વિઘ્નહર્તા સહવાસ - વિશ્વાસની રમત (પ્રકરણ ૧)

01 September, 2025 03:11 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

શ્રાવણીમાં એનો પડઘો આપોઆપ ઝિલાયો. સાહિત્યમાં માસ્ટર્સ કરીને તે ક્યાંક નોકરીનું વિચારતી હતી એ દરમ્યાન અરેન માટેનો પ્રસ્તાવ આવ્યો.

ઇલસ્ટ્રેશન

રિમઝિમ ગિરે સાવન...

સુલગ સુલગ જાએ મન...

પરસાળના હીંચકે ઝૂલીને બહાર વરસતા વરસાદને નિહાળતાં આપોઆપ લતાનું ગીત હોઠે આવી ગયું. પછી હળવો નિ:શ્વાસ સરી ગયો : મારે તો વિના વરસાદ પણ સળગવાનું જ રહ્યુંને!

હીંચકાને હળવી ઠેસી મારીને શ્રાવણી વાગોળી રહી:

બૅન્કમાં ક્લર્ક તરીકે ફરજ બજાવતા નરેનભાઈ અને ગૃહિણી માતા દમયંતીબહેનની એકની એક દીકરી તરીકે શ્રાવણી લાડકોડમાં ઊછરી. અંધેરીમાં બે બેડરૂમના સામાન્ય ફ્લૅટમાં રહેતાં માતા-પિતાની આર્થિક સ્થિતિ સાધારણ હતી, પણ શિક્ષણ-સંસ્કારનું ધોરણ ઊંચેરું હતું. શ્રાવણીમાં એનો પડઘો આપોઆપ ઝિલાયો. સાહિત્યમાં માસ્ટર્સ કરીને તે ક્યાંક નોકરીનું વિચારતી હતી એ દરમ્યાન અરેન માટેનો પ્રસ્તાવ આવ્યો.

અલબત્ત, માબાપે હજી શ્રાવણીના જન્માક્ષર બહાર નહોતા પાડ્યા, એમ સામેથી કહેણ આવે તો મુરતિયો તરાશી લે ખરાં.

એમાં આ છોકરો તો અબજપતિ હતો. ‘મહેતા ગ્રુપ ઑફ કંપનીઝ’નો સર્વેસર્વા. ન્યાતનું પ્રતિષ્ઠિત કુટુંબ. પાછો સંસારમાં એકલો અને દેખાવડો તો એવો કે ફિલ્મના હીરો ઝાંખા પડે!

આંખ મીંચીને વધાવવાનો હોય એ પ્રસ્તાવ માટે માબાપનું મન રીઝ્યું નહીં એટલે પણ શ્રાવણીને ઉમેદવારમાં રસ પડ્યો : આખરે અરેનમાં વાંધો શું છે?

‘એક તો વયભેદ. તું ચોવીસની ને તે તેંત્રીસનો. ૯ વરસનો ગાળો મોટો ન ગણાય?’

માતાના મુદ્દામાં પિતાએ ઉમેર્યું, ‘આજે કદાચ આ વાતનો બહુ ફરક નહીં પડે, પણ અરેનના ફાધર નવનીતરાયના એ જમાનામાં છૂટાછેડા થયેલા...’

નરેનભાઈએ વાત માંડેલી : મહેતા કુટુંબનું નામ, પૈસો પહેલેથી. નવનીતરાયનાં બહુ ધામધૂમથી લગ્ન થયેલાં. પત્ની સોનકુંવર પણ એવા જ મોટા બિઝનેસહાઉસની દીકરી, વિદેશમાં ભણેલી... કહે છે કે પતિ-પત્નીને પહેલેથી જ ભળ્યું નહીં. અંદરની વાત તો રામ જાણે, પણ એકંદર છાપ એવી છે કે પત્નીની આઝાદ, આધુનિક વિચારસરણી અને રહેણીકહેણી નવનીતરાયને બહુ માફક ન આવી ને સાત જ મહિનામાં બેઉ છૂટાં પડ્યાં.

‘તો પછી અરેન...’

