10 September, 2025 12:45 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
‘નિશા, હું સાચું કહું છું...’ વિશ્વજિતના અવાજમાં ધ્રુજારી હતી, ‘હજી પણ લાશ તેના ઘરમાં છે. પાંડેએ તેની વાઇફને મારતાં પહેલાં જે કંઈ કહ્યું એ બધેબધું મને ખબર છે. પાંડે બહુ ગંદી ગાળો બોલતો હતો.’
‘વિશુ, પ્લીઝ... થોડો તો મગજ પર કન્ટ્રોલ રાખ. તારો એ પાંડે શું બોલતો હતો એ તને અહીં કેવી રીતે સંભળાવવાનું ને ધાર કે મોટા અવાજે તે બોલ્યો તો બીજા લોકોને પણ સંભળાયું હશેને?’
‘ના, તે મોટેથી નહોતો બોલતો...’ વિશ્વજિતને યાદ આવ્યું અને તેણે તરત નિશાને કહ્યું, ‘મને લિપ-રીડિંગ આવડે છે. કેમ એ મને નથી ખબર; પણ તું બોલ્યા વિના હોઠ ફફડાવીને કંઈ પણ બોલ, હું એ જોઈને તને કહી દઈશ કે તું શું બોલી?’
નિશાએ ખરેખર ટ્રાય કરી અને વિશ્વજિતે તરત જવાબ આપ્યો, ‘ના, હું ગાંડો નથી થઈ ગયો. હું સાચું કહું છું...’
નિશાની આંખો પહોળી થઈ. હોઠ ફફડાવીને તે ખરેખર એ જ બોલી હતી કે તું ગાંડો થઈ ગયો છે.
‘એક ટ્રાય કરીએ, લાસ્ટ ટ્રાય...’
‘આ રમતનો ટાઇમ નથી નિશા... તું જલદી તેના ઘરે જા.’ વિશ્વજિતે રાજુ સામે જોયું, ‘રાજુ, તું મૅડમની સાથે જા... જલદી...’
‘જઈને હું શું કરું?’
‘એ બધું તું જાણે, પણ પહેલાં તેના ઘરે જઈને જો.’ વિશ્વજિતે તરત જ દિમાગ લડાવ્યું, ‘જો સાંભળ, તું એમ કહે કે મને ફીમેલ પ્રૉબ્લેમ છે. મારે તમારી વાઇફ સાથે વાત કરવી છે. પાંડેને તું ઓળખે છે એટલે વાંધો નહીં આવે.’
‘રાજુ તું અહીં રહે...’ જતાં-જતાં નિશાએ ધીમેકથી વિશ્વને કહી દીધું, ‘ફીમેલ પ્રૉબ્લેમ હોય તો હું છોકરાને લઈને પૂછવા જઉં? સ્ટુપિડ...’
lll
‘વિશ્વ, ગજબ થયું...’
પાછા આવતાં જ નિશાએ તરત દરવાજો બંધ કરી દીધો. નિશાને પરસેવો વળી ગયો હતો. પરસેવો ડરનો હતો કે પછી તે ભાગતી આવી એનો એ કોઈને સમજાયું નહોતું.
‘તું કહે છેને, પાંડેએ તેની વાઇફને મારી નાખી, રાઇટ?’ નિશાએ ઘટસ્ફોટ કર્યો, ‘પાંડેની વાઇફ તેના ઘરમાં છે...’
‘વૉટ?’
‘હા, પાંડેની વાઇફ તેના ઘરમાં છે. મને મળી તે...’
‘પૉસિબલ જ નથી. મેં મારી આંખે જોયું... ઇમ્પૉસિબલ.’ વિશ્વજિતની આંખો સામે ફરી એ જ દૃશ્યો આવી ગયાં જે તેણે ટેલિસ્કોપમાં જોયાં હતાં, ‘નિશા, તે હન્ડ્રેડ પર્સન્ટ પાંડેની
વાઇફ હતી.’
‘હું પણ એ જ કહું છું, મને અત્યારે જે મળી તે પાંડેની વાઇફ જ હતી. એ જ વાઇફ જેની સાથે તે હૉસ્પિટલમાં તારી હેલ્થ જોવા આવ્યો હતો.’
‘મારું માથું ફાટે છે. આ... આ કેવી રીતે શક્ય બને?’ વિશ્વએ ફરીથી વાતને સમજવાનો પ્રયાસ કર્યો, ‘જો, મેં મર્ડર જોયું અને પછી તને ફોન કર્યો. બોરીવલીથી તને અહીં પહોંચતાં એક કલાક થયો. આ એક કલાકમાં તેની વાઇફની ટ્રીટમેન્ટ પણ થઈ જાય અને તે સાજી-સારી થઈને સામે પણ આવી જાય એ પૉસિબલ નથી. તારી કંઈક ભૂલ થાય છે નિશા. તું મળી તે પાંડેની વાઇફ નહીં હોય, બીજું કોઈ હશે.’
