૧૦૦ વર્ષ જૂની બે ચાલીઓનું અનોખું રીયુનિયન

11 March, 2026 01:30 PM IST  |  Mumbai | Darshini Vashi

વર્ષો પહેલાં મલાડમાં આવેલી ગૌશાળા અને વિજયા ભવન ચાલમાં રહેતા અને હવે બીજે શિફ્ટ થઈ ગયેલા લોકોએ ભેગા મળીને જૂના દિવસોને, જૂના જીવનને ફરી ધબકતાં કર્યાં : કોઈ અમદાવાદથી આવ્યું તો કોઈ છેક દુબઈથી

રીયુનિયન

રીયુનિયન એટલે ફરી ભેગા થવું અને એનો ટ્રેન્ડ છેલ્લાં થોડાં વર્ષોથી જોવા મળી રહ્યો છે જેમાં સ્કૂલ અને કૉલેજમાં સાથે ભણતા વિદ્યાર્થીઓ વર્ષો પછી એકબીજાને મળે છે. જૂની યાદો, જૂના પ્રસંગો અને સુખ-દુઃખની વાતોથી ફ્લૅશબૅકમાં સરી પડે છે જે એક યાદગાર પ્રસંગ બની રહે છે. આવી જ રીતે મલાડ-ઈસ્ટમાં આવેલી ૧૦૦ વર્ષ જૂની બે ચાલીના રહેવાસીઓનું હાલમાં રીયુનિયન થયું હતું. રીયુનિયન પણ કેવું ગજબનું થયું. ૧૦૦ વર્ષ પહેલાંનો માહોલ ઊભો કરવામાં આવ્યો, દીવાલો પર જૂની ફિલ્મોનાં પોસ્ટર્સ લગાડવાથી લઈને ટેમ્પરરી ગૌશાળા બનાવીને ૧૦૦ વર્ષ પહેલાંના જીવનને ફરી જીવંત અને ધબકતું બનાવવામાં આવ્યું, દરેકને ૨૫ પૈસામાં ભોજન કરાવવામાં આવ્યું, લોકો પોતાની ચાલી સાથે સંકળાયેલી જૂનામાં જૂની યાદોને પોતાની સાથે લઈને આવ્યા, કોઈ ૬૦ વર્ષ પહેલાંની ભાડાની રસીદ લઈને આવ્યું તો કોઈ એ સમયના ચાલીના ફોટો લઈ આવ્યા, જેમાં સમાવેશ હતો ચાલીમાં થયેલાં લગ્નનો, કૂવામાંથી પાણી ભરતી મહિલાઓનો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આ ચાલીના અગાઉના રહેવાસીઓ અન્ય શહેરોમાંથી પણ આવી પહોંચ્યા હતા.

૧૦૦ વર્ષ જૂની ચાલી

મલાડ-ઈસ્ટમાં ડાયમન્ડ માર્કેટ તરીકે જાણીતા વિસ્તારમાં આવેલી આ ગૌશાળા અને વિજયા ભવન ચાલીનું નિર્માણ ૧૯૨૬માં કરવામાં આવ્યું હતું. આ જ ચાલીમાં એક ગૌશાળા હતી જેને લીધે આ વિસ્તાર અને ચાલી આજે પણ મલાડમાં પ્રખ્યાત છે. અનેક દાયકાઓ વીતી ગયા હોવા છતાં આજે ૧૦૦ વર્ષ બાદ પણ આ બન્ને ચાલી અડીખમ છે, પરંતુ હવે અહીં રહેનારાઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી જ બચી છે. મોટા ભાગનો હિસ્સો કમર્શિયલ બની ગયો છે છતાં અહીં રહી ચૂકેલા લોકો આજે પણ આ ચાલીને ભૂલી શક્યા નથી. આ ચાલીમાં રહેનારા લોકો આજે દેશનાં અલગ-અલગ શહેરમાં અને વિદેશમાં રહે છે. એ બધા લોકોને ફરી પાછા એક છત હેઠળ લાવવાનો વિચાર અહીંના જ એક રહેવાસીને આવ્યો અને રીયુનિયનનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો.

