16 May, 2025 12:09 PM IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન
સોનિયા માયર્સની આંખો સહેજ ખૂલી ત્યારે બૉમ્બેના બૅકબે રેક્લેમેશન પર પરોઢનું ધૂંધળું અજવાળું ફેલાઈ રહ્યું હતું. પડખું ફરતાં પહેલાં પોતાના વક્ષઃસ્થળની નીચે ગોઠવેલી પેલી ગોલ્ડન પેન સલામત છે કે નહીં એની ખાતરી હાથ ફેરવીને કરી લીધી કારણ કે એમાં પૂરા ૭૦ કરોડના ડાયમન્ડ્સ હતા.
બગાસું ખાઈને આંખો ચોળતાં સોનિયાએ જોયું તો ટૅક્સીના સામેના કાચમાંથી મિકી તેને ટીકી-ટીકીને જોઈ રહ્યો હતો.
‘વૉટ આર યુ લુકિંગ ઍટ?’’ સોનિયાએ છણકો કર્યો.
‘સેવન્ટી ક્રોર બ્યુટી!’ મિકી હસ્યો. ‘સોનિયા, હવે તો તારે મને સંપૂર્ણ જેન્ટલમૅન માની લેવો જોઈએ. આખી રાત તું મારી છાતી પર માથું નાખીને સૂતી રહી છતાં મેં તારી છાતીને સલામત રાખી છે! આઇ ડિન્ટ ઈવન ટચ ઇટ.’
‘શટ અપ!’
સોનિયા તેના અસ્તવ્યસ્ત બ્લાઉઝ-કમ-શર્ટને સરખું કરીને પોતાના સોનેરી વાળની પોની બાંધવા જતી હતી ત્યાં તેને એક અવાજ સંભળાયો.
‘ક્લિક...’
સોનિયા થંભી ગઈ, કારણ કે અવાજ ગનનું ટ્રિગર ખેંચવાનો હતો. સોનિયાએ ધીમેથી ગરદન ઘુમાવીને પાછળ જોયું તો બોનેટ પર ઊંધા સૂતેલા મિકીના લમણા પર એક ગન તકાયેલી હતી.
‘ચલો, માલ નિકાલો!’
કર્કશ અવાજે હુકમ કરનારો માણસ હમણાં જ કચરાપેટીમાંથી ચાલ્યો આવતો હોય એટલો ગંદો હતો. વિખરાયેલા વાળ, અસ્તવ્યસ્ત ફરકતી કાબરચીતરી દાઢી અને અસલી રંગ હરગિજ ન ઓળખી શકાય એટલાં મેલાં પૅન્ટ-શર્ટ.
‘સુના નહીં? લિસન નૉટ? માલ નિકાલો... ’ તે ફરી બોલ્યો.
‘માલ ચાઇયે?’ મિકીએ જાણીજોઈને વિદેશી ઉચ્ચારોવાળું હિન્દી બોલતાં પૅન્ટના ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. ‘તો લે લો. ઇસમેં ઓન્લી ફાઇવ હન્ડ્રેડ હાય, મગર અસલી માલ ટૅક્સી મેં હાય! વો નંઇ ચાઇયે?’
ગન ધરીને ઊભેલા લઘરાની આંખ ચમકી. મિકીના લમણેથી ગન ઉઠાવીને તે ટૅક્સીમાં સૂતેલી સોનિયાના દેહવળાંકો જોવા લાગ્યો.
‘લિસન મૅન...’ મિકી બોલ્યો ‘યે ગોરી લરકી મેરે સાથ રાટ કો સોઇ. મગર અબી બોલટી, આઇ ડોન્ટ લવ યુ. મૈં બોલા, ગો ટુ હેલ! અબી બોલો, ટુમકો યે લરકી ચાઇએ?’
ગન ધરીને ઊભેલા લઘરાના મોંમાં લાળ ટપકવા લાગી. ‘ક્યા, સચ મેં?’
‘અફકોર્સ, સચ મેં!’ મિકી બોનેટ પર બેઠો થયો. ‘ઇસકો લે જાઓ, ઉસકે સાટ જો કરના હાય કરો.’