‘મીન્સ, મર્ડર થયું છે એ કન્ફર્મ છે?’
‘પાંચ હજાર ટકા... નિશા, હું ભૂલ ન કરું. તું... તું તો મને ઓળખે છેને.’ વિશ્વજિતના અવાજમાં ઉત્સાહ હતો, ‘બ્લુપ્રિન્ટમાં થયેલી એક MMની ખોટી લાઇન પણ જો મને પકડાતી હોય તો આવડી મોટી વાતમાં હું કેવી રીતે ભૂલ કરું?’
lll
‘જો નિશા, જલદી જો...’ વિશ્વજિતની આંખો હજી પણ ટેલિસ્કોપના વ્યુ-પૉઇન્ટ પર હતી, ‘જો પાંડે બૅગ લઈને બહાર જાય છે. આઇ ઍમ શ્યૉર, હવે તે ડેડ-બૉડી નિકાલ કરવા માટે લઈ જાય છે.’
નિશા બાજુમાં આવી કે તરત વિશ્વજિતે ટેલિસ્કોપ તેની સામે ધર્યું. નિશાએ પણ એમાંથી જોયું અને તેને દેખાયું કે નીરજ પાંડે પોતાની કારની ડિકીમાં બૅગ મૂકતો હતો.
‘હવે શું કરવાનું?’
‘તું તેને રોક... જા જલદી.’
‘હા, પણ પછી...’
‘તું મોબાઇલ લઈને જલદી જા. આપણે ફોનમાં વાત કરીએ.’ નિશાએ મોબાઇલ હાથમાં લીધો કે તરત વિશ્વજિતે કહ્યું, ‘તું... તું રાજુને સાથે લઈ જા...’
નિશા અને રાજુ બન્ને બહાર નીકળ્યાં અને નિશાના મોબાઇલમાં રિંગ વાગી.
‘લિફ્ટ આવે છે વિશુ...’
‘સાંભળ...’ વિશ્વજિતે ફટાફટ કહેવાનું શરૂ કર્યું, ‘તારે જઈને પાંડેને વાતોમાં રાખવાનો છે. તું તેને વાતો કરાવતી હોય એ વખતે રાજુને કહેજે કે તે ડિકી અને બૅગ ચેક કરે. હું ફોન મૂકું છું. તું રાજુને ઇન્સ્ટ્રક્શન આપી દે, ફાસ્ટ... કોઈ ભૂલ થવી ન જોઈએ.’
‘ઓકે, ડોન્ટ વરી...’
નિશાએ ફોન કટ કરીને રાજુની સામે જોયું.
lll
‘ભાઈ, સાચું કહું છું... બૅગમાં તેની ફૅક્ટરીનો સામાન ભર્યો’તો.’ રાજુએ પોતાની ચાલાકી દેખાડતાં મોબાઇલ સામે ધર્યો, ‘જોવો, મેં ફોટો પણ પાડી લીધો.’
રાજુના મોબાઇલમાં પાડેલો ફોટો વિશ્વજિત ધ્યાનથી જોતો રહ્યો.
દેખીતી રીતે રાજુની વાત ખોટી નહોતી.
બૅગની ચેઇન ખુલ્લી હતી અને એ બૅગને રાજુએ સહેજ ઊંચી કરીને ફોટો પાડ્યો હતો. ફોટોમાં સ્પષ્ટ દેખાતું હતું કે બૅગમાં પાંડેએ કાસ્ટિંગ મશીનમાં ચડાવવામાં આવતી હોય એ મશીન-ડાઇ મૂકી હતી.
‘વિશુ, મેં મારી રીતે બહાદુરને પૂછ્યું તો બહાદુરે પણ કહ્યું કે આટલી વજનવાળી બૅગ દર અઠવાડિયે પાંડે તેની ફૅક્ટરી પર લઈ જાય છે.’ નિશાએ કહ્યું, ‘મધ્ય પ્રદેશ અને બિહારથી રેગ્યુલરલી ટ્રાવેલ બસમાં પાંડેને મશીન-ડાઇ આવતી હોય છે. બસ પાલઘર જતી નથી એટલે પાંડે એ મશીન-ડાઇની ડિલિવરી અહીં અંધેરીમાં લઈ લે છે.’
વિશ્વજિતે પોતાની વ્હીલચૅર ટર્ન કરીને બેડરૂમ તરફ ધકેલી. તેના મનમાં એકધારા ચાલતા વિચારો તે ધીમા અવાજે બોલતો જતો હતો.