બે મહિના પહેલાંથી તૈયારી

રીયુનિયન વિશે વિગતે માહિતી આપતાં આ જ ચાલીના રહેવાસી અને આ રીયુનિયનના કાર્યક્રમને સક્સેસફુલ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સંજય પીપળિયા કહે છે, ‘રીયુનિયન કરવાનો સૌથી પહેલો વિચાર મારા મિત્ર અને ચાલીના જ એક રહેવાસી કિશોર સોનીને આવ્યો હતો. તેમણે આ વિચાર મારી સમક્ષ મૂક્યો હતો. મને આ રીયુનિયનનો આઇડિયા ગમ્યો અને વહેલી તકે એના પર કામ કરવાની શરૂઆત કરી દીધી જેમાં અમારી સાથે સંદીપ ગાંધી, ચેતન પીપળિયા, સૌરભ શાહ, હર્નિશ દોશી, હરેશ ગાલા, દર્શના બારભાયા અને ચેતન શાહ જોડાયાં. સૌથી પહેલાં અમારી ૯ જણની ટીમે મળીને કાર્યક્રમની તારીખ નક્કી કરી. ત્યાર બાદ અમારા હાથમાં બે મહિના હતા એટલે અમે પહેલાં તો આટલાં વર્ષોમાં આ ચાલીમાં રહી ગયેલા લોકોનો કૉન્ટૅક્ટ કરવાનું શરૂ કર્યું જે અમારા માટે મોટો ટાસ્ક હતો. છેલ્લાં ૩૦-૪૦ વર્ષના કૉન્ટૅક્ટ-નંબર તો અમારી પાસે હતા, પરંતુ એ પહેલાં રહી ચૂકેલા લોકોના કૉન્ટૅક્ટ-નંબર મેળવવા અમારા માટે અઘરા હતા છતાં અમે અનેક લોકોનો સંપર્ક કરીને જૂના રહેવાસીઓના કૉન્ટૅક્ટ-નંબર મેળવ્યા જેમાં અમુક લોકો હયાત નહોતા તો અમુક ખૂબ વૃદ્ધ થઈ ચૂક્યા હતા. કેટલાક રહેવાસીઓની તો ચોથી પેઢી પણ આવી ગઈ હતી. અમે બધાને આવવાનું આમંત્રણ આપ્યું અને તેમને પોતાની સાથે ચાલીની જૂની યાદો તરીકે ફોટો કે કે પછી અન્ય કોઈ પણ ચીજવસ્તુ પોતાની સાથે લઈ આવવા જણાવ્યું હતું. રહેવાસીઓને વસ્તુ લઈ આવવા માટે પ્રોત્સાહન મળે એ માટે અમે અલગ-અલગ કૅટેગરીમાં ઇનામોની જાહેરાત પણ કરી; જેમ કે જે સૌથી જૂનામાં જૂની ભાડાની રસીદ લઈને આવશે તેને માટે ઇનામ, એવી જ રીતે જે જૂનામાં જૂનો ચાલીનો પોતાની સાથેનો ફોટો લઈ આવશે તેને ઇનામ. અમારા ફોન જતાંની સાથે રહેવાસીઓ રીયુનિયનમાં જોડાવા માટે ખૂબ ઉત્સાહી થઈ ગયા હતા. અહીં સુધી કે અમુક વયોવૃદ્ધ લોકોએ એમ પણ કીધું કે અમે તો ચાલી નથી શકતા, પરંતુ આ કાર્યક્રમમાં આવવા માટે અમે વ્હીલચૅર પર પણ આવીશું અને તેઓ વ્હીલચૅર પર આવ્યા પણ ખરા.’

