ધ ટેલિસ્કોપ મિસ્ટરી અનલિમિટેડ (પ્રકરણ ૧)

08 September, 2025 01:20 PM IST  |  Mumbai | Rashmin Shah

જ્યારે આઉડી ચલાવતી વ્યક્તિને તાત્કાલિક ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી અને ઑપરેશન થિયેટરની લાલ લાઇટ ચાલુ થઈ.

ઇલસ્ટ્રેશન

ધડામ...

હોટેલ તાજથી નીકળીને ગેટવે ઑફ ઇન્ડિયા સામેથી પસાર થતી કારની સામે કોણ જાણે ક્યાંથી એક લાવારિસ કૂતરું આવી ગયું અને એને બચાવવા જતાં આઉડી કાર સીધી ટૅક્સી સાથે અથડાઈ. અથડામણ એવી ખતરનાક હતી કે છેક હોટેલ તાજના સિક્યૉરિટી ગાર્ડ્સના કાને એ પડી અને તેમના મનમાં ૨૬/૧૧ની ઘટના આવી ગઈ. એક ગાર્ડ તો વૅલે પાર્કિંગ માટે રાખેલાં પોડિયમની પાછળ સંતાઈ પણ ગયો.

‘કુછ નહીં હૈ, ઍક્સિડન્ટ હૈ.’

અથડાયેલી કારમાં શરૂઆતમાં તણખા ઝર્યા અને ફાટેલી પેટ્રોલ ટૅન્કે આગ પકડી, જે જોઈને ચારમાંથી બે ગાર્ડ દોડતા કાર પાસે પહોંચ્યા. કારની છએ છ ઍરબૅગ ખૂલી ગઈ હતી. નસીબજોગે ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી વ્યક્તિને બહાર કાઢવામાં ખાસ વાર લાગી નહીં અને પાંચમી મિનિટે ઍમ્બ્યુલન્સ આવી ગઈ.

ટૅક્સી-ડ્રાઇવરને ઈજા થઈ હતી પણ એ ઈજા સામાન્ય હતી, જ્યારે આઉડી ચલાવતી વ્યક્તિને તાત્કાલિક ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી અને ઑપરેશન થિયેટરની લાલ લાઇટ ચાલુ થઈ.

lll

‘ગુડ મૉર્નિંગ, મિસ્ટર વિશ્વજિત શાહ...’

ડૉક્ટર મઝુમદાર રૂમમાં એન્ટર થયા અને સીધા વિશ્વજિત પાસે ગયા.

‘કેમ છે હવે?’

‘એકદમ ફાઇન. જે પ્રૉબ્લેમ છે એ તો તમને ખબર જ છે.’

‘હંમ...’ ડૉક્ટરે બેડ પાસે બેઠેલી વિશ્વજિતની સિસ્ટર મીરા સામે જોયું, ‘આ વિશ્વજિતના ફાઇનલ રિપોર્ટ્સ છે.’

એ પછી ડૉક્ટરની જીભ પર આવેલા શબ્દો ઍક્સિડન્ટ સમયે થયેલા ધડાકા જેટલા જ વિસ્ફોટક હતા.

‘વિશ્વજિત, ટુ બી વેરી ઑનેસ્ટ વિથ યુ... અત્યારના સમયે તો મને નથી લાગતું કે તું ક્યારેય ચાલી શકે.’ ડૉક્ટરે દિલગીરી દાખવી, ‘આઇ ઍમ સૉરી.’

‘અરે, એમાં તમે શું કામ સૉરી કહો, તમારી ભૂલ થોડી છે?’ વિશ્વજિતે બેડ પર બેઠાં થતાં કહ્યું, ‘ભૂલ મારી હતી, ઉતાવળ મને હતી તો હવે એ ભોગવવાની પણ મારે જ હોયને?’

વાતને આટલી સહજ રીતે વિશ્વજિત લેશે એવું ડૉક્ટરે ધાર્યું નહોતું. ડૉક્ટરે મીરા સામે જોયું અને મીરાએ જવાબ આપ્યો, ‘બે દિવસ પહેલાં જ મેં તેને આ વાત કરી. સર, વિશ્વની એક વાત ક્લિયર છે. રિયલિટી સ્વીકારીને આગળ વધતા જવાનું.’

વાત કોઈ પણ હોય, ગમે એવી હોય કે ન ગમે એવી; પણ સ્વીકાર વિના જીવન શક્ય નથી. અત્યારે નૉર્મલ રહેવાની, શાંત દેખાવાની કોશિશ કરતા આર્કિટેક્ટ વિશ્વજિત શાહને જ્યારે ઍક્સિડન્ટની આડઅસર ખબર પડી ત્યારે ખરેખર તો અંદરથી ખળભળી ગયો હતો. જેની પેન્સિલથી ગગનચુંબી ઇમારતોની ડિઝાઇન ઊભી થતી એ વિશ્વજિત હવે ક્યારેય પોતાના પગ પર ઊભો રહી શકવાનો નહોતો.

lll

‘વિશ્વ, સૂવાનું નથી.’

