04 May, 2026 02:11 PM IST | Mumbai | Varsha Chitaliya
દેવાભાઉના પોર્ટ્રેટ સાથે
૭ વર્ષ ૧૧ મહિનાની ઉંમર સુધીમાં વર્લ્ડ મેમરી ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ, રુબિક્સ ક્યુબ પર ૮૮ દેશોના ધ્વજ બનાવવા બદલ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન, યંગેસ્ટ ક્યુબર બનવાનું ગૌરવ અને ૧૦૦ દેશોના ધ્વજ ઓળખી બતાવવા બદલ એશિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવી ચૂક્યો છે માટુંગાનો ધ્રુવ શાહ. ગજબની યાદશક્તિ ધરાવતા આ બાળકે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું મોઝેઇક ક્યુબ પોર્ટ્રેટ પણ બનાવ્યું છે. હવે તેને દેવાભાઉને મળીને આ ફ્રેમ તેમને ગિફ્ટ આપવા માગે છે.
ગયા વર્ષે નવેમ્બરમાં મુંબઈમાં આયોજિત વર્લ્ડ મેમરી ચૅમ્પિયનશિપમાં ૭ વર્ષ ૧૧ મહિનાની ઉંમરે ગોલ્ડ મેડલ મેળવનાર માટુંગાનો ધ્રુવ શાહ બોલતાં-ચાલતાં શીખ્યો ત્યારથી રેકૉર્ડ બનાવવાનો સિલસિલો ચાલે છે. ૨૦૨૪ના પ્રજાસત્તાક દિને ભારતના રમતવીરોને ડેડિકેટ કરવા રુબિક્સ ક્યુબ મોઝેઇક ઇવેન્ટમાં ભાગ લઈ ગિનેસ બુક ઑફ રેકૉર્ડ્સ સાથે જોડાયેલા પ્લૅટફૉર્મ ઓહ માય ગૉડ (OMG) રેકૉર્ડ્સ ઑફ અચીવમેન્ટ્સમાં સ્થાન, ૪ વર્ષ ૯ મહિનાની ઉંમરે 3X3X3 રુબિક્સ ક્યુબ પર ૮૮ દેશોના ધ્વજ બનાવીને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું. એ પહેલાં ૩ વર્ષ ૭ મહિનાની ઉંમરે વર્લ્ડ ક્યુબ અસોસિએશન દ્વારા આયોજિત સ્પર્ધામાં યંગેસ્ટ ક્યુબર બન્યો. વાત આટલેથી અટકતી નથી. માત્ર બે વર્ષ ૧૦ મહિનાની ઉંમરે તેણે ૧૦૦ દેશોના ફ્લૅગ ઓળખી બતાવ્યા અને એશિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું. નાની ઉંમરે મોટાં કારનામાં કરનારો ધ્રુવ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો જબરો ફૅન છે. દેવાભાઉને ગિફ્ટ આપવા તેણે મિની ક્યુબ્સમાંથી મોઝેઇક પોર્ટ્રેટ બનાવ્યું છે.
ગયા વર્ષની ઇવેન્ટ વિશે જણાવતાં ધ્રુવની મમ્મી રિદ્ધિ શાહ કહે છે, ‘વર્લ્ડ મેમરી સ્પોર્ટ્સ કાઉન્સિલ (WMSC) દ્વારા દર વર્ષે વર્લ્ડ મેમરી ચૅમ્પિયનશિપનું આયોજન થાય છે. મેમરી સ્પોર્ટ્સની વિશ્વસ્તરની સ્પર્ધામાં સ્પર્ધકોએ મર્યાદિત સમયમાં વધુમાં વધુ નંબર, કાર્ડ્સ અને નામ વગેરે યાદ કરીને પોતાની અસાધારણ યાદશક્તિ દર્શાવવાની હોય છે. ૨૦૨૫ના નવેમ્બરમાં ૭થી ૯ તારીખ વચ્ચે આ સ્પર્ધા નવી મુંબઈના વાશીમાં યોજાઈ હતી. જુદી-જુદી શ્રેણીમાં ભારત, ઉઝબેકિસ્તાન, ફ્રાન્સ, જર્મની, ફિલિપીન્સ, ઑસ્ટ્રિયા, ઇટલી, અમેરિકા સહિત ૧૦ દેશોના ૨૨૩ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. ૧૨ વર્ષથી નીચેની શ્રેણીમાં ધ્રુવે ભાગ લીધો હતો. બાઇનરી ડિજિટ, રૅન્ડમ નંબર્સ, વર્ડ્સ, નામ અને ચહેરો, ઇમેજિસ સહિત ૧૪ પડકારજનક મેમરી-ઍક્ટિવિટી દ્વારા બાળકોના મગજની ક્ષમતા પારખવામાં આવી હતી. અસાધારણ બુદ્ધિમત્તા, યાદશક્તિ અને એકાગ્રતાથી તમામ જવાબો સીક્વન્સમાં આપ્યા હતા. નંબર મેમરાઇઝ કરવામાં તેને ગોલ્ડ મળ્યો હતો. મજાની વાત એ છે કે આ સ્પર્ધામાં તેણે પ્રથમ વખત ભાગ લીધો હતો અને એ શ્રેણીમાં તે સૌથી નાની ઉંમરનો સ્પર્ધક બન્યો હતો.’