રહેવાસીઓ ફ્લૅશબૅકમાં ગયા

રીયુનિયનને યાદગાર બનાવવા માટે અમે બન્ને ચાલીને ફ્લૅશબૅકમાં લઈ ગયા હતા એમ જણાવતાં સંજયભાઈ કહે છે, ‘બે મહિનાની તડામાર તૈયારી બાદ આખરે રીયુનિયનનો દિવસ આવી ગયો. જેમણે આ ચાલી બંધાવી હતી તેમના ફોટો અમે વેલકમ બૅનર પર લગાવ્યા હતા. સાંજે પાંચ વાગતાંની સાથે રહેવાસીઓનું આગમન શરૂ થઈ ગયું હતું. કોઈ દુબઈથી આવ્યું હતું તો કોઈ અમદાવાદથી ખાસ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યું હતું. અમે પણ તેમના સ્વાગતની તૈયારી એવી કરી હતી કે તેમને એની કલ્પના પણ નહોતી. કાર્યક્રમમાં આવનારા સૌકોઈનું સ્વાગત અમે ઢોલ-નગારાં વગાડી, તેમને માથે તિલક કરીને કર્યું હતું. જેવા તેઓ ચાલીના પ્રાંગણમાં પ્રવેશ કરતા ત્યારે તેમની આંખોમાં હર્ષનાં અશ્રુ દદડી આવતાં. તેઓ પોતે ફ્લૅશબૅકમાં આવી ગયા હોય એવું તેમને ફીલ કરાવવા અમે ચાલીઓની દીવાલો પર જૂની ફિલ્મોનાં પોસ્ટર ચિપકાવ્યાં હતાં. પહેલાંના સમયમાં આ રીતે દીવાલો પર ફિલ્મોનાં પોસ્ટર ચોંટાડાતાં હતાં. અમે ‘આલમઆરા’, ‘શ્રી ૪૨૦’, ‘ઉમરાવ જાન’, ‘જૉની મેરા નામ’થી લઈને ‘કહો ના પ્યાર હૈ’ જેવી ફિલ્મોનાં ૧૮૦ જેટલાં એ સમયનાં પોસ્ટર લાવ્યા હતા અને દીવાલો પર ચિપકાવ્યાં હતાં. એક તરફ અમે કામચલાઉ ધોરણે ગૌશાળા પણ બનાવી હતી જેથી જૂની યાદો ફરી તાજી થાય. આ ગૌશાળામાં અમે ગાયો લઈ આવ્યા હતા અને ઘાસ પણ લાવ્યા હતા જેથી આવનાર દરેક રહેવાસીએ જેમ પહેલાં ગાયોને ઘાસ ખવડાવતા એમ ગાયોને ઘાસ ખવડાવ્યું હતું. અમે કમ્પાઉન્ડમાં બેઠક-વ્યવસ્થાની સાથે એક સ્ટેજ પણ બનાવ્યું હતું અને એના પર મોટી સ્ક્રીન મૂકી હતી જેના પર અમે સૌથી પહેલાં આ ચાલીમાં અત્યાર સુધીમાં જેઓ રહીને ગયા હોય અને હવે જીવિત ન હોય તેમના ફોટોનું એક કોલાજ મૂકીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ સ્ક્રીન પર ચાલીની યાદીઓની સાથે સંકળાયેલા ફોટો બતાવ્યા હતા. અમારા અનુમાન કરતાં પણ જૂના સમયના ફોટો રહેવાસીઓ લઈ આવ્યા હતા. એક રહેવાસી તો ૯૦ વષ્લર્ષ જૂની ચાલીના ભાડાની રસીદ લઈને આવ્યા હતા. તો એક વ્યક્તિ ૧૯૪૩ની સાલનો ચાલીના ઘરમાં પડાવેલો ફોટો લઈને આવી હતી. અન્ય એક રહેવાસી ૫૦ વર્ષ જૂનો કૂવામાંથી પાણી ભરતી મહિલાનો ફોટો લઈને આવ્યા હતી. એ બધા ફોટો અમે સ્ક્રીન પર બતાવ્યા હતા. આ જોઈને બધા રહેવાસીઓ ભાવવિભોર બની ગયા હતા. ત્યાર બાદ આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવા માટે અમારી ટીમે જે બે મહિના સુધી મહેનત કરી હતી એનો વિડિયો અમે એક ફિલ્મરૂપે બતાવ્યો હતો. સૌથી મોટી ઉંમરના આવેલા રહેવાસીને પણ અમે ઇનામ આપ્યું હતું. એવી રીતે એક જ ફૅમિલીમાંથી જેના સૌથી વધુ સભ્યો આવ્યા હોય તેમને પણ ઇનામ આપ્યું હતું. આવી રીતે અલગ-અલગ કૅટેગરીમાં અમે લોકોને ઇનામ આપીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યાર બાદ જમણવાર પણ અમે એવો જ રાખ્યો હતો. અમે પચીસ પૈસામાં રસપૂરીનો જમણવાર રાખ્યો હતો. આજે ૨૫ પૈસા ચલણમાં નથી, પરંતુ ૧૦૦ વર્ષ પહેલાં ૨૫ પૈસામાં ગુજરાતી થાળી મળતી‍ હતી જેમાં રસપૂરી રહેતી. એટલે અમે સેમ મેન્યુ એ જ ભાવે પીરસ્યું હતું. જે ઘરમાંથી ૪ વ્યક્તિ આવી હોય તેમની પાસેથી એક રૂપિયો લઈને તેમને ભોજનના ૪ પાસ આપ્યા હતા એમ અમે ૨૫ પૈસાનો હિસાબ રાખ્યો હતો. જમણવાર બાદ બધા રહેવાસીઓ ગરબે ઘૂમ્યા હતા અને એમાં પણ અમે ૧૯૮૦ દરમ્યાનની વિડિયો કૉમ્પેક્ટ ડિસ્ક (VCD) મૂકીને રમ્યા હતા. અનેક લોકો દાયકાઓ બાદ એકમેકને મળ્યા હતા. એકબીજા સાથે બધાએ નંબર અને ઍડ્રેસ પણ શૅર કર્યાં હતાં. ચાલીના આ રીયુનિયનમાં ૨૫૦ જેટલા લોકો આવ્યા હતા. સાંજે પાંચ વાગ્યે આ કાર્યક્રમ શરૂ થયો હતો જે રાતે ૧૧ વાગ્યા સુધી ચાલ્યો હતો. જોકે ૧૧ વાગ્યા પછી પણ લોકોને પાછા ઘરે જવાનું મન નહોતું થતું. છેલ્લે લોકોએ અમને ગળે વળગાડીને આવો કાર્યક્રમ ગોઠવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે અમને ફરી આવો કાર્યક્રમ ગોઠવવાની અરજી પણ કરી હતી. આ આખો કાર્યક્રમ કોઈ પણ પ્રકારની ફી લીધા વિના કરવામાં આવ્યો હતો. બધો ખર્ચ અમારી ટીમે વહેંચી લીધો હતો. આ રીયુનિયન જોઈને અન્ય સોસાયટી અથવા તો ચાલી આવા પ્રકારનો કાર્યક્રમ કરવા માટે ભવિષ્યમાં આગળ આવે એવું અમે ઇચ્છીએ છીએ.’

