08 August, 2026 08:55 PM IST | Mumbai | Kajal Rampariya
સુરક્ષા, જ્ઞાન અને સમૃદ્ધિનો ત્રિવેણી સંગમ
મુંબઈના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસામાં ચેમ્બુર-ઈસ્ટના ડાયમન્ડ ગાર્ડન વિસ્તારમાં આવેલું શ્રી લક્ષ્મી નરસિંહસ્વામી મંદિર જે અહોબિલ મઠ તરીકે પણ જાણીતું છે એ અનોખું સ્થાન ધરાવે છે. સ્થાનિકોમાં રામાનુજ ક્ષેત્રમ્ તરીકે ઓળખાતું આ ધામ માત્ર પૂજા-અર્ચનાનું કેન્દ્ર નથી પણ દક્ષિણ ભારતીય વૈષ્ણવ પરંપરા, દ્રવિડિયન સ્થાપત્ય અને વૈદિક સંસ્કૃતિનો જીવંત અનુભવ કરાવતો આધ્યાત્મિક પરિસર છે. મંદિરના ટ્રસ્ટી રામાણી અને ચંદ્રા રામાણીએ ‘મિડ-ડે’ સાથે આ મઠની વિશેષતાઓ વિશે રસપ્રદ અને વિગતવાર માહિતી શૅર કરી હતી.
૧૯૬૮માં સ્થાપના
અહોબિલ મઠનું નામ આંધ્ર પ્રદેશના પ્રસિદ્ધ અહોબિલમ ધામ પરથી પડ્યું છે જ્યાં ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદના રક્ષણ માટે નરસિંહ અવતાર ધારણ કર્યો હતો. ભગવાનના અદ્ભુત પરાક્રમને જોઈને ભક્તોએ ઉચ્ચારેલા ‘અહો બલમ’ (કેવું અદ્ભુત બળ) શબ્દ પરથી આ ક્ષેત્રનું નામ અહોબિલમ પડ્યું હોવાનું માનવામાં આવે છે.
આંધ્ર પ્રદેશમાં ૧૪મી સદીમાં સ્થાપિત અહોબિલ મઠની પરંપરા હેઠળ મુંબઈમાં વસતા દક્ષિણ ભારતીય સમાજની આધ્યાત્મિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ૧૯૬૮માં ચેમ્બુરમાં આ મઠની સ્થાપના કરવામાં આવી હતી. મઠના ૪૪મા પીઠાધિપતિના ચાતુર્માસ વ્રત દરમ્યાન તેમની દેખરેખ હેઠળ મંદિરનું વિધિવત્ નિર્માણ પૂરું થયું હતું.
ધન્વંતરિ ભગવાન
મંદિરની સ્થાપના બાદ એવું ધ્યાનમાં આવ્યું કે મુંબઈમાં અનેક લોકો શારીરિક અને માનસિક બીમારીઓથી પીડાય છે. તેથી અહીં આયુર્વેદ અને ચિકિત્સાના દેવ ભગવાન ધન્વંતરિની સ્થાપના કરવામાં આવી. સાગરમંથન વખતે અમૃત કળશ સાથે પ્રગટ થયેલા ધન્વંતરિને સનાતન પરંપરાના પ્રથમ વૈદ્ય માનવામાં આવે છે. ટ્રસ્ટી ચંદ્રા રામાણી કહે છે, ‘કોરોનાકાળ દરમ્યાન મંદિરના રિનોવેશનમાં કામ કરતા એક પણ મજૂરને વાઇરસનો ચેપ લાગ્યો નહોતો તેમ જ ગંભીર બીમારીઓમાંથી પણ ભક્તોને શ્રદ્ધા અને પૂજાથી રાહત મળ્યાનાં દૃષ્ટાંતો અમારી પાસે છે.’
ચેંચુ લક્ષ્મી
મંદિરમાં બિરાજમાન માતા ચેંચુ લક્ષ્મી મહાલક્ષ્મીનું વિશેષ સ્વરૂપ છે. આંધ્ર પ્રદેશનાં નલ્લામલા જંગલોમાં વસતી ચેંચુ આદિવાસી જનજાતિની કન્યારૂપે માતાએ અવતાર લીધો હતો એવી માન્યતા છે. ભગવાન નરસિંહના ઉગ્ર ક્રોધને શાંત કરવા માતા લક્ષ્મીજીએ આ સ્વરૂપ ધારણ કર્યું હતું. ૨૦૦૫માં ચેંચુ લક્ષ્મીની સ્થાપના કરવામાં આવી હતી. અહીં માતાજીને માત્ર શુદ્ધ સોના અને હીરાજડિત આભૂષણો જ ધારણ કરાવવામાં આવે છે. દર શુક્રવારે ડોલોત્સવમ (ઝૂલા ઉત્સવ) અને દર મહિને શ્રી સૂક્ત હોમમ્ યોજાય છે. તેમની આરાધનાથી કૌટુંબિક શાંતિ, ભયમાંથી મુક્તિ અને મનોકામનાઓ પૂરી થાય છે એવી ભક્તોની શ્રદ્ધા છે.