બે વર્ષ ૧૦ મહિના અને ૩ દિવસની ઉંમરે ધ્રુવનો પહેલો રેકૉર્ડ બન્યો હતો. પાંચ મિનિટમાં વિશ્વના ૧૦૦ દેશોના ફ્લૅગ ઓળખી બતાવવા બદલ તેને એશિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. જોકે આ રેકૉર્ડ રમત-રમતમાં બની ગયો હતો. લૉકડાઉનમાં બહાર જવાનું બંધ થઈ ગયું ત્યારે રિદ્ધિબહેન તેને પિક્ચર્સ આધારિત ગેમ્સ રમાડતાં. ટીવીમાં ઑલિમ્પિક્સ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જોવામાં ફૅમિલી વ્યસ્ત હોય ત્યારે ધ્રુવ સ્ક્રીન પર દેખાતા ફ્લૅગને ઓળખવાનો પ્રયાસ કરતો. પેરન્ટ્સને ખબર નહોતી કે તે કંઈક મેમરાઇઝ કરી રહ્યો છે. એક વાર ચાલુ ગેમ્સમાં તે જોરથી બોલ્યો, ‘બૅકસાઇડમાં ચેક રિપબ્લિકનો ફ્લૅગ છે.’ સાંભળીને બધા આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે આ કોઈ એવો દેશ નથી કે એનો ફ્લૅગ નાના બાળકને યાદ રહે. આ ઘટના બાદ પેરન્ટ્સે તેને ઑબ્ઝર્વ કરવાનું સ્ટાર્ટ કર્યું. પ્લેનનો ફોટો જોઈને કયા દેશની ઍરલાઇન્સ છે એ ઓળખી જતો. ૧૦૦ દેશના ફ્લૅગ ઓળખી શકે છે એવું જાણ્યા બાદ વિડિયો બનાવી પહેલાં ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સ માટે મોકલી આપ્યો. એમાં ક્વૉલિફાય થતાં પેરન્ટ્સે એશિયા બુક ઑફ રેકૉર્ડ્સ માટે ટ્રાય કરી. આમ અનાયાસ ધ્રુવને સ્પેસિફિક કૅટેગરીમાં સ્થાન, સર્ટિફિકેટ અને મેડલ મળ્યાં અને ત્યારથી રેકૉર્ડ બનાવવાનો સિલસિલો ચાલુ થયો. ૩ વર્ષ ૭ મહિનાની ઉંમરે વર્લ્ડ ક્યુબ અસોસિએશન દ્વારા આયોજિત સ્પર્ધામાં યંગેસ્ટ ક્યુબર બન્યો. ૪ વર્ષ ૯ મહિનાની ઉંમરે ૪૦ મિનિટમાં 3X3X3 રુબિક્સ ક્યુબ પર ૮૮ દેશોના ધ્વજ બનાવીને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું અને વિડિયો ટીવી પર પ્રસારિત થયા હતા. ૨૦૨૪ના પ્રજાસત્તાક દિને ભારતના રમતવીરોને ડેડિકેટ કરવા રુબિક્સ ક્યુબ મોઝેઇક ઇવેન્ટમાં ભાગ લઈને ગિનેસ બુક ઑફ રેકૉર્ડ્સ સાથે જોડાયેલા પ્લૅટફૉર્મ ઓહ માય ગૉડ (OMG) રેકૉર્ડ્સ ઓફ અચીવમેન્ટ્સમાં નામ નોંધાવ્યું.
ધ્રુવને રુબિક્સ ક્યુબ સૉલ્વ કરવામાં મજા પડે છે. મામાના પચાસમા જન્મદિવસે ૪૦૦ મિની ક્યુબ્સમાંથી પોર્ટ્રેટ બનાવ્યું હતું. થોડા સમય અગાઉ તેણે ૫૦૦ મિની ક્યુબ્સમાંથી દેવેન્દ્ર ફડણવીસનું મોઝેઇક પોર્ટ્રેટ બનાવ્યું હતું જે હજી સાચવી રાખ્યું છે. દેવાભાઉને મળીને આ ફ્રેમ તેમને ગિફ્ટ આપવાની તેની ઇચ્છા છે. માટુંગાની શિશુવન સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતો ધ્રુવ અત્યારે ૮ વર્ષનો છે. તેને મેમરી અને ક્યુબ-સૉલ્વિંગમાં આગળ વધવું છે. આડાઅવળા ૪૦થી ૫૦ નંબર આપો તો પાંચ મિનિટમાં સેમ પૅટર્નમાં લખી આપશે. વર્ડ્સ પણ ઝડપથી યાદ રાખી શકે છે. કાર્ડને શફલ કરીને આપો તો મેમરાઇઝ કરીને સીક્વન્સમાં ગોઠવી આપે. રિદ્ધિબહેન ટીચિંગના ફીલ્ડમાં હતાં અને તેમણે બ્રેઇન-એક્સરસાઇઝની તાલીમ લીધી હોવાથી ધ્રુવને દરરોજ વિવિધ પૅટર્ન અને સીક્વન્સમાં પ્રૅક્ટિસ કરાવે છે. નવા-નવા રેકૉર્ડ બનાવવાની ઇચ્છા ધરાવતા ધ્રુવને સાયન્સ વિષયમાં રસ છે. વેકેશનમાં ડ્રૉઇંગ અને સાયન્ટિફિક એક્સપરિમેન્ટ્સ કરે છે. તેના પપ્પા નિમેશભાઈનો વિમેન્સ એથ્નિક વેઅર મૅન્યુફૅક્ચરિંગનો બિઝનેસ છે.