‘મર્ડર થયું છે એ ફાઇનલ છે. ડેડ-બૉડીનો નિકાલ પણ અત્યાર સુધીમાં થઈ જવો જોઈએ. જો એ ન થયો હોય તો ડેડ-બૉડી પાંડેના ઘરમાં છે અને ફ્રિજમાં છે... યસ...’ વિશ્વજિતે વ્હીલચૅર ફરી નિશા-રાજુ સામે ફેરવી.
‘તમે બન્ને હવે પાંડેના ઘરે જાઓ. નિશા, તું પાંડેની વાઇફને વાતોમાં રાખજે અને રાજુ, તું તેના ઘરનું ફ્રિજ ચેક કરી લે. કદાચ ડેડ-બૉડી એમાં હશે...’
‘વિશુ, આપણે થોડું વધારે પડતું નથી કરતા?’
‘ના, નથી કરતા...’ વિશ્વજિત ઝડપથી નિશાની નજીક આવ્યો, ‘તું મારો વિશ્વાસ રાખ. હું... હું જરા પણ ખોટું નથી કહેતો. મર્ડર થયું છે. મર્ડર પાંડેએ કર્યું છે. બસ, એ પ્રૂવ કરવા માટે આપણને ડેડ-બૉડી જોઈએ છે. જાઓ તમે...’
કોઈ જાતનો તર્ક લગાવ્યા વિના નિશા અને રાજુ રવાના થયા અને વિશ્વજિતે બારીમાંથી ટેલિસ્કોપ પાંડેના ફ્લૅટ પર માંડ્યું.
lll
‘તારી ઇચ્છા મુજબ જોઈ લીધું, પણ ત્યાં કંઈ નથી.’
‘મેં ફોટો પણ પાડી લીધો.’ રાજુએ પોતાનું દોઢડહાપણ સામે ધર્યું, ‘કબાટ જેવું મોટું ફ્રિજ છે. એક નહીં બે લાશ આવી જાય એવડું મોટું... ફ્રિજના બેય ભાગના ફોટો લીધા ને પછી આખું ફ્રિજ ખોલીને પણ ફોટો લઈ લીધા.’
‘ઘરમાં બીજે ક્યાંય ડેડ-બૉડી રાખી શકે એવી જગ્યા...’
‘બોડી તો ક્યાંય પણ રાખી શકાય; પણ વિશુ, તું જ કહે છેને કે બૉડી ૪ કલાકથી વધારે સમય રાખવું હોય તો પણ કોલ્ડ સ્ટોરેજ જોઈએ અને એક પણ પ્રકારનું કોલ્ડ સ્ટોરેજ પાંડેના ઘરમાં નથી.’
‘નિશા, બે વાત ક્લિયર કરવાની છે. એક, વાઇફનું મર્ડર થયું છે એટલે આ લેડી જે અત્યારે વાઇફ બનીને ઘરમાં રહે છે તે કોણ છે... અને બીજી વાત, ડેડ બૉડી ગયું ક્યાં?’ વિશ્વજિત અપસેટ થયો, ‘જો હું એક વાર તે લેડીને મળી લઉં તો...’
‘મને ખાતરી હતી કે તારા મનમાં આ વિચાર આવશે એટલે મેં એનો રસ્તો કાઢી લીધો.’ નિશાએ તરત જ કહ્યું, ‘પાંડે અને તેની વાઇફને આજે ડિનર માટે આવવાનું મેં ઇન્વિટેશન આપી દીધું.’
lll
‘આઇ ડોન્ટ થિન્ક કે પાંડે આવે.’
‘આવશે વિશુ, તું હાઇપર નહીં થા. નહીં આવે તો આપણે બીજો કોઈ રસ્તો...’
નિશાની વાત પૂરી થાય એ પહેલાં જ ડોરબેલ વાગી.
‘જો આવી ગયાં...’ નિશાએ અલર્ટ થઈને વિશ્વજિતનું ટી-શર્ટ સરખું કર્યું અને ધીમેકથી કહી દીધું, ‘તારે એકદમ નૉર્મલ રહેવાનું છે, ભૂલતો નહીં.’
ડોર ખોલવા નિશા ટર્ન થઈ અને તે હેબતાઈ ગઈ.
તેની સામે નીરજ અને તેની વાઇફ કોમલ પાંડે ઊભાં હતાં. રાજુએ દરવાજો ખોલી નાખ્યો હતો.
‘વિશ્વજિતભાઈ, ઉસમેં કૌન સી બડી બાત હૈ, બગૈર પૈર દુનિયા મેં કઈ લોગ જીતે હૈં...’ નીરજે નિશાની સામે જોયું, ‘મૅડમ, સાચું કહે છે. તમારે નૉર્મલ જ રહેવાનું, ટેન્શન નહીં કરવાનું.’