પરિક્રમા માર્ગમાં આવતાં દેવસ્થાન
મંદિરના પરિક્રમા માર્ગમાં શાસ્ત્રોક્ત ક્રમ મુજબ અનેક દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવી છે. શ્રી જ્વાલા નરસિંહ, અન્નપૂર્ણી માતા, કેરલમના પ્રસિદ્ધ ગુરુવાયુરપ્પન જે બાળકૃષ્ણનું સ્વરૂપ છે, સૂર્યનારાયણ, ગણપતિ, હનુમાનજી, સુદર્શનચક્ર અને વૈષ્ણવ આચાર્યોની પ્રતિમાઓ પણ સ્થાપિત છે.
દ્રવિડિયન શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
અહોબિલ મઠ દક્ષિણ ભારતીય દ્રવિડિયન સ્થાપત્ય, આગમ શાસ્ત્ર અને અદ્ભુત એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ છે. ગર્ભગૃહની ઉપર આવેલા દક્ષિણ ભારતીય શૈલીના શિખરને વિમાનમ્ કહેવામાં આવે છે. આ મંદિરના વિજયધ્વજ વિમાનમ્ પર અંદાજે ૧૫ કિલો શુદ્ધ સોનું ચડાવવામાં આવ્યું છે. વિમાનમ્ને સુરક્ષા અને જાળવણી માટે વિશેષ બુલેટપ્રૂફ ગ્લાસનું કવચ લગાવવામાં આવ્યું છે.
મંદિર વૈષ્ણવ પાંચરાત્ર આગમ શાસ્ત્ર મુજબ બનાવવામાં આવ્યું છે. ભગવાનની મૂર્તિની ઊંચાઈને આધારે ગર્ભગૃહ, વિમાનમ્ અને ગોપુરમ્નાં પ્રમાણો નક્કી કરવામાં આવ્યાં છે. ગર્ભગૃહની ઊંચાઈ, લંબાઈ, પથ્થરોની પસંદગી અને મૂર્તિઓની સ્થાપના એવી ચોક્કસ ગણતરીથી કરવામાં આવી છે કે પરિસરમાં સકારાત્મક ઊર્જા અને શાંતિનો અનુભવ થાય.
મંદિરના ટ્રસ્ટી રામાણી આ વિશે વધુ માહિતી આપતાં કહે છે, ‘પ્રવેશદ્વાર પર ઊંચું ગોપુરમ્ છે જેના પર પૌરાણિક કથાઓ અને વિવિધ દેવી-દેવતાઓની સુંદર કોતરણી કરવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહ, સીડીઓ અને મુખ્ય દ્વાર શુદ્ધ સોનાથી મઢવામાં આવ્યાં છે. અહીં આશરે કરોડો રૂપિયાનું સોનું ભગવાનને ચડાવાયું હોવાનો અંદાજ લગાવવામાં આવે છે. અહીં પોલીસ સિક્યૉરિટી અને CCTV કૅમેરાની ગોઠવણ કરી છે એમ છતાં અમે એવું માનીએ છીએ કે આ મંદિરની રક્ષા નરસિંહ ભગવાન પોતે કરી રહ્યા છે. સભામંડપ શાસ્ત્રોક્ત રીતે કોતરેલા પથ્થરના થાંભલાઓ, કમાનો અને ભવ્ય ઝુમ્મરોથી સજ્જ છે જેને કારણે પરિસરમાં નૈસર્ગિક ઠંડક અને શાંતિ જળવાઈ રહે છે.’
આગમ શાસ્ત્ર અનુસાર મંદિરના નિર્માણ, પ્રાણપ્રતિષ્ઠા અને દૈનિક અભિષેક માટે કુદરતી અને પવિત્ર જળનો જ ઉપયોગ કરવો જોઈએ. ચેમ્બુર મંદિરની તમામ પવિત્ર વિધિઓ માટે મંદિર પરિસરમાં આવેલા પરંપરાગત કૂવાના જળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે પણ ભગવાનના નિત્ય અભિષેક અને પ્રસાદ બનાવવામાં આ જ કૂવાના જળની પવિત્રતા જાળવવામાં આવે છે.