થોડું આ બન્ને ચાલી વિશે

ભુલેશ્વરમાં લાડુ બેટીજી કા મંદિર છે અને એની અંદર પહેલે માળે એક હવેલી છે. ત્યાંના ગટુલાલજી ગોસાઈ મહારાજે આ ચાલીની સ્થાપના ૧૯૨૫-’૨૬ની સાલમાં કરી હતી. જ્યારે આ ચાલીઓ બનાવવામાં આવી હતી ત્યારે એનું નામ ગૌશાળા અને વિજયા ભવન હતું. વિજયા ભવનનું નામ તો એ જ રહ્યું, પરંતુ ગૌશાળા ચાલનું નામ થોડાં વર્ષ બાદ રત્નસાગર કરવામાં આવ્યું હતું. જે ગૌશાળા ચાલ હતી એમાં અડધો ભાગ ચાલનો હતો અને અડધા ભાગમાં ગૌશાળા હતી. એ સમયે અહીં ૫૦ કરતાં વધુ ગાયો હતી. જોકે કેટલાંક કારણસર ૧૯૮૧ની સાલની આસપાસ અહીંથી ગાયો જતી રહી અને એના સ્થાને ગોકુળ નામે બિલ્ડિંગ બાંધવામાં આવ્યું હતું. આ ગાયો જ્યારે અહીં હતી ત્યારે એક ભરવાડની ફૅમિલી ગાયોને સાચવવા માટે આ જ ગૌશાળાની ચાલમાં રહેતી હતી અને આજે ૧૦૦ વર્ષ બાદ પણ આજે આ જ ચાલમાં રહે છે.

gujaratis of mumbai malad mumbai columnists exclusive gujarati mid day darshini vashi