‘હા, નીરજ સાચું કહે છે...’ કોમલ બોલી, ‘મેડિકલ સાયન્સ પણ આગળ વધતું જાય છે. મે બી, ફ્યુચરમાં આનો ઑપ્શન પણ આવી જાય અને ટ્રીટમેન્ટ મળી જાય.’
lll
લગભગ કલાકેક વાત થઈ અને પછી ડિનરમાં અડધો કલાક પસાર થયો. વાત દરમ્યાન નિશા નૉર્મલ બિહેવ કરતી રહી, પણ વિશ્વજિતનું ધ્યાન માત્ર કોમલ પર હતું. તેને ખાતરી થઈ ગઈ હતી કે ચોવીસ કલાક પહેલાં જેનું મર્ડર થયું તે કોમલ જ હતી. જો મર્ડર થયું તે કોમલ હતી તો અત્યારે જે સામે બેઠી છે તે કોણ છે?
‘તમે, તમે કેટલા સમયથી નીરજ સાથે છો?’
‘મૅરેજ ટાઇમથી...’ કોમલે નીરજ સામે જોયું, ‘૨૦૦૧ની ૮ સપ્ટેમ્બરે અમારાં મૅરેજ થયાં અને એન્ગેજમેન્ટ...’
કોમલ જે તારીખો બોલતી હતી એ તારીખો સાથે વિશ્વજિતને કોઈ લેવાદેવા નહોતી. હકીકત એ પણ હતી કે આ તારીખો વિશે વિશ્વજિતને કશી ખબર પણ નહોતી; પણ હા, એટલું પુરવાર થતું હતું કે કોમલ રાતોરાત ક્યાંયથી આવી નહોતી. તે નીરજ વિશે બધું જાણતી હતી અને સૌથી અગત્યની વાત, તેનો કૉન્ફિડન્સ પણ એ જ હતો જે નીરજની વાઇફનો હોય.
lll
‘ચલો વિશ્વજિતભાઈ...’ નીરજ ઊભો થયો, ‘થૅન્ક્સ ફૉર લવલી દાલ-ઢોકલી. આઇ લવ યૉર ગુજરાતી ફૂડ...’
‘રિયલી, બહુ મજા આવી. જમવાની પણ અને વાતો કરવાની પણ...’ કોમલે ઉત્સાહથી કહ્યું, ‘હવે તમે લોકો અમારે ત્યાં આવો.’
‘શ્યૉર...’
નિશાએ જવાબ આપ્યો કે તરત જ નીરજ પાંડેએ કોમલને કહ્યું, ‘અરે, લાવી છો એ આપી તો દે... પાછી ભૂલી જઈશ.’
‘ઓહ, આઇ ઍમ સૉરી...’ કોમલે પોતાની હૅન્ડબૅગમાંથી એક ગિફ્ટ-બૉક્સ કાઢ્યું, ‘બેસ્ટ આકિર્ટેક્ટ માટે તેને ગમે એવી ગિફ્ટ...’
નિશા કંઈ કહે એ પહેલાં જ નીરજે કહ્યું, ‘કોઈ ફૉર્માલિટી નથી. બસ, કોમલને ગમ્યું અને તેણે લઈ લીધું.’
‘થૅન્ક્સ...’
નિશાએ ગિફ્ટ હાથમાં લઈને ડાઇનિંગ ટેબલ પર મૂકી અને નીરજ પાંડે, કોમલ પાંડેએ રજા લીધી.
lll
‘કંઈ સમજાતું નથી યાર...’ વિશ્વજિત જબરદસ્ત ફ્રસ્ટ્રેટેડ હતો, ‘હું હજી પણ કહું છું કે મેં જે જોયું છે એ સાચું છે. પાંડેએ મર્ડર કર્યું, તેની વાઇફનું મર્ડર કર્યું તો પછી ડેડ-બૉડી ગયું ક્યાં... અત્યારે ઑલમોસ્ટ ૨૪ કલાક થવા આવ્યા. જો ઘરમાં બૉડી હોત તો-તો આખી સોસાયટીમાં એની બદબૂ પ્રસરી ગઈ હોત. મતલબ બૉડી હવે ઘરમાં નથી.’
‘તો બૉડી છે ક્યાં?’
નિશાએ વિશ્વજિત સામે જોયું.
વિશ્વજિતની આંખો તેની સામે ગોઠવાયેલા અને થોડી વાર પહેલાં નીરજ-કોમલ પાંડેએ આપેલી દુનિયાની સાત અજાયબીના મિનિએચર પર હતી. મિનિએચર માર્બલમાંથી બનાવવામાં આવ્યું હોય એવું દૂધ જેવું સફેદ હતું.
(ક્રમશ:)