‘લગ્નવિચ્છેદના ચોથા વરસે નવનીતરાય ગામડાની દસમી ફેલ વિજયાને પરણ્યા, અરેન તેમની કૂખે અવતર્યો. વિજયા સાથે નવનીતરાયનો સંસાર નભી ગયો. આજે તો નથી નવનીતભાઈ, નથી વિજયાબહેન. સોન ફરી પરણી નહોતી, પણ જુવાન વયે એઇડ્સમાં પાછી થઈ એટલે તેની આધુનિકતાનો ખ્યાલ આવે એમ છે.’ નરેનભાઈએ સાર કહ્યો : પિતા મૉડર્ન વાઇફથી દાઝ્યા હતા એટલે અરેનને પણ પત્ની તરીકે ઘર સંભાળે એવી યુવતીનો ખપ છે...

‘તો આમાં વાંધો શું છે?’ શ્રાવણીથી બોલી જવાયેલું : ‘કમસે કમ તે પોતાની અપેક્ષામાં ક્લિયર તો છે... મને પણ કરીઅરના ધખારા નથી. ઉંમરમાં એટલો પણ મોટો નથી કે અમારો તાલમેલ ન જામે.’

દીકરીના દૃષ્ટિકોણે માવતરનું સમાધાન થયું અને જુવાનિયાઓની મુલાકાત ગોઠવાઈ.

વરલીની સી-ફેસ રેસ્ટોરાંની એ કલાકની મુલાકાતમાં અરેને ઉમદા છાપ છોડી હતી. નિખાલસપણે પિતાના લગ્નભંગની વાત કરી હતી : મરનાર માણસનું બૂરું બોલવું ન જોઈએ, પણ તેમનાં પહેલાં પત્ની વધુપડતાં આધુનિક હતાં. લગ્ન પછી પણ પરપુરુષો સાથે તેમના સંબંધ હતા એ નજરે જોયા પછી પિતાજી છૂટા થઈ ગયા, મારી માને પરણ્યા. મારા પપ્પા હંમેશાં મને મારી મમ્મીનો દાખલો આપતા : પત્ની તો આવી જ હોવી જોઈએ. ઘર સંભાળે, છોકરા સંભાળે. ન બિઝનેસમાં માથું મારવાની ચેષ્ટા, ન પારકા મરદો સાથે ઠઠ્ઠામશ્કરીની કુટેવ... આ બધું મારા મગજમાં ફિટ થઈ ગયું છે હોં શ્રાવણી.

તેનો લહેકો શ્રાવણીને સહેજ મલકાવી ગયેલો.

‘મને મા-પિતાજી પાસેથી ભરપૂર સ્નેહ મળ્યો. મા તો જાણે અમારા માટે જ જીવતી. છતાં સમજણને પાંખ ફૂટવાની વયમાં એ પણ સમજાયું કે પપ્પા-મમ્મી વચ્ચે પસંદના તાલમેલનો અભાવ છે. પપ્પા ઇરોઝ-મેટ્રોમાં અંગ્રેજી ફિલ્મો જોવાના શોખીન અને મા હજી ‘શેતલને કાંઠે’ જ બેઠી હોય! પપ્પાની બુદ્ધિગમ્ય ચર્ચામાં માએ બોલવાનું ન હોય અને માની અથાણાં-પાપડની વાતોમાં પપ્પાને રસ ન હોય... અલબત્ત, એથી બેમાંથી કોઈ દુખી નહોતું, કોઈને ફરિયાદ નહોતી; પણ મને એટલું થતું કે પત્ની ઘરરખ્ખુ ભલે હોય, તેની જોડે દેશદુનિયાની વાતો થઈ શકે એટલી કાબેલિયત તો તેનામાં હોવી જોઈએ...’

આવું કહેનારો અરેન પરિપક્વ લાગ્યો શ્રાવણીને. પછી તો વાણિજ્યથી વૉર સુધીની વાતોમાં બેઉ એવાં ખૂંપ્યાં જાણે વરસો જૂના બે મિત્રો ઘણા વખતે ભેગા મળીને ગપ્પાં મારતા હોય!