વ્હીલચૅર પર બેડરૂમમાંથી હૉલમાં આવીને વિશ્વએ ફરી આંખો બંધ કરી કે તેના કાને નિશાનો અવાજ આવ્યો.

‘છેલ્લા એક વીકથી હું જોઉં છું, તું દર વખતે રૂમમાંથી બહાર નીકળીને ફરી સૂઈ જાય છે.’ વિશ્વજિત પાસે આવતાં નિશાએ કહ્યું, ‘વિશ્વ, આમ થોડું ચાલશે? તું જ કહેતોને કે અપસેટ નહીં થવાનું, ઊભા થઈને આગળ વધવાનું.’

વિશ્વના ફેસ પર સ્માઇલ આવ્યું, પેઇનફુલ સ્માઇલ.

‘ઊભા થઈને આગળ વધવાનું... જે ઊભા ન થઈ શકે તેણે તો... તેણે તો સૂતા જ રહેવાનું હોયને?’

હવે શું બોલવું એ નિશા સમજી નહોતી શકી અને વિશ્વજીતે ફરી આંખો બંધ કરી. થોડી જ સેકન્ડમાં વિશ્વના વાળમાં નિશાનો સ્પર્શ આવ્યો.

‘આપણે એક કામ કરીએ, આજે હું તને સરસ મસાજ કરી આપું.’ નિશાના અવાજમાં ઉત્સાહ હતો, ‘દીદીને હું ઍરપોર્ટ મૂકવા ગઈ ત્યારે તેણે મને કહ્યું’તું કે તને હેડ-મસાજ બહુ ગમે છે. તું નાનો હતો ત્યારે રોજ મા પાસે મસાજ કરાવતાં-કરાવતાં સૂઈ જતો. રાઇટ...’

નિશાએ વિશ્વનું માથું વ્હીલચૅર પર પાછળની બાજુએ ઢાળ્યું અને તેણે સહેજ આંખો ખોલી. વિશ્વના ફેસ પર સ્માઇલ હતું અને એ સ્માઇલમાં હળવાશ ઉમેરવાનું કામ નિશાના હાથે કર્યું. ચંપી કરતાં-કરતાં નિશાની જીભ પણ ચાલુ રહી.

‘હું અહીં રોજ તો રોકાઈ નહીં શકું. યુ બેટર નો, આપણે થોડી આદત પણ પાડવાની છે. એકલા રહેવાની...’ નિશાએ તરત જ ચોખવટ કરી, ‘આઇ મીન, તું વ્હીલચૅર પર તારી જાતને કેવી રીતે મૅનેજ કરે છે એની આદતની વાત કરું છું એટલે વાતને ખોટી રીતે લેતો નહીં.’

‘ભગવાને લાઇફને જ ખોટી રીતે લઈ લીધી પછી હું કેવી રીતે વાતને ખોટી રીતે લઉં?’

‘વિશ્વ...’ નિશા ઇરિટેટ થઈ ગઈ, ‘હવે કોઈ ફિલોસૉફી નહીં. બસ... પ્રૅક્ટિકલ વાત અને રિયલ વાત. હવે તારે આ બધામાંથી બહાર આવવાનું છે. તારા ઍક્સિડન્ટને ત્રણ મહિના થઈ ગયા. આવતા ત્રણ વીકમાં તારે ફરી ફ્રન્ટ ફુટ પર આવવાનું છે ને આપણે તારા બધા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દેવાનું છે.’

‘અરે હા...’ આંખો ખોલી વિશ્વ નિશા તરફ ફર્યો, ‘બ્રીચ કૅન્ડીના રીડેવલપમેન્ટ પર પહેલાં કામ કરવાનું હતું. એ લોકોને અર્જન્સી હતી અને એમાં આ બધું...’

‘મેં મારી રીતે થોડું કામ કર્યું છે.’ નિશાએ ઉત્સાહથી પૂછ્યું, ‘દેખાડું?’

નિશા પણ આર્કિટેક્ટ હતી. વિશ્વજિતની ફર્મમાં તેણે ઇન્ટર્નશિપ કરી અને પછી તે વિશ્વના પ્રેમમાં પડી.

lll

‘સર, ચોવીસ કલાક તમને કામ કરીને થાક ન લાગે?’

તૈયાર થયેલા મૉડલનું ફાઇનલ ટચ-અપ કરતાં વિશ્વએ નકારમાં માથું ધુણાવી દીધું. જોકે તેણે ઑફિસમાં સૌથી પહેલી આવી ગયેલી નિશા તરફ નજર કરવાની તસ્દી સુધ્ધાં નહોતી લીધી.