લઘરો આંખો વડે સોનિયાના રૂપને ચાટતો ટૅક્સીમાં ઝૂકી રહ્યો હતો. મિકીએ તેને અટકાવ્યો. ‘પ્રાઇસ તો બોલો, ક્યા ડોગે?’
‘મેરે પાસ તો..’
‘યે ગન હૈ ના? ચલેગા. કિટને કા હૈ?’
‘ગન ક્યા, બીસ હજાર કા તમંચા હૈ તમંચા. બીસ ફીટ તક સહી નિશાને પે ગોલી મારતા હૈ. અંદર છે ગોલી ભી હૈ. લે લો..’
‘બસ?’ સિર્ફ એક ટમંચા મેં પુરી લરકી?’
મિકીના આખા અંદાજ પર સોનિયાને સખત ચીડ ચડી રહી હતી. આ હલકટ માણસ તેના શરીરનો સોદો કરવા તૈયાર થઇ ગયો? અને એ પણ માત્ર ૨૦ હજારના તમંચાના બદલામાં?
‘યુ બ્લડી પિમ્પ!’ સોનિયા દાંત ભીંસીને બોલી. આ એ જ મિકી હતો જે ગઈ કાલે રાત્રે તેને ‘આઇ લવ યુ’ કહેતો હતો.
‘અરે, અભી તો તમંચા રખો?’ લઘરાએ મિકીના હાથમાં ગન પકડાવતાં કહ્યું, ‘બાદ મેં પાંચ હજાર ઔર દૂંગા.’
મિકીએ ગન લઈ લીધી. ‘ઠીક હૈ, માલ કે સાથ જો કરના હૈ ક૨ લો. મુઝે ટૅક્સી ચાઇયે.’
સોનિયાને થયું કે હમણાં જ ટૅક્સીની બહાર આવીને મિકીના ગાલ પર બે સણસણતા તમાચા ઠોકી દે. પણ સ્થિતિ વણસી ચૂકી હતી. પેલો ગંધાતો લઘરો ટૅક્સીના ખુલ્લા બારણામાંથી અંદર ઘૂસી રહ્યો હતો. સોનિયાએ હતું એટલું જોર કરીને લાત મારવાની કોશિશ કરી પણ પેલા લઘરાની પકડ મજબૂત હતી. સોનિયાના તરફડતા પગને પોતાના શરીર નીચે દબાવતો તે વધુ અંદર ઘૂસ્યો.
એ જ વખતે એક ધડાકો સંભળાયો!
અને બીજી જ ક્ષણે કારમી ચીસ પાડતો પેલો લઘરો ઘવાયેલા મગરમચ્છની જેમ ઊછળ્યો! ટૅક્સીની બહાર પટકાઈને તે તરફડવા માંડ્યો.
મિકીએ તમંચા વડે બરોબર તેની પૂંઠમાં ગોળી મારી હતી!
હવે એ લઘરો કાનના કીડા ખરી જાય એવી ગંદી ગાળો બોલતો ગરોળીની કપાયેલી પૂંછડીની જેમ ઊછળી રહ્યો હતો !
‘કમ ઑન સોનિયા, ફાસ્ટ!’
મિકીએ કૂદીને ઝડપથી ટૅક્સીમાં બેસતાંની સાથે સ્ટિયરિંગ સંભાળ્યું અને ટૅક્સી મારી મૂકી.
પરોઢના ધૂંધળા ઉજાસને ચીરતી ટૅક્સી બૅકબે રેક્લેમેશનના મેદાનની ધૂળ ઉડાડતી ભાગી રહી હતી. સોનિયાને મિકીનું આ ત્રીજું રૂપ જોવા મળ્યું.
lll
મિકીએ ભગાવી મૂકેલી ટૅક્સી જ્યારે ઊભી રહી ત્યારે સોનિયાએ પોતાનાં ગૉગલ્સમાંથી ઊંચે જોતાં કહ્યું, ‘આ આપણે ક્યાં આવી ગયાં?’
મિકીએ દરવાજો ખોલતાં કહ્યું, ‘તું તો મુંબઈની ભોમિયણ છેને? તને નથી ખબર?’
