પર બેઠી હતી. રૂમની ખુલ્લી બારીમાંથી દેખાઈ રહેલા બૉમ્બેના ક્વીન્સ નેકલેસની લાઇટો તરફ જોતાં તે પોતાની ગોલ્ડન પેન આંગળીઓમાં રમાડી રહી હતી.

અચાનક સોનિયાના ચહેરા પર સ્માઇલ આવી ગયું. તેણે ગૉગલ્સ સરખાં કર્યાં, ‘મિકી, તું મારો કઝિન છે, રાઇટ?’

‘રાઇટ.’

‘પણ મને યાદ નથી આવતું.’

‘નૅચરલી. તું લંડનમાં ઊછરી, હું બર્મિંગહૅમમાં. તું તારી મા સાથે હતી, હું ઑર્ફન હાઉસમાં...’

‘ઓહ, યુ મીન..’

‘હા, હું અનાથ છું.’ મિકી હસ્યો. ‘બટ, ડોન્ટ વરી. એ ઇતિહાસ છે. આજે હું બૉમ્બેનો હૉટ-શૉટ મ્યુઝિશ્યન છું. રૉક બૅન્ડ ચલાવું છું. ફાઇવસ્ટાર હોટેલ્સની રેસ્ટોરાં અને બારમાં લાઇવ ૫ર્ફોર્મન્સિસ આપું છું. યુ નો ધૅટ સૉન્ગ ફ્રૉમ ‘યાદોં કી બારાત’? લેકર હમ દીવાના દિલ.. ફિરતે હૈં મંઝિલ મંઝિલ?’

‘ઓ યસ, નીતુ સિંહ ડૂઇંગ ધ હેલન ડાન્સ!’

‘યસ. એમાં જેટલા ગિટાર પીસ છે એ બધા મેં વગાડેલા છે!’

‘વાઓ!’ સોનિયાને નવાઈ લાગી. ‘પણ આટલા વખતથી આપણે એકબીજાને મળ્યાં કેમ નથી?’

એ જ વખતે બાજુના રૂમમાંથી કંઈ પછડાવાનો વિચિત્ર અવાજ સંભળાયો.

‘વૉટ વૉઝ ધૅટ?’ સોનિયા અટકી ગઈ.

બન્ને બાજુની રૂમમાં ધસી ગયાં. જઈને જુએ છે તો ગાયતોન્ડે અને તેના બન્ને હવાલદારોએ આખા રૂમને રમણભમણ કરી નાખ્યો હતો! સોનિયાની તમામ બૅગોમાંથી કાઢેલો સામાન વેરવિખેર પડ્યો હતો. વૉર્ડરોબના દરવાજા ખુલ્લા હતા. બધાં કપડાં બેડ પર ફેલાયેલાં પડ્યાં હતાં એટલું જ નહીં, સોનિયાની તમામ બૅગોની ચીરફાડ થઈ ચૂકી હતી. જે છેલ્લો અવાજ સંભળાયો એ રૂમનો સીલિંગ ફૅન પછડાવાનો હતો. હવાલદારો હવે રૂમના ઇલેક્ટ્રિક ફિટિંગ્સને ખોલી રહ્યા હતા.

‘માય ગૉડ!’ સોનિયા ચોંકી ગઈ. ‘આ શું ચાલી રહ્યું છે?’

‘ઇન્વેસ્ટિગેશન મૅડમ, ઓન્લી ઇન્વેસ્ટિગેશન.’ ગાયતોન્ડે શાંતિથી પરસેવો લૂછતો એક ખુરશી પર બેઠો હતો.

‘કમ ઑન.’ મિકીએ તરત સોનિયાનો હાથ પકડીને તેને ખેંચી. ‘મને કંઈક ગરબડ લાગે છે.’

સડસડાટ નીચે પહોંચીને મિકીએ પહેલાં જુહુ પોલીસ સ્ટેશન અને પછી કમિશનર ઑફિસમાં ફોન લગાડ્યો. સામેથી જે જવાબો મળ્યા એ ચોંકાવનારા હતા. ફોનનું રિસીવર હાથમાં રાખીને મિકીએ સોનિયાને કહ્યું :

‘સોનિયા, અહીં મર્ડર થયું છે અને પોલીસ ટીમને અહીં મોકલવામાં આવી છે એ વાતની કોઈને ખબર જ નથી એટલું જ નહીં, શિવરામ ગાયતોન્ડે નામનો બૉમ્બે પોલીસમાં કોઈ ઇન્સ્પેક્ટર જ નથી!’

બન્ને ફટાફટ લિફ્ટ લઈને સાતમે માળે ધસી ગયાં. જઈને જુએ છે તો આખો રૂમ અસ્તવ્યસ્ત પડ્યો હતો. અને પોલીસ ગાયબ હતી!

હાંફી ગયેલી સોનિયાની છાતી ધકધક થઈ રહી હતી. મિકીએ તેનો હાથ પકડીને કહ્યું : ‘સોનિયા, આઇ થિન્ક યૉર લાઇફ ઇઝ ઇન ડેન્જર..’

 (ક્રમશઃ)

columnists gujarati mid-day mumbai exclusive