મુલાકાત પછી ઘરે ડ્રૉપ કરવા આવેલો અરેન શ્રાવણીના હૈયે ઊતરતો ગયો. અરેનની આંખોમાં શ્રાવણી માટેનું આકર્ષણ છલકાતું હતું.

બેઉ મળતાં રહ્યાં, નિકટતા ઘૂંટાતી રહી.

‘આગળ વધતાં પહેલાં મારા પક્ષે એક કબૂલાત કરવાની રહે છે શ્રાવણી...’ ચોથી મુલાકાતમાં અરેનના ચહેરા પર સંકોચ ઊપસેલો, ‘મારું એક બ્રેક-અપ થઈ ચૂક્યું છે...’

ઓ...હ.

‘તે પણ મારી જેમ ઉમરાઉ હતી-છે. ચારેક વરસ અગાઉની વાત. પેરન્ટ્સના દેહાંત બાદ સાંજે ઘરે રહેવાને બદલે હું ચોપાટીની ક્લબમાં જતો થયો. ત્યાં તે મને મળી. તેની વાતો મને ફનલવિંગ લાગતી. તરણકુંડમાં સાથે તરતાં અમે ખાસ્સા નજીક આવી ગયાં. હાઉસવાઇફ માટેની મારી અપેક્ષા, મારા જુનવાણીમાં ખપે એવા વિચારો તેનાથી છુપાવ્યા નહોતા. તેને ત્યાં સુધી કહેલું કે મિસિસ અરેન મહેતા બન્યા પછી તું ક્લબના પૂલમાં સ્વિમિંગ કૉસ્ચ્યુમ પહેરીને તરી નહીં શકે, બીજા પુરુષો મારી બૈરીને તાકતા રહે એ મને નહીં રુચે...’

શ્રાવણીને ખ્યાલ આવ્યો કે અરેન જબરા રૂઢિચુસ્ત છે... પણ પોતાનો દૃષ્ટિકોણ છુપાવતા નથી એ પણ એટલું જ સાચુંને!

‘દરમ્યાન મેં તેને બીજા જુવાનો સાથે પણ આમ જ ભળતી જોઈ... મારે ઇતિહાસનું પુનરાવર્તન નહોતું જોઈતું. મેં તેનાથી દૂરી રાખવા માંડી. તો તેણે શું કર્યું ખબર છે?’ પૂછીને અરેને જ કહ્યું, ‘ક્લબના સૉફ્ટ ડ્રિન્કમાં કોઈક નશીલી દવા પીવડાવીને મને હોટેલની રૂમમાં લઈ ગઈ... જ્યાં અમે તમામ મર્યાદા ઉલેચી નાખી.’

શ્રાવણીએ હળવો આઘાત અનુભવ્યો.

‘યસ શ્રાવણી, આઇ ઍમ નૉટ વર્જિન. જોકે જે થયું એ દવાની અસરમાં થયું...’

અરેનના સ્વરમાં બચાવ નહીં, વાસ્તવિકતાનું બયાન હતું. વહેલી પરોઢિયે દવાનું ઘેન ઊતરતાં જે બન્યું એનો અણસાર સાંપડતાં અરેને પડખે પોઢેલી માનુનીને હળહળતા ધિક્કારથી તુચ્છકારી હતી : વિના લગ્ને શૈયાસુખ માણનારી મારી પત્ની નહીં બની શકે! વાસનાની પૂતળી, તારાથી થાય એ કરી લે!

અત્યારે પણ આમ કહેતાં અરેનનો પુણ્યપ્રકોપ શ્રાવણી અનુભવી શકી.

‘તેનાથી કંઈ થયું નહીં, બલ્કે ગયા વરસે દિલ્હીના કોઈ બિઝનેસમૅનને પરણી પણ ગઈ છે. બટ આ અનુભવે મને મારી માન્યતાઓમાં વધુ દૃઢ કર્યો છે...’ અરેને શ્રાવણી સાથે નજર મેળવી, ‘તને મારા વર્જિન નહીં હોવાનો તો વાંધો નથીને!’

શ્રાવણી ટટ્ટાર થઈ : અરેને મારી કસોટી કરવા તો સ્ખલનની સ્ટોરી નહીં ઊપજાવી હોયને! તેનો ઇરાદો જે હોય એ, હું તો મારા સંસ્કાર સુલભ જ પ્રત્યુત્તર વાળવાની...

‘પરણ્યા પહેલાંના સ્ખલનને હું ચારિત્રની શિથિલતા તરીકે નથી જોતી. આખરે સપ્તપદીનાં વચનો તો ચોરીના ચાર ફેરા ફર્યા પછી અમલી બનતાં હોય છેને!’

આમાં શાણપણ હતું, સહજતા હતી. અરેન એક પળ પ્રભાવિત થયો ને બીજી પળે આંખ સંકોરીને પૂછી બેઠો : તને મારા પરસ્ત્રીગમનનો વાંધો નથી એનો મતલબ તું પણ કોઈ જોડે...

શ્રાવણી હસી પડેલી : નો વે! પણ હા, કોઈ મને સમણામાં સતાવવા લાગ્યું છે ખરું...

તે પોતે છે એ સમજાતાં અરેન મહોરી ઊઠેલો. પછી લગ્નની શરણાઈ ગુંજતાં વાર નહોતી લાગી.

સુહાગરાતે શ્રાવણી અરેનને સમર્પિત થઈ રહી. સવારે ચાદર પર લોહીના ડાઘ નિહાળીને અરેન વધુ ખુશ લાગ્યો : તું સાચે જ વર્જિન હતી!

‘કેમ, તમને શંકા હતી?’

શ્રાવણીની તંગ થતી ભ્રમરે અરેન સહેજ ગલવાયેલો, ‘ના, શંકા તો નહીં પણ... આ તો મારું સ્ખલન તેં જતું કર્યું એટલે તેં પણ મોજ માણી હશે એવું માની લેવું સ્વાભાવિક નથી! બટ આઇ ઍમ હૅપી કે તું સાચે જ વર્જિન નીકળી!’

ટિપિકલ મૅન! શ્રાવણીએ આટલું જ માન્યું.

-કેમ કે અરેનમાં બીજું કહેવાપણું નહોતું... ઘરથી ઑફિસ અને ઑફિસથી ઘરે. લેટ નાઇટ પાર્ટીઓમાં જવાનું નહીં. શ્રાવણી પર તે ઓળઘોળ રહેતો. શયનસુખમાં તેને તરબોળ રાખતો. સાથે એ પણ ખરું કે કંપનીના બોર્ડમાં શ્રાવણી નામ પૂરતી સભ્ય, બાકી વેપારમાં શું ચાલે છે એની તેને કોઈ ગતાગમ નહીં. શરૂમાં એકાદ-બે વાર તેણે કુતૂહલવશ પૂછેલું એમાં અરેન ચિડાઈ ગયેલો : બિઝનેસ જોનારો હું બેઠો છુંને, તું તારે ઘર સંભાળને!

શ્રાવણીએ એ વર્તુળ અપનાવી લીધેલું, કોઈ ડંખ કે રાવ વિના. અરેનને તે ચાહતી. લગ્નના બીજા વરસે પહેલા ખોળે દીકરો પધાર્યો અને એનાં બે વરસે દીકરી અવતરતાં સંસાર મઘમઘતો થયો.

અંશ અને ખુશી તેના જીવનનું કેન્દ્ર બની ગયાં. સવારના દૂધથી રાતની લોરી સુધીની બાળકોની દિનચર્યામાં શ્રાવણીને પળની પણ ફુરસદ નહોતી રહેતી... શ્રાવણી થાકી હશે એમ માનીને રાતે દૂર રહેતા અરેનને તે લપેટાઈ જતી. એ પહેલે અરેન ચોમાસા જેવું વરસી જતો અને શ્રાવણી સુખથી તરબોળ થઈ રહેતી.

પણ સુખના એકસરખા દિવસો ક્યાં કોઈના જાય છે?

આજથી ૩ વરસ અગાઉ લગ્નના છઠ્ઠા વરસે ઑફિસમાં જ અરેનને સ્ટ્રોકનો હુમલો થયો. સમયસરની સારવારથી તે બ્રેઇન-સ્ટ્રોકમાંથી ઊગરી તો ગયો, પણ કમર નીચેનું શરીર ચેતનાહીન બની ગયું. વ્હીલચૅરની પંગુતા સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ ન રહ્યો!

અરેન રડી પડતો, ગુસ્સે થતો, હાથમાં જે ચીજ આવે એનો છુટ્ટો ઘા કરતો.

‘અરેન, બિહેવ યૉરસેલ્ફ.’ શ્રાવણી તેને એકાંતમાં ઠપકાની ઢબે કહેતી : ઍક્સેપ્ટ રિયલિટી. તમે આમ મિસબિહેવ કરતા રહેશો એથી અંશ-ખુશી તમારાથી ડરવાનાં, દૂર જ થવાનાં કે બીજું કંઈ!

તેણે પતિનો હાથ પસવાર્યો : તમે ચિંતા ન કરતા. ઘર સાથે હું ઑફિસ પણ સંભાળી લઈશ...

આ શબ્દોએ જાદુ જેવું કામ કર્યું, પણ ઊલટા અર્થમાં.

શ્રાવણી હજી તો ઘરનું, બાળકોનું શેડ્યુલ ગોઠવીને ઑફિસ માટે સમય કાઢે એ પહેલાં એક સવારે ઑફિસમાંથી ટેમ્પો આવ્યો અને કલાકમાં તો બંગલાના રીડિંગરૂમમાં અરેનની ઑફિસ ધમધમતી થઈ ગઈ.

આનો આનંદ જ હોય, પણ પછી અરેન સંભળાવે : તારે ઑફિસના બહાને રખડવું હતુંને; પણ હું પગથી અપંગ બન્યો છું, મારું દિમાગ સક્ષમ છે. બૈરીની કમાણી પર જીવવાના દહાડા મારે હજી નથી આવ્યા!

શ્રાવણી ઘવાતી : અરેન મને રખડેલ માની કેમ શકે, કહી કેમ શકે!

પણ અરેનની જીભ પર કારેલું ફરી વળ્યું હતું. બૉસ તરીકે અરેન ડિમાન્ડિંગ હતો જ, હવે તોછડો બનતો ગયો. ગમે તેને ગમે એમ બોલી જતો. બાળકો આઘેરાં રહેતાં, નોકરવર્ગ પીઠ પાછળ ગાળ દેતો અને શ્રાવણી સમસમીને ખમી લેતી; બીજું થઈ પણ શું શકે?

અત્યારે પણ શ્રાવણીએ નિ:શ્વાસ નાખ્યો : જિંદગી કેટલી બદલાઈ ગઈ આ ત્રણ વરસમાં!

- ત્યારે દૂરથી તેને નિહાળતા અરેનના ચિત્તમાં જુદું જ ભમ્મરવલોણું ઘૂમરાતું હતું : તું મનના સળગવાનું ગાણું ગાતી હતી શ્રાવણી; ખરેખર તો તારું તન ભડકતું હશે, તારી ભૂખ શું હું નથી જાણતો!

જાણે તારા તનની આગ તું કઈ રીતે ઠારતી હશે! એક વાર એની ભાળ મળે તો...

અરેનનાં જડબાં તંગ થયાં.

lll

‘શ્રા...વ...ણી... આ...હ... યુ આર જસ્ટ... ફૅન્ટૅ...સ્ટિક!’

સિસકારા સાથે સહેજ હાંફભેર બોલતા પુરુષના સ્વરમાં ફાટફાટ થતી ઉત્તેજના હતી અને સ્ત્રી-પુરુષના સંવનનની ક્ષણો અવાજરૂપે મોબાઇલમાં રેકૉર્ડ થઈ રહી હતી!

ક્રમશઃ

columnists gujarati mid day mumbai exclusive Sameet Purvesh Shroff