ફૂડ-સેફ્ટીનું વિશેષ ધ્યાન
મંદિરને ૨૦૧૯માં ISO 22000 ફૂડ સેફ્ટી ઍન્ડ મૅનેજમેન્ટ સિસ્ટમનું આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હતું. આ પ્રમાણપત્ર દર્શાવે છે કે ભગવાન માટે તૈયાર થતો ભોગ અને ભક્તો માટેનું અન્નદાનમ્ આંતરરાષ્ટ્રીય ફૂડ-સેફ્ટી ધોરણો અનુસાર તૈયાર કરવામાં આવે છે. સામગ્રીની ખરીદીથી લઈને રસોડાની સફાઈ, રસોઈ અને પીરસવાની સમગ્ર પ્રક્રિયા વૈજ્ઞાનિક અને આરોગ્યપ્રદ નિયમો હેઠળ થાય છે. મુંબઈ જેવા મહાનગરમાં દરરોજ સેંકડો અને તહેવારોમાં હજારો ભક્તોને શુદ્ધ અને સાત્ત્વિક ભોજન પૂરું પાડવા બદલ મંદિરને આ દુર્લભ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.
સર્વધર્મ સમભાવનું પ્રતીક
મંદિરની સૌથી અનોખી વિશેષતા એ છે કે એ માત્ર એક સમુદાય પૂરતું મર્યાદિત નથી. અહીં હિન્દુઓ ઉપરાંત મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયના લોકો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. દર એકાદશી પછી આવતી દ્વાદશી તિથિના અન્નદાનમાં સ્થાનિક મુસ્લિમ ભાઈઓ પણ શ્રદ્ધાપૂર્વક પોતાનો ફાળો આપે છે. આ પરંપરા માનવતા અને સર્વધર્મ સમભાવનો સુંદર સંદેશ આપે છે.
વાર્ષિક ઉત્સવો
અહોબિલ મઠમાં દક્ષિણ ભારતીય વૈદિક પરંપરા અનુસાર વર્ષભર અનેક મહોત્સવો ઊજવાય છે. ભગવાન નરસિંહનો જન્મ સ્વાતિ નક્ષત્રમાં થયો હોવાનું માનવામાં આવે છે. તેથી દર મહિને સ્વાતિ નક્ષત્રે વિશેષ હોમમ્ અને મહાઅભિષેક થાય છે. શ્રાવણ માસમાં વર્ષ દરમ્યાન પૂજામાં થયેલી ત્રુટિઓની ક્ષમાયાચના અને શુદ્ધિ માટે વિશેષ યજ્ઞ થાય છે. ભગવાનના દિવ્ય વિવાહનો ભવ્ય મહોત્સવ ધામધૂમથી ઊજવાય છે. આ પ્રસંગે ભાગ લેનારા દર્શનાર્થીઓના દામ્પત્યજીવનમાં સુખ-શાંતિ મળે છે એવી માન્યતા છે. વૈકુંઠ એકાદશી આ મંદિરનો સૌથી મોટો ઉત્સવ છે. આ દિવસે ખાસ વૈકુંઠદ્વાર ખોલવામાં આવે છે અને હજારો ભક્તો દર્શન માટે ઊમટી પડે છે. આ ઉપરાંત નવરાત્રિ દરમ્યાન શાસ્ત્રીય સંગીત અને ભરતનાટ્યમના કાર્યક્રમોનું આયોજન થાય છે.
મંદિર દ્વારા બાળકો અને યુવાનોને શાસ્ત્રીય સંગીત, ભરતનાટ્યમ્ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે નિઃશુલ્ક મંચ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેથી આગામી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ જીવંત રહે. મંદિર સંલગ્ન હૉલમાં ધાર્મિક પ્રવચનો, ભજન, વૈદિક વિધિઓ, કુટુંબમૂલ્યોને પ્રોત્સાહન આપતા વિશેષ લગ્નોત્સવો અને વિવિધ હિન્દુ સમુદાયોના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ થાય છે.
કેવી રીતે પહોંચશો?
ચેમ્બુર રેલવે-સ્ટેશનથી ઈસ્ટમાં જશો તો ત્યાંથી અહોબિલ મઠ સવા કિલોમીટર જેટલો દૂર છે. તમને ત્યાંથી ડાયરેક્ટ ઑટો મળી શકે છે જે મંદિરના પ્રવેશદ્વાર પર જ ઉતારશે. તમારી પાસે સમય હોય તો ચાલીને પણ પહોંચી શકો છો.
સમય : આ મંદિર સવારે પોણાસાત વાગ્યાથી સાડાઅગિયાર વાગ્યા સુધી અને સાંજે પાંચ વાગ્યાથી રાત્રે સાડાઆઠ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. અહીં પ્રસાદમ્ સવારની મુખ્ય પૂજા અને નૈવેદ્ય પૂરો થયા પછી સામાન્ય રીતે સવારે નવ વાગ્યાથી અગિયાર વાગ્યાની વચ્ચે ભક્તોને વહેંચવામાં આવે છે અને સાંજે સાત વાગ્યાથી રાત્રે સવાઆઠ વાગ્યા સુધીમાં આરતી પછી પ્રસાદમ્ વહેંચાય છે.