25 February, 2026 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ પાલા હાઈ કોર્ટના ઍડ્વોકેટ છે. તેઓ સિવિલ અને પ્રૉપર્ટી સંબંધિત કેસ લડે છે અને સાથે તેઓ ટૅક્સ-ઍડ્વાઇઝર પણ છે.
શહેરના ખૂણે-ખૂણે ચાલી રહેલાં રીડેવલપમેન્ટ અને આડેધડ કન્સ્ટ્રક્શનનાં કામોએ મુંબઈગરાઓના શ્વાસ અધ્ધર કરી દીધા છે. પ્રદૂષણને કારણે મુંબઈગરાનું સરેરાશ આયુષ્ય ૧૦ વર્ષ જેટલું ઘટી રહ્યું છે. હવામાં ભળતી ફ્લાય ઍશ અને ઝીણી ધૂળ સીધી ફેફસાંમાં જાય છે, જેનાથી ઑક્સિજનનું સ્તર ઘટે છે અને કફ તથા શ્વસનસંબંધી ગંભીર બીમારીઓ ઘર કરી જાય છે. ખાસ કરીને અસ્થમાના પેશન્ટ્સ માટે તો આ સ્થિતિ નરક સમાન છે. શું આપણે વિકાસના નામે આપણી આવતી પેઢીને બીમારી ગિફ્ટ કરીશું? આ મામલે ખરેખર ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
BMCના નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા હોય એવું લાગે છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર પતરાની દીવાલો તો બનાવાય છે પણ એ ધૂળ રોકવામાં સદંતર નિષ્ફળ છે. તાજેતરમાં એક અંગત અનુભવની વાત કરું તો રાત્રે અઢી વાગ્યે જ્યારે હું મારા ડૉગીને વૉક પર લઈને નીકળ્યો ત્યારે વાતાવરણનું તાપમાન ૧૮.૫ સેલ્સિયસ હતું, પરંતુ બાજુની કન્સ્ટ્રક્શન સાઇટ પરના ડિજિટલ બોર્ડમાંઆ આંકડો તદ્દન અલગ હતો. આ સ્પષ્ટપણે મૅનિપ્યુલેશન છે. જનતાની આંખમાં ધૂળ નાખવા માટે આવાં બોર્ડ લગાડવાનો અર્થ શું છે?
વિકાસ જરૂરી છે અને એ થવો પણ જોઈએ, પણ એમાં સ્વાસ્થ્યના મુદ્દાને ધ્યાનમાં રાખવાની જરૂર વધારે છે. આની માટે અમુક સૉલ્યુશન્સ છે. દરેક સાઇટને ટૉપ-ટુ-બૉટમ યોગ્ય રીતે ઢાંકવી જોઈએ જેથી ધૂળ બહાર ન ફેલાય. ધૂળને બેસાડવા માટે સતત પાણીનો છંટકાવ કરવો અનિવાર્ય છે. વિકાસના બહાને વૃક્ષોની આડેધડ છટણી થાય છે એ બંધ થવી જોઈએ. નેચર આપણું જીવન છે. એને હાનિ પહોંચાડીને કોઈ સુખી જીવન જીવી શકશે નહીં.
પ્રશાસનની સાથે જનપ્રતિનિધિઓએ વોટબૅન્કના રાજકારણથી ઉપર ઊઠીને લોકહિતમાં અને પર્યાવરણના રક્ષણ માટે કડક પગલાં લેવાં જોઈએ. જો મને યોગ્ય સપોર્ટ મળે તો હું હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લોકોના સ્વાસ્થ્યના મુદ્દાને કેન્દ્રમાં રાખીને PIL ફાઇલ કરવા તૈયાર છું. જો આપણે આજે આ ધૂળની ડમરીઓને ઇગ્નૉર કરીશું તો ભવિષ્યમાં એની કિંમત અત્યંત ગંભીર રીતે ચૂકવવી પડશે. વિકાસ એટલે માત્ર ઊંચી ઇમારતો નહીં પણ તંદુરસ્ત નાગરિક અને શુદ્ધ હવા.