પપ્પાના ગયા પછી મમ્મી ભાઈને વધુ મહત્ત્વ આપે છે

10 September, 2021 05:26 PM IST  |  Mumbai | Sejal Patel

મમ્મીને મારાં સપનાંની કંઈ પડી નથી. મેં નક્કી કર્યું છે કે હું જ હવે કમાઈને ફૅશન ડિઝાઇનિંગનું ભણીશ. દીકરા-દીકરી વચ્ચે આજેય ભેદ થાય એ આપણું પછાતપણું નથી શું?

મિડ-ડે લોગો

મારા પરિવારમાં પણ ક્યારેક દીકરા-દીકરી વચ્ચે ડિસ્ક્રિમિનેશન થશે એની મેં કલ્પના પણ નહોતી કરી. ઇન ફૅક્ટ, મારા પપ્પા હતા ત્યાં સુધી મને ખૂબ લાડ લડાવવામાં આવ્યા હતા, પણ હવે વાત જુદી છે. મારે ફૅશન ડિઝાઇનર બનવું હતું અને ગ્રૅજ્યુએશન પછી હું એ કોર્સ કરવાની હતી. પપ્પા પણ એ માટે તૈયાર હતા, પણ કોવિડમાં તેઓ અચાનક જ અમને છોડીને ચાલી ગયા. મારો ભાઈ એન્જિની‌યરિંગના ફર્સ્ટ યરમાં છે. મારું ગ્રૅજ્યુએશન પૂરું થઈ ગયું છે અને મમ્મી હવે ફૅશન ડિઝાઇનિંગ માટે ઘસીને ના પાડે છે. તે ભાઈની તોતિંગ ફી ભરવામાં આનાકાની નથી કરતી, પણ તેને મારી પાછળ વધુ પૈસા નથી ખર્ચવા. મમ્મીને મારાં સપનાંની કંઈ પડી નથી. મેં નક્કી કર્યું છે કે હું જ હવે કમાઈને ફૅશન ડિઝાઇનિંગનું ભણીશ. દીકરા-દીકરી વચ્ચે આજેય ભેદ થાય એ આપણું પછાતપણું નથી શું?

બની શકે કે મમ્મી અત્યારે તમારાં સપનાં અને તમારી ઇચ્છાઓને નથી સમજતી. પણ મને એક વાતનો જવાબ આપશો, શું તમે અત્યારે મમ્મીની સ્થિતિ સમજી શકો છો ખરાં? તમે જેમ પપ્પા ગુમાવ્યા છે એમ તેણે પતિ ગુમાવ્યો છે. કોવિડના કપરા કાળમાં તે આ બધું કઈ રીતે કરી રહી છે એનો તમે તાગ મેળવવાની કોશિશ કરી છે? ના કરી હોય તો કરો. બની શકે કે પપ્પા ઘણું ફાઇનૅન્સ મૅનેજમેન્ટ કરીને ગયા હોય અને તમને હાલમાં તરત જ કોઈ આર્થિક સંકટ ન હોય. પણ ઘરની કમાનાર વ્યક્તિ જ્યારે જતી રહી છે ત્યારે જે બચત છે એનું જ મૅનેજમેન્ટ કરીને સંતાનોના ભણતર, લગ્ન કરવાનાં છે એ પણ જોવું જરૂરી છેને? 
જો તમે પોતે માનતા હો કે દીકરીઓ દીકરાથી કમ નથી હોતી તો હવે સમય આવી ગયો છે મમ્મી પાસે વધુ ડિમાન્ડ કરવાને બદલે તેની ટેકણલાકડી બનવાનો. ગ્રૅજ્યુએશન થઈ ગયું છે ત્યારે હવે તમે જાતે કમાઈને તમારું સપનું પૂરું કરો. એ તમારી જવાબદારી છે. દીકરા-દીકરી વચ્ચે સમાનતાનો હક માગવાની ઇચ્છા થતી હોય તો જસ્ટ વિચારો કે પિતા ગુજરી ગયા પછી એક દીકરો પરિવાર માટે શું કરે? શું તમે એ કરી રહ્યા છો? જે દિવસે તમે જવાબદારી દીકરાની જેમ વર્તવા લાગશો તમારો હાલનો મનનો બળાપો પણ શમી જશે.

sejal patel sex and relationships columnists