સ્ક્રીન પર સ્કેટિંગ કરતી દેખાય દીપિકા પાદુકોણ, પણ હતી મિલોની કાપડિયા

22 November, 2025 09:49 PM IST  |  Mumbai | Jigisha Jain

ફિલ્મ લફંગે પરિંદેમાં સ્કેટિંગ કરતી બ્લાઇન્ડ છોકરીનું પાત્ર ભજવનાર દીપિકા પાદુકોણ માટે બૉડી-ડબલ તરીકે સ્કેટિંગ કરનાર મિલોની કાપડિયા આજે અનુપમામાં કિંજલનું પાત્ર ભજવી રહી છે.

હસબન્ડ ગૌરવ અમલાની સાથે મિલોની.

ફિલ્મ લફંગે પરિંદેમાં સ્કેટિંગ કરતી બ્લાઇન્ડ છોકરીનું પાત્ર ભજવનાર દીપિકા પાદુકોણ માટે બૉડી-ડબલ તરીકે સ્કેટિંગ કરનાર મિલોની કાપડિયા આજે અનુપમામાં કિંજલનું પાત્ર ભજવી રહી છે. સ્કેટિંગમાં અઢળક મેડલો જીતી ચૂકેલી મિલોનીને આ ફિલ્મમાં કામ કરવાની જે તક મળી એનાથી તેના જીવનની દિશા જ બદલાઈ ગઈ

૨૦૧૦નો સમય. ગ્રાન્ટ રોડની એક સ્કેટિંગ રિન્ક પર એ સમયની નૅશનલ ગોલ્ડ મેડલિસ્ટ મિલોની કાપડિયા સ્કેટિંગ કરી રહી હતી. ચાર વર્ષની ઉંમરથી જેણે સ્કેટિંગ રિન્કને જ પોતાનું પ્લેગ્રાઉન્ડ સમજી લીધું હતું એ છોકરીએ આટલાં વર્ષોની મહેનતથી નૅશનલ લેવલ પર માસ્ટરી હાંસલ કરી હતી. આ જગ્યાએ એક ઇન્ટરનૅશનલ લેવલના કોરિયોગ્રાફર અને અસિસ્ટન્ટ ડિરેક્ટર આવેલા હતા. પ્રૅક્ટિસ પછી તેઓ મિલોની સમક્ષ ગયા અને તેનાં ખૂબ વખાણ કર્યાં. ૧૬ વર્ષની મિલોનીએ આમ તો ઘણાં વખાણ સાંભળેલાં એટલે તેને નવાઈ ન લાગી પરંતુ પછી તેઓ એવું કંઈ બોલી ગયા કે તેને સમજાયું નહીં કે તે શું બોલે. તેમણે કહ્યું હતું, ‘અમે એક ફિલ્મ બનાવી રહ્યા છીએ જેમાં મેઇન કૅરૅક્ટર એક બ્લાઇન્ડ છોકરી છે જે ખૂબ સારું સ્કેટિંગ કરે છે. આ છોકરી તરીકે અમે દીપિકા પાદુકોણને સાઇન કરી છે. તેને તારા જેટલું સારું સ્કેટિંગ તો નથી આવડતું એટલે તું તેની જગ્યાએ સ્કેટિંગ કરીશ?’

મિલોની નાની હતી ત્યારથી સ્પોર્ટ્‍સ જ તેનું જીવન રહ્યું હતું. થેલીઓ ભરી-ભરીને ટ્રોફીઓ તે ઘરે લાવતી. એમાં કોઈ ફિલ્મમાં સ્કેટિંગ કરવા મળશે એ સાંભળીને તે ખુશ થઈ ગઈ. તેના કોચે કહ્યું કે આ સારી તક છે, તારે જવું જોઈએ. ફિલ્મી દુનિયા વિશે તેને કશી જ ખબર નહોતી પરંતુ સ્કેટિંગ જ કરવાનું હતું એટલે એક આત્મવિશ્વાસ હતો કે થઈ જશે. આ ફિલ્મ હતી શૂજિત સરકારની ‘લફંગે પરિંદે’ જેમાં મિલોની દીપિકા પાદુકોણની બૉડી-ડબલ બનીને આવી. ફિલ્મમાં પરાઠા પર માખણ લપસે એટલું સ્મૂધ દેખાતું દીપિકાનું સ્કેટિંગ હકીકતમાં મિલોનીએ કરેલું. લગભગ અઢી મહિના તે એ ફિલ્મના સેટ પર રહી. ઍક્ટિંગ શું કહેવાય, કઈ રીતે ફિલ્મો બને, આ નવીન દુનિયાથી પૂરી રીતે માહિતગાર થવાનો એક મોકો મળ્યો અને ૧૬ વર્ષની મિલોનીએ વિચાર્યું કે આ કામ મારે કરવું છે. એ વિશે વાત કરતાં મિલોની કહે છે, ‘સ્કેટિંગ, જે મારા નાનપણનું સાથી હતું એ મને હાથ પકડીને એક એવા વિશ્વમાં લઈ ગયું જેના વિશે વિચાર સુધ્ધાં મેં કર્યો નહોતો. મેં ક્યારેય ઍક્ટિંગ કરીશ એવું નાનપણમાં નહોતું વિચાર્યું પણ જ્યારે આ વિશ્વ મેં જોયું ત્યારે મારી અંદરથી ઇચ્છા જાગૃત થઈ કે આ કામ મારે કરવું છે. ઍક્ટિંગ ખૂબ મહેનત માગી લેશે એ મને ખબર હતી પણ સ્પોર્ટ્‍સપર્સન ક્યારેય મહેનતથી ડરતા નથી. ક્યારેક જીવન એની મેળે તમારા માટે દિશાસૂચક બની જતું હોય છે અને તમને પ્રેરણા આપે છે કે આ સાચી દિશા છે, એના પર ચાલવા માંડ. બસ, એવું જ કંઈક મારી સાથે થયું અને હું એ દિશા તરફ ચાલી નીકળી.’

૨૮ વર્ષની મિલોની કાપડિયાને આજે બધા સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘અનુપમા’ની કિંજલ તરીકે ઓળખે છે. એક સમયે આ રોલ નિધિ શાહ કરી રહી હતી અને વાર્તામાં જમ્પ આવ્યા પછી આ જાણીતું પાત્ર મિલોની ભજવી રહી છે. ‘અનુપમા’ પહેલાં પણ મિલોનીએ ‘મૈં માયકે નહીં જાઉંગી’, ‘આપકી નઝરોં ને સમઝા’, ‘આનંદી, બા ઔર એમિલી’ અને ‘જનમ-જનમ કા સાથ’ જેવી સિરિયલોમાં કામ કર્યું છે. એ પહેલાં તે ચારેક વર્ષ મૉડલિંગ પણ કરી ચૂકી છે. ઘણી પ્રસિદ્ધ બ્રૅન્ડની જાહેરખબરોમાં તે ચમકી ચૂકી છે. 

બાળપણ 
મુંબઈમાં જ જન્મેલી અને ઊછરેલી મિલોની ગ્રાન્ટ રોડની છે. જોકે આ ‘સોબો ગર્લ’ ઘણી જ સોબર છે. તેનું કામ ‘ફિલ્મસિટી’માં છે એટલે તે પોતાને ‘સબર્બ ગર્લ’ તરીકે ઓળખાવાનું વધુ પસંદ કરે છે. મમ્મી-પપ્પા, દાદા-દાદી અને મોટા ભાઈ સાથે ઊછરેલી મિલોની પહેલેથી સ્પોર્ટ્સમાં ઘણી આગળ હતી. સ્કેટિંગની સાથે-સાથે ટેબલ-ટેનિસ, બાસ્કેટબૉલ. થ્રો બૉલ, ખો-ખો, રેસ આ બધામાં ભાગ લેવા તે નાચતી-કૂદતી પહોંચી જતી. રમતો વિશે વાત કરતાં મિલોની કહે છે, ‘મારે માટે આ રમતોમાં ભાગ લેવો એ કોઈ કૉમ્પિટિશનનો ભાગ નહોતો. આ રમતો મારું પૅશન હતી. મને એમાં એક અલગ જ મજા આવતી. આજે પણ સમય મળ્યે હું રમવા જાઉં જ છું. સ્કેટિંગનો સાથ પણ મેં છોડ્યો નથી. પ્રોફેશનલ રિન્ક તો ખરી જ પણ એ સિવાય હું ખાલી રોડ પણ શોધી લઉં છું. ટ્રાફિક ન હોય ત્યારે સ્કેટિંગ કરતી હોઉં અને લોકો એકદમ ઝટકાથી પાછળ વળી-વળીને મને જોતા હોય ત્યારે એકદમ એડ્રિનલિન રશ મળતો હોય છે મને.’ 

ટીવીમાં કામનું મહત્ત્વ 
મિલોનીના ઘરમાં કોઈ પણ વ્યક્તિ ઍક્ટર નહોતી. તેમ છતાં સ્ટૉકબ્રોકર પપ્પા અને હાઉસવાઇફ મમ્મીએ દીકરીના સપનાને પૂરું બળ આપ્યું. જ્યારે મિલોનીએ કહ્યું કે મને ઍક્ટર બનવું છે ત્યારે કઈ જગ્યાએ કયા પ્રકારના કોર્સ થાય છે, તેના માટે શું કરવું પડે એ બધી તપાસ પપ્પાએ કરી આપી હતી. મિલોનીએ અલગ-અલગ જગ્યાએ ઍક્ટિંગની વર્કશૉપ કરી. મૉડલિંગ શરૂ કર્યું. ૪ વર્ષ મૉડલિંગ કર્યા પછી પણ ઍક્ટિંગની ઇચ્છા પૂરી થઈ નહોતી રહી એટલે ટેલિવિઝન પર કામ શરૂ કરવાનો નિર્ણય લીધો જેના માટે ઑડિશન ચાલુ કર્યાં અને એક પછી એક શોઝ તેને મળવા લાગ્યા. એ વિશે વાત કરતાં મિલોની કહે છે, ‘ટીવીની કરીઅર એક રિયાઝ જેવી છે. અહીં તમે દરરોજ ઍક્ટિંગ કરો છો. આ સ્થળ તમને એક સ્ટેબલ કરીઅર અને સ્ટેબલ અર્નિંગ પણ આપે છે, જેની સાથે-સાથે આપે છે અઢળક લર્નિંગ. દરરોજ તમે ઘણુંબધું શીખો છો.’ 

પ્રેમ અને લગ્ન
જ્યારે મિલોની એક જગ્યાએ ઍક્ટિંગ વર્કશૉપમાં ગઈ હતી ત્યાં જ તેની મુલાકાત ગૌરવ અમલાની સાથે થઈ. મિલોની અત્યંત શરમાળ અને અંતર્મુખી પ્રતિભા ધરાવતી હતી. તેને જે પણ ફીલ થતું એને તે એક ડાયરીમાં લખતી. ખૂબ ઓછા મિત્રો હતા તેના. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘આ વર્કશૉપમાં ગૌરવે એ નોટિસ કર્યું કે હું વ્યક્ત નથી કરતી, હું લખી લઉં છું. તેણે મને ઓપન થવા કહ્યું. તેણે કહ્યું કે આટલી તારી અંદર મૂંઝાયેલી કેમ રહે છે, બહાર નીકળ, વાત કર, જાતને એક્સપ્રેસ કર. હું ધીમે-ધીમે ખીલતી ગઈ. પંદરમા દિવસે એક ડાન્સ માટે અમે બન્ને ઊભાં થયાં. એ દિવસે જ્યારે તેણે મારો હાથ પકડ્યો ત્યારે મને લાગ્યું નહીં કે આ કોઈ અજાણ્યો સ્પર્શ છે. અત્યારે વિચારું છું તો લાગે છે કે તે એક પતંગિયાની જેમ મારા જીવનમાં આવ્યો અને એક બંધ કળી જેવી હતી હું, તે ફૂલની જેમ મને ખીલવી ગયો. ગૌરવ દિલ્હીથી આવેલો. અમે ૨૦૧૬માં મળ્યાં અને ૨૦૨૨માં બન્ને પરણી ગયાં. શરૂઆતમાં બન્ને ઍક્ટર છીએ એટલે મારા પેરન્ટ્સને અમારી સ્ટેબિલિટીની ચિંતા હતી. ગૌરવે તેની મહેનત અને લગનથી સારું કામ મેળવ્યું છે. તે ઘણી વેબ-સિરીઝ અને નાટકો કરી રહ્યો છે. મને તેના માટે પ્રેમ તો છે જ પણ સાથે ખૂબ માન પણ છે કારણ કે તે એક સેલ્ફ-મેડ વ્યક્તિ છે. અમે બન્ને એ જ કોશિશમાં છીએ કે ખુદના દમ પર એક સુંદર જીવનનું નિર્માણ કરી શકીએ.’  

યાદગાર પ્રસંગ 
આમ તો જીવનમાં ઘણા યાદગાર પ્રસંગ છે પણ અતિ ઇમોશનલ થઈને પોતાના કન્યાદાનનો પ્રસંગ યાદ કરતાં મિલોની કહે છે, ‘મને યાદ છે હું અને ગૌરવ ઊભાં હતાં અને પપ્પાએ મારો હાથ ગૌરવના હાથમાં આપ્યો અને પપ્પા એકદમ જ રડી પડ્યા. મેં મારા પિતાને હંમેશાં એકદમ સ્ટ્રૉન્ગ જોયા છે. મેં ક્યારેય સ્વપ્નેય નહોતું વિચાર્યું કે પપ્પા રડી શકે. અને ત્યાં જ મહારાજ બોલ્યા કે આજથી આમની દીકરી તમારી પત્ની બની છે. મેં ગૌરવનો ફેસ જોયો. તેના મોઢા પર જવાબદારીનો ભાવ તરવરતો હતો. એ ક્ષણથી જાણે તેના માટે મારું મહત્ત્વ જ બદલાઈ ગયું હોય એ સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. અમે બધા ખૂબ રડ્યાં. સુખ અને દુઃખ આ બન્ને ઇમોશન એકસાથે જાણે આંસુ બનીને ટપકી રહ્યાં હતાં અને અમે બધાં એ ભાવમાં વહી રહ્યાં હતાં. આજે પણ યાદ કરું તો આંખનો ખૂણો ભીનો થઈ જતો હોય છે.’ 

પહેલાં મારા પછી હું 
નાનપણથી હું મારા પોતાના લોકો માટે ઘણી ભાવુક રહી છું એમ જણાવતાં મિલોની કહે છે, ‘અમે નાના હતા ત્યારે પપ્પાની જૂની બાઇકથી મને ચીડ હતી. હું કહેતી કે પપ્પા, નવી બાઇક લઈ લો. તો પપ્પા એ ટાળતા. એ સમયે સ્કેટિંગમાં નવાં-નવાં ઇનામ મળવાનું શરૂ થયું હતું. મને થયું, પપ્પા ન લે તો કંઈ નહીં, હું પપ્પાને બાઇક લઈ આપીશ. મેં બે કૉમ્પિટિશનમાં ભાગ લીધો. પહેલો નંબર જ આવવો જોઈએ તો પૈસા વધુ મળશે માનીને ખૂબ મહેનત કરી. બન્નેમાં પહેલો નંબર આવ્યો. બન્નેમાં ૧૫૦૦-૧૫૦૦ રૂપિયા મળ્યા. આમ ૩૦૦૦ રૂપિયા મળ્યા ત્યારે મેં કહ્યું ચાલો પપ્પા, બાઇક લઈ આવીએ, પૈસા આવી ગયા છે. હું એટલી ભોળી હતી કે મને કોઈ અંદાજ નહીં કે ૩૦૦૦માં ક્યાંથી બાઇક આવે. આજે પણ હું આવી જ છું. મને મારા કરતાં વધુ મારા આપ્તજનો માટે કરવું હોય છે.’

જલદી ફાઇવ
 ફર્સ્ટ લવ : જૉન એબ્રાહમ. ‘ધૂમ’ પછી હું તેના પ્રેમમાં પડી ગઈ હતી. તેના માટે બધા જોડે લડવા તૈયાર થઈ જતી. કોઈ જૉન વિશે આજની તારીખે પણ કંઈ નમતું ન બોલી શકે. 
 નાનપણમાં શું બનવું 
હતું? : આમ તો હું સ્પોર્ટ્‍સ રમતી પણ મારી હાઇટ સારી હતી એટલે એક સમયે મને ઍર-હૉસ્ટેસ બનવાની પણ 
ઇચ્છા હતી. 
 બકેટ-લિસ્ટ : બકેટ-લિસ્ટમાં એક સારી કરીઅર બનાવવી એ પ્રાથમિકતા તો હોય જ. એ સિવાય મુંબઈમાં આપબળે સુંદર ઘર બનાવવું છે. એક ફાર્મહાઉસ, ૨-૩ ગાડીઓ હોય એવાં સપનાંઓ છે જે પૂરાં કરવાં છે.
 ફોબિયા : મને અંધારાનો ખૂબ ડર લાગે છે. ઘરમાં એક રૂમમાંથી બીજા રૂમમાં જતી વખતે પણ લાઇટો બધી ચાલુ જ જોઈએ મને. આજે પણ હૉરર મૂવીઝ હું નથી જોઈ શકતી. 
 અફસોસ : મને એ અફસોસ છે કે હું થોડી હિંમતવાળી હોત તો સારું હતું. લાઇફમાં જે પણ ચૉઇસ કરવાની આવે એમાં હું રિસ્ક ઓછાં લઉં છું. મારા કમ્ફર્ટ ઝોનની અંદર હોય એવા જ પ્રોજેક્ટ મેં આજ સુધી સિલેક્ટ કર્યા છે. જો હિંમત વધુ હોત તો કમ્ફર્ટથી બહાર પણ જઈ શકી હોત.

columnists television news indian television entertainment news Jigisha Jain anupamaa