‘અફકોર્સ મને ખબર છે! આ તો ફેમસ રાજાબાઈ ટાવર છે જેને પ્રેમચંદ રાયચંદ જૈન નામના એક કરોડપતિએ ખાસ પોતાની બ્લાઇન્ડ મા રાજાબાઈ જૈન માટે બનાવડાવ્યો હતો જેથી તેમની માતાજી સાંજના ડંકા વાગે એ પહેલાં પોતાનું ભોજન લઈ શકે!’
‘વાઓ!’ મિકીએ સોનિયાનો હાથ પકડીને તેને નીચે ઉતારતાં કહ્યું, ‘તો મૅડમ, આપણું આ ગઈ કાલ રાતથી જે સસ્પેન્સ થ્રિલર ચાલી રહ્યું છેને, એનો ક્લાઇમૅક્સ આ રાજાબાઈ ટાવરની ટોચ પર લખાયેલો છે!’
‘વૉટ? હું સમજી નહીં.’
‘બધું સમજાઈ જશે, કમ ઑન...’
lll
ટાવરની અંદરનાં લગભગ દોઢસો જેટલાં પગથિયાં ચડ્યા પછી મિકી અને સોનિયા એના ચોથા માળે એટલે કે ટાવરની તોતિંગ ઘડિયાળના ૪૦ ફીટ પહોળા ડાયલની બરાબર ઉપર હતાં.
‘માય ગૉડ! વૉટ અ વ્યુ!’
અહીંથી દેખાઈ રહેલા ૧૯૮૩ની સાલના બૉમ્બેને જોઈને સોનિયા દંગ થઈ ગઈ હતી. ‘યાર મિકી, તારી ઓળખાણો બહુ લાંબી લાગે છે. આ ટાવરની સિક્યૉરિટીએ તને રોક્યો પણ નહીં?’
‘ના. કેમ કે મેં તને કહ્યુંને, આપણા સસ્પેન્સ થ્રિલરનો ક્લાઇમૅક્સ અહીં જ ભજવવાનો છે.’
‘વૉટ ક્લાઇમૅક્સ?’ સોનિયાને જરા ધ્રાસ્કો પડ્યો.
‘વેલ, યુ સી... તું રાત્રે જ્યારે ઘસઘસાટ ઊંઘી રહી હતી ત્યારે મેં એક મેડિકલ સ્ટોરના ટેલિફોન બૂથમાંથી કેટલાક ખાસ લોકોને ફોન કર્યા હતા.’
‘કેવા ફોન?’
‘એ જ કે... છોકરી મારી પાસે છે, અને છોકરી પાસે ડાયમન્ડ્સ છે!’
‘એટલે?’ સોનિયા ચોંકી ગઈ.
‘એટલે એમ કે આખા મુંબઈમાં જ નહીં, આખા ઇન્ડિયામાં જેને-જેને આ ડાયમન્ડ્સનો સોદો કરવામાં રસ છે એ તમામ અંધારી આલમની પાર્ટીઓ અહીં વારાફરતી આવશે... તારા ઉપર બોલી લગાવશે અને... ’
‘અને તું મને વેચી દઈશ! એમ?’
‘યસ્સ! જેમાં ૭૦ કરોડની બોલી કમ સે કમ ૧૫૦ કરોડે જઈને અટકી શકે છે.’
‘વૉટ ધ હેલ? યુ આર સેલિંગ મી આઉટ?’
‘નૉટ યટ, બેબી!’
એ જ ક્ષણે મિકીએ સોનિયાના બન્ને હાથમાં હાથકડી પહેરાવી દીધી!
‘લુક સોનિયા, આ ટાવર સુધી આવવાના બે રસ્તા છે જેને તું અહીંથી બહુ સ્પષ્ટ રીતે જોઈ શકશે. તારા ખરીદદારો પણ તને આરામથી જોઈને, ખાતરી કરીને પછી જ ઉપર આવશે... બસ, હવે આ રાજાબાઈ ટાવરના ડંકા ગણતી રહેજે.’
lll
સોનિયાના પગ પણ બંધાયેલા હતા.
તે ઉપરથી જોઈ રહી હતી. નીચે થોડા-થોડા સમયના અંતરે કંઈક ભેદી ટાઈપના લાગતા માણસો દાખલ થઈ રહ્યા હતા... ઘડિયાળના ડંકા કાનના પડદા ધ્રુજાવી નાખે એ રીતે વાગી રહ્યા હતા...જાયન્ટ સાઇઝના કાંટા ફરી રહ્યા હતા.
છેવટે પૂરેપૂરા બાર ટકોરા સોનિયાના કાનના પડદામાં રીતસર કાણાં પાડી નાખવાના હોય એવો શોર મચાવ્યા પછી જ્યારે શાંત થયા ત્યારે મિકી પાછળથી આવ્યો.
‘કમ ઑન સોનિયા, યુ આર ફ્રી નાઓ!’ તેણે સોનિયાની હાથકડીઓ ખોલી નાખી. પગનાં દોરડાં પણ છોડી નાખ્યાં.
‘આ શું નાટક છે? ક્લાઇમૅક્સનું શું થયું?’
‘એ ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરમાં જ ભજવાઈ ગયો.’ મિકીએ ખુલાસો કરતાં કહ્યું :
‘આપણે અહીં ઉપર આવ્યાં એ પછી નીચેના ત્રણે ફ્લોર મુંબઈ પોલીસે સિક્યૉર કરી લીધા હતા. વારાફરતી, જેમ-જેમ આ તારા ડાયમન્ડ્સના ખરીદદાર આવતા ગયા તેમ-તેમ એ બધા દાખલ થતાં જ પકડાઈ ગયા!’
સોનિયા હજી દંગ હતી. મિકી હસ્યો : ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ સોનિયા! ઇન્ડિયા, નેપાલ, ચાઇના, બર્મા અને છેક આફ્રિકાના ડઝન જેટલા ટૉપ સ્મગલરો ઝડપાઈ ગયા છે!’
‘એક મિનિટ, મિકી, તું કોણ છે?’
‘માઇકલ થૉમસ. M16નો સીક્રેટ એજન્ટ! પેલો આમિર તને હોટેલ પર સેફલી મૂકી ગયો હતોને, તે અમારો ખબરી છે. અમને ઇન્ફર્મેશન મળી હતી કે અહીંથી ફૉરેન જતા ટૂરિસ્ટોના સામાનમાં તેમને જાણ ન થાય એ રીતે અમુક કીમતી ચીજો ઘુસાડીને સ્મગલિંગ ચાલી રહ્યું છે. અને...’
મિકીએ હવે ધડાકો કર્યો, ‘સોનિયા, તું પણ એ સ્મગલિંગ રૅકેટની ચેઇનમાં છે! અત્યાર સુધી તું આ કામ એટલા માટે કરી રહી હતી કે ...’
મિકીએ અચાનક સોનિયાનાં ગૉગલ્સ ખેંચી કાઢ્યાં. ગૉગલ્સના કાળા કાચ પાછળ જે આંખો હતી એની આસપાસની ચામડી બળી ગયેલી હતી!
‘કારણ કે એક એસિડ અટૅકમાં તારી બન્ને આંખો ડૅમેજ થઈ ચૂકી હતી. એમાં માત્ર ૬૦ ટકા જ વિઝન હતું. આનું ઑપરેશન કરાવવા માટે તને પૈસાની જરૂર હતી.’
‘એટલે હવે તો એ ઑપરેશન ભૂલી જ જવાનુંને?’ સોનિયાએ નિસાસો નાખ્યો.
‘અફકોર્સ નૉટ!’ મિકી હસ્યો. ‘મુંબઈ પોલીસે નક્કી કર્યું છે કે એ ઑપરેશનનો તમામ ખર્ચ તને ઇનામ તરીકે આપવામાં આવશે.’
‘અને મારી સસ્પેન્સ સ્ટોરીઝ? એનું શું?’
‘કમ ઑન સોનિયા! તું માત્ર વારતા બનાવી શકે છે, લખી નથી શકતી. એ વાત અમે છ મહિના પહેલાંથી જાણતા હતા.’
(સમાપ્ત)