વિશ્વની આંખો અને આગલા દિવસના ગેટઅપ પરથી નિશા સમજી ગઈ હતી કે તે ઘરે ગયો નથી.

‘ચા પીવાની બાકી છેને?’

‘સો કાઇન્ડ ઑફ યુ...’ વિશ્વએ નિશા સામે જોયું, ‘બે કપ.’

‘ચા અને કામ...’ નિશાએ પેન્ટ્રી તરફ પગ ઉપાડતાં કહ્યું, ‘ઑક્સિજન વિના પણ સર, તમે તો ચલાવી શકોને?’

કામ કરતાં-કરતાં પણ વિશ્વના ફેસ પર સ્માઇલ આવી ગયું હતું.

નિશા આજમાં અને અત્યારમાં જીવવામાં માનતી અને વિશ્વજિત આવતી કાલમાં. તેને અઢળક કામ કરવું હતું. અઢળક નામ મેળવવું હતું. ઑપોઝિટ ઍટ્રૅક્ટ્સની થિયરી નિશા અને વિશ્વને લાગુ પડી અને એ જ થિયરીએ તે બન્નેને નજીક લાવવાનું કામ કર્યું.

lll

‘આમાં કંઈ સજેશન આપવાનાં કે નહીં?’

વિશ્વની નજર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન પર હતી. નિશાએ તરત જ કહ્યું, ‘આપવાનું જ હોયને. અલ્ટિમેટલી આ પ્રોજેક્ટ પર તારું નામ જવાનું છે તો તને જે ચેન્જ કરવા જેવા લાગે એ કહેવા જ જોઈએ.’

‘પછી ખબર છેને તારો ઈગો...’

‘ઈગો જેવું કંઈ હોતું જ નથી મિસ્ટર વિશ્વ. હકીકતમાં એ વ્યક્તિની ખરાબ સાઇડ હોય છે જેને તેણે ઈગો નામ આપી દીધું છે.’

‘એ ચાંપલી, બંધ થા...’

એક સમયે પોતે જ બોલેલા શબ્દો નિશાએ અત્યારે વાપર્યા અને વિશ્વના ચહેરા પર રહેલા સ્માઇલની સાઇઝ વધી.

‘ધૅટ્સ લાઇક માય બૉય...’ નિશાએ આઇપૅડ હાથમાં લીધું, ‘કરેક્શન અને સજેશન મને એમાં જ નોટ કરી દે એટલે એ ભુલાય નહીં.’

‘એક જ સજેશન છે. ટેરેસ પર ગાર્ડન કાઢીને સોલાર પૅનલ મૂકીએ.’ વિશ્વજિતે કહ્યું, ‘ઍગ્રી, તેં પેશન્ટના પૉઇન્ટ ઑફ વ્યુથી વાત વિચારી છે કે રીકવર થતાં પેશન્ટ્સને વૉર્ડબૉય ગાર્ડનમાં લઈ જશે પણ મને નથી લાગતું કે એટલી કૅર કોઈ કરે. એના કરતાં જો સોલાર એનર્જીથી હૉસ્પિટલના મેઇન્ટેનન્સનો ખર્ચ ઘટશે તો હૉસ્પિટલ પોતાના બીજા ચાર્જિસ ઘટાડી શકશે.’

‘સુપર્બ સર...’

નિશાને ખબર હતી કે વિશ્વને ‘સર’નું સંબોધન હંમેશાં ગમતું અને એટલે તે ઘણી વાર તેને ‘સર’ કહીને ચીડવતી પણ ખરી.

‘આ તો હમણાં અડધા જ કલાકમાં થઈ જશે.’ નિશાએ વિશ્વની સામે જોયું, ‘તું કહે તો અત્યારે જ કરી નાખું.’

‘હા, તું કર. હું થોડી વાર સૂઈ જાઉં.’ નિશાએ ગુસ્સા સાથે વિશ્વની સામે જોયું કે તરત વિશ્વએ કહ્યું, ‘મે બી મેડિસિનની અસર હશે પણ સાચે જ ઊંઘ આવે છે.’

‘થોડીક વાર... નૉટ મોર ધૅન વન અવર...’ વિશ્વનું કમ્પ્યુટર ચાલુ કરતાં નિશાએ કહ્યું, ‘આજે રૂમમાં તું એકલો જઈશ ને તારી જાતે તું બહાર આવીશ. અમે કોઈ તને જગાડવા નહીં આવીએ.’

વિશ્વએ વ્હીલચૅર રૂમ તરફ લીધી અને તેની પીઠ પર અવાજ આવ્યો.

‘રાજુ, મારી ચા...’

એકબીજાને ચાહનારા ક્યારે એકબીજા જેવા થઈ જાય એની ક્યાં ક્યારેય ખબર પડી છે?

lll

‘વિશ્વ, જાગને...’ વિશ્વજિતે આંખ ખોલી કે તરત નિશાએ દેકારો કરવાનો શરૂ કર્યો, ‘કહ્યું’તુંને તને, તારે જાતે જાગવાનું છે. મેં પ્રોજેક્ટમાં તારા સજેશન મુજબ ચેન્જિસ કરી નાખ્યા. માર્કેટમાં જઈ આવી અને એ પછી પણ તું જાગ્યો નથી.’

‘કેટલા વાગ્યા?’

‘સાંજના સાત...’ નિશાએ વિન્ડો પરથી કર્ટન હટાવ્યા કે કેસરી આકાશનો પ્રકાશ રૂમમાં દાખલ થયો, ‘જલદી બહાર આવ. મને ભૂખ લાગી છે.’

‘હા પણ હાથ તો આપ...’

‘નો વે...’ નિશાએ હક સાથે કહ્યું, ‘તારે જાતે જ વ્હીલચૅર પર આવવાનું છે. આવ જલદી, હું ડિનર રેડી કરું છું.’

રૂમમાંથી બહાર જતી નિશાને વિશ્વ જોતો રહ્યો. વિશ્વ પથારીમાં બેઠો થયો. તેણે વ્હીલચૅર નજીક લીધી અને પછી જાતે જ પોતાના બન્ને પગ જમીન પર મૂકીને થાપાના ભાગથી શરીરને ઊંચું કર્યું. વજન એક તરફ વધતાં વ્હીલચૅર પણ એક સાઇડથી ઊંચી થઈ અને બૅલૅન્સ જશે એવી બીક લાગતાં વિશ્વએ વ્હીલચૅર છોડી દીધી. વ્હીલચૅરનું જે ટાયર જમીનથી અધ્ધર થયું હતું એ જોરથી જમીન પર પછાડયું અને બહારથી અવાજ આવ્યો,

‘પડ્યો... તો હું આવું.’

વિશ્વના ફેસ પર સ્માઇલ આવ્યું.

‘કહે છે તો એવી રીતે જાણે મને ઊંચકી શકવાની...’

‘ઊંચકવા માટે તાકાતની નહીં મિસ્ટર શાહ, હિંમતની જરૂર પડે...’ રૂમમાં દાખલ થતાં નિશાએ પોતાના મસલ્સ દેખાડ્યા, ‘હિંમત તો તારી આ મિસ શાહમાં અઢળક છે.’

‘હિંમત મસલ્સમાં નહીં, મનમાં હોય.’

‘ઓહ સૉરી... ખોટી જગ્યાએ ઇશારો કરી દીધો.’ વ્હીલચૅર પર ગોઠવાયેલા વિશ્વને રૂમની બહાર લઈ જતાં નિશાએ કહ્યું, ‘તારા માટે એક બેસ્ટ ટાઇમપાસ ગિફ્ટ લાવી છું. શું હશે, કહે જોઈએ.’

‘મને કેમ ખબર હોય યાર.’

‘શું તું પણ. જરાક તો તસ્દી લે...’

ડાઇનિંગ ટેબલ પાસે વ્હીલચૅર ઊભી રાખી નિશાએ પોતાની બૅગ હાથમાં લઈ એમાંથી એક બૉક્સ કાઢ્યું.

‘જો...’

‘શું છે?’

‘જરાય પેશન્સ જ નથી. બૉક્સ તારા હાથમાં છે તો ખોલ, જો...’

વિશ્વએ બૉક્સ ખોલ્યું અને તેની આંખો પહોળી થઈ.

‘ટેલિસ્કોપ?’ વિશ્વએ નિશાની સામે જોયું, ‘આ કેમ...’

‘તું કહે છેને રાતે તને ઊંઘ નથી આવતી. હવે તારે રોજ બાલ્કનીમાં જઈને આ ટેલિસ્કોપથી તારાઓ જોવાના અને હું જે તારા શોધવાનું કહું એ શોધી રાખવાના.’ નિશાએ કહ્યું, ‘તારો આજનો ટાસ્ક સપ્તર્ષિ. કાલે હું અહીં રોકાઈશ, તારે સપ્તર્ષિ શોધીને રાખવાના છે.’

નિશાને ક્યાં ખબર હતી કે ટાઇમપાસ માટે તેણે જે ટેલિસ્કોપ વિશ્વના હાથમાં મૂક્યું છે એનાથી વિશ્વની જ નહીં, તેની પોતાની લાઇફમાં પણ જબરદસ્ત ઉતારચડાવ આવવાના છે.

વધુ આવતી કાલે

columnists gujarati mid day mumbai Rashmin